નગ્નતાની કાવ્યમય પ્રસ્તુતિ હોઈ શકે

08:12





 નગ્નતાને જોવી દરેક માટે શક્ય નથી, રવિ જાધવ નગ્નતાને કચકડે મઢે છે. 

2017ના ગોવામાં યોજાયેલ આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલનું ઓપનિંગ મરાઠી ફિલ્મ ન્યુડથી થવાનું હતું. કોઈક કારણસર છેલ્લી ઘડીએ તેને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીમાંથી આ ફિલ્મ  બતાવવાની મનાઈ આવી. શું કામ તે ફિલ્મ જોયા બાદ જ સમજી શકાય છે. કારણ કે ફિલ્મમાં ઉજાગર થતું હતું નગ્ન સત્ય. ન્યૂડ ફિલ્મ બનાવનાર રવિ જાધવ પોતે જે.જે.સ્કૂલ ઑફ આર્ટનો વિદ્યાર્થી હતો. તે સમયથી તેને વિદ્યાર્થીઓ માટે નગ્ન મોડેલ બનતી સ્ત્રીઓની દુનિયા વિશે જાણવાની ઈચ્છા હતી.
આ ફિલ્મ વિશે લખવાનું એટલે પસંદ કર્યું કે મુંબઈમાં આ ફિલ્મ એપ્રિલની 27 તારિખે રજુ થઈ. નવાઈની વાત એ છે કે આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રસ્તુત ન થવા દીધેલી આ ફિલ્મ સેન્સરે કોઈપણ કટ વિના થિયેટરમાં રજુ થવા દીધી. ડોકટર બનવા માટે જે રીતે બોડીની જરૂર પડે છે તે જ રીતે  જે.જે. સ્કૂલ ઑફ આર્ટમાં ચિત્રકાર કે કમર્શિયલ આર્ટ શીખતા વિદ્યાર્થીઓને શરીરની  એનેટોમી સમજવા માટે નગ્ન મોડેલની જરૂર પડે છે. પોર્નોગ્રાફી માટે સ્ત્રીઓ જેટલી સરળતાથી મળી જાય છે તે રીતે કલા શીખવતી સંસ્થાઓ માટે વિદ્યાર્થીઓને ચિત્રકામ ભણાવવા માટે નગ્ન મોડેલ સરળતાથી નથી મળતી. કારણ કે  તેમાં કોઈ ગ્લેમર કે પૈસા નથી. એટલે મજબૂર  સ્ત્રીઓ કે જેમને બીજું કોઈ કામ મળતું નથી તેમાંથી ભાગ્યે કોઈ અહીં આવે છે. ફક્ત સ્ત્રીઓ જ નહીં પુરુષ મોડેલ પણ જરૂરી હોય છે કલા શીખવા માટે.  એ નગ્ન મોડેલના જીવનની વાત આ ફિલ્મમાં કળામય અને ગૌરવપૂર્ણ રીતે રજૂ  કરવામાં આવી છે. નગ્નતા સ્ત્રી માટે અને સમાજ માટે કઈ રીતે ટેબુ બને છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
ટાઈટેનિક ફિલ્મ સૌ કોઈએ જોઈ હશે. તેમાં કેટ વિન્સલેટે ન્યૂડ પોઝ આપ્યો હતો. વિદેશમાં ફરવા જાઓ તો ન્યૂડ સ્ટેચ્યુ અને પેઈન્ટિંગ જોયા હશે તે માટે પણ કલાકારોએ નગ્ન મોડલની જરૂર પડી હશે. આપણે ત્યાં આ વિષય પર પહેલીવાર ફિલ્મ બની છે અને તેમાં નગ્નતા પણ એક પાત્ર જ છે. દિગ્દર્શક રવિ જાધવ જ્યારે જે જે સ્કૂલ ઑફ આર્ટમાં ભણતો હતો ત્યારે ન્યૂડ મોડેલ બનનારી સ્ત્રીઓ રિસેસમાં બગીચામાં કે કોલેજના પગથિયા પર બેસીને પોતાનો ડબ્બો ખાતી હોય ત્યારે શું વિચારતી હશે કે તેઓ કઈ રીતે આ કામમાં આવી તે જાણવાની ઈચ્છા થતી હતી. આ ફિલ્મની કથામાં આ મોડેલોની સાચી કથાને વણી લેવામાં આવી છે.  ફિલ્મમાં છાયા કદમ અને કલ્યાણી મૂળે ન્યૂડ મોડલ બને છે.ફિલ્મમાં કલ્યાણી મૂળેનો પતિ બીજી સ્ત્રી સાથેના સંબંધમાં બધા રૂપિયા અને દાગીના લઈ જાય છે. સ્વાર્થી,ક્રૂર અને બેવફા પતિને છોડી પોતાના દીકરા સાથે તે મુંબઈ પોતાની માસીના ઘરે આવે છે. માસી-માસા તળમુંબઈની એક ઝોપડપટ્ટીમાં રહેતા હોય છે.
