ભ્રૂણ-હત્યા વિ. ગર્ભપાત: સિક્કાની બે બાજુ (mumbai samachar)
01:43ખેવના દેસાઈ નિકેતા મહેતા
ટેક્નોલોજી બે ધારી તલવાર રહી છે. ટેક્નોલોજીના કારણે ગર્ભમાં કોઈ મુશ્કેલી હોય તો તેની જાણ થઈ શકે છે. ગયા અઠવાડિયે પૂનાના એક ડૉકટર વિરુદ્ધ ૨૧ અઠવાડિયા વીતી ચુક્યા બાદ ગર્ભપાત કરવા માટે કેસ કરવામાં આવ્યા બાદ નિષ્ણાતોએ મેડિકલ ટર્મિનેસન એક્ટમાં બદલાવ કરવાની માગણી મૂકી છે. ડૉકટરોનું કહેવું છે કે ગર્ભસ્થ શિશુમાં જો હૃદયની બિમારી હોય તો તે વિશે ૨૨ અઠવાડિયા પછી જ ખાતરીપૂર્વક કહી શકાય છે. એટલે ૨૪ અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાનું કાયદામાં મંજૂરી આપવાની માગણી કરી છે. ભારતમાં ૨૦૦૩માં ગર્ભપાતના કાયદામાં સુધારો કરી કેટલીક શરતો સાથે ૨૦ અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાની પરવાનગી આપવામાં આવી છે. તેમાં માતાની તબિયતને જોખમ હોય કે તેના પર બળાત્કાર થયો હોય કે તેને કોઈ બિમારી હોય કે પછી આગળના બાળકોને કોઈ બીમારી હોય કે પછી કોન્ટ્રાસેપ્ટિવ સાધનો નિષ્ફળ ગયા હોય વગેરે વગેરે ૨૦૦૯ની સાલમાં મુંબઈની નિકેતા મહેતાએ ૨૪ અઠવાડિયાના ગર્ભનું એબોર્શન કરવાની અપીલ કરી હતી કારણ કે તેના બાળકનું હૃદય ખામીયુક્ત હતું અને જન્મતાંની સાથે જ તેને પેસમેકર મૂકવાની જરૂર પડે એમ હતું. તે સમયે પણ અનેક સ્તરે ચર્ચાઓ થઈ હતી કે ગર્ભ રાખવો કે ન રાખવો તે નક્કી કરવાનો સ્ત્રીનો મૂળભૂત અધિકાર હોવો જોઈએ કે નહીં? જો માનવ અધિકાર હેઠળ માતાને ગર્ભપાતની મંજૂરી અપાય તો ગર્ભસ્થ શિશુને પણ માનવ અઘિકારના નાતે જીવવાનો અધિકાર છે. આમ, અનેક સ્તરે ચર્ચા વિચારણાની જરૂર છે તેવું કાયદાના નિષ્ણાંતોને લાગી રહ્યું છે. ખેર ત્યારે પણ કાયદાએ ૨૪ અઠવાડિયાના ગર્ભને મંજુરી નહોતી આપી. વાચકોની જાણ ખાતર તે સમયે નિકેતાને ૨૭માં અઠવાડિયે કસુવાવડ થઈ ગઈ હતી.
ટેક્નોલોજી દ્વારા જાતિ પરીક્ષણ કરવાની શરૂઆત થઈ. પિતૃસત્તાક માનસિકતાને કારણે જો ભ્રૂણમાં ક્ન્યા હોય તો ગર્ભપાત કરવાની પ્રથા શરૂ થઈ. તે પહેલાં દીકરીને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી એટલે કે દીકરી જન્મતાં જ તેને મારી નાખવામાં આવતી હતી, અથવા દીકરાની આશામાં સાત કે આઠ દીકરીઓને જન્મ આપવામાં આવતો હતો. અહીં યાદ આવે છે કે મુંબઈના સમાજશાસ્ત્રના પ્રોફેસર ખેવના દેસાઈ જેમણે આ વરસે જ વડોદરામાં દીકરીની ઘટતી સંખ્યા પર સંશોધન કરી પીએચડી કર્યું છે. તેમનું કહેવું છે કે જે ગુજરાત રાજ્યમાં બેટી બચાઓ આંદોલન ચાલી રહ્યું હોય ત્યાંના શહેરોમાં જ્યાં ભણેલી અને સંપન્ન પ્રજા રહેતી હોય ત્યાં છોકરાઓના પ્રમાણમાં છોકરીઓની સંખ્યા સતત ઘટી રહી છે તે ૨૦૧૧માં થયેલી વસ્તી ગણતરીમાં જાણવા મળ્યું છે. જ્યારે ડાંગ અને નર્મદાના આદિવાસી વિસ્તારોમાં દીકરીઓની સંખ્યા એટલી