ક્રિસમસ અને વરસનો છેલ્લો દિવસ એટલે
કેટલાક પુરુષો માટે પાર્ટી કરવાનું બહાનું. ગમે કે ન ગમે પણ પુરુષોને પીવાનું
બહાનું જોઈતું હોય છે તો કેટલાકને બહાનાની પણ જરૂર નથી હોતી.
ગુજરાતમાં પણ દિવ અને દમણ આ ક્રિસમસ અને 31
ડિસેમ્બર સુધી હાઉસફુલ હશે. ભલે ગુજરાતમાં દારૂબંધી રહી પણ લાયસન્સ દ્વારા તમે
ખુશીથી ડ્રિન્કસની મજા લઈ શકો છો.
પૌરુષિય કરવા જેવા કામોમાં ગુજરાતીઓને એક આ કામ(આસવ
પીવાનું) સૌથી સરળ લાગે છે. કોણે કીધું કે એકલા પુરુષો જ પીવે છે ? એવો સવાલ ઊઠાવવાની આદત હોય તેઓ પૂછશે જ... હા
આજેતો સ્ત્રીઓ પણ પીવે જ છે. પણ ગુજરાતી પુરુષોને આજે ય આ વાત સહજતાથી સ્વીકાર્ય
નથી અર્થાત હજમ નથી થતી. જો કે અનેક પુરુષોને વગર પીધે ય બિયરબેલી જેવી બેલી
અર્થાત ગોળ મટોળ પેટ હોય છે. પણ ફક્ત ગુજરાતી જ નહીં જગત માત્રના પુરુષોમાં આલ્કોહોલ
માટે અનુરાગ છે. ગરમી હોય કે ઠંડી ચિલ્ડ
બિયર પીવો એ ભારતીયોમાં ફેશન છે. વળી તે
પુરુષોનું પીણું મનાય છે એટલે બિયર વિશે વાત કરીએ. વિદેશમાં અને કેટલેક અંશે અહીં
પણ એવું મનાય છે કે બિયર પીનારમાં પૌરુષિય તત્વો છે. માન્યતા હોય તો ય નકારી ન
શકાય કે સ્ત્રીઓને બિયર ઓછો ભાવે છે. તેના સ્વાદને લીધે. કેટલાક પુરુષોને પણ બિયર
ન ભાવી શકે એવી શક્યતા છે પણ એવું કહેનાર પુરુષની મજાક ઊડાડવામાં આવે છે. ટોણો પણ
મરાય છે કે છોકરીઓના પીણાં પી તું તારે. નથાન હેફલીક દક્ષિણ ફ્લોરીડાનો
સાયકોલોજીસ્ટ લખે છે કે, મને બિયર નથી ભાવતો એટલે હું ન પીવાનું પસંદ કરું. ત્યારે
મને મિત્રો મજાક કરતાં સેક્સુઅલ પ્રેફરન્સ વિશે પૂછે છે. બિયર પીનારા ગે નથી હોતા
એવી પણ માન્યતાઓ છે. બીજું કેટલાક દેશોમાં બિયર પીવા માટેની લીગલ ઉંમર 18 વરસની
હોય છે. છોકરો જુવાન બને કે બિયર પીવાનું શરૂ કરે તે મર્દાનગીની નિશાની મનાય છે.
પૌરુષત્વને પુરવાર કરવા માટે ય પુરુષો બિયર પસંદ કરતા હોવાની માન્યતા છે. પુરુષ
તરીકે પુરવાર થવાનો ભય સતત તેમના માથા પર ઝળુંબતો હોય છે. સિગરેટ કે બિયરની બોટલ
તેમના માટે તે ભયમાંથી રાહત આપનાર લાગે છે. બિયર પીવા માટે કોઈ ખાસ માહોલ કે
સૂટબૂટ પહેરવા જરૂરી નથી હોતા.
બિયર પીવાનું પુરુષો પસંદ કરે છે તેનું લોજીકલ
કારણ એ પણ છે કે તેઓ સ્ત્રીઓની જેમ સરળતાથી સોશ્યલાઈઝિંગ નથી કરી શકતા કે એકબીજા
સાથે ખુલી નથી શકતા. બિયરમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય અને લાંબો વખત પીવાનું
ચાલુ રહેતાં સાથે બેસવાનું બહાનું મળે છે. સ્ત્રીઓ સાથે શોપિંગ કરવા જઈ શકે, ફિલ્મ
જોવા જઈ શકે, કિટ્ટીપાર્ટી કરી ખાવાપીવા મળી શકે. પણ પુરુષો પબમાં કે
બિયરપાર્ટીમાં જ સાથે બેસી શકે. વળી બિયરમાં કશું મિક્સ કરવાની જંઝટ પણ નથી હોતી.
