ભગવાન, રજનીશ, આસારામ અને ભક્તો

22:06







રજનીશે અમેરિકન જેલમાં થોડો સમય વીતાવ્યો હતો. તેમને હજી પણ ભગવાન માનનારો વર્ગ છે. તેમને ભગવાન માનનારામાં વિદેશીઓ ઘણાં છે. રજનીશ વિશેની એક ડોક્યુમેન્ટરી હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. પહેલી એવી ડોક્યુમેન્ટરી છે જેમાં રજનીશ વિશે ડિટેઈલમાં તેમના ખાસ અનુયાયીઓ વાત કરે છે. રજનીશને કોન્ટ્રોવર્સીમાં રહેવું ગમતું હતું. વાણી અને આંખથી જાદુ કરી શકતા રજનીશના વ્યક્તિત્વમાં ચોક્કસ કોઈક એવો કરીશ્મા હશે જેથી દુનિયાભરમાંથી બુદ્ધિશાળી વ્યક્તિઓ તેમને ભગવાન માનતા હતા. તેમના ખાસ જર્મન અનુયાયી મા સાધનાએ કહ્યું હતું કે રજનીશ કહેતા કે મને પ્રેમ કરો કે ધિક્કારો પણ મને નજરઅંદાજ નહીં કરી શકો. ઓશોના નામથી પ્રસિદ્ધ રજનીશ આધ્યાત્મિક ગુરુ બન્યા બાદ ૧૯૭૪માં પુનામાં આશ્રમ સ્થાપ્યો. સાતેક વરસમાં આશ્રમમાં ચાલતા ધ્યાનના પ્રયોગો અને નગ્ન નૃત્યો વિશે અનેક વાયકાઓ અને કથાઓથી લોકો અકળાવા લાગ્યા. વ્યભિચાર ચાલી રહ્યો છે કહીને તેમનો વિરોધ થયો. ઓશો પર હુમલો થવાના ડરે તેમણે અનુયાયીઓ સહિત અમેરિકાના ઓરેગાનો વિસ્તારમાં નવું શહેર વસાવ્યું. રજનીશપુરમ નામના શહેરની ગતિવિધિને કારણે, અનુયાયીઓની મહત્ત્વકાંક્ષાઓના કારણે અનેક એવી ઘટનાઓ બની કે જેનાથી વિરોધનો વંટોળ ફુંકાયો. આસપાસ રહેતા અમેરિકનો કે જેમને રજનીશમાં કોઈ શ્રદ્ધા નહોતી તેમને આશ્રમ સામે વાંધો પડ્યો. વિરોધ વધ્યા અને આશ્રમના સંચાલનમાં અનેક ગુનાઓ આચરાયા હોવાનો આરોપ થયો.

આસારામ હોય કે બીજા કોઈપણ બાપુઓ હોય તેમના વક્તવ્યની સરખામણી રજનીશ સાથે આજે પણ થાય છે. કેટલાય લોકો માને છે કે રજનીશ જેવું સંમોહક વક્તવ્ય આપવું અઘરું છે. આસારામ સારા વક્તા હોવાનું ઘણાને લાગ્યું હશે એટલે જ તેમના ભક્તો હશે ને! ખેર, રજનીશને યાદ કરવા પડે જ્યારે કોઈ આશ્રમ અને ગુરુપદે પૂજાતી વ્યક્તિ સેક્સ, સંપત્તિ અને સત્તાના વિવાદોથી ઘેરાયેલી હોય. રજનીશે પોતાના સંમોહનથી કેટલીય સ્ત્રીઓ પર જાદુ કરેલો પણ હા બળાત્કારનો આરોપ તેમના પર નથી. રજનીશને તેમની સેક્રેટરી કમ શિષ્યા મા શીલાએ જરૂર ધોકો આપ્યો. તેમને છોડીને તે ભાગી ગઈ હતી તે મૃત્યુ સુધી મળી નહોતી. જો કે તે આજે પણ તેમના પ્રેમમાં હોવાનું કબૂલે છે. તેમને ભગવાન કહીને જ સંબોધે છે. શક્ય છે કે આસારામ, રજનીશ જેવા બનવાની મહેચ્છામાં રાચતા હોય. તેમના નૃત્યનાં દૃશ્યો અને વાત કરવાની કળામાં નબળા અભિનયની ઝાંખી થાય છે.

