એકલતાના આટાપાટા
20:54
અકેલે હૈ તો ક્યા ગમ હૈ એ ગીત ગાવું કે સાંભળવું સહેલું છે પણ તેની અનુભૂતિ અઘરી છે. આજે એકલતા વિશ્ર્વમાં એક સમસ્યા બની ગઈ છે. એકલતાની સમસ્યા દૂર કરવા મિનિસ્ટ્રિ રચવામાં આવે છે. પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ એકલતાનો સામનો કરવો પડતો હોય છે. તેનું કારણ છે મસ્કયુલિનિટીની માન્યતા. અભ્યાસ દર્શાવે છે કે લગ્ન બાદ પુરુષો પોતાની પત્ની સાથે બોન્ડિંગ કરવામાં બીજા બધા સંબંધો જેમકે મિત્રો છૂટી જાય છે. પોતાનો અંગત કહી શકાય એવો સમય પણ નથી રહેતો. મિત્રો સાથેનું બોન્ડિંગ પણ ક્યારેય એવું અંગત ભાગ્યે જ હોય છે કે જેમાં પોતાની વાત થઈ શકે. આધુનિક યુગમાં સામાજિક સંદર્ભે પુરુષ મેલ કનેકશન એટલે કે પુરુષો સાથેનું બોન્ડિંગ ઓછું કરી રહ્યો છે.
પહેલાં આવું નહોતું પુરુષો એકબીજાના ખભે હાથ મૂકી કે હાથ પકડી ચાલતા હોય એવું જોવા મળતું પણ હવે સંકુચિતતા પ્રવેશી છે એટલે કે કોઈ બે પુરુષ એકબીજાને સ્પર્શ કરે તો લોકો તેને સમલૈંગિક સમજી લેશે એવો ભય રહે છે. એ ભયને કારણે હવે પુરુષો એકબીજાને સ્પર્શ કરવાનું ટાળે છે. એવું નથી કે પુરુષને પોતાના મિત્રો સાથે લાગણીભર્યા સંબંધો બાંધવા ગમતા નથી, પરંતુ પુરુષાતનના ખોટા ખ્યાલો તેમને નડે છે. પુરુષને લાગણીઓ શોભે નહીં અથવા લાગણીનું પ્રદર્શન નબળાઈ ગણવામાં આવે છે. જ્યારે સ્ત્રીઓ સરળતાથી અને સહજતાથી સ્ત્રી મિત્ર સાથે ઈન્ટિમેટ એટલે કે લાગણીપ્રધાન સંબંધો રાખે છે તો એને કોઈ ખાસ શંકાની નજરે નથી જોતું કે તેમના સંબંધોને ખરાબ માની ઉતારી પાડવામાં નથી આવતા. યાદ કરો તમે છેલ્લો ક્યારે તમારા પુરુષ મિત્રનો હાથ પકડીને બેઠા હતા? કે ખભે હાથ મૂકીને વાત કરી હોય. પહેલાં ફક્ત પુરુષો માટેની ક્લબ હતી, ફક્ત છોકરાઓની શાળા હતી. હવે સ્ત્રી પુરુષના ભેદ ન રહેતા પુરુષાતનના ખોટા ખ્યાલો વધુ દૃઢ બન્યા છે. પુરુષ લાગણી દર્શાવે તો બાયલો ગણાય એવા વણલખ્યા સામાજિક નિયમો બનાવ્યા તે પણ પુરુષો એ જ. પુરુષાતનના ખોટા ખ્યાલોને કારણે જ પુરુષો એકલા પડતા જાય છે. આપણે ત્યાં પ્રૌઢ મહિલાઓ ભજન કે કિટ્ટીપાર્ટી કે મહિલામંડળ દ્વારા પોતાની જાતિ સાથે જોડાય છે. અંગત મિત્રતા પણ બાંધી શકે છે પણ પુરુષો માટે બારમાં જઈને બેસવા સિવાય બોન્ડિંગની કોઈ પ્રવૃત્તિ રહેતી નથી.
લગ્ન થયા બાદ રવિવારે મિત્રો સાથે ક્રિકેટ કે અન્ય રમતો પણ ધીમે ધીમે ઓછી થતા બંધ થઈ જાય છે. પ્રૌઢ પુરુષો આપણે ત્યાં ક્લબ કે રમતગમત દ્વારા એકબીજા સાથે વ્યવહારિક પ્રસંગો સિવાય જોડાતા નથી. પ્રૌઢ પુરુષ એકલતાનો શિકાર બનેલો વધુ જોવા મળશે. બીજું કે આધુનિક પુરુષ માનવીય સંબંધોથી દૂર થઈ ટૅકનોલૉજીનો બંધાણી બની રહ્યો છે. એને કારણે પણ એકલતા વધી રહી છે કારણ કે તે માનવીય સંબંધો સહજતાથી બાંધી નથી શકતો.
આધુનિક યુગમાં ટૅક્નોલૉજી સાથે સતત સંપર્કમાં રહેતો પુરુષ એકલતામાં અટવાઈ રહ્યો છે. ચીનનો એન્જિનયર ઝેંગ જીઆજીઆ ૩૧ વરસનો થયો પણ કોઈ સ્ત્રી તેના જીવનમાં કે દિલમાં કાયમી વસવાટ કરી શકી નહીં. જ્યારે પુરુષ મિત્રો સાથે પણ લાગણીભર્યા સંબંધો ન હોવાથી એકલતા આકરી લાગતા તેણે પોતાને મનગમતી રોબો સ્ત્રી બનાવી જેનું નામ રાખ્યું યિંગયેંગ. તેની સાથે લગ્ન કર્યા એ સમાચાર વાયુવેગે વિશ્ર્વમાં પ્રસરી ગયા. ભવિષ્યમાં ઝેંગ તેની પત્નીમાં સુધારા કરીને તેને ઘરકામ કરતી પણ કરશે. ટૂંકમાં ઝેંગ જે રીતે રાખે તે રીતે યિંગયેંગ રહેશે.
અવારનવાર સાંભળવા મળે છે કે યુવાન પુરુષો આપઘાત કરે છે. એકલતા એ આજના આધુનિક યુગની આડ પેદાશ છે જે અંદરથી માનવીને કોતરી રહી છે. ફેસબુક પર હજારો મિત્રો હોવા છતાં કે વોટ્સ એપ પર અનેક ગ્રુપ હોવા છતાં યુવાનો સૌથી વધુ ડિપ્રેશનનો શિકાર બને છે. આજનો યુવાન ટૅકનોસ્માર્ટ બને છે પણ બીજી વ્યક્તિ સાથે જોડાઈ શકતો નથી. કહે છે કે મોટાભાગના ઈન્ટેલિજન્ટ પુરુષોને સ્ત્રીની સાથે કેવી રીતે વર્તવું અથવા તો એમ કહીએ કે સ્ત્રી સાથે મિત્રતા બાંધતા નથી આવડતું. તેનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાંનું મુખ્ય કારણ હોય છે કે તેમનું ફોકસ પહેલાં તો ડિગ્રી લેવાનું જ હોય છે. ત્યારબાદ સારામાં સારી નોકરી મેળવવાનું હોય છે. મોટાભાગના એન્જિનિયર, ડૉકટર અને વકીલોના પ્રેમલગ્ન ભાગ્યે જ થાય. અને જો થાય તો પણ પોતાના જ ક્ષેત્રની વ્યક્તિ સાથે થતા હોય છે. ડિગ્રી મેળવવા માટેનું ફોકસ તેમને સામાજિક વ્યવહારુ બનાવતા નથી. એકાંગી ફોકસ કરવામાં યુવાનીનો સુવર્ણકાળ ડિગ્રી, કારકિર્દી બનાવવામાં વીતી જતા તેમને બીજી વ્યક્તિ તેમાં પણ સ્ત્રીને શું જોઈએ છે તે સમજાતું નથી. વળી જેમ જેમ ઉંમર વધતી જાય છે અને તેમને જીવનમાં સફળતા મળતી જાય છે તેમ કોમ્પ્રોમાઈઝ કરવું કે અહંકારને બાજુએ મૂકીને મુગ્ધ પ્રેમી બનતા પણ આવડતું નથી. આજની યુવતીઓ પોતે પણ કારકિર્દી ઘડે છે અને પોતાને શું જોઈએ છે તે જાણતી હોવાથી, ફક્ત સલામતી ખાતર કમાતો છોકરો પસંદ નહીં કરે. એટલે જે પુરુષ રહી જતા હોય કે જેઓ કશું જ જતું ન કરવા માગતા હોય કે પછી તેમને ફક્ત સ્ત્રીના પ્રેમમાં નહીં પણ શરીરમાં જ રસ હોય તેઓ રોબો સાથે પરણવાનું વિચારશે. લંડન સ્થિત લવ એન્ડ સેક્સ વિથ રોબોના લેખક ડૉ. ડેવિડ લેવીએ ૨૦૧૬ની સાલમાં કહ્યું હતું કે આવતા ૩૫ વરસમાં માનવી રોબો સાથે લગ્ન કરવાનું વધુ પસંદ કરશે. કારણ કે ત્યાં સુધીમાં રોબોનો ઘણો વિકાસ થયો હશે. રોબો માનવી કરતાં સુંદર, આકર્ષક અને કહ્યાગરા પણ હશે. ચાઈનીઝ પુરુષે જાતે રોબો બનાવીને લગ્ન કર્યા તે જોતા લાગે છે કે ૩૫ વરસ સુધી પણ કદાચ રાહ જોવી નહીં પડે. અમેરિકાના ૫૭ વરસના ડેવિડ મીલ છેલ્લાં ચારેક વરસથી ટેફી સાથે લિવઈન રહે છે. ટેફી એ રોબો છે. ૨૦૧૪માં તેણે લગભગ ૭૬૦૦ ડૉલરમાં ખરીદી હતી. હકીકતમાં ડેવિડે સિલિકોન અને સ્ટીલનો ઉપયોગ કરાવીને એકદમ વાસ્તવિકતાનો અહેસાસ કરાવે તેવી ઢીંગલી બનાવડાવી. ડેવિડે તે ઢીંગલી એટલે કે રોબો ફક્ત શારીરિક ઈચ્છાઓની પૂર્તિ માટે જ બનાવડાવી છે. ડેવિડ તેને મનપસંદ રીતે શણગારે છે. ડેવિડ જાણે છે કે સાચુકલી જેવી દેખાતી ટેફી હકીકતે જીવંત નથી, પરંતુ ફક્ત શારીરિક ઈચ્છા માટે જ તે એનો ઉપયોગ કરે છે. ટેફીને લાવ્યા બાદ પણ તેને સાચુકલી સ્ત્રીની જરૂર રહે જ છે. કારણ કે ટેફી હસી શકતી નથી કે વાતચીત કરી શકતી નથી. રોબો સેક્સ ડૉકટર ડેવિડ લેવી કહે છે કે આવતાં વરસોમાં માનવી રોબો સાથે પ્રેમ કરતો થઈ જશે. રોબો સાથેના લગ્ન પણ કાયદાકીય રીતે માન્ય રખાશે. ટેફી સાથે ત્રણ વરસથી જીવતો ડેવિડ મીલ કબૂલે છે કે જો તેને રોબો કે સ્ત્રી એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો તે ચોક્કસ જ સ્ત્રીને જ પસંદ કરે. તે ક્યારેય રોબો ટેફીના પ્રેમમાં નથી પડ્યો એવું પણ કબૂલે છે. ટેફી દેખાવે યુવાન અને સુડોળ છે તે જ મહત્ત્વનું છે.
પુરુષને માનસિકતા છે જે તેને ડીએનએમાં મળી છે કે યુવાન અને સુડોળ યુવતી તેને આકર્ષે છે. રોબો ક્યારેય મોટી ઉંમરની કે અદોદળી નહીં હોય. કારણ કે તે પુરુષની ફેન્ટસી હશે. ફેન્ટસી-કલ્પનાને વાસ્તવિક બનાવવાની આ દોડ છે. સ્ત્રી પુરુષના સહજ બંધાતા સંબંધો આજે આધુનિક યુગમાં કોમ્પલિકેટેડ બનીને રહી ગયા છે. આ કોમ્પલિકેશનથી બચવા માટે માનવી રસ્તા શોધે છે. પ્રેમ અને સેક્સ એ બે જરૂરિયાત પણ હવા, પાણી અને ખોરાક જેટલી જ મહત્ત્વની બની જાય છે. બીજી વ્યક્તિ સાથે જોડાઈ ન શકતી વ્યક્તિમાં તે પામવાની ઈચ્છા નથી હોતી એવું નથી. ભૌતિક સુખસગવડો અને સફળતાને પોતાના પ્રેમીપાત્ર સાથે માણવાનો આનંદ અનેરો જ હોય છે. એટલે જ લગ્નસંસ્થા હજી સુધી ટકી છે. પ્રેમ, પરિવાર અને સેક્સ તેને એ ક્રમમાં મૂકી શકાય. પુરુષને ફક્તને ફક્ત સેક્સમાં જ રસ હોય છે તે માનવું અત્યંત ભૂલભરેલું છે. જો સેક્સમાં જ રસ હોત તો અત્યાર સુધીમાં કોમ્પ્યુટરની જેમ સેક્સ રોબો વેચાતા હોત. કોઈની સાથે પ્રેમથી જોડાવાનો આનંદ દરેક પુરુષને મેળવવો હોય છે. ગમે તેટલી સફળતા, સત્તા અને સંપત્તિ તેને સુખનો અહેસાસ કરાવી શકતી નથી. સ્ત્રી સાથેના સહવાસની કેટલી અદમ્ય ઈચ્છાને લીધે જ સ્ત્રી રોબો બનાવીને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા ચીની એન્જિનિયરે પૂરી તો કરી પણ તેને સતત સુધારતો રહેશે. તે ઈચ્છશે કે વગર બોલે કે વિરોધે જેમ તેની ઈચ્છાને સમર્પિત થઈને તેની કલ્પનાઓને સાકાર કરે છે તે જ રીતે તે પ્રેમનો પ્રતિસાદ પણ આપે. કેમ આજે મોડું થયું? મને બહાર ડિનરમાં ક્યારે લઈ જશો? એવા સવાલો કરે એવી ઇચ્છા ચીની યુવાનને પણ થશે જ. શક્ય છે કે જો તેને સાચી સ્ત્રી મળી જશે તો તેની રોબો પત્નીને કોરાણે મૂકી દેતા પણ નહીં જ અચકાય.
0 comments