છોકરી હોવું એ કોઈ કારણ નથી (mumbai samachar)
01:47સર્વે વાચકોને નવા વરસની શુભેચ્છાઓ સાથે હાલમાં જ એક નાઈજીરિયન લેખિકાએ લખેલો એક નિબંધનો કેટલોક અંશ તમારા સુધી પહોંચાડું છું. આ નિબંધ નારીવાદી કહી શકાય અને વ્યક્તિત્વવાદી પણ કહી શકાય. સ્ત્રીના વ્યક્તિત્વની વાત આવે એટલે તેને નારીવાદી વાત કહી દેવામાં આવે છે કારણ કે પિતૃસત્તાક માનસિકતાનો આપણે શિકાર છીએ. નાઈજીરિયન લેખિકા ચિમામન્ડા ગોજી અડિચિ નારીવાદી લખાણો માટે વિશ્વ પ્રસિદ્ધ રહ્યા છે. તેમણે આ નિબંધ પત્ર રૂપે લખ્યો છે. તેનું ટાઈટલ છે વ્હાલી ઈજીએવેલે અથવા ફેમિનિસ્ટ મેનિફેસ્ટોના પંદર સૂચનો. તેણે આ નિબંધમાં કેવી રીતે નારીવાદી દીકરીને ઉછેરવી તે વિશે વિસ્તારપૂર્વક લખ્યું છે. આ નિબંધ દીકરીની મા બનનાર પુત્રીને લખ્યો છે.
તેમણે નારીવાદી અભિગમને માનવીય અભિગમમાં બખૂબી પલટી નાખ્યો છે. કેટલીક વાતો દરેક વાંચનારને વિચારતા કરી મૂકે તેવી છે. પ્રસ્તુત છે એ નિબંધના કેટલાક અંશ-
પૂર્ણ વ્યક્તિત્વ તરીકે જીવવાનો પ્રયત્ન કર. તેનાથી તારા બાળકના વ્યક્તિત્વને લાભ થશે. પાયોનિયર અમેરિકન પત્રકાર મેરિઅન સેન્ડર્સે એક સમયે યુવાન પત્રકારને કહ્યું હતું કે કામ કરવું પડ્યું તે માટે ક્યારેય અફસોસ ન કરો. તમે જે કરો છો તેને પ્રેમ કરો. તમારા કામને પ્રેમ કરવાથી મોટી ભેટ તમે તમારા બાળકને આપી શકતા નથી. અડિચિ અમેરિકન પત્રકારની વાતથી આગળ વધતા કહે છે કે, જરૂરી નથી કે તમારી નોકરી તમને ગમતી હોય, પણ તમારું કામ તમારા માટે જે કરી શકે છે તે તમને ચોક્કસ જ ગમી શકે કારણ કે કામ તમને આત્મવિશ્ર્વાસ આપે છે. કશુંક કરી શકવાને સમર્થ હોવાનો અહેસાસ કમાણી સાથે આવે છે. માતૃત્વની કલ્પનાને અવગણીને તારા કામમાં પારંગત બન.
યાદ છે, શાળામાં કાર્ય કરવાનું ક્રિયાપદ શીખ્યા હતા ? એ જ વાત અહીં દોહરાવું છું માતા જે કરી શકે છે તે પિતા પણ કરી જ શકે છે. મોટેભાગે માતાઓની માનસિકતા એટલી કન્ડિશન્ડ થઈ ગઈ હોય છે કે પિતાને ભાગે કોઈ કામ આવવા દેતી નથી. દીકરી પિતાના હાથમાં ઉછેરવાથી મરી નહીં જાય, તો દરેક કામ ચોક્કસ રીતે જ થવું જોઈએ એ આગ્રહોને જતા કરતા શીખી લે. સમાજે ઘડેલી તારી માનસિકતાને મુક્ત કર. બાળકના ઉછેરના બન્ને સરખે ભાગે વહેંચી લો. સરખે ભાગે એટલે આ કામ તારું અને આ કામ મારું એમ નહીં. દરેક કામ અડધે અડધા કરવા એવું પણ નહીં. દરેક કામ તારે જ કરવાનો આગ્રહ છોડી દઈશ તો તને સમજાશે કે ક્યારે બાળઉછેરમાં પિતા પણ ભાગીદાર બની શકે છે. જ્યારે તારા મનમાંથી મનદુખ કે ચીડ ઓછા થશે ત્યારે સમજાશે કે હવે સરખી ભાગીદારી થઈ રહી છે કારણ કે જ્યાં સમાનતા હોય ત્યાં મનદુખ થતું નથી.
એને છોકરી છે એટલે તારે આ કરવું જ જોઈએ કે આ તો ન જ કરવું જોઈએ એવું ક્યારેય કહીશ નહીં. કારણ કે તું છોકરી છે એવું કોઈ કારણ હોઈ જ ન શકે. મને યાદ છે જ્યારે હું બાળક હતી ત્યારે ઘરમાં પોતું કરતી સમયે કહેવામાં આવતું કે છોકરીની જેમ બરાબર વાંકી વળીને પોતું કર. એનો અર્થ એ કે પોતું સ્ત્રીઓ જ કરે. હું વિચારું છું કે મને ખૂબ સાદી રીતે એમ કહી શકાયું હોત કે વાંકી વળીને પોતું કર તો જમીન બરાબર સાફ થઈ શકે અને ઈચ્છું કે મારા ભાઈને પણ એવું કહી શકાયું હોત. ગર્ભમાંથી જ કોઈ રસોઈ બનાવવાનું શીખીને નથી આવતું. જમવાનું બનાવતા શીખવું પડે છે. ઘરકામની દરેક બાબત સ્ત્રી-પુરુષ બન્નેને આવડવી જોઈએ. ઘરકામ આવડતું હોય તો સ્ત્રી અને પુરુષ બન્નેને વિકસવાનો મોકો આપે છે.
આજે લોકો કન્ડિશનલ ફિમેલ ઈક્વાલિટી એટલે કે કેટલીક બાબતમાં સ્ત્રીને સમાનતા અપાય અને કેટલીક બાબતમાં ન અપાય. આવી શરતી સમાનતાનો સ્વીકાર ન કરવો. એ તમને કશું જ આપી શકતી નથી. સાવ બોદી સમાનતા હોય છે. નારીવાદી હોવું એ ગર્ભવતી હોવા જેવું છે. યા તો તમે પ્રેગનેન્ટ હોવ છો કે નથી હોતા. એ જ રીતે તમે પૂરી રીતે સ્ત્રી સમાનતામાં માનો છે કે તમે સ્ત્રી સમાનતામાં નથી માનતા તેમાં અધવચ્ચ કશું જ ન હોય.
તેના હાથમાં પુસ્તકો આપજે. પુસ્તકો એટલે સ્કૂલના પુસ્તકોની વાત નથી કરતી પણ સ્કૂલ સિવાયના જુદા જુદા વિષયના પુસ્તકો. આત્મકથા, ઈતિહાસ, નવલકથાઓ-કાવ્યો વગેરે... વાંચન દ્વારા તે દુનિયાને જોતાં સમજતા શીખશે. સવાલો કરતા શીખશે. પોતાના વિચારો રજૂ કરતા શીખશે. તે છતાં ય તે વાંચવા ન માગે તો તેને વાંચવા માટે પૈસા આપજે પણ પુસ્તકો વાંચતી કરજે. તેને જે બનવું હોય તે બનવા માટે મદદ કરજે. પછી તે શેફ બનવા માગે કે સાયન્ટિસ્ટ બનવા માગે કે સિંગર બનવા માગે.
ભાષાની સાથે આપણી માન્યતાઓ, કલ્પનાઓ અને પૂર્વગ્રહો બંધાયેલા હોય છે. તારી દીકરીને ભાષા શીખવતા પહેલાં તારે તારી ભાષાને તટસ્થતાપૂર્વક જોવી પડશે. મારી એક મિત્ર કહે છે કે તે પોતાની દીકરીને ક્યારેય પ્રિન્સેસ (રાજકુમારી) કહીને નહીં બોલાવે. કારણ કે જ્યારે લોકો પોતાની દીકરીને પ્રિન્સેસ કહેતા હોય છે ત્યારે એમના મનમાં એવો ખ્યાલ બંધાયેલો જ હોય છે કે કોઈ પ્રિન્સ એટલે કે રાજકુમાર આવશે જે એને બચાવશે. એટલે એ મારી મિત્ર દીકરીને એન્જલ - પરી કે સ્ટાર કહીને બોલાવવાનું વધુ પસંદ કરે છે. એટલે જ નક્કી રાખજે કે તું તારી દીકરીને શું નથી કહેવા માગતી કારણ કે તું જે પણ કહીશ તે એને માટે ખૂબ અગત્યનું હશે. એનાથી તેના મનમાં મૂલ્યોનું બંધારણ બનશે.
લગ્નજીવન સુખી હોઈ શકે કે દુખી હોઈ શકે પણ તે અચિવમેન્ટ ન હોઈ શકે. આપણે છોકરીને ઉછેરમાં તેના જીવનનો એકમાત્ર ધ્યેય લગ્નનો હોય તેવું રોપી દઈએ છીએ. જ્યારે છોકરાઓને માટે એવું નથી હોતું તેમના માટે પહેલાં કારકિર્દી હોય છે. છોકરા-છોકરીના જીવનમાં શરૂઆતથી જ અસમાનતા રોપી દેવામાં આવે છે. છોકરાઓ મોટા થઈને લગ્ન માટે ઈચ્છુક હોતા નથી કે તેમના જીવનની સફળતા લગ્નમાં તો નથી જ હોતી. જ્યારે છોકરીમાં લગ્ન માટેનું ગાંડપણ કહો કે મહત્ત્વાકાંક્ષા કહો તે વણાયેલા હોય છે. લગ્ન કરવા તે જ જીવનનો મોટો ધ્યેય હોય છે. આમ બે ભિન્ન રીતે વિચારતી વ્યક્તિઓ સંબંધ બાંધે છે. એટલે જ સ્ત્રીઓ લગ્ન ટકાવવા માટે સૌથી વધારે તડજોડ કે ત્યાગ કરતી હોય છે. (આ અસમાનતા કેવી હોય છે તેનો દાખલો એકવાર મેં જાહેરમાં જોયેલો- બે સ્ત્રીઓ જાહેરમાં એક પુરુષ માટે લડતી હોય છે અને પેલો પુરુષ તેને ચૂપચાપ જોયા કરે છે.)
તારી દીકરીને સારી છોકરી બનવાનું દબાણ ન કરતી. બીજાને ગમે એવી છોકરી એટલે સારી છોકરી નહીં, તેને પોતાને જે ગમે તે કરવું જોઈએ. પોતે પોતાની જાત સાથે પ્રામાણિક હોય, માનવતાનું સન્માન કરનારી હોય તે યોગ્ય છે પણ તેથી તે બીજાને ગમે તેવું જ વર્તે તે જરૂરી નથી. સારી છોકરીઓ અમુક રીતે જ વર્તે એ માન્યતાને લીધે મોટાભાગની છોકરીઓની જાતીય સતામણી થાય તો પણ તેઓ એનો વિરોધ નથી કરતી કે તેની ફરિયાદ પણ નથી કરતી. બીજાની સામે સારા સાબિત થવાના જ પ્રયત્નો મોટાભાગની સ્ત્રીઓ શારીરિક અને માનસિક હિંસાનો ભોગ બનતી હોય છે. સેક્સ વિશે તેના મનમાં ખોટી માન્યતાઓ ન ભરાવા દેતી. વખત આવે તેને કહેજે કે સેક્સ એ ખરાબ નથી કે ફક્ત બાળક પેદા કરવા માટેની ક્રિયા નથી. સેક્સ એ બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ સંબંધ છે તે છતાં તેણે પુખ્ત વયના થવા સુધી રાહ જોવી પડશે. સેક્સ એટલે ફક્ત સમર્પણ નથી, તે સંભોગ છે. તેની સાથે એટલી મિત્રતા કેળવજે કે તે પોતાની દરેક બાબત વિશે તને જણાવે તારાથી છુપાવે નહી.
દરેક વ્યક્તિનું ગૌરવ જાળવતા શીખવજે. જે વ્યક્તિઓ પ્રામાણિક નથી, દયાળુ નથી તેઓ પણ માણસ જ છે અને તેમનું માન પણ જળવાવું જ જોઈએ પણ જાતીય ભેદભાવ તેમાં દેખાતા હોય છે. સ્ત્રીઓએ વધુ ચારિત્ર્યવાન હોવું જોઈએ તેવી માનસિકતાઓ ઘડાઈ ગઈ છે. સ્ત્રીઓ પણ માણસ છે, પુરુષની જેમ તેની સારી નરસી દરેક બાબતનું ગૌરવ જળવાવું જોઈએ. નવાઈ લાગે પણ ઘણી સ્ત્રીઓને બીજી સ્ત્રીઓ ગમતી નથી હોતી. ખાસ કરીને નારીવાદમાં એટલે કે સ્ત્રી સમાનતામાં ન માનતી સ્ત્રીઓ સમાનતામાં માનતી સ્ત્રીઓને વખોડતી હોય છે. જે સ્ત્રીઓ નારીવાદમાં ન માનતી હોય તે સ્ત્રી સમાનતાની જરૂરિયાતને કાઢી નાખી નહીં શકે. આપણે અહીં સમજવું પડશે કે દરેક સ્ત્રી ફેમિનિસ્ટ એટલે કે નારીવાદી નથી તેમ જ દરેક પુરુષ પિતૃસત્તાક માનસિકતા ધરાવનાર નથી, એટલે જ તેને ભેદભાવ કરવાનું શીખવાડતી નહીં. સારા બનવું કે યોગ્ય બનવું જરૂરી નથી પણ માનવીય અભિગમ રાખવો જરૂરી છે તે શીખવાડજે. વાસ્તવિકતામાં તો દરેક જગ્યાએ ભેદભાવ કરતા જ આપણે શીખીએ છીએ. એટલે તેને ભેદભાવ શીખવાડીને વધુ તકલીફમાં ન મૂકતી. તેણે જાણવું ને સમજવું જોઈએ કે દરેકનો રસ્તો જુદો હોઈ શકે છે. ફક્ત એ બીજા કોઈના રસ્તાને નુકસાન ન પહોંચાડે તે જ એણે સમજવાનું છે. આપણે જીવનમાં બધું જ જાણી શકીએ નહીં કે જીવનને પૂર્ણપણે સમજી શકાતું નથી. ધર્મ અને વિજ્ઞાન બન્નેનું પોતાનું આગવું મહત્ત્વ છે જે આપણે જાણી શકીએ જ તે જરૂરી નથી, એટલે દરેક બાબતનો સ્વીકાર તે શાંતિનો મંત્ર છે. તેને શીખવાડજે કે તેના પોતાના ધોરણો ફક્ત તેના પોતાના જ છે. તેનાથી બીજાને કે દુનિયાને માપવાનો પ્રયત્ન ન કરે. ભિન્નતાએ સામાન્ય છે અને બીજાની ભિન્નતાનો સ્વીકાર જરૂરી છે. એ જ માનવીય અભિગમ છે જે દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
0 comments