રજનીશ અને આસારામના આશ્રમમાં મૂળભૂત ફરક છે એસ્થેટિક્સનો. રજનીશના અનુયાયીઓ મોટેભાગે પૈસાદાર, બુદ્ધિશાળી તેમ જ સફળ વ્યક્તિઓ હતી. રજનીશ માનતા હતા કે ધ્યાન મફતમાં શીખી ન શકાય. આજે પણ તેમના અનુયાયીયો કોમ્યુન ચલાવે છે દેશવિદેશોમાં. ત્યાં રહેવાની સગવડ ફાઈવસ્ટાર હોટલ જેટલી મોંઘી હોય છે. પૂનાના આશ્રમમાં પણ સહજતાથી પ્રવેશ કરવો કે રહેવાનું શક્ય ન બને. આસારામના અનુયાયીઓ ગામડાઓમાં ઘણાં છે. સત્તાધારી વ્યક્તિઓ આસારામનો ઉપયોગ કરવા માટે જ તેની સાથે સંકળાતી હતી કે તેમની અનુયાયી બનતી હતી. નહીં તો તેમના દીકરાને સ્ત્રીઓ લાવી આપવાનું કામ તેમના અનુયાયીઓ કઈ રીતે કરે. ભક્તિમાં કોઈ સ્ત્રીનું શોષણ કરવાની વાત તો હોય જ નહીં. વ્યભિચાર પણ ન જ હોવો જોઈએ. ખેર આવા ઘણા સવાલો આસારામના ભૂતકાળને તપાસતા બહાર આવી શકે છે. આવા બની બેઠેલા બાપુઓ વ્યભિચાર એકલે હાથે કરી જ ન શકે જો તેમના અનુયાયીઓનો સાથ ન હોય.

પુરુષો સારા વક્તા હોય છે, કૃષ્ણમૂર્તિ કે રજનીશને સાંભળનારા આજે પણ તે કબૂલે છે. એવું નથી કે સાચી આધ્યાત્મિક વ્યક્તિઓ ભારતમાં હતી જ નહીં કે છે જ નહીં. આધ્યાત્મિક સંત વ્યક્તિઓ ભારતમાં હતી અને હોઈ શકે છે. શક્ય છે તેમનો મોટો બહોળો ભક્તગણ ન હોય કે તેઓ પ્રસિદ્ધ ન હોય, કારણ કે તેમને કશું જ મેળવવું હોતું નથી. તેમને કીર્તિ, ધન, સત્તા કે સ્ત્રીનો સાથ કશાની પડી હોતી નથી. તેમને પોતાના અનુયાયીઓ કરતાં ભગવાન સાથેના સંબંધમાં જ રસ હોય છે. હા કોઇ સાચા જિજ્ઞાસુ આવે તો તેને પોતે ખેડેલો માર્ગ ચીંધવાનો પ્રયત્ન જરૂર કરશે, પણ તે માટે કોઇ અપેક્ષા કે આગ્રહ નહીં સેવે.

કેટલીક વ્યક્તિઓની પ્રતિભા એટલે કે પર્સનાલિટી, કરીશ્મા એવો હોય છે કે તેમના તરફ સહજતાથી લોકો આકર્ષાય છે. તેમની આસપાસ રહેવું કે તેમની વાત સાંભળવી ગમે છે. જેમ આવા ધાર્મિક કે આધ્યાત્મિક કે જ્ઞાની પ્રવચનકારોની સાયકોલોજી હોય છે તેમ તેમના ભક્તગણ કે તેમનામાં માનનારાઓની પણ સાયકોલોજી અર્થાત માનસિકતા હોય છે. પછી તે જેહાદી મુસ્લિમ હોય કે જૈન હોય કે હિન્દુ હોય કે ક્રિશ્ર્ચયન હોય. ધર્મની વાત એટલે કે ધર્મના નામે જ મોટાભાગની લડાઈઓ કે હત્યાઓ કે જેહાદો થયા છે. ધર્મના નામે ભારતમાં કેટલા બળાત્કારો થાય છે કે હત્યાઓ થાય છે તેનું સંશોધન થયું નથી કે તેના આંકડાઓ જુદા ગણવામાં આવ્યા નથી. કારણ કે આપણે માનીએ છીએ કે ધર્મના નામે કોઇપણ દુરાચાર સરળતાથી થઈ શકે છે અને ધર્મમાં અંધશ્રદ્ધા રાખનારાઓ તેની પૂર્તિ કરતા હોય છે. નહીં તો આસારામ, રામરહીમ જેવાઓનો મોટો અનુયાયી વર્ગ ન હોત અને કે ન તો તેમની વૈભવી લાઈફસ્ટાઈલ હોત. બાપુઓને વૈભવી બંગલાઓમાં રહેવા જોઈએ અને ગાડીઓમાં ફરવા જોઈએ તેની સામે કોઈ ભક્તને વાંધો હોતો નથી. હા ફક્ત આ બાપુઓએ દાઢી વધારેલી હોવી જોઈએ, સફેદ કે ભગવા (લાલ) વસ્ત્રો પહેરવા જોઈએ.

મોટાભાગના માણસો ભોળા હોય છે અને આળસુ પણ. તેમને એમ હોય છે કે ચમત્કાર થાય તો તેમની સંસારીક ભૌતિક ઇચ્છાઓ પૂરી થાય. કંઇક એવો ચમત્કાર થાય ને તેમના બધાં દુખદર્દો દૂર થઈ જાય, જ્યાં લોભી હોય ત્યાં ધૂતારાઓ ભૂખ્યે નથી મરતા તેવો ઘાટ અહીં પણ થાય છે. કોઇને ભગવાન નથી જોઇતા હોતા પણ સંસારનાં સુખો જોઇતા હોય છે એટલે જ તેઓ એવા કોઇ બાપુ કે બાબા પાસે જાય છે જે સીધી કે આડકતરી રીતે કહે છે મારામાં શ્રદ્ધા રાખો. તમારી દરેક ઈચ્છા પૂરી થશે. તો વળી કેટલાક એવા પણ માનનારાઓ છે જેમને નવરાશ જ નવરાશ છે, કે તેમને એકલતાનો ભય હોય છે. એટલે સમૂહમાં રહેવા માટે જાય છે.

જેમનામાં આત્મવિશ્ર્વાસ ઓછો હોય છે તેઓ આવી વ્યક્તિઓની પાસેથી ધાર્મિક-આધ્યાત્મિક વાણી સાંભળીને પોતાનામાં વિશ્ર્વાસ જગાવે છે. તેઓ વારંવાર પોતાના આત્મવિશ્ર્વાસને દાખવે કે ખાતરી કરાવે તેવી પ્રેરણાની જરૂરત હોય છે. આવા બાબાઓ કે બાપુને કે ધર્મના વડાઓને સમુદાયની માનસિકતા સમજીને વાત કરવાનો મહાવરો હોય છે. તેઓ એવું જ બોલે જે લોકોને સાંભળવું ગમતું હોય છે.

ગોડમેન અંગ્રેજી શબ્દ છે, પણ તેનો અર્થ એજ થાય છે, જ્યારે આપણે બાપુ કે બાબા કહેતા ફરીએ છીએ. ભગવાનનો માણસ જે ભગવાનની સાથે તમારો સીધો સંપર્ક કરી આપે કે ન કરી આપે પણ તમને જીવન માટે સતત આશાવાદી બનાવે. તમારી તકલીફોને દૂર કરવાની કે સપનાઓને સાચા પાડવાની આશા જગાડે. રામરહીમ તો પોતાને ભગવાનનો મેસેન્જર કહેવડાવતો હતો. કેટલાક ભક્તો માટે તો તે ભગવાન જ હતો. આસારામ પણ અનેકોને માટે ભગવાન હતો એટલે જ જ્યારે તેમના પર બળાત્કારનો ગુનો સાબિત થયો અને તે માટે સજા થઈ તો પણ એમના ભક્તોને વિશ્ર્વાસ ન બેઠો કે તેમના ભગવાન કોઈ ગુનો કરી શકે. તેમના માટે તો આસારામ આજે પણ નિર્દોષ છે. કારણ કે જો તેઓ માની લે કે એ લોકો જેમને પૂજતા હતા તે વ્યક્તિ ભગવાન નથી તો તેમનો આત્મવિશ્ર્વાસ તૂટી પડે. તેમના જીવનની દરેક ઈચ્છાઓનો આધાર તૂટી પડે. હકીકતમાં તેઓ માનસિક રીતે આશારામ પર ટીંગાઈ ગયા હોય છે. એ એક ખૂટો છે જ્યાં તેઓ શ્રદ્ધાના જોરે

લટક્યા છે.

આ માનસિકતા જેવી નથી હોતી તેઓ ક્યારેય બાપુઓની માયાજાળમાં ફસાતા નથી. અનેક લોકો ભૂવાઓને-બંગાળીબાબાઓને ચમત્કાર કરીને પોતાની તકલીફો દૂર કરવા બોલાવતા હોય છે અને પછી એ ભૂવાઓ ઘરની સ્ત્રી-દીકરીઓ પર બળાત્કાર કરતા હોવાના કેટલાય કેસ પોલીસને ચોપડે નોંધાયા છે. ભૂતકાળનો બાબાઓનો ઇતિહાસ તપાસતા જણાય કે દરેક બાબા કે બાપુઓને મોટો અનુયાયી ભક્તગણ વર્ગ છે. અને જેટલી પણ કોન્ટ્રોવર્સી થઈ તેમાં સેક્સ અને સત્તા કેન્દ્ર સ્થાને રહ્યા છે.


You Might Also Like

0 comments