કવિતાનું નાટક

02:40









27મી મેના રવિવારની સવારની રાહ જોઈ રહી હતી. અંધેરી ભવન્સ ખાતે મુંબઈમાં પહેલીવાર નૌશિલ મહેતા દિગ્દર્શિત અને પદમાવથી રાવ દ્વારા અભિનિત ધીરુબહેન પટેલ લિખિત કિચન પોએમ્સ નાટક રજુ થવાનું હતું. આ પહેલાં નૌશિલ મહેતાના મોઢે નાટકના નિર્માણની વાત સાંભળી હતી. કોઈ કવિતાના પુસ્તક પરથી નાટક બને તેવું પહેલીવાર જોઈ રહી હતી. દિગ્દર્શક અને અભિનય શું કમાલ કરી શકે તે જોઈને હાજર પ્રેક્ષકો અચંબિત થયા હતા. અંગ્રેજીમાં લખાયેલી આ કિચન પોએમ્સના અનેક ભાષામાં અનુવાદ થયા છે. સ્ત્રીના રસોડા સાથેના સંબંધને બખૂબી આ કવિતામાં વર્ણવવામાં આવ્યા છે. એ કવિતાઓનું મંચ પરથી નાટક પ્રસ્તુત થાય પૂરા 75 મિનિટનું અને એમ થાય કે અરે બસ નાટક પુરું થયું ! અનેક હિન્દી ફિલ્મોમાં અને નાટકોમાં કામ કરી ચૂકેલા પદમાવથીએ આ કિચન પોએમ્સને હિન્દીમાં અનુવાદ કરવાનું કામ કર્યું છે.
આ કામ કરવાના ગાળા દરમિયાન નાટકે જન્મ લીધો પહેલાં વિચારરૂપે અને પછી ત્રણ જ દિવસમાં નાટકરૂપે આકારિત થયું. પદમાવથી બેંગ્લોર રહે અને નૌશિલભાઈ મુંબઈ રહે. એક દિવસ મુંબઈમાં અને બે દિવસ બેંગ્લોરમાં રિહર્સલ થયા. કવિતાઓતો ભાષાતંર કરતા મોઢે જ થઈ ગઈ હતી. વરસેક પહેલાં તૈયાર થયેલા આ નાટકનું ઓપનિંગ બેંગ્લોરમાં જ થયું હતું. સ્પોરન્સર ન મળતા મુંબઈ આવવાનું બન્યું નહોતું. સ્ટેજ પર ત્રણ ખુરશી એક કાગળનો લેમ્પ મોટો લટકતો હોય. સાદા પંજાબી ડ્રેસમાં પદમાવથી અને જાદુઈ શાલ જે પદમાવથીને બાળકી, યુવતી અને પ્રૌઢ બનાવી શકે. રસોડું બાળપણથી છોકરીની સાથે કેવી રીતે જોડાય છે અને પછી તેની કશ્મકશ અને વગર રજાએ કલાકોની મહેનતે તૈયાર થતું જમવાનું, ઉપરાંત લાગણીઓનો સંબંધ રસોડા સાથેનો પદમાવથીએ પોતાના અભિનયથી જીવંત કરી દીધો હતો. કવિતાઓની સાથે હિન્દી ફિલ્મોના ગીતો સુમધુર સ્વરમાં વણીને એવી સ્ત્રીના મનોભાવને વ્યક્ત કર્યા. દરેક સ્ત્રીને અને પુરુષને સ્પર્શી જાય એવું કાવ્યમય નાટક ખૂબ ભજવાવું જોઈએ. ધીરુબહેનની કવિતાને પદમાવથીના અભિનય અને નૌશિલ મહેતાના દિગ્દર્શન દ્વારા જીવંત રૂપ મળે છે. પ્રકાશ સંયોજન અને ઉદય મઝુમદારનું સંગીત સમસ્વર બને છે. નાટક જોયા બાદ તાળીઓના ગડગડાટમાં દર્શકોની પ્રશંસાને વાચા મળે છે.   

You Might Also Like

0 comments