૨૮ વરસનો યુવાન હર્ષ પંડ્યા ૬ સપ્ટેમ્બરે લડાખ વિસ્તારના ખારડુંગલા ૧૮૦૦૦ ફિટની ઊંચાઈએ સાઈકલ ચલાવીને પહોંચ્યો ત્યારે તેની આંખમાં આંસુ હતા. આમ જોઈએ તો અનેક લોકો ખારડુંગલા સાઈકલ ચલાવીને પહોંચ્યા છે. અને હાઈએસ્ટ ઊંચાઈ પર આવેલો આ મોટરેબલ રોડ પર પહોંચવું દરેક માટે સહેલું તો ન જ હોય. જે પણ પહોંચે ત્યાં એને આનંદ તો થાય જ તો પછી હર્ષમાં એવું શું સ્પેશિયલ છે? એવો સવાલ જરૂર થાય.
હર્ષ જ્યારે નવ વરસનો હતો ત્યારે તેને ટાઈપ વન ડાયાબિટીસ હોવાની ખબર પડી. ટાઈપ વન ડાયાબિટિશ જેને જ્યુએનાઈલ ડાયાબિટીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડાયાબિટીસ મોટેભાગે જન્મતાંની સાથે જ થતો હોય છે. હર્ષને પણ થયો હશે, પરંતુ તેની ખબર નવ વરસની ઉંમરે પડી. આમાં પેનક્રિયાસ કામ કરતું ન હોવાને કારણે શરીરમાં સાકરનું એનર્જીમાં રૂપાંતર ન થઈ શકે. આવી વ્યક્તિએ ઈન્સ્યુલિનના ઈંજેકશન લેવા પડે. ખાવાપીવામાં ક્ધટ્રોલ રાખવો પડે અને સતત ધ્યાન રાખવું પડે કે લોહીમાં સાકર વધી કે ઘટી ન જાય. હર્ષ કહે છે કે બાળપણમાં બીજું તો કશું ખબર ન પડે પણ બાળકોને ભાવે તે વસ્તુઓ ખાવાની ન હોય. નો આઈસ્ક્રિમ, પીપરમીન્ટ કે ચોકલેટ કે કોલ્ડડ્રિન્કસ કે જંક ફુડ કશું જ ખાવાની મનાઈ. એ સિવાય યોગ્ય સમયે ખાવાનું અને મારા શરીરને યોગ્ય ખાવાનું. અને રોજ ઈન્જેકશન લેવાના ઈન્સ્યુુલિનના.
ડૉકટર અને માતાપિતા કહે કે સ્વસ્થ જીવન માટે ઈન્જેકશન અને ખાવા પર ક્ધટ્રોલ જરૂરી છે. એટલે બાળક હર્ષે સ્વીકારી લીધું પણ સ્પોર્ટસમાં રસ હોવાથી તેણે પોતાના જીવનના ઉમંગને ઓછો કરવા કરતાં બેલેન્સ કરવાનું બાળપણથી જ શીખી લીધું. મોટાભાગે ટાઈપ વન ડાયાબિટીસ ધરાવનારા લોકો થાકી જાય. લોહીમાં સાકરના પ્રમાણનું વધઘટ ન થાય તે રીતે બેલેન્સ જાળવીને જીવનને સામાન્ય રીતે જીવવું અઘરું બની જાય છે. હર્ષના માતાપિતા મુકેશભાઈ અને રશ્મિબહેને હર્ષને ભરપૂર જીવવાનું બળ પૂરું પાડ્યું. ૧૨ વરસની ઉંમરે તેણે મિલિટરી ટ્રેઈનિંગનો કેમ્પ રાયગઢ મિલિટરી સ્કૂલમાં બીજા બાળકો સાથે કર્યો તે વખતે પણ તે ઈન્જેકશન જાતે જ લેતો હતો. ૧૮ વરસની ઉંમરે તે ડ્રીમ મેરેથોનમાં દોડ્યો એ જ્યુએનાઈલ ડાયાબિટિક ફાઉન્ડેશન માટે ૫૬ હજાર રૂપિયા ભેગા કર્યા તેના અચિવમેન્ટ માટે ક્રિકેટર વસીમ અકરમ દ્વારા તેનું સન્માન થયું. ત્યારબાદ પણ તેણે સાહસ કરવાનું છોડ્યું નહીં. રિવર રાફ્ટિંગ, ટ્રેકિંગ, બન્જી જમ્પિંગ વગેરે તો કરતો જ હતો સાથે સાયક્લિગં કરવાનું શરૂ કર્યું. તેનું સપનું હતું. હિમાલયમાં હાઈએસ્ટ પોઈન્ટ પર પહોંચવાનું.