ઓછી નથી. અર્થાત્ શહેરી વિસ્તારમાં લોકો સંપન્ન હોવાને કારણે જાતિ પરીક્ષણ કરવાનું પરવડી શકે છે અને તેઓ વંશ ચલાવવા અને સંપત્તિ સાચવવા દીકરાની અપેક્ષા રાખતાં હોય છે. વડોદરા શહેરમાં ૧૯૯૧ની સાલમાં ૧૦૦૦ છોકરાની સામે ૯૧૧ છોકરીઓ હતી તો ૨૦૧૧માં ૮૬૦ની થઈ. વળી લોકોની જે માનસિકતા છે તેમાં દીકરા માટેની ચાહ હજી એટલી જ બળવત્તર છે. બેટી બચાઓ આંદોલન ચાલતું હોવા છતાં અને અનેક સામાજિક સંસ્થાઓ કામ કરતી હોવા છતાં જાતિ પરીક્ષણ થાય છે અને ક્ધયા હોય તો એબોર્શન કરવામાં આવે છે. આજે ય દીકરાની જરૂર દીકરી કરતાં વધુ હોવાની માનસિકતા સમાજમાં પ્રવર્તે છે. આ જ સિનારિયો રહેશે તો ર૦૨૧ પછી દીકરીઓની સંખ્યા હજી વધુ ઘટશે. આજે પણ વડોદરા શહેરમાં પરણવા ઉત્સુક છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા ઓછી જ છે તો આવતા વરસોમાં આ તકલીફો વધવાની જ છે. ટૂંકમાં ખેવનાનું કહેવું છે કે દીકરીઓ માટેનો જે પ્રેમ સમાજમાં દેખાય છે તે ઉપર છલ્લો જ છે. હકિકતે તો મોટાભાગનાને વંશ ચલાવવા માટે દીકરો જોઈતો હોય છે. ગર્ભપાત કરાવવો કે ન કરાવવો તેમાં સ્ત્રીની મરજી ચાલતી નથી.
મુંબઈની વાત કરીએ તો ૨૦૧૧ના સેન્સસ પ્રમાણે મહારાષ્ટ્રના બીડ, ગડચિરોલી, ઓસ્માનાબાદ કરતાં પણ મુંબઈ શહેરમાં દર હજાર છોકરાની સામે છોકરીની સંખ્યા ૮૭૪ની છે જ્યારે ૨૦૦૧માં ૯૨૨ હતી. જો પરિસ્થિતિ બદલાતી હોય તો મુંબઈ જેવા શહેરોમાં પણ આટલો મોટો ફરક શું કામ છે તે વિચારવાની જરૂર છે?
જાતિ પરીક્ષણ કાયદાકીય ગુનો હોવા છતાં ખાનગીમાં આ ગુનો થતો ન હોય તો પછી છોકરીઓની સંખ્યામાં ઘટાડો શું કામ થાય છે? તે સવાલ થાય જ. વળી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એ જુદો જ મુદ્દો છે. તે છતાં આ બહાને પણ લોકો ક્ધયા ભ્રૂણ હત્યા કરી શકવાની પૂરી શક્યતા છે. તો શું થઈ શકે? જેમ સોનોગ્રાફીનો ઉપયોગ ફક્ત ને ફક્ત માતા અને ગર્ભસ્થ શિશુ સ્વસ્થ છે કે નહીં તે જાણવા માટે જ કરવાનો હોય છે, પરંતુ તેનો ઉપયોગ જાતિ પરીક્ષણ માટે થવા લાગ્યો. મુંબઈ શહેરમાં જ એવી સ્ત્રીને પણ જાણતી હતી કે જે પોતે જ જાતિ પરીક્ષણ કરાવીને દીકરી હોય તો એબોર્શન કરાવી લેતી. તે દૃઢપણે માનતી હતી કે સ્ત્રીએ દીકરાને જન્મ આપવો જ જોઈએ. દીકરી એકાદ બે ભલે હોય પણ દીકરો તો જોઈએ જ વંશ ચલાવવા. જ્યારે તેનો પતિ એવું નહોતો માનતો.
પિતૃસત્તાક માનસિકતા ફક્ત પુરુષોમાં જ નહીં સ્ત્રીઓના ડીએનએમાં પણ ઘર કરી ગઈ છે. સમાજની માનસિકતા શિક્ષણ બાદ પણ બદલાતી નથી. (ગર્ભપાત કરાવનાર શિક્ષિત ડૉકટરો જ હોય છે.) ઉપર છલ્લા બદલાવથી સમાજ બદલાઈ જતો નથી. સમાજ બદલાશે તો જાતિ પરીક્ષણ કે એબોર્શન માટે કાયદાઓની જરૂર નહીં પડે. કાયદાની જરૂર પડી રહી છે તેનો અર્થ જ એ છે કે સમાજ હજી ખોટું કરી શકે તેવી શક્યતાઓ આપણને દેખાઈ રહી છે.
0 comments