ખૂબ સરળતાથી ચિલ્ડ બિયર ગટગટાવી શકાય છે. એકાદ બે ગ્લાસ પીવાથી કોઈ ખતરો ઊભો નથી
થતો જ્યારે બીજા હાર્ડ ડ્રિન્ક્સમાં
આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે અને વળી તે મોંઘા પણ પડે છે. હા ગુજરાતમાં બિયર
મોંઘો પડી શકે છે પણ અન્ય રાજ્યોમાં તે એટલો મોંઘો નથી હોતો. જો કે હવે જીએસટીને
કારણે બિયર પણ મોંઘો થઈ ગયો છે.
બિયર ક્યા દેશમાં બનેલો કે બ્રાન્ડનો પીવો છો
તેના પર પણ તેની કિંમતનો આધારા હોય છે. બિયર ચિલ્ડ જ પીવાનો હોય તેને ગરમ ન પી
શકાય. એટલે ગરમીમાં સોશ્યલાઈઝિંગ કરીને ચિલ્લ થવા ઈચ્છતા પુરુષો માટે પહેલી પસંદ
હોય છે. વળી બીજી એક મિથ બિયર સાથે વણાઈ ગઈ છે બેલી ફેટની. એટલે જ મોટાભાગની
સ્ત્રીઓ બિયર પીવાનું પસંદ નથી કરતી. બિયરબેલીથી આખી દુનિયા ડરે છે. શું ખરેખર
બિયર પીવાથી બેલી એટલે કે ફાંદ વધે છે ?
મેયો ક્લિનિકના ઓબેસિટી રિસર્ચર ડો. માઈકલ જેનસન
કહે છે, આલ્કોહોલ લઈએ એટલે આપણું લીવર ફેટ એટલે કે ચરબીને બદલે સૌ પ્રથમ આલ્કોહોલ બાળવાનું
શરૂ કરે છે. એટલે વધારાની ચરબી આપણા શરીરમાં જમા થાય છે. તેમાં ય બિયરતો લોકો
બાટલાના બાટલા ગટગટાવી જાય છે. બિયરમાં પણ કેલેરી હોય છે. લગભગ 150 જેટલી કેલેરી એક બિયરના ગ્લાસમાં હોય. હવે કલ્પના કરો
કે તમે ચાર કે પાંચ ગ્લાસ ગટગટાવી ગયા તો કેટલી કેલેરી તમારા શરીરમાં જમા થઈ ? વળી આપણે ગુજરાતીઓતો પીવાની સાથે ખાવમાં ય એક્કા,
ભજીયા, તળેલી શીંગ, તળેલા પાપડ વગેરે વગેરે... કેટલીકવાર તો થાય કે ખાવા બેઠાં છે
કે પીવા ? આપણા શરીરનું મેટાબોલિઝમ ઉંમર વધવા સાથે ધીમું
થતું જાય અને જેટલી કેલેરી અંદર ગઈ હોય તેટલી વપરાય નહીં તો ચરબીમાં રૂપે જમા થવા
લાગે છે. સ્ત્રીઓને હાથપગ, નિતંબ અને પેટ પર ચરબી જમા થાય છે તો પુરુષોને ચરબી
મોટેભાગે પેટ પર જ સૌથી પહેલાં જમા થાય છે. (મગજની ચરબી વિશે ડો. જેનસને ખુલાસો
આપ્યો નથી.) એટલે કેલેરી ઇનટેક કર્યા બાદ નિયમિત કસરત કરતાં લોકોમાં બિયર પીધા
છતાં પણ બિયરબેલી બનતી નથી.
ટૂંકમાં પેટના ઘેરાવાને અને બિયરને કશી લેવા દેવા
નથી. બધો જ ખેલ કેલેરી અને કસરતનો છે. માનવ જાતે બિયર પીવાની શરૂઆત 5000 હજાર વરસ
પહેલાંથી કરી હતી એવા પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. ઇરાક, ઇરાનમાં સૌ પ્રથમ બિયર
બન્યાની નોંધ છે. જે પણ ધાન્યમાં મીઠાસ હોય તેમાંથી બિયર બની શકે છે. ભારતમાં
યુરોપિયન આવ્યા બાદ ટ્રેડિશનલ બિયરની શરૂઆત થઈ પણ એનાથી હજારો વરસ પહેલાં પણ
બિયરથી આપણે અજાણ નહોતા. ચોખામાંથી બિયર આપણે ત્યાં બનતો. વેદોમાં પણ સુરાનો
ઉલ્લેખ છે. આદિવાસીઓ ચોખા અને જુવાર કે જવમાંથી ઘરે બિયર બનાવતા કે હજી પણ બનાવે
છે.