હર્ષ કહે છે કે મારે ડાયાબિટીસની સામે લડવાનું નથી એ સમજાઈ ગયું હતું. તેની સાથે જ મારે જીવનના દરેક પડકારો પાર કરવા હતા. સ્વાસ્થ્યની આ અવસ્થા હું ક્યારેય બદલી નહીં શકું એટલે જે પણ છે તેને સ્વીકારીને તેની સાથે જ મારે દરેક કાર્ય કરવાના હતા. એક મહિનો હું સોલો ટ્રેકર તરીકે આખું દક્ષિણ ભારત ફર્યો. લોન્લી પ્લેનેટની ગાઈડ લઈને ફક્ત જાત સાથે અજાણ્યા પ્રદેશોમાં, અજાણ્યા લોકો સાથે ફરવાથી તમે તમારી જાતને ઓળખી શકો છો. મને લાગે છે કે દરેક યુવાને બીજું કંઈ ન કરી શકે તો કંઈ નહીં આ રીતે એકલા પ્રવાસ કરવો જોઈએ. એકલા પ્રવાસ કરવો એ પણ સાહસ જ છે. જે લોકો જાત સાથેની કંપની માણી શકે છે તે જીવનની કોઈપણ ચેલેન્જ પૂરી કરી શકે.
ત્યારબાદ ઓગસ્ટમાં મનાલીથી લેહ સાઈકલિંગ માટે હર્ષ મિત્રો સાથે ગયો. મનાલીથી લેહનો રસ્તો મિત્રોના સથવારે કપાઈ ગયો તેની ખબર ન પડી. પ્રવાસમાં નાના મોટા અવરોધો આવ્યા પણ તેણે ગણકાર્યા સિવાય ૪ સપ્ટેમ્બરે લેહ પહોંચીને આરામ કર્યો. હર્ષ કહે છે કે લેહ પહોંચ્યા બાદ ખારડુંગલા જવાની મારી ઈચ્છા પૂરી કરવાની તક દેખાઈ, પણ હજી મારું મન અવઢવમાં હતું ત્યાં મારી સાથે ગ્રુપમાં હતા એક નેવલ કમાન્ડરે પણ જોડાવાની ઈચ્છા દર્શાવી. બસ અમે બે જણા છ સપ્ટેમ્બરે વહેલી સવારે સાઈકલ લઈને નીકળી પડ્યા. અત્યાર સુધી અમારી સાથે બેકઅપ વાન હતી પણ હવે પછી બેકઅપ વૅન ન લેવાનો નિર્ણય કેમ લીધો તે ખબર નહીં પણ હવે લાગે છે કે સારું જ થયું, કારણ કે અડધે પહોંચતા ક્યારેક લાગે કે બસ હવે આગળ નહીં જવાય પણ પછી થાય અહીં સુધી પહોંચ્યા છે તો જાતને વધારે જોમ ચઢાવી આગળ ધીમે ધીમે ખેંચતા ગયા. જો બેકઅપ વૅન હોત તો શક્ય છે તેમાં બેસી જવાનું પસંદ કર્યું હોત. ઓક્સિજન નહીંવત હોય તેમાં પણ સાયકલ ચલાવવાનું કેટલું કપરું હોય તે ખારડુંગલા પહોંચ્યા પછી સમજાયું. બસ ત્યારે ખરા અર્થમાં મને ટોપ ઑફ ધ વર્લ્ડ હોવાનો અહેસાસ થયો. જાતને તમે ચાહો તેમ ખેંચી જઈ શકો છો. થોડું અટકીને હર્ષ કહે છે કે ખારડુંગલા જઈને આવ્યા બાદ મને માનસિક સ્વાતંત્ર્યનો અનુભવ થાય છે તે વર્ણવવો મુશ્કેલ છે. હવે જીવનમાં એવી એકપણ બાબત નથી કે જે ન કરી શકાય. ટાઈઅપ વન ડાયાબિટીસ સાથે પણ અનેક સાહસો કરવું શક્ય છે. તે માટે હું બીજાને પ્રેરણા આપી શકવા સક્ષમ છું. હવે મારી ઈચ્છા હાફ આયર્નમેન કરવાની છે જેમાં તરવાનું, સાઈકલિંગ અને પછી મેરેથોન રન સળંગ પૂરી કરવાની હોય.
હર્ષે ખારડુંગલા જવા પહેલાં જ પોતાની તૈયારીઓ કરી હતી લગભગ બે મહિના સુધી સહેજ પણ કંટાળ્યા કે થાક્યા વિના સતત મહેનત કરી પોતાના શરીર, શ્ર્વાસ અને મનને તૈયાર કર્યા હતા. પોતાની જાતને સતત ચેલેન્જ આપ્યા કરતો ૨૮ વર્ષીય હર્ષ પંડ્યા હાલમાં ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરે છે. જીવનની ખામીઓને ઓળંગીને સાહસિક રીતે જીવવાની તેણે ગાંઠ વાળી છે.
- 04:29
- 0 Comments