44 વર્ષનો ડ્વેન જોન્સન ૨૦૧૬નો સેક્સીએસ્ટ મેન અલાઈવ જાહેર થયો ત્યારે એને એક સવાલ પૂછવામાં આવ્યો કે તમારા લાખો પ્રશંસકોને તમે કેમ સેક્સી લાગો છો? બાલ્ડ (યસ ડ્વેનના માથા પર વાળ નથી) હોવા છતાં ડ્વેન સેક્સીએસ્ટ મેન છે. તેણે માથા પર હાથ ફેરવતાં જરા આછા હાસ્ય સાથે નમ્રતાપૂર્વક કહ્યું કે મારો રમૂજી સ્વભાવ અને સેક્સી દેખાવાના પ્રયત્નો ન કરવો કદાચ લોકોને વધુ સેક્સી લાગતું હશે. હું કૂઉઉલ માણસ છું. આ વરસની મોસ્ટ હેન્ડસેમ મેનની યાદીમાં પ્રથમ ક્રમે ૫૪ વરસનો ટોમ ક્રૂઝ છે. તો ત્રીજા ક્રમાકે ૪૨ વર્ષીય રિતિક રોશન છે. ઉંમર વધવા સાથે ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા પુરુષો પોતાની ફિટનેસ લેવલ સિક્સપેક અને હવે એઈટ પેક્સ (શાહરુખ ખાન) બનાવીને સ્પર્ધામાં રહેવા માટે કરતા હોય છે. ૪૨ વરસની ઉંમર બાદ પહેલી વાર શાહરુખે સિક્સ પેક એબ બનાવવાનું નક્કી કર્યું. શાહરુખને સતત અસલામતી અનુભવાય છે એવું તેણે જાહેરમાં અનેક વાર કબૂલ્યું છે. સલમાન ખાન જ્યારે જુઓ ત્યારે શર્ટ ઉતારીને પોતાનું કસરતી શરીર બતાવવા તૈયાર હોય છે.
એક મૈત્રીણીએ મોસ્ટ હેન્ડસમ અને સેક્સી મેન વિશે વાત નીકળતાં કહ્યું કે યાર આપણી આસપાસ જોઈએ છીએ તો ફરીને જોવાનું મન થાય એવા એકપણ ગુજરાતી પ્રૌઢ પુરુષો નથી દેખાતા અફસોસ અને મારા પતિને પણ કહી કહીને થાકી કે ઊઠો ચાલવા જાઓ, કસરત કરો... પણ પેટ પર હાથ ફેરવતાં કહે કે આ ઉંમરે શરીરને તકલીફ આપવી ગમતી નથી. ત્યારે વિચાર આવ્યો કે વાત તો સાચી છે સુંદર છોકરી કે સ્ત્રી પસાર થાય તો પુરુષોની આંખો સ્થિર થઈ જતી હોય છેએ દિશામાં, પણ કોઈ પુરુષની એન્ટ્રી થાય ને સ્ત્રીઓ પોતાના વાળ સરખા કરવા લાગે કે ત્રાંસી આંખે જુએ એવું તો શાહરુખ, સલમાન કે રિતિક સામે આવે તો જ થતું થશે. મોસ્ટ સેક્સીએસ્ટ મેન ડ્વેન જોન્સનને બીજી પણ એક વાત કરી હતી કે તેના જીવનમાં સ્ત્રીના પ્રવેશ અને બાળકીઆનો જન્મ બાદ તેના જીવનમાં વધુ બદલાવ આવ્યો છે.
પૌરુષીય દેખાવું એટલે કસરતી શરીર સાથે સ્ટ્રોન્ગ દેખાવાની વાત પણ આવે છે. ભલે કહેવાતું હોય કે શરીરનું કોઈ મહત્ત્વ નથી પણ જીવીએ છીએ ત્યાં સુધી તેને અવગણી ન જ શકાય. જન્મથી મળેલો ચહેરો કે વાન બદલી ન શકાય, પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીને તમે આકર્ષક તો જરૂર દેખાઈ શકો છો. સ્ત્રીઓ માટે કરચલી છુપાવવાની કે યુવાન દેખાવા માટે મેકઅપ અને ઘરેણાં જેવા અનેક રસ્તાઓ છે, પણ પુરુષો માટે હેન્ડસમ દેખાવા માટે ફિટ એન્ડ ફાઈન શરીર સિવાય બીજું કશું જ હોઈ ન શકે. મોટેભાગે એવી માન્યતા છે કે વાળ ઓછા થાય એટલે કે માથે ટકો થાય કે સફેદ વાળ આવવા માંડે એટલે વૃદ્ધત્વની નિશાની માની લેવાય છે, પણ જો ડ્વેન સેક્સીએસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ બની શકે છે તો સ્વસ્થ કસરતી શરીર દ્વારા કોઈપણ પુરુષ હેન્ડસમ બની શકે છે.
વજન ઉતારવાની જાહેરાતોમાં મોટેભાગે સ્ત્રીઓને જ દર્શાવવામાં આવે છે. સ્ત્રી હોય કે પુરુષ હોય સપ્રમાણ-સ્વસ્થ શરીર હોય તો તે આકર્ષક લાગી શકે છે. શક્ય છે કે કોઈ કારણસર બાંધો જ એવો હોય કે તે વ્યક્તિ ભરાવદાર હોય તો અલગ વાત છે, પણ જો ખાવાપીવાની આદત અને કસરતના અભાવે, વ્યક્તિ અદોદળી લાગતી હોય તો તેમાં એ વ્યક્તિનો બેદરકારીભર્યો સ્વભાવ જાહેર થાય છે. અદોદળા વ્યક્તિત્વ સાથે મોંઘામાં મોંઘા કપડાં, ગાડી કે મોબાઈલ કશું જ શોભતું નથી. સામે એવી દલીલ થઈ શકે કે જાહેરાતવાળા ખોટો દાખલો ઊભો કરે છે. જાહેરાત બનાવનાર સમાજ પણ આપણો જ છેને? આપણને સુંદરતા જોવી ગમે છે. ભગવાનને આપણે અદોદળા બનાવતા નથી. એકમાત્ર ગણપતિને બાદ કરતા.
તો પછી આપણે કેમ સ્વસ્થ શરીર માટે મહેનત નથી કરતા? ૪૪ વર્ષીય ડ્વેન કહે છે કે જેમ યોગ્ય ફિટિંગવાળા કપડાં તમને શોભે છે તે જ રીતે યોગ્ય ફિટિંગવાળું શરીર પણ જાળવવું જરૂરી છે. રિતિક રોશન કે શાહરુખ ખાન જો અદોદળા હોય તો તેમને કોઈ હીરો તરીકે જોવા નહીં જ ઈચ્છે તે હકીકત પણ સ્વીકારવી જોઈએ. સમય ન હોવાના બહાના આપણે કાઢી શકીએ ત્યારે અનિલ અંબાણી જ્યારે દોડે છે ત્યારે કામધંધો બંધ નથી કરી દેતા. ફક્ત અનિલ અંબાણી જ કેમ? શાહરુખ સવારે ૨.૩૦ વાગ્યે ઊઠીને જિમમાં જાય છે. અક્ષયકુમાર સવારે ચાર વાગ્યે ઊઠીને કસરત કરે છે.
આ બધા કેમ આવા ફિટ એન્ડ ફાઈન રહી શકે છે તે જોઈએ-
૧. એ લોકો પ્રેરણાસ્રોત શોધી લે છે - સૌપ્રથમ તો કસરતી શરીર ધરાવનારાઓની પ્રેરણા તેઓ જાતે જ હોય છે. પોતાને આયનામાં સ્વસ્થ જોઈને તેમને સારું લાગે છે. તમે પોતાને ગમો તો જ બીજાને ગમી શકો છો એ વાત ભૂલવી ન જોઈએ. એ લોકો પોતાની પત્નીને, બાળકોને પોતાનું શ્રેષ્ઠ વર્જન આપવા માગતા હોય છે. સૌરવ ગાંગુલીએ ૧૪ વરસ પહેલાં જ્યારે ઈંગ્લેડના લોર્ડ્સ મેદાનમાં ટી શર્ટ ઉતારીને જીતને વધાવી હતી ત્યારે તેણે શાહરુખ કે સલમાનની જેમ છાતીના વાળ કઢાવ્યા નહોતા તે દેખાતું હતું પણ સ્પાોર્ટ્સને કારણે તેનું કસરતી શરીર અદોદળું નહોતું દેખાતું. જો તમારું વજન વધારે હોય તો તમને અનેક બીમારીઓ થવાની શક્યતા રહે છે તેમાં પણ ૪૦ની ઉંમર બાદ મેટાબોલિઝમ સ્લો થઈ જતું હોય છે. જો તમે પોતે તમારા પ્રેરણાસ્રોત ન બની શકતા હો તો મિત્રો સાથે કસરત કરવાનું શરૂ કરો કે મેરેથોન દોડવા જવાની ટ્રેઈનિંગ પણ લઈ શકો છો. સૌથી મોટો ફાયદો એ થશે કે તમને પોતાને સ્ફૂર્તિનો અનુભવ થશે અને ઉંમરનો થાક નહીં લાગે.
૨. પોષક આહારને પ્રાધાન્ય આપે છે - આ બધા જ પોતાના આહાર બાબતે ખૂબ સજાગ રહે છે. શરીરને પોષણ મળે તેવો આહાર જ આરોગે છે. આલ્કોહોલ અને તળેલા પદાર્થોને ભાગ્યે જ કે નહીંવત લે છે. સદાબહાર દેવ આનંદ ક્યારેય આલ્કોહોલનું સેવન નહોતા કરતા. આ લોકો સાદો સિમ્પલ આહાર આરોગે છે. ઘરનું સાદું ભોજન શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતું હોય છે.
૩. ક્યારેય બોરિંગ કાર્ડિયો અવગણતા નથી- ચાલવું, દોડવું, દાદરા ચઢવા-ઊતરવા એ કાર્ડિયો ગણાય છે. જો તમે જિમમાં જતા હો ને ગાડી દરવાજાની નજીક પાર્ક કરવા માટે પ્રયત્ન કરતા હો તો તે યોગ્ય નથી. જ્યાં પણ તક મળે ત્યારે ચાલવા કે દાદરા ચઢવા ઊતરવાની તક તેઓ ચૂકતા નથી. અભ્યાસીઓનું પણ કહેવું છે કે બેઠાડુ જીવન કરતાં એક્ટિવ જીવન વધુ સ્વસ્થ રહે છે. લાસ્ટ બટ નોટ લિસ્ટ એ લોકો ક્યારેય કસરત ન કરવાના બહાના નથી કાઢતા. સમયનો અભાવ કે માંદગી ક્યારેય તેમને નડતા નથી. તેમનો એકમાત્ર ફંડા હોય છે પોતાની ફિટનેસ જાળવવી. એટલે જ તેઓ આકર્ષક વ્યક્તિત્વના સ્વામી બની શકે છે. શાહરુખ ખાન અને રિતિકને શરીરમાં અનેક ઈજાઓ છે તે છતાં તેમણે ક્યારેય વર્કઆઉટ કરવાનું બંધ નથી કર્યું.
૪. સંઘર્ષ અને મહેનત તેમને ગમે છે - કસરતી શરીર ધરાવતા લોકો જવાબદારીઓથી ક્યારેય ભાગતા નથી. તેમની પાસે પાળેલા કૂતરા, બાળકો, પત્ની સહિત આખો પરિવાર અને કામ પણ હોય છે. તેઓ ક્યારેય સમય ન હોવાનું બહાનું કાઢતા નથી. બીજું કશું જ નહીં તો મહિના પછી શરૂ થનાર ૨૦૧૭ના વરસ માટે એક રિઝોલ્યુશન એ કરી શકાય કે સ્વસ્થ શરીર માટે બહાના કાઢી પોતાને જ છેતરવાનું બંધ કરવામાં આવે. સ્વસ્થ શરીર સુંદર જીવન આપી શકે છે. સેક્સીએસ્ટ મેન કે હેન્ડસમનું બિરુદ મેળવનારાઓ પાસે પુષ્કળ કામ હોય છે. તેમની પાસે ઘડીનીય નવરાશ નથી હોતી. સફળતા મેળવવા માટે મહેનત અને કેટલીક વાર તો સખત મહેનત જરૂરી હોય છે. કશું જ મફતમાં કે સહેલાઈથી મળતું નથી. તમારું શરીર રાતોરાત તો અદોદળું ન જ થયું હોય તો પછી રાતોરાત વજન ઓછું થવાનું નથી જ. સમય ફાળવીને સતત-સખત મહેનત કરનારને જ યોગ્ય બદલો મળે છે. સફળ દરેક પુરુષો આ વાત બહુ સારી રીતે જાણે છે. અમિતાભ બચ્ચન હજી આજે પણ નિયમિત જિમમાં જઈને કસરત કરે છે. તમે રોજ આહાર લેવાનું બંધ નથી કરતા કે સૂવાનું બંધ નથી કરતા તો પછી કસરત કરવાનું કેમ બંધ કરી શકો? આ સવાલ જાતે જ પોતાને સતત પૂછતા રહેશો તો પણ ચોક્કસ સ્વસ્થ, સેક્સી અને હેન્ડસમનું બિરુદ પત્ની પાસેથી તો મેળવી જ શકશો.
૫. ટેસ્ટોસ્ટેરોનને કાબૂમાં રાખો- પૌરુષીય હોર્મોન ટેસ્ટોસ્ટેરોન ઉંમર અને વજન વધવાથી ઘટે છે. વજન વધવાથી એસ્ટ્રોજન હોર્મોન વધતાં ટેસ્ટોસ્ટેરોન ઘટે છે. એટલે વજન ઓછું થવાથી ટેસ્ટોસ્ટેરોન ઘટતું હોવાનું ૬૪ વધુ વજન ધરાવતા પુરુષોના અભ્યાસથી લી મેયરે સાબિત કર્યું છે. યોગ્ય વજન, આહાર અને નિદ્રાથી તમે ટેસ્ટસ્ટેરોનનું પ્રમાણ જાળવી શકો છો.
લાસ્ટ બટ નોટ લીસ્ટ, ઈમોશનલ ઈટિંગ ફક્ત સ્ત્રીઓ જ નથી કરતી, પણ પુરુષો પણ કરતા હોય છે. સો કન્ટ્રોલ યોર ઈમોશન. લાગણીઓ પર કાબૂ રાખીને શરીર પર કાબૂ રાખી શકવું શક્ય છે.
વરસ પૂરું થવામાં છે ત્યારે શક્ય છે આવતા વરસનું રિઝોલ્યુશન તમારા માટે ફિટ એન્ડ ફાઈન રહેવાનું હોઈ શકે. મોટાભાગે પુરુષો ૪૦ વરસ પછી જ વધુ આકર્ષક દેખાઈ શકે છે જો તેઓ જીવનમાં સંતુષ્ટ, સફળ અને સુખી હોય તો.
- 05:18
- 0 Comments