અમિત આડતિયા જુનાગઢનો એકમાત્ર ગુજરાતી હાલમાં
તાજો બિયર બનાવવાની મશીનરી બનાવે છે. વિદેશમાં માઈક્રોબ્રુવરીઝ પ્રચલિત છે પણ આપણે ત્યાં હવે બ્રુવરીઝ ઈન્ડસ્ટ્રીઝ દિન
દુગની રાત ચૌગુની(100 ટકા દરે) વિકસી રહી છે.
મેટ્રો શહેરોમાં તો આ બિયરબાર એટલે કે બ્રુવરીઝ પુરુષોના અડ્ડા હોય છે. અમિત આડતિયા કહે છે કે ટેક્સેશનને લીધે તાજો બિયર થોડો મોંઘો
પડે છે પણ ટેસ્ટમાં તે બેસ્ટ હોય છે. પીઓ તો જાનો કહેતા અમિત હસી પડે છે. બિયરનો
ટેસ્ટ કલ્ટીવેટ કરવો પડે છે. ભારતમાં સ્ટ્રોંગ બિયર સૌથી વધુ વેચાયાના આંકડાઓ મળી
રહ્યા છે. ભારતમાં નશા માટે પીતા લોકો બિયર નહીં પીએ. કારણ કે એ તેમને બીજા
આલ્કોહોલના પ્રમાણમાં મોંઘો લાગે છે. બિયર પબ હવે આપણે ત્યાં પણ હવે આકાર લઈ રહ્યા
છે. આ વરસે તો મુંબઈની બ્રુવરી બારમાં જગ્યા મળવી મુશ્કેલ છે કારણ કે તે આખી રાત
પાર્ટી માટે ઓપન રહેવાની છે. કોલાબાનું લિયોપોલ્ડ કેફે શાંતારામ નવલકથાને લીધે
વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
નવાઈ લાગશે કે બિયર હેલ્ધી ડ્રિન્ક માનવામાં આવે
છે. પહેલાંના જમાનામાં જ્યારે દાણા સાચવવાનું સહેલું નહોતું ત્યારે તેમાં આથો
લાવીને સચવાતા તે જ આજે બિયર તરીકે ઓળખાય છે. બિયરમાં પ્રોટિન, વિટામીન બી,
ફોસ્ફરસ, મેગનેસિયમ, આર્યન, નાયસિન વગેરે છે. કોઈપણ વસ્તુનો અતિરેક નુકશાનકારક હોય
છે. એટલે પીવો હોય તો થોડી માત્રામાં પીવો. હું તો આટલા લિટર બિયર પી શકું એવી
શેખી મારવાથી ફાયદો નહી પણ નુકશાન જ છે. થોડીમાત્રામાં આલ્કોહોલ સ્ટ્રેસ, એન્કજાઈટી અને
સેલ્ફ કોન્સિયન્સનેસ દૂર કરે છે. થોડીમાત્રા બિયરબેલી પણ નથી આપતી. વળી હાઈ કેલેરી
આરોગી, બેઠાડું જીવન જીવતાં પણ પેટ પર ચરબી વધે જ છે. બીજું આપણે ત્યાં આલ્કોહોલ
બાબતે દંભ પોષવામાં આવે છે. આલ્કોહોલને ખરાબ માનીને પીનારાને પણ ખરાબ કે બગડી
ગયેલો માને. કોઈપણ બાબતનો અતિરેક નુકશાનકારક છે આ વાક્ય વારંવાર વાચીને અમલમાં
મૂકવું. દ્રાક્ષાસવ પણ એક જાતનો આસવ જ છે.
ચોરીછુપીથી મોટેભાગે બધા પીતા હોય છે. પ્રતિબંધિત ગુજરાતમાં 1960 બાદ
બુટલેગરના કેસ સૌથી વધુ બન્યા છે. અને લઠ્ઠાકાંડમાં હજારો મોત થયા છે. દમણ અને
દીવમાં સૌથી વધુ ગુજરાતીઓ આલ્કોહોલના સેવન માટે જ જતાં હોય છે તે ન ભૂલાય.
- 04:51
- 0 Comments