માસી છાયા કદમ, કલ્યાણીને પ્રેમથી આવકારે છે અને સાથે રાખે છે. માસીના ભારરૂપ ન થવા કલ્યાણી કામ શોધે છે પણ તેને કોઈ કામ મળતું નથી. માસી કોઈ  કોલેજમાં ઝાડૂવાળવાનું  કામ કરે છે એટલી ખબર છે. પણ કલ્યાણીને શંકા જાય છે. એક દિવસ તે એની પાછળ કોલેજમાં જાય છે, માસી થોડું વાળે છે બગીચામાં અને પછી  ક્લાસમાં જાય છે જ્યાં કેનવાસ લઈને ઘણા વિદ્યાર્થીઓ ઊભા છે. માસી પડદા પાછળ જઈને કપડાં કાઢીને નગ્ન થઈને તેમની સામે પોઝ આપીને બેસે છે. કલ્યાણીને આઘાત લાગે છે. ગુસ્સો પણ આવે છે માસી પર, તેમને કહે પણ છે કે શરમ નથી આવતી તમને આવું કરતા. ત્યારે માસી કહે છે કે શેની શરમ... મીલ બંધ થતા માસાની નોકરી જતી રહી. મહિનાઓ સુધી કચરામાંથી શાકભાજી વિણીને ખાધા. કોઈ કામ નહોતું મળતું, છેવટે મને કોઈએ આ કામ સૂચવ્યું. અહીં મારે નગ્ન થવાનું હોય છે પણ કોઈ મને ગંદી નજરથી નથી જોતું. બાકી તો કપડાં પહેર્યા હોય તો પણ પુરુષોની નજરો તમને ઠોલી ખાતી હોય છે. માસી પછી ભાણીને સૂચવે છે કે તે પણ આ જ કામ કરે તો કેમ. એક દિવસના ત્રણસો રૂપિયા મળે અને ઈજ્જતનું કામતો ખરું. બાકી યુવાન એકલી રહેતી સ્ત્રીને પુરુષો તક તરીકે જ જોતા હોય. એક ઘરમાં વાંકાવળીને કચરાપોતા કરતી સમયે ઘરનો પુરુષ તેના સ્તન તરફ જોતો હોય તે યાદ આવે છે. છોકરાને તે ભણાવવા માગતી હોય છે અને તે માટે જરૂરી પૈસા પણ આ રીતે મળી રહેતા હોય તો શું ખોટું? માસી ભાણીને હિંમત આપે છે અને કોલેજમાં લઈ જાય છે. એ પહેલાં કલ્યાણીને વિચાર આવે છે કે એ લોકો આવા ચિત્રોનું શું કરે? અભણ માસી પોતાની રીતે સમજાવતા કહે છે કે એ લોકો અભ્યાસ કરે છે તેમાં આવું ચિતરવું પડે અને પછી ગેલેરીમાં મૂકે છે.
પહેલીવાર  કલ્યાણી માટે તેને તાકી રહેતી બારપંદર આંખો સામે નગ્ન થવું સહેલું નહોતું. એ ભાવને કોઈ શબ્દ વિના અભિનયથી બખૂબી  કલ્યાણીએ ભજવ્યું છે અને દિગ્દર્શકે કચકડે મઢ્યું છે. નગ્નતાને લોકો ટેબુ બનાવીને જુએ છે. ન્યૂડ શબ્દ માટે પણ દિગ્દર્શક રવિ જાધવે અનેક વિડંબણાઓ સહેવી પડી. લોકોને સમજાવવું પડતું કે ન્યૂડ ક્યા અર્થમાં છે. અનેક લોકોએ સૂચવ્યું કે ફિલ્મનું નામ બદલી નાખે કારણ કે સમાજ સરળતાથી સ્વીકારશે નહીં, પરંતુ રવિ જાધવ જાણતો હતો કે કલાક્ષેત્રે ન્યૂડ શબ્દ જ ઉપયોગમાં લેવાય છે. બીજું કોઈ નામ તેને જચતું જ નહોતું.
રવિમાં આ ફિલ્મ બનાવવાનું સાહસ હતું તો નામ રાખવાનું પણ સાહસ હતું જ. ફિલ્મમાં જ નસિરુદ્દીન શાહ એક મોટા કલાકારનું પાત્ર ભજવે છે. એના મોઢે સરસ સંવાદ મૂકાયો છે. એ કલાકાર કહે છે કે હું જ્યારે કાગડાનું કે ઘોડાનું ચિત્ર કરું છું તો કોઈ મને પૂછતું નથી કે તેને કેમ ચિતર્યું, પણ માણસનું ચિત્ર કરું છું ત્યારે નગ્નતા વિશે સવાલો થાય છે. એ કલાકાર કોણ સુજ્ઞ દર્શક સમજી જાય છે. ફિલ્મમાં સંગીત અને કેમેરાનો ઉપયોગ અદભૂત રીતે કરાયો છે. રવિ કહે છે કે ફિલ્મમાં કોઈ જુનિયર આર્ટિસ્ટ નથી. ખરેખર ચિત્રકળાના વિદ્યાર્થીઓ જ લીધા છે જે ચિત્ર બનાવે છે. તેની ઓફિસ મહિનાઓ સુધી  પેઈન્ટિંગ સ્ટુડિયો બની ગઈ હતી. ન્યૂડ મોડલ તરીકે કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવું સહેલું નથી હોતું. દીકરાને ભણાવવા માટે કલ્યાણી કોલેજમાં અને કોલેજની બહાર મોટા કલાકારો માટે પણ મોડેલિંગ કરે છે. છેવટે જે દીકરા માટે કલ્યાણી કામ કરતી હોય છે જીવતી હોