ચાલીસીની આરપાર અને મિડલાઈફ ક્રાઈસીસ
06:41લાઈફ બિગીન્સ એટ ફોર્ટી અર્થાત્ જીવનની શરૂઆત ચાલીસ વરસ બાદ થાય છે એવું પશ્ર્ચિમમાં લોકો માને છે. પશ્ર્ચિમનું અનુકરણ આપણે ત્યાં હવે થઈ રહ્યું છે. બાકી ભારતીય પરંપરામાં તો પચાસ પછી લોકો નિવૃત્ત થઈને જંગલમાં સાધુ જીવન જીવવા માટે જતા રહે એવું કહેવાતું. જો કે, એકાવને વન પ્રવેશની વાત હવે મજાકમાં બોલાય છે.
યયાતિની જેમ હવે દરેકને કોઈપણ ભોગે યુવાન બની રહેવાની ઈચ્છા થતી હોય છે, અથવા તો કહો કે કુઉઉલ દેખાવાનો પ્રયત્ન કરવો હોય છે. પુરુષો ચાલીસ વરસ બાદ ક્યારેક ખૂબ નવાઈ પામે તે રીતે વર્તતા હોય છે. તો કેટલાક ખૂબ આસાનીથી ઉંમરના તકાજાને અપનાવીને એવરગ્રીન દેખાઈ શકતા હોય છે. હાલમાં જ એક ફોટો જોવા મળ્યો તેમાં હિન્દી ફિલ્મના હીરો અક્ષય કુમારનો બીચ પર બેન્ચ પર બેઠેલો ફોટો હતો. પાછળથી લીધેલા એ ફોટામાં અક્ષય કુમારના માથાના વાળ આછા થઈ ગયેલા દેખાતા હતા. હીરો હોય કે સામાન્ય માણસ હોય દરેકને ઉંમરની અસર થતી જ હોય છે. સલમાન ખાન હોય કે આમિર ખાન કે શાહરુખ ખાન હોય તેમનો વીસ કે ત્રીસ વરસ પહેલાંનો ફોટો જુઓ અને આજનો ફોટો જુઓ તો ઉંમરનો તફાવત જરૂર દેખાશે જ. એ અલગ વાત છે કે તેમણે પોતાનો દેખાવ યુવાન જેવો કરવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં ઉંમર તેની ચાડી ખાધા સિવાય રહેતી નથી. ચાલીસ બાદ રોકિંગ દેખાવાનો પ્રયત્ન કરવો અને રોકિંગ હોવું તે બન્ને બાબતોમાં ઘણો ફરક છે.
ઉંમરના વધવાથી અનેક ફાયદા હોય છે તે ન ભૂલવું જોઈએ. સ્ત્રીઓની જેમ પુરુષોને પણ મિડલાઈફ ક્રાઈસીસનો અનુભવ થતો હોય છે થેન્કસ ટુ હોર્મોન જેને એન્ડ્રોપોઝના નામે ઓળખવામાં આવે છે. ચાલીસી બાદ શરીરમાં પહેલાં જેવી સ્ફૂર્તિનો અભાવ દેખાતો હોય છે. જીવનની ગતિ ધીમે ધીમે મંદ થતી હોય છે દરેેક રીતે. કેટલીક વખત દેખીતો ખ્યાલ ન આવે, પરંતુ પહેલાં જે ઝડપે પથારીમાંથી કે સોફા પરથી ઊભા થવાતું હતુ તેવું ચાલીસી બાદ બની શકતું નથી. તે છતાં આ ઉંમરે મોટાભાગના પુરુષોના જીવનમાં સ્થિરતા આવી ગઈ હોય છે. ‘હાવ મેન એજ’ નામના પુસ્તકમાં ખૂબ સાદી રીતે સમજાવવામાં આવ્યું છે કે પુરુષની ઉંમર થાય એટલે વાળ ઓછા થવા લાગે અને કમરનો ઘેરાવો વધવા લાગે. સિક્સ પેકને આંટી જાય એવું પેટ ગોળમટોળ થવા લાગે તે છતાં પુરુષ યુવાનીમાં હોય તેના કરતાં વધુ આકર્ષક અને કોન્ફિડન્ટ દેખાઈ શકે છે, કારણ કે ઉંમર સાથે અનુભવનું ભાથું પણ બંધાતું હોય છે.
ખેર પણ શરીર દરેક ઉંમરે પોતાનું કામ કરતી હોય છે. માણસનું મગજ શરીરના દરેક અવયવોને તેમ જ યાદશક્તિ, મન અને વિચારોને ક્ધટ્રોલ કરે છે. આ વય એટલે કે પ્રૌઢ વયે પહોંચતા સુધીમાં આપણું શરીર તેમ જ મગજ પૂર્ણપણે વિકસીને સ્થિરતા પ્રાપ્ત કરી ચૂક્યું હોય છે. જો કે, ઉંમરને કારણે અને હોર્મોનના લીધે શારિરીક-માનસિક બદલાવ અનુભવાય ખરો અને તેમાંય જો ડાયાબિટીશ કે બ્લડપ્રેશર જેવા રોગ થયા હોય તો ઘસારો વધુ અનુભવાય અને દેખાય. તેથી વધુ ઉંમર વર્તાઈ શકે. હવે આ ઉંમરનો અહેસાસ કેટલાક પુરુષો સહન ન કરી શકે એટલે પોતે નાના છે એવું દેખાવાનો પ્રયત્ન કરવા માટે નાની ઉંમરની સ્ત્રી સાથે ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેઓ પોતાની ઉંમર કરતાં ય વધુ વરવા દેખાતા હોય છે. હોલીવૂડના જાણીતા હીરો જ્યોર્જ ક્લૂની અને રોબર્ટ દ નિરો સફેદ વાળ અને કરચલીઓને પણ સ્માર્ટ રીતે કેરી કરી શકે છે. આપણે ત્યાં અમિતાભ બચ્ચન તેનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યારે રજનીકાંતના તો વાળ જ ઊતરી ગયા હોવા છતાં તેઓ જાહેરમાં જેવા છે તેવા દેખાવામાં નાનપ નથી અનુભવતા. ઉંમર વધતા હોર્મોનલ બદલાવને કારણે પૌરુષિય પર્ફોર્મન્સમાં પણ બદલાવ આવતા કેટલાક પુરુષો પોતાનું પૌરુષિય વ્યક્તિત્વ પુરવાર કરવા માટે તેને ડાયવર્ટ કરી દેતા હોય છે સફળતા મેળવવામાં, પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવામાં કે ધાર્મિક બની જતા હોય છે અથવા નવા શોખ કેળવતા હોય છે. હકીકતમાં તેઓ હજી પણ નકામા નહી પણ પૌરુષિય છે તેવું સબકોન્સિયન્સલી સાબિત કરવા માગતા હોય છે. આવા પુરુષો જ્યારે ફ્લર્ટ કરીને પોતે હજી મનથી યુવાન છે તેવું સાબિત કરવા માગતા હોય છે તે ઘણીવાર મજાકનું પાત્ર બનતા હોય છે. શૌકીન ફિલ્મને અહીં યાદ કરી શકાય.
પુરુષને પુરુષાતન સાબિત કરવામાં પોતાનો અહમ્ સંતોષાતો હોવાથી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેને પુરુષ હોવાનું સાબિત કરવાની ઈચ્છા પણ વધતી હોય છે. પરિણીત પુરુષની પત્ની ગમે તેટલી સુંદર હોય છતાં તે બીજી સ્ત્રીને હજી આકર્ષી શકે છે તે બાબત તેની પૌરુષિય માનસને રુચતી હોવાથી તે ફેસબુકથી લઈને સામાજિક મેળાવડા કે આસપાસ દરેક જગ્યાએ પ્રયત્નો કરે છે, પણ તેને ખાનગી રાખી શકતો નથી એટલે વળી હાસ્યાસ્પદ બની શકે છે અથવા અપમાનિત બને છે. ટ્રમ્પનો જ દાખલો લઈ શકાય. સ્ત્રીઓ વિશેના અશ્ર્લીલ નિવેદનો મજાકમાં પણ કર્યા હોય તો પણ તે મિડલાઈફ ક્રાઈસીસની પેદાશ છે એવું ચોક્કસ કહી શકાય. ગરીબ હોય કે શ્રીમંત હોય, નાના હોદ્દા પર હોય કે મોટા હોદ્દા પર હોય મોટાભાગના પુરુષો મિડલ એજમાં જ ખોટા કુંડાળામાં પગ મૂકી દેતા હોય છે. બિલ ક્લિન્ટને મોનિકા સાથે કરેલી ભૂલ હજી પણ ટ્રમ્પ જાહેરમાં યાદ કરીને બદનામ કરવાનું મોકો ચૂકતા નથી. આમાં પકડાય તે ચોર સાબિત થાય છે બાકી કેટલાય લોકો પકડાતા નથી.
ચાલીસની ઉંમર બાદ પુરુષ યુવાનીમાં જે ન કરી શક્યો હોય તે બધું જ કરી છૂટવાના પ્રયત્નો કરશે, કારણ કે હવે તેને કારકિર્દી અને પૈસાની ચિંતા હોતી નથી. સામાજિક સફળતા તે મેળવી ચૂક્યો હોય છે. એટલે જ તે વધુ બહારની પ્રવૃત્તિઓમાં સક્રિય થાય છે તેમાં સ્ત્રી સાથેના સંબંધો પણ આવી જ જાય છે. નાની વય કરતાં પણ મોટી ઉંમરે જ પુરુષોને લગ્નબાહ્ય સંબંધો વધુ પ્રમાણમાં બંધાતા હોય છે. તેનું કારણ હોય છે કે પુરુષ પોતે હજી પણ ડિઝાયરેબલ છે તે સાબિત કરવા માગતો હોય છે. પુરુષત્વની નબળાઈ કોઈપણ પુરુષ માટે સ્વીકારવી સહેલી નથી હોતી. તે પોતાની પત્નીને પ્રેમ કરતો હોવા છતાં બીજી સ્ત્રી માટે લાલાયિત થાય છે તે ફક્ત ને ફક્ત પોતાના પૌરુષત્વને સાબિત કરવા માગતા હોય છે. નહીં તો તેમને ડિપ્રેશન અનુભવાય તે શક્ય છે.
ઉંમર વધવા સાથે પુરુષોમાં વધુ પ્રમાણમાં ચીડિયાપણું આવી જતું હોય છે. બીજાનું અપમાન કરવું કે આડું બોલવું, ઉતારી પાડવાની વૃત્તિ પુરુષ પ્રૌઢ થતાં વધતી હોય છે. આ પણ એક પ્રકારનું ફસ્ટ્રેશન હોય છે તે બીજા પર કાઢીને પોતાની સત્તા અને મહત્ત્વ સાબિત કરવા માગતો હોય છે. યુવાન પુરુષમાં પ્રૌઢની સરખામણીમાં વધુ નમ્રતા જોવા મળશે તેનું કારણ પણ હોર્મોન જ છે. જે પુરુષ સજાગપણે પોતાના બદલાવને સ્વીકારે છે તેઓ આવા લક્ષણોથી બચવાના ઉપાય કરતા હોય છે. આપણા મગજને સક્રિય અને સજાગ રાખવાથી આ ઉંમરને ભરપૂર માણી શકાય છે. પોતાની જાતને પુરવાર કરવા માટે હવે સિક્સપેક બનાવવાની કે વરણાગી વસ્ત્રો પહેરવાની જરૂર નથી હોતી. પુખ્તવયનું પણ પોતાનું સૌંદર્ય હોય છે. આજે પણ કેટલીય સ્ત્રીઓને પચાસ વરસના ખાન હીરો ગમે છે. અભિષેક કરતાં અમિતાભ વધુ ગમે છે. રજનીકાન્તનું આખુંય સાઉથ દિવાનું છે. ક્લૂની અને નીરોની આખી દુનિયાની સ્ત્રીઓ ચાહક છે. મોટી ઉંમરે આકર્ષક વ્યક્તિત્વ મેળવવા માટે જરૂરી કેટલીક ટિપ્સ -
૧. નિયમિત કસરત કરો. તેનાથી તન અને મનનું સ્વાસ્થ્ય જળવાય છે. સ્વસ્થ સ્વાસ્થ્ય સ્માર્ટ વ્યક્તિત્વ માટે જરૂરી છે.
૨. પૌષ્ટિક આહાર લેવો. શાકભાજી અને ફળ વધુ પ્રમાણમાં લેવા. મીઠું અને સાકર ઓછા ખાવા.
૩. ઑફિસમાં વધુ સમય વીતાવવાનું ટાળો. તાણથી બચવા માટે કામનું ભારણ ઓછું કરવું. વારંવાર નાના મોટા વેકેશન લઈ કુદરતી વાતાવરણમાં ફરવા જાઓ.
૪. પુસ્તકો વાંચો, ક્રોસવર્ડ પઝલ્સ કે સુડોકુ, ચેસ જેવી રમતો રમો. પેઈન્ટિંગ, મ્યુઝિક, ગાર્ડનિંગ જેવા શોખ કેળવો. તેનાથી મન ચુસ્ત અને સ્ફૂર્તિલું રહેશે.
0 comments