ઘણી બધી સ્ત્રીઓ, ઘણા દેશોમાં એક જ ભાષા બોલે છે

21:30



સ્ત્રીનું નામ ઓળખ પુરતું જ મહત્ત્વનું હોય છે બાકી તેના નામ સાથે વ્યક્તિત્વ પણ ભૂંસી નાખવામાં આવે છે.

મારી પરિણીત નવી મૈત્રિણીનું ખરું નામ કંઈક બીજું હતું તેની મને થોડો સમય પહેલાં ખબર પડી. આપણે તેને પારમિતાના નામે ઓળખીશું. લગ્ન પહેલાંનું તેનું નામ લતા હતું. તેના લગ્ન પ્રેમલગ્ન જ કહી શકાય કારણ કે બન્નેએ એકબીજાને મળી-જાણીને પરણવાનું નક્કી કર્યું હતું. એનો પતિ આધુનિક-સ્વતંત્ર વિચારો ધરાવતી યુવતી, પત્ની તરીકે અપેક્ષા રાખી રહ્યો હતો. એ વાતની ચોખવટ લગ્ન પહેલા જ થઈ ગઈ હતી. એટલે સંગીત શીખતી અને ભણેલીગણેલી લતાને લાગ્યું કે તેને સપનાનો રાજકુમાર મળી ગયો. સગાઈ થયા બાદ તરત જ એના થનારા પતિએ કહ્યું કે તે એનું નામ બદલી નાખવા માગે છે. લતાએ થોડો વિરોધ પણ કર્યો પણ વાત જ પ્રેમમાં લપેટીને કહેવાઈ હતી કે લતાને થયું કે શેક્સપિઅરે કહ્યું છે ને વોટ ઈઝ ઈન ધ નેમ...શું ફરક પડે છે નામ બદલવાથી અને તેને લાગ્યું કે તે એના પતિના પ્રેમમાં છે એટલે પ્રેમ માટે સરનેમ સાથે નામ પણ બદલી નાખીએ.

જો કે પછી વરસો જતાં તેને સમજાયું કે આધુનિક પત્ની ફક્ત કપડાં અને બોલચાલમાં જોઈતી હતી. લોકોની સામે પોતાની પત્ની કેટલી સ્માર્ટ અને સુંદર છે તે દેખાડવું હતું. બાકી તો પતિના નિર્ણયો સામે દલીલ ન કરે, પોતાના મંતવ્ય વ્યક્ત ન કરે, ટુંકમાં ચૂપ રહે તેવી જ પત્નીની અપેક્ષા તેને હતી. અહીં અનસૂયા સેનગુપ્તાની કવિતા યાદ આવે છે. તેમણે લખેલી સાયલન્સ નામની કવિતાની પંક્તિ એક સમયે હિલેરી ક્લિન્ટને યુનાઈટેડ નેશનની પોતાની સ્પીચમાં ટાંકી હતી. એ કવિતાની કેટલીક પંક્તિઓ અહીં ટ્રાન્સલેટ કરીને મૂકું છું.

ઘણી બધી સ્ત્રીઓ, ઘણાં દેશોમાં, એક જ ભાષા બોલે છે ...મૌનની

મારી દાદીમા હંમેશાં ચુપ રહેતાં, હંમેશાં બીજાની સાથે સહમત જ હોય ફક્ત તેમના પતિને જ કશું પણ કહેવાનો કે સંભળાવવાની અબાધિત સત્તા હતી.

તેઓ કહે છે કે હવે બધું બદલાયું છે.

(કારણ કે હવે હું મારા મત વ્યક્ત કરું છું, મારી દાદીમા કહે છે કે હું બહુ બોલું છું)

કવિતામાં અનસૂયા આગળ કહે છે કે સ્ત્રી જ્યારે પોતાના વિચારો રજૂ કરે છે, જે રીતે સ્ત્રી રજૂ કરે તેમ નમ્રતાથી, કોઈ સવાલ ન કરે કે અધિકાર ન માગે ત્યારે વાંધો નથી આવતો, પરંતુ જેવો તેનો અવાજ ઊંચો થાય કે તેમાં સ્વતંત્રતાની કે સત્તાની ભાષા ઊમેરાય છે તો તકલીફ થાય છે. આજે આપણી પાસે બન્ને છે સ્વતંત્રતા અને સત્તા એ લોકોને ખબર પડવી જોઈએ. એટલે જ એવી ઘણી બધી સ્ત્રીઓ છે જે ઘણાં દેશોમાં જ્યાં સ્ત્રીઓ પાસે એક જ ભાષા છે મૌનની. તેમને શબ્દો આપવાની જરૂર છે. શબ્દો.

ભણેલી, નોકરી કરતી સ્ત્રીઓને પણ કેટલી સ્વતંત્રતા હોય છે તે વિચારવાની જરૂર છે. સ્ત્રીઓને બોલવાની આદત નથી. નામની બાબતમાં તો લગ્ન પછી તેનું મૂળ નામ ન બદલાય તો પણ તેની ઓળખ બદલાઈ જતી હોય છે. પતિનું નામ અને અટક લાગે છે. પુરુષ એક જ નામ અને અટક સાથે આખું ય જીવન જીવી જાય છે, પણ સ્ત્રીએ બદલાવું પડે છે. તેનું ઘર, એડ્રેસ, નામ, અટક અને ટેવો પણ. તેને શું ભાવે છે કે નથી ભાવતું તે મહત્ત્વનું નથી રહેતું. તેને કોઈ પૂછતું નથી, અને જો પૂછે છે તો સાંભળીને પછી કહી દેવાય છે કે ...અહીં તો આમ જ બનશે કારણ કે એમને નથી ભાવતું કે તારા પતિને નથી ફાવતું. દરેક ટેવો બદલાવવી પડે છે. સવારે મોડા ઊઠવાનું હોય જ નહીં. ઊઠીને સીધા રસોડામાં જતું રહેવાનું.

છોકરી તરીકે જનમ્યા બાદ તેનું વ્યક્તિત્વ લગ્ન પહેલાં ય ઘડવા દેવામાં નથી આવતું કારણ કે તેણે લગ્ન બાદ સાસરિયાના ઘરને અનુકૂળ બનવું જોઈશે. જો એ એવું ન કરે તો બગાવત ગણાય. તે જો એમ કહે કે મારે નામ નથી બદલાવવું તો શક્ય છે કદાચ કંઈ ન કહેવાય પણ તે બગાવતી છે તેવો સંદેશ જરૂર પહોંચી જાય. લતા કહે છે કે હું ડબલ ગ્રેજ્યુએટ થઈ પણ મને ક્યારેય શીખવાડાયું નહોતું કે મારી મરજી પણ હોઈ શકે છે. સ્ત્રીએ નમતું જોખવાનું હોય. તું જો કહે હા તો હા ... પતિને કહેવાનું હોય એ માનસિકતા એવી ઘડી દેવાઈ હતી કે ત્યારે ખ્યાલ જ આવ્યો કે પતિને નથી ગમતું એટલે મારે નામ શું કામ બદલાવવું જોઈએ? ક્યારેય સાંભળ્યું નથી કે કોઈ પતિએ નામ બદલાવ્યું હોય. મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ રિવાજ જ છે કે લગ્ન બાદ છોકરીનું નામ પણ બદલીને નવું રખાય. કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાં જેમ રિબુટ કરીને પાછલું બધું ભૂસી નાખીને નવું બનાવાય છે તે જ રીતે સ્ત્રીને લગ્ન બાદ પોતાનું નામ, ટેવ એમ કહો કે અસ્તિત્વ જ ભૂંસી નાખીને નવો જન્મ ધારણ કરવાનો.

હજી આજે પણ અનેક ઘરોમાં સ્ત્રીઓની એક જ ભાષા હોય છે... મૌનની. પોતાના વિચારો વ્યક્ત ન કરતી, પોતાના ગમાઅણગમા વ્યક્ત ન કરતી. પોતાની કોઈ ઈચ્છા જ ન રાખતી સ્ત્રીઓને કોઈ તકલીફ નથી થતી. જીન્સ પહેરી શકાય પણ પોતાની મરજીથી ઘરની બહાર ન જઈ શકે. પોતાની મરજીથી આખો દિવસ કશું જ કર્યા સિવાય ટેલિવિઝન ન જોઈ શકે કે સૂઈ ન શકે. બહાર જઈને કામ કરતી હોય, પોતાના પતિથી વધુ કમાતી હોય તો પણ ઘરમાં આવીને સીધા રસોડામાં જવાનું. ઘરની બહાર નેમ પ્લેટ પર મિ એન્ડ મિસિસ લખાય પણ તેનું નામ ન લખાય... પહેલાં સ્ટીલનાં વાસણો પર નામ કોતરાવાતા, લગ્ન વખતે અપાતા વાસણ પર તેનું નામ હોય ...ચિ....ને લગ્નપ્રસંગે, પણ પછી તો સસરાનું કે પતિનું જ નામ લખાતું. હવે તો એ સ્ટીલનાં વાસણો પણ ગયા એટલે નામ લખાવવાનો પ્રશ્ર્ન જ નથી આવતો. ઘણી એવી સ્ત્રીઓ છે જે પોતે પણ માને છે કે સ્ત્રીઓને અમુક બાબતમાં ખબર જ ન પડે. જેમ કે બૅંકના કામ, ઈન્વેસ્ટમેન્ટના કામ, ઘરના કે જમીનના દસ્તાવેજ બનાવવાના કામ વગેરે વગેરે... હવે એ લતા કહે છે કે મને પારમિતા નામ મળ્યે દસ વરસ થઈ ગયા છે એટલે આદત પડી ગઈ છે એટલે બદલતી નથી. તે છતાં એકવાર તેણે પતિને પૂછ્યું હતું કે ધારો કે લગ્ન સમયે તેણે નામ બદલવાની ના પાડી હોત તો ?તેના પતિએ હસતાં હસતાં કહ્યું કે પણ તે ના નથી પાડી તે હકીકત છે અને મને ખાતરી હતી કે તું ના નહીં જ પાડે, શું કામ ના પાડે? તને નવું સારું નામ મળી રહ્યું હતું. ચલ છોડ વાહિયાત વાતો ન કર... જા ચા-નાસ્તો બનાવી લાવ. આ વાત કરતાં લતા (પારમિતા) કહે છે કે હમણાં ય હું કશો જ વિરોધ ન કરી શકી અને રસોડામાં ચા બનાવવા ચાલી ગઈ. મને મૌનની ભાષા એટલે કે ચુપ રહેતા સારું આવડે છે નહીં?! ને હું ચુપચાપ એની મૌનની ભાષા સાંભળતી રહી.

You Might Also Like

0 comments