થોડા હૈ થોડે કી ઝરૂરત હૈ...
01:02‘તમારી પાસે કેટલા છે?’ ‘બહુ નથી પણ લાઈનમાં કોણ ઊભું રહે? ઓળખાણ હોય બૅંકમાં તો કહેજો...’ તો વળી કોઈ કહી રહ્યું હતું, ‘સાવ ગાંડપણ છે આમ તે કાંઈ હોય કે લ્યો થોડા કલાકમાં દુનિયા બદલાઈ જાય એવી જાહેરાત કરાય? લોકોનો વિચાર તો કરવો જોઈની...દુનિયા ગાંડી ન થાય તો શું થાય?’ તો વળી એસીમાં બેસી હાથમાં આઈફોન રમાડતા એક શેઠ કહે, ‘આમ આદમીના હાલ થઈ રહ્યા છે. એ બિચારા ક્યાં જાય?’ શેઠને પૂછ્યું,‘તમે ગયા હતા લાઈનમાં ઊભા રહેવા?’ સામે પડેલા ગ્લાસમાંથી જ્યૂસનો ઘૂંટડો ભરતા કહે, ‘ના ભાઈ ના આપણી પાસે ડ્રાઈવર છે ને. આમે તે આખો દિવસ ઊંઘ્યા કરે છે એના કરતાં લાઈનમાં ઊભો રહે છે.’
શેના વિશે વાત થઈ રહી હતી એ ફોડ પાડવાની જરૂરત નથી. આપ સૌ જાણી જ ગયા હશો રૂપિયાની વાત થઈ રહી છે. અચાનક અત્ર તત્ર સર્વત્ર બધા દુખી દુખી થઈ ગયા. જાણે કે દરેકના જીવનમાં પૈસા એકમાત્ર સુખનું કારણ હતું. શું ખરેખર પૈસા હોવાથી સુખી થઈ શકાય છે? મોટાભાગનાને સવાલ પૂછતા જ હા માં જવાબ મળ્યો. એટલે સામે પૂછી બેસાયું તો પછી તમે આ નોટો પાછી ખેંચાઈ એ પહેલાં સુખી હતા? જવાબ તરત ન મળ્યો. મળ્યો તે આ...‘ હા, કહી શકાય. આટલી બૅન્કમાં જવાની રામાયણ નહોતી. ધંધા ડાઉન નહોતા. ઈમરજન્સી આવે તો શું? કોઈને ત્યાં લગ્ન હોય તે બિચારાનું શું?’ ભાઈને વચ્ચેથી અટકાવીને પૂછ્યું કે ‘મારો સવાલ હતો કે આ પહેલાં તમે સુખી હતા? તમને જીવનમાં કોઈ ફરિયાદ નહોતી?’ લાંબો વિચાર કર્યા બાદ ધીમેકથી તેમણે કબૂલ્યું કે ‘એવું તો સાવ નહોતું જ. શું છે કે બધાને બધું નથી મળતું. અને મન માંકડું છે તેને જે ન મળે તેમાં જ વધુ રસ પડે છે.’ કહેતા તેઓ ખસિયાણું હસ્યા. એનો અર્થ એ કે માત્ર પૈસા સુખી કરી શકતા નથી કે આનંદ આપી શકતા નથી. પૈસા સગવડ આપી શકે છે.
માઈકલ નોર્ટન અમેરિકન સમાજશાસ્ત્રનો અભ્યાસી છે. તેણે ખરીદી અને ખર્ચો કરતી વખતે માણસ શું અનુભવેે છે તેના પર અભ્યાસ કર્યો છે. તેનું કહેવું છે કે આપણે બે બાબત વિશે જ સૌથી વધારે વિચારીએ છીએ મની એન્ડ હેપ્પીનેસ અર્થાત પૈસા અને આનંદ. આપણને સુખની અનુભૂતિ થાય કે ખુશ રહી શકીએ કે આનંદ અનુભવાય તે મહત્ત્વનું હોય છે. એટલે જ તમે જો બુકસ્ટોરમાં જાઓ તો અઢળક પુસ્તકો ખુશ રહેવાના ઉપાયો સાથે બહાર પડી રહ્યા હોવાનું જણાશે. ખુશ કેમ થવું કે આનંદમાં કેમ રહેવું શીખવાડતી હેલ્પબુકનો વેપાર વધી રહ્યો છે. કારણ કે પૈસા કમાયા બાદ પણ લોકોના જીવનમાં એકમાત્ર ધ્યેય હોય છે તે સુખી થવાનું કે આનંદ અનુભવવાનું. માઈકલ નોર્ટન કહે છે આપણે જ્યારે ધાર્મિક પુસ્તકો વાંચીએ છીએ કે પછી આનંદમાં કેમ રહેવું કે ખુશ કેમ થવું શીખવાડતી હેલ્પબુકના પુસ્તકો વાંચીએ છીએ તેમાં કહેવામાં આવે છે કે પૈસા આપણા માટે આનંદ ખરીદી શકતો નથી એ સાચું નથી. માઈકલ નોર્ટન સાહેબ તમે તો આઘાત લાગે તેવી વાત કરો છો., પોતાના મુદ્દાને સમજાવતાં માઈકલ આગળ કહે છે કે પૈસા પણ આનંદ આપી શકે છે પણ તે તમે કઈ રીતે વાપરો છો તેના પર આધાર રાખે છે. આજે પૈસા વિના ડગલું પણ ભરી શકાતું નથી વાત સાચી છે. ત્યારે પૈસાની બાદબાકી કરીને આનંદ મેળવવો હોય તો તે માટે સાચા અર્થમાં સાધુ જ થવું પડે અને હિમાલયમાં જ રહેવા જવું પડે. ખેર, માઈકલ કહે છે કે એ લોકોએ અનેક પ્રયોગો કરીને જાણ્યું કે પૈસાને યોગ્ય રીતે વાપરીને માણસને સંતોષ મળે છે. ફક્ત તમારી જાત પર પૈસા વાપરીને તમે સુખી નથી થઈ શકતા. એ પ્રયોગોમાં તેમણે કેટલાક લોકોને એક કવરમાં પૈસા આપીને કહ્યું કે તમે આ પૈસા તમારા પર ચોક્કસ સમયમાં વાપરો, તો બીજાઓને એમ કહ્યું કે તમે આ પૈસા બીજા પર ચોક્કસ સમયમાં વાપરો. આ પ્રયોગ દ્વારા જાણવા મળ્યું કે જે યુવાન હતા તેમણે સ્ટારબક્સ કે મેકડોનલ્ડ તરફ દોટ મૂકી પછી એ પૈસા પોતાના પર વાપરવાના હોય કે બીજા પર. પોતાના પર વાપરવાના હોય તો ખાઈ-પીને તરત જ તે પૈસા વાપરી નાખ્યા. જેમણે બીજા પર વાપરવાના હતા તેમણે પોતાના મિત્રને કે ગર્લ ફ્રેન્ડને કે પછી કોઈ ભિખારીને કોફી પીવડાવી કે બર્ગર ખવડાવ્યું. સ્ત્રીઓએ પોતાના માટે મેકઅપ કે ડ્રેસ ખરીદ્યો. તો વળી કોઈએ પોતાની માતાને ભેટ ખરીદીને આપી કે માતાને મોલમાં ડ્રાઈવ કરીને લઈ જઈ ભેટ આપી. આ બધા તરફ જોઈએ તો જેમણે પોતાના પર પૈસા વાપર્યા હતા તેમને તત્પુરતો આનંદ મળ્યો હતો પણ સુખી થયા કે જીવન બદલાયું એવું નહોતું. જ્યારે બીજા પર પૈસા વાપરનારને આનંદ, સંતોષ થયો હતો જેની અનુભૂતિ થોડો ક લાંબો સમય જળવાઈ હતી. તમે જો જો કે જેને લોટરી લાગશે તેઓ પોતાના માટે અનેક સગવડોની કલ્પના કરશે, પણ હકીકતમાં જ્યારે ખૂબ પૈસા આવે છે તો તેમનું જીવન સારું થવાને બદલે સમસ્યાઓથી ઘેરાઈ જાય છે. પૈસા આવે એટલે મિત્રો, સગાંવહાલાની અપેક્ષા વધે અને તમે તે અપેક્ષા ન સંતોષો એટલે સંબંધો બગડે. ઘણીવાર સુખસગવડમાં પૈસા વાપરીને દેવું વધી જાય. આમ આપણે એવું વિચારતા હોઈએ છીએ કે વધુ પૈસા આવશે એટલે આપણું જીવન બદલાઈ જશે સુખી થઈશું પણ હકીકતમાં એવું નથી થતું કારણ કે આપણી અપેક્ષાઓ ઓછી થતી જ નથી. ઊલટાનું એવું પણ બને વધુ પૈસા આવવાથી કેટલીક વખત જીવન એકલવાયું અને દુખદ બની જાય.
પ્રસિદ્ધ સાયકોલોજીસ્ટ ડેનિયલ કાન્હમેન જેને અર્થશાસ્ત્રમાં નોબેલ એવૉર્ડ મળ્યો છે તે કહે છે કે આજે વિશ્ર્વમાં ખરીદશક્તિ વધી છે એનો અર્થ એ કે લોકો પાસે પૈસા પણ વધ્યા છે તે છતાં હેપ્પીનેસના પુસ્તકો ધૂમ વેચાય છે. ખુશ થવા માટેના કોચિંગ ગુરુઓ પણ વધ્યા છે. લોકોને હવે ખુશ થવું છે કારણ કે તેઓ સુખ કે આનંદ બજારમાંથી ખરીદી શકતા નથી. ડેનિયલ આ સુખી થવાના કે ખુશ રહેવાના કારણોને જુદી રીતે વિચારે છે. તેનું કહેવું છે કે આપણે આનંદ કે હેપ્પીનેસનો અર્થ બદલી નાખ્યો છે. એક તો સારી રીતે જીવવું એને આનંદ કહીએ છીએ અને બીજું આપણે આનંદ કે સુખની યાદમાં જીવીએ છીએ તેની અનુભૂતિમાં નહીં. ડેનિયલ જ કહે છે કે આ ખૂબ ગૂંચવણ ભર્યું લાગે છે પણ આપણે જાતે જ જીવનને કોમ્પિલિકેટેડ બનાવી દીધું છે. સારી રીતે જીવવું કોને કહેવાય તે એક મોટો વિષય છે તેમાં ય ભિન્નતા છે. આપણી મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય રોટી, કપડાં અને મકાનની તે છતાં આપણે આજે સારી રીતે જીવતા નથી અથવા તો આપણને સુખ નથી કારણ કે આપણી પાસે એનાથી હજી વધુ નથી. એક બેડરૂમ હોય તો બે બેડરૂમનું ઘર હોય તો જ સુખી થઈ શકીએ. સાયકલ હોય તો દુખી અને મોટર હોય તો જ સુખી થઈ શકીએ. આમ સતત વધુને વધુ વસ્તુઓ ખરીદીએ.શરૂઆતમાં થોડો સમય તો આનંદ મળે પણ બધું જ મેળવ્યા બાદ પણ સંતોષ કે સુખ લાગે નહીં તે શક્ય છે. ડેનિયલે કહેલી બીજી વાત સુખની અનૂભુતિમાં નહીં પણ સુખની યાદમાં જીવવું એટલે આપણે વેકેશનમાં જઈએ છીએ કારણ કે આપણને આનંદ કરવો છે. આનંદ અનૂભુવીએ પણ પાછા રૂટિનમાં આવીએ કે દુખી થઈએ. એટલે આપણે હવે ફોટાઓ પાડીએ છીએ. એ ફોટાઓ જોઈને આનંદ થોડો લાંબો સમય ચાલે. એ આપણી યાદો છે. જો આનંદની અનૂભુતિમાં તે ક્ષણમાં જીવ્યા હોય તો પછી દુખ ન થાય પણ તે ક્ષણને પકડી રાખવા આપણે ફોટાઓ પાડવાની અને તેને બીજાઓને બતાવવાની અને યાદ કરવાની રમતમાં પડીએ છીએ. જો આપણને દરેક ક્ષણમાં આનંદની અનુભૂતિ કરતા આવડે તો દુખ રહેતું જ નથી. ડેનિયલની વાત આપણા ઉપનિષદો અને વેદમાં કહેવાઈ ગઈ છે. ગીતામાં પણ કહ્યું છે કે ભવિષ્યમાં અને ભૂતકાળમાં નહીં પણ સુખી થવું હોય તો મનુષ્યે પ્રત્યેક ક્ષણમાં જીવવું જોઈએ.
આપણા ઉપનિષદો કે ધર્મની વાત પહેલાં ન કરી કારણ કે મોટાભાગના આપણે વૈજ્ઞાનિક રીતે થયેલા સંશોધન પર વિશ્વાસ મૂકીએ છીએ. પણ શાસ્ત્રમાં કહેવાયેલી વાત પર વિશ્ર્વાસ નથી મૂકતા. વળી વિચાર આજનો કરીએ તો આપણે ઉપભોક્તાવાદમાં એટલા ઘસડાઈએ છીએ કે શાંતિથી તે દરેક ખરીદેલી વસ્તુને વાપરવાનો અવકાશ પણ આપણી પાસે રહેતો નથી. મૂળ છોડીને આપણે ઉપલક બાબતો પર વધુ ધ્યાન આપીએ છીએ એટલે સુખ મળતું નથી. સંતોષી જીવન એ સુખી જીવન, આનંદિત જીવન એ સૌ અભ્યાસ હવે જણાવે છે. હેપ્પીનેસ માટેની સેલ્ફહેલ્પ પુસ્તકોનો સાર પણ એ જ હોય છે. પૈસા માટેની લાંબી લાઈનોને આપણે લોકોની મજબૂરી ગણાવીએ છીએ પણ ખરેખર એ સાચું છે કે ખોટું તે માટે ઊંડાણથી વિચારવું જોઈએ. જેમ કે ગામડાંઓમાંથી લોકો શહેરોમાં શું કામ આવે છે તો કહી શકાય કે વધુ પૈસા કમાવવા અને સારી રીતે જીવીને સુખી થવા. શહેરોમાં આવતા મોટાભાગના લોકોની પાસે જીવનને માણવાનો સમય નથી હોતો. કામધંધે જવા આવવાના પ્રવાસમાં અડધી ઉપરાંત જીંદગી ખર્ચાઈ જાય. ન ચોખ્ખી હવા કે ન ચોખ્ખું ખાવાનું કે ન રહેવાનું. ઝૂંપડપટ્ટીઓ ને પરાંના વિસ્તારો વધુને વધુ વિસ્તરતા જાય છે નહીં કે મલબાર હીલ અને જૂહુના સમૃદ્ધ વિસ્તારો. હા કદાચ ગામમાં મળતા હશે તેના કરતાં વધુ પૈસા અહીં શહેરમાં મળતા હશે પણ જીવનની ગુણવત્તા કથળતી હોય છે તેની સાથે સહમત થવું પડે. જ્યારે આજે જે ગામડાઓમાં રહે છે તેઓ ઘણા સારું જીવન જીવતા હોય છે તે જોઈ શકાય છે. આમ જીવનમાં જરૂરી હોય છે થોડા હૈ, થોડેકી જરૂરત હૈ... પણ એ થોડું જ્યારે ઘણું થઈ જાય છે ત્યારે સુખ પણ મૃગજળની જેમ દૂર દૂર ભાસે છે. પહેલાં ફોન પણ નહોતા ત્યારે જીવતાં જ હતા આપણે. આજે મોબાઈલનું લેટેસ્ટ મોડેલ નથી ખરીદી શકતા એટલે દુખી થઈ જઈએ છીએ. જીમમાં ચાલવા જઈશું પણ એમને એમ ચાલવાનું હવે શક્ય નથી કારણ કે અપ ટુ ડેટ દેખાવા માટે જે ખર્ચો કર્યો છે તે નકામો જાય. મોબાઈલ હોય તો નવા નવા પ્રદેશો જોવા વેકેશનની જરૂર પડે કારણ કે ફોટા પાડીને આપણે કેટલા સુખી છીએ તે સાબિત કરવાની જરૂર રહે છે. ફોટાને વધુ લાઈક મળે ન મળે તેમાં પણ દુખી થઈ જઈએ છીએ. આમ આ યાદી લાંબી થઈ શકે છે તેના વિશે તમે હવે વિચારો.... ધામધૂમથી પૈસાનું પ્રદર્શન કરીને થતાં લગ્ન શું સુખી જીવનની બાંહેધરી આપે છે... તો તો પછી છૂટાછેડાના પ્રશ્ર્નો જ ન હોત ને. મોટી નોટ નકામી થતાં બદલાયેલી પરિસ્થિતિને કોષવાને બદલે તેના દ્વારા ઊભી થયેલી પરિસ્થિતિ આપણને આત્મનિરીક્ષણ કરવાની તક આપે છે તે ઝડપી લઈએ તો શક્ય છે નોટની સાથે જીવન પણ બદલાઈ જાય.
------------------------------
ભારત ગ્રોસ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ઘણું પાછળ
૨૦૧૬માં દુનિયાના દેશોમાં હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ભારત ૧૧૮માં નંબરે છે. સોમાલિયા(૭૬), ચીન (૮૩) , પાકિસ્તાન (૯૨) , ઈરાન (૧૦૫), બંગલાદેશ(૧૧૦) પણ આપણાથી આગળ છે. આ રેન્ક નક્કી કરવામાં આવે છે. દેશમાં પર્યાવરણ અને સંસ્કૃતિનું જતન કરીને વિકાસ સાધવામાં આવે તેમાં ટકાઉ અર્થશાસ્ત્ર અને સામાજિક પરિબળોનું પણ મહત્ત્વ ધ્યાનમાં રાખવામાં આવે છે. ગ્રોસ હેપ્પીનેસ ઈન્ડેક્સની ગણતરી મુખ્ય નવ પરિમાણો પર કરવામાં આવે છે તેમાં લિવિંગ સ્ટાન્ડર્ડ સાૌથી છેલ્લે આવે છે.
૧. શિક્ષણ
૨. સારું માનસિક સ્વાસ્થ્ય
૩. સ્વાસ્થ્ય
૪. સમયનો વપરાશ
૫. સાંસ્કૃતિક વિભિન્નતા અને સહિષ્ણુતા
૬. સારું શાસન
૭. સાંપ્રદાયિક ક્ષમતા
૮. પર્યાવરણની ભિન્નતા અને જાળવણી
૯. જીવનધોરણ
સૌ પ્રથમ ભૂતાનમાં ગ્રોસ હેપ્પીનેસ ઈન્ડેક્સ ૧૯૭૨ની સાલમાં અમલમાં મૂકવામાં આવ્યો. ત્યારબાદ વિશ્વના દેશોની ગણતરી કરવામાં આવી ૨૦૦૬માં. લેસ્ટરના સાયકોલોજિસ્ટ એડ્રિન વ્હાઈટે દુનિયાનો હેપ્પીનેસ ઈન્ડેક્સ પ્રગટ કર્યો ત્યારે ભૂતાન ૮માં ક્રમે, અમેરિકા ૨૩, ચીન ૮૨ અને ભારત ૧૨૫માં સ્થાને હતું. આના પરથી પણ સાબિત થાય છે વિકસિત અને ધનવાન દેશોમાં લોકોનું જીવનધોરણ સારું અને સુખી હોય તેવું જરૂરી નથી. ભૂતાન, ડેન્માર્ક જેવા નાના દેશોમાં પણ લોકોનું જીવનધોરણ સારું અને સુખી હોઈ શકે છે.
0 comments