ધરતીમાતાની સેવા કરવાનો ભેખ (mumbai samachar)

01:54

                             

આપણે ત્યાં પૃથ્વીને મા તરીકે પૂજવામાં આવે છે. પૃથ્વી મા આપણને જીવંત રાખે છે, પરંતુ ઇન્ડસ્ટ્રિયલાઈજેશન, લાલચ અને હિંસાએ આપણી ઇકોસિસ્ટમને ખોરવી નાખી છે. તેનો પૂરાવો આપણને બે વરસથી ઉત્તરાખંડમાં થયેલા ભારે જાનમાલના નુકશાન દ્વારા મળી ચૂક્યો છે. આ અંગે આપણે ફક્ત વાતો કરીએ કે લોકોને ભાંડીએ છીએ, પણ વંદના શિવા નામની મહિલાએ અર્થ યુનિવર્સિટીની સ્થાપના કરીને પૃથ્વીને જીવંત બનાવવાનું બીડું ઝડપ્યું છે. તેમના વિશે જાણવા જેવું છે.

વંદના શીવાએ પર્યાવરણ માટે કામ કરવાનું શરૂ કર્યું ચીપકો આંદોલનથી. ૧૯૭૦ની સાલમાં ગઢવાલ હિમાલયમાં જ્યારે મોટાપાયે ડિફોરેસ્ટેશન એટલે કે લાકડા માટે જંગલો કપાઈ રહ્યા હતા તે સમયે સ્ત્રીઓ ઝાડને વળગીને તેને કપાતા બચાવવા માટે ચીપકો આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલનમાં ભાગ લેતાં વંદના શીવાને સમજાયું કે સ્ત્રીઓને સમજાય છે કે જંગલમાંથી લાકડા મેળવતાં અનેક ઉપયોગી પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે, કારણ કે સ્ત્રીઓ પાણી ભરે, રસોઈ માટે ડાળખા ભેગા કરે અને શાકભાજી, ધાન્ય માટે વાવણી પણ કરે. જો પૃથ્વીની ફળદ્રુપતા નષ્ટ કરીને ત્યાં સપાટ જમીન કે જ્યાં ફેકટરીઓ ઊભી થાય કે પ્રદૂષણથી નકામી થઈ જાય તો તે જમીન મૃત બને છે. વંદના શીવાએ મોટાપાયે પૃથ્વીની હિંસા જે આપણી લાલચ અને નિર્દયતાને કારણે પેદા થાય છે તેને અટકાવવા માટેની ફિલોસોફી પર આધારિત પોતાના નવધાન્ય ફાર્મ પર ૧૯૮૭ની સાલથી ઇકો બાયોડાયવર્યસિટી દ્વારા જીવનનધોરણને ટકાવવાનું બીડું ઝડપ્યું. તેમણે ત્યાં ઓર્ગેનિક બીજને બચાવવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે અર્થ યુનિવર્સિટી અને બીજ યુનિવર્સિટીની સ્થાપના દહેરાદૂનમાં ૨૦૦૧ની સાલમાં કરી.

આ અર્થ અને બીજ યુનિવર્સિટીમાં આજે ૬૩૦ જાતના ચોખા ઉગાડવામાં આવે છે. ૧૫૦ જાતના ઘઉં ઉગાડવામાં આવે છે. વંદના શીવા માને છે કે રસાયણોના પ્રયોગોથી ધરતીનું હીર હણાઈ જાય છે. એના કરતાં ઓર્ગેનિક રીતે ખેતી કરવાની રીત આપણી પરંપરા રહી છે અને તે વૃદ્ધ સ્ત્રીઓ પાસેથી શીખી શકાય. સ્ત્રીઓને આ કામમાં જોડવાથી ચોક્કસ જ પર્યાવરણને બચાવી શકાય.

આજે આપણું જીવન ધોરણ કુદરતથી દૂર થતું જાય છે. પર્યાવરણની પરવા કરતાં નથી. પર્યાવરણ ન રહેતાં આપણું ભવિષ્ય ધૂંધળું છે તે દેખાતું નથી. વંદના શીવાનુંં કહેવું છે કે બીજની ખરીદી કરવામાં જ ખેડૂતો પર દેવું વધે છે. તેમણે અર્થ યુનિવર્સિટી દ્વારા ભારતભરમાં ૧૦૦ સીડ્સ બેંક શરૂ કરી છે. તેમાંથી ખેડૂતોને મફતમાં ઓર્ગેનિક બીજ આપવામાં આવે. ખેડૂત અનાજ પકવ્યા બાદ તે બીજ ફરી બૅંકને પાછા આપે. આમ ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડૂતોને બીજ તો અપાય જ છે પણ અહીં ઓર્ગેનિક ખેતીની ટેક્નિક પણ શીખવાડવામાં આવે છે. દેશવિદેશથી અનેક લોકો અહીં પર્યાવરણ અંગે અભ્યાસ કરવા માટે આવે છે. ગ્રાન્ડમધર યુનિવર્સિટી પણ અહીંથી ચલાવવામાં આવે છે. વિમેન ફોર ડાયવર્સિટી નામે પણ કોર્સ ચાલે છે.

વંદના શીવાનું માનવું છે કે ગાંધીઅન ફિલોસોફી પ્રમાણે દરેક વ્યક્તિ જો શ્રમદાન કરી ધરતી સાથે જોડાય તો અનેક સમસ્યાઓનો હલ આવી શકે છે. જીવવા માટે અહિંસક રીતે ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે તો હિંસક પ્રવૃત્તિઓ ઓછી થઈ શકે છે. જંગલ જે આપણે નષ્ટ કરીએ છીએ તે આપણી હિંસક સ્વાર્થવૃત્તિ છે. જંગલ આપણને શીખવાડે છે વિવિધતામાં એકતા ખરી લોકશાહી આપણને કુદરત પાસેથી શીખવા મળે છે. જંગલમાં દરેકનો સમાવેશ હોય છે. કોઇ એકને નષ્ટ કરીને બીજું જીવતું નથી. દરેક પ્રાણી કે જીવજંતુ જરૂર હોય તેટલું જ લે છે. સંગ્રહ નથી કરતાં કે બધું જ નષ્ટ નથી કરતા. આપણે જ એવા છીએ કે પૃથ્વીના વાતાવરણની જરૂર હોવા છતાં તેને નષ્ટ કરતાં વિચારતાં નથી. કુદરતથી દૂર થઈને અકુદરતી જીવન જીવીને હિંસાને જન્મ આપીએ છીએ. એટલે જ અર્થ ડેમોક્રેસીનો કોન્સેપ્ટ અર્થ યુનિવર્સિટીમાં છે, જ્યાં દરેકનો સમાવેશ શક્ય છે. દરેકને વિકાસનો અવકાશ આપવાનો. વંદના શીવા ઇન્ટરનેશનલ ફોરમ ઓન ગ્લોબલાઈઝેશનના સભ્ય છે.તેમણે આંતરરાષ્ટ્રિય સ્તરે પર્યાવરણ અંગે અનેક સ્તરે કામ કર્યા છે. તેમણે ફૂડ, એગ્રીકલ્ચર અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ માટે પણ લડત ચલાવી છે. દેશ વિદેશમાં તેઓ બાયોડાયર્વસિટી અને ઇકો બાયોડાયવર્સિટીના અનેક પ્રોજેક્ટ અને સંસ્થા સાથે સતત સંકળાયેલા રહ્યા છે. તેમને ૨૦૧૦માં સિડની પીસ પ્રાઈઝ અને ૨૦૧૨માં જાપાન તરફથી ફુકુઓકા એશિયન કલ્ચર પ્રાઈઝ મળ્યા છે. તેમનું કહેવું છે કે ભારતમાં ખેડૂત તરીકે મોટાભાગે સ્ત્રીઓ જ કામ કરે છે એ અંગે સંશોધન અને સંસ્થાઓની સ્થાપના પણ કરી છે. પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ તેમણે માતાપિતા તરફથી ઉછેરમાં મેળવ્યો છે અને એટલે જ તેઓ ઇચ્છે છે કે સ્ત્રીઓ પર્યાવરણને પોતાની દાદી કરતી હતી તે રીતે પ્રેમ કરે તો ભવિષ્યની પેઢીને સારું પર્યાવરણ અને સારું જીવન આપી શકશે.

You Might Also Like

0 comments