પરફેક્ટ બોડી જેવું કંઈ હોય? (મુંબઈ સમાચાર)
01:52લીન્ડી વેસ્ટ ટેસ હોલિડે
‘કોઈ મને પૂછે કે તમે શું કામ કરો છો? તેના જવાબમાં હું જ્યારે લોકોને કહું કે મોડલિંગ કરું છું તો એ લોકો મારી સામે નવાઈથી જોઈ રહે જાણે મેં તેમને કહ્યું ન હોય કે મેં ખૂન કર્યું છે. હું જોઈ શકું કે મોડેલ શબ્દ સાંભળીને લોકોના ચહેરા પડી ગયા હોય અથવા હસવું રોકવાનો પ્રયત્ન કરતા હોય.’ ૨૬ની સાઈઝ ધરાવતી જેને અંગ્રેજીમાં રિયલ બીગ કહી શકાય તેવું શરીર ધરાવતી ટેસ હોલિડે ઓવર સાઈઝ્ડ મહિલા મોડલ તરીકે પ્રસિદ્ધ છે. તેની પાસે અઢળક કામ છે. એટલું જ નહીં જે મેગેઝિનના કવર પર પાતળી સેક્સી અભિનેત્રીઓના ફોટા છપાતા હોય તે કવર પેજ ઉપર ટેસી હોલિડેનો ફોટો છપાઈ ચૂક્યો છે.
આ અઠવાડિયે ફેસબુકે ખોટી રીતે જાહેરાત બૅન કરવા માટે માફી માગી. જાડી મોડેલનો બિકિની પહેરેલો ફોટો તેમના જાહેરાતના સ્ટાન્ડર્ડનું ઉલ્લંઘન કરતો હોવાનો દાવો કર્યો હતો. તે સામે વિરોધ નોંધાવતા ફેસબુકે જાહેરાત રિવ્યુ કરી ભૂલ કબૂલી લીધી હતી. હકીકતે આ ફોટો મોડેલ ટેસ હોલિડેનો હતો અને જાહેરાત પણ શરીરના હકારાત્મક વલણને દર્શાવતો હતો. ફોટો સોશ્યલ મીડિયા પર તે લાખો ફોલોઅર ધરાવે છે. ટેસીને પોતાના શરીરનો જરાપણ અફસોસ નથી. તેને ગુસ્સો આવે છે જ્યારે લોકો સૌંદર્યની વ્યાખ્યાને સીમિત કરી દે છે. તેણે એક પેજ શરૂ કર્યું છે સોશ્યલ મીડિયા પર હેસટેગ સાથે ફોટો મૂકીને કહ્યું કે તમે જાડા હો તેનો અર્થ એ નથી કે તમે અમુક કપડાં ન પહેરી શકો કે શરીર ન દેખાડી શકો. જે ઈચ્છા થાય તે પહેરો અને સૌંદર્યના માપદંડ બદલો.
ઈન્ટરનેટ પર સૌથી વગદાર દસ વ્યક્તિઓમાં ટેસ હોલિડેનું નામ ટાઈમ મેગેઝિને નોંધ્યું છે.
મે મહિનામાં અમેરિકન લેખિકા લીન્ડી વેસ્ટે લખેલું શ્રીલ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયુ. લીન્ડી પોતે પણ જાડી છે. તે બાળપણથી જ ભરાવદાર હતી ત્યારથી લઈને લગ્ન થયા ત્યાં સુધીની વાત તેણે ખુલ્લા વિચારો સાથે લખી છે. પોતાના શરીરને સ્વીકારતા પહેલાં સમાજ દ્વારા જે રીતે તેના પર સૌંદર્યના માળખાઓને કારણે જે બળાત્કાર થાય છે તેના વિશે તેણે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. લીન્ડી કહે છે કે સમાજમાં જે ધારો પડી ગયો છે કે અમુક શરીરને નીચી નજરે જોવાના કે તેની મજાક ઉડાવવાની. તે ધારાને મારે બદલવો છે. દરેકનું શરીર અને તેનું મેટાબોલિઝમ જુદું હોય છે. પાતળા અને સેક્સી દેખાવા માટે મહિલાઓ પોતાના પર લગભગ જુલ્મ જ કરતી હોય છે. કેમ? કારણ કે સમાજની દૃષ્ટિએ જાડા હોવું તે ખરાબ છે. આજકાલ પોતાના શરીરને ધીક્કારવાની ફેશન ચાલી રહી છે. અરે, દરેકે પોતાના શરીરને જેવું છે તેવું સ્વીકારવું જોઈએ. બીજાના સૌંદર્યના ખોટા ધારા માટે પોતાની જાતને ટોર્ચર ન કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્વીકારવાની ટેવ પાડવી જોઈએ. સેક્સી પાતળા શરીરના વખાણ કરવા અને તેને જ ગમાડવાથી અને જાડા શરીરની ટીકા કરી તેને પાતળા થવાની જરૂર છે તેવું કહેવું તે ક્રૂરતા છે.
લીન્ડી એક મુલાકાતમાં કહે છે કે સમાજે શરીરના માપદંડો બદલવાની જરૂર છે અને તે માટે દરેકે પોતાને જે શરીર મળ્યું હોય તેને પ્રેમ કરવાની જરૂર છે. જાડી વ્યક્તિઓ વિશે કેટલીક માન્યતાઓ છે તે પણ બદલવાની જરૂર છે જેમકે તેઓ આળસુ, નકામી, ગંદી અને અસુંદર હોય છે. દરેક પાતળી વ્યક્તિ ઉર્જા ધરાવતી હોય તે જરૂરી નથી. તેમ દરેક જાડી વ્યક્તિઓ આળસુ હોય, ઉત્સાહી ન હોય તેવું માની લેવાની જરૂર નથી. લીન્ડી અને ટેસ બોડી પોઝિટિવ અભિયાન ચલાવી રહ્યા છે અને તેને લોકો આવકારી રહ્યા છે. આપણે ત્યાં પહેલીવાર દમ લગાકે હૈસો જેવી ફિલ્મ બની કે જેમાં જાડી હીરોઈન હોય. ફિલ્મમાં પણ સરસ રીતે હકારાત્મક અભિગમ દર્શાવ્યો. બાકી ટુનટુન અને પ્રીતિ ગાંગુલીને તેમના જાડા શરીર દ્વારા હાસ્ય પેદા કરવા માટે જ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવતા હતા. સ્ત્રીના દેખાવ માટેના ધારા ધોરણ બદલવાની જરૂર છે જ. જાહેરાતો સમાજનું પ્રતિબિંબ જ છે. સુંદર સ્ત્રી ગોરી, પાતળી, કમનીય હોવી જોઈએ તેવી માન્યતાઓથી એવી ન દેખાતી સ્ત્રીઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. તેમના પર માનસિક ટોર્ચર કરવામાં આવે છે તે બંધ થવું જોઈએ તે વાતે ટેસ અને લીન્ડી સાથે સહમત થવું ગમે.
0 comments