રાત્રિશાળામાં શિક્ષણનો ઉજાસ (published in mumbai samachar)
01:49અજમેરના સીકર જિલ્લામાં આવેલા ધાત્રોલી ગામમાં જતી એકમાત્ર બસમાંથી બે યુવાનો ઉતરે છે. તો એમની રાહ જોતા પાંચ દશ બાળકો આનંદથી ચિચિયારી પાડતા તેમની સામે દોડ્યા અને તેમના હાથમાંથી સામાન લઈ લીધો. આ બાળકો રાત્રિ શાળા શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. એક સમય હતો જ્યારે આ બાળકો શાળાએ જવાની કોઈ ઉતાવળ રહેતી નહીં.અને જો શાળામાં જાય તો ય અંદરો અંદર મસ્તી કે વાતો કરવામાં જ સમય પસાર કરતા કારણ કે ફાનસના અજવાળામાં બ્લેકબોર્ડ પર ચિતરેલું ચિત્ર બરાબર દેખાય નહીં અને ગામમાં લાઈટ તો છે જ નહીં. સરકારી શાળા પણ બાજુના ગામમાં દશેક કિલોમિટર દૂર છે. આ ગામના બાળકો માટે રાજસ્થાનની બેરફૂટ સંસ્થા સંચાલિત રાત્રી શાળાનો વર્ગ ચાલે છે. તેમાં પાંચથી પંદર વરસના બાળકો એક સાથે બેસીને ભણે. આખો દિવસ માતાપિતા સાથે ખેતરમાં કામ કરીને કે ગાય, બકરાં ચરાવીને શાળામાં જવું આ બાળકોને કંટાળાજનક પણ લાગતું.
આ રીતે ચાલતી રાત્રી શાળામાં લખનૌથી આવેલો ૨૫ વરસનો હર્ષ અને તામિલનાડુના સેલમથી આવેલો ૨૨ વરસનો કિરોબાગર નવો ઉજાસ લઈને આવ્યા છે. હર્ષના પિતા એરફોર્સમાં એરમાર્શલ તરીકે કામ કરતા હતા. તેણે ઈલેકટ્રોનિક એન્જિનયરીંગનો અભ્યાસ કર્યા બાદ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો. આગળ એમબીએ કરવાનું પણ વિચારી રહ્યો હતો કે તેને એસી ઓફિસમાં બેસીને કંટાળો આવ્યો. જીવનમાં આનંદ નહોતો અનુભવાતો. એકઢાળિયું જીવન બોર લાગ્યું. ત્યાં એક રાષ્ટ્રિયકૃત બેંકે યુવાનોને ગ્રામ્ય પ્રદેશોમાં જઈને કામ કરવા માટે ફેલોશિપ આપવા માટેની જાહેરાત જોઈ. તેણે એમાં અરજી કરી અને પસંદ થયો. નોકરી છોડીને રાજસ્થાનની સંસ્થા સાથે જવાનું નક્કી થયું. માતાપિતાને થયું આ શું ગાંડપણ. આટલી સારી નોકરી આમ છોડી દેવાની અને અજાણ્યા પ્રદેશમાં જઈને રહેવાનું કેટલું યોગ્ય? કારર્કિદીનું શું? પણ હર્ષ નિર્ણય કરી ચૂક્યો હતો. એવું જ સેલમમાં ખેતી ધરાવતા પરિવારમાં રહેતો કિરોબાગરનું હતું. મિકેનીકલ એન્જિનયરીંગ પાસ કર્યા બાદ સારી કંપનીમાં કામ મળી રહ્યું હતું પણ તેને બદલે તેણે ફેલોશિપ લઈને ગામડામાં કામ કરવા જવાનું પસંદ કર્યું. તેમાં ય જ્યારે રાજસ્થાન જવાનું નક્કી થયું ત્યારે તેના પરિવારને ઓર ચિંતા થઈ કારણ કે એક તો તેને હિંદી પણ આવડે નહીં વળી ખાવાપીવાનું ય જુદું. કિરોબાગરને કોઈ અવરોધ ન દેખાયા. ભારતના ગ્રામ્ય પ્રદેશો જોવાનો અને જાણવાનો આ સૌથી સારો મોકો હતો. અજમેરથી ૫૦ કિલોમીટર દૂર તિલોનિયા ગામમાં આવેલી આ સંસ્થામાં ચાર મહિના રહીને તેમણે હેલ્થ, ખેતી, રેઈન વોટર હાર્વેસ્ટિંગ વગેરે અનેક કામો શીખ્યા. તેમાંથી શિક્ષણનું કામમાં કંઈક જુદું કરવાની તક તેમને લાગી. હર્ષ અને કિરોબાગરનો રાજસ્થાનમાં ફોન પર સંપર્ક સાધતા બે દિવસ લાગે છે. કારણ કે તે ખૂબ અંતરિયાળ ગામોમાં હતો. હર્ષ કહે છે કે, જ્યારે અમે આ રાત્રી શાળામાં બાળકોને બોર થતાં જોયાં ત્યારે કશુંક નવું કરવાનો વિચાર આવ્યો. શિક્ષક એક જ હોય અનેજેનું પોતાનું પણ દુનિયાનું એક્સપોઝર ઓછું હોય તો એ બાળકોને રસપૂર્વક નવું કેવી રીતે શીખવી શકે. પુસ્તકો પણ અહીં સીમિત જ હોય. તેમાં એક દિવસ જોયું કે શિક્ષક વાઘ દોરીને તેના વિશે માહિતી આપતો હતો પણ દોરેલો વાધ કંઈ વાઘ જેવો દેખાતો નહોતો. અને બાળકો જેમણે વાઘ જોયો ન હોય તેમને કઈ રીતે સમજાવી શકાય? એટલે અમે બીજા દિવસે આઈપેડ લઈને ગયા અને તેમને એમાં ચિત્રો બતાવ્યા. બાળકોએ જે રીતે રસપૂર્વક તે જોયું ત્યારે લાગ્યું કે તેમને આઈપેડથી ભણાવવા જોઈએ. પણ એક આઈપેડથી કેવી રીતે ભણાવી શકાય? એટલે પ્રોજેક્ટરનો વિચાર આવ્યો. આ ગામમાં વીજળી હતી નહીં, પણ બજારમાં મળતા પ્રોજેક્ટર માટે બેટરી પણ લઈ જવી પડે અને તે ખાસ્સુ મોંઘુ પડતું હતું. એટલે પછી કિરોબાગરને સોલર પ્રોજેક્ટર બનાવવાનો વિચાર આવ્યો.
ચાર મહિના લાગ્યા સોલર પ્રોજેક્ટરને પણ બહાર મળતા વીજળીથી ચાલતા પ્રોજેકટર કરતાં ઘણો સસ્તો પડે. બસ પછી શું બાળકોને પ્રોજેક્ટરમાં ચિત્રો દ્વારા વાર્તાઓ અને અન્ય પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ વિશે સચિત્ર માહિતી આપવી સહેલું થયું. કિરોબાગરને વધુ હિન્દી ન આવડે પણ ધીમે ધીમે રહેતા સમજી રહ્યો છે અને થોડાક શબ્દો બોલી શકે છે પરંતુ, હર્ષ સાથે હોય તો કામ ચાલી જાય છે. હર્ષ કહે છે કે, પ્રોજેક્ટર બન્યા છતાં કામ સહેલું નહોતું હવે જરૂર હતી હિન્દી એપ્પલીકેશનની એ થોડા બનાવ્યા લોકોની મદદ લઈને. આફ્રિકામાં લોકોએ મોહાલીમાં એપ્લીકેશન બનાવ્યા હતા તે જાણી એ જ રીતે હિન્દીમાં બનાવ્યા. પણ હજી એન્ડ્રોઈડ પર એપ્પ બનાવવા છે. કારણ કે સ્માર્ટ ફોન તો શિક્ષક પાસે હોય જ. હાલમાં તો વીસ છોકરાઓ વચ્ચે ૧૦ આઈપેડ આપ્યું છે અને ૨૦૦વોટ્સનો સોલાર ચાર્જિગ પોઈન્ટ બનાવી આપ્યો છે. અત્યારે અમે પાંચ શાળામાં પ્રયોગિક ધોરણે કામ કરી રહ્યા છીએ. ત્રણ ગામ રાજસ્થાનમાં છે તો એક કર્ણાટકના ટુંકુર જિલ્લામાં બેડનુરુ ગામ, બિહારમાં ચંપારણ્ય જિલ્લાનું એક ગામ છે. થોડો ખર્ચ છે પણ તે માટે બેરફુટ સહિત અન્ય સંસ્થાઓ પણ મદદ કરવા તૈયાર છે.’
આ કામ કરતા તેમની ફેલોશિપનો સમય પૂરો થશે પણ તેમનું કામ નહીં. આ પાંચેય શાળાઓ સરસ રીતે મોડેલ શાળાઓ ન બને ત્યાં સુધી બન્ને છોકરાઓ પીછેહઠ નહીં કરે. હર્ષ અને કિરોબાગર બન્નેને હવે લાગે છે કે જીવનમાં તેમણે કંઈક મેળવ્યું. તેમને જીવનનો સાચ્ચો આનંદ અને દિશા બન્ને મળી ગયા છે. હર્ષ હવે આગળ પબ્લિક સોશ્યલ વર્કનું ભણીને પોતાને વધુ સારી રીતે કામ કરવા તૈયાર કરશે. તો કિરોબાગર સેલમ જઈને પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરવા માગે છે તો સાથે પ્રોડક્ટસ ડેવ્હલપમેન્ટમાં માસ્ટર કરી ગ્રામ્ય સમાજને ઉપયોગી બને એવા સોલર પ્રોજેક્ટર જેવા પ્રોડક્ટસ બનાવવા માગે છે. તેમના માતાપિતા પણ આજે ખુશ છે કે તેમના બાળકો કશુંક ખરેખર નક્કર કામ કરી રહ્યા છે. હર્ષ કહે છે કે એસી ઓફિસમાં બેસીને વધુ પૈસા કમાતો હતો ત્યારે મને જે નહોતો મળતો તે સાચો આનંદ આજે આ બાળકો સાથે કામ કરતાં મળી રહ્યો છે. એકવાર હું એક ગામમાંથી જવા માટે બહાર નીકળતો હતો કે એક છોકરો મારી બેગ લઈને ભાગી ગયો. માંડ તેને શોધ્યો તો કહે કે તમે જતા રહેશો તો અમને આજે કોણ ભણાવશે? અમારે તમારી પાસે ભણવું છે. આવો પ્રેમ અને સંતોષ એસી ઓફિસમાં કે હજારો રૂપિયા કમાતા ય ન મળે. અમે બન્ને હવે પાંચ શાળા સેટઅપ કર્યા બાદ બીજી ૫૦ આવી શાળા તૈયાર કરવામાં મદદરૂપ થઈશું. આ બધામાં સૌથી વધુ તકલીફો શિક્ષકોને પ્રેરીત કરવાનું છે. તેમને એમ લાગે છે કે ટેક્નોલૉજી આવતા અમારું કામ રહેશે જ નહીં અથવા વધી જશે. તેમને એ સમજાવવું અઘરું પડે છે કે ટેક્નોલૉજી શિક્ષકને રિપ્લેશ ન કરી શકે. ટેક્નોલોજીના ઉપયોગથી કામ વધુ રસાળ બનાવવાનું છે. બાળકોને ભણવાનો કંટાળો ન આવે અને દુનિયાનો પરિચય થાય તેમનો વિકાસ યોગ્ય રીતે થાય તે માટે શિક્ષક જરૂરી છે. અનેક તકલીફોમાંથી માર્ગ કાઢતા અમે મોડેલ તૈયાર કરી શક્યા છીએ એનો આનંદ છે. સૌથી વધુ સંતોષ તો બાળકોનો ઉત્સાહ અને રસ જોઈને થાય છે. બાળકો ખૂબ હોશિયાર છે પણ તેમને તક મળતી નથી હોતી. શહેરી જીવનની ઝાકઝમાળ ગમે પણ સાચો સંતોષ અને આનંદ તો ગામડાઓમાં જ્યાં કોઈ સુવિધા નથી ત્યાં લોકોને ઉપયોગી થવામાં જ આવે છે.
2 comments
શહેરી જીવનની ઝાકઝમાળથી અતી દુર કોઈ સુવીધા વગરના ગામડાઓમાં નવો ઉજાસ જઈ લોકોને ઉપયોગી થઈને નક્કર કામ કરનારા લખનૌના 25 વર્ષના હર્ષ તેમ જ તામીલનાડુના સેલમથી આવેલા 22 વર્ષના કીરોબાગરને અઢળક અભીનન્દન અને નત મસ્તક સલામ...
ReplyDeleteઆભાર ગોવિંદભાઈ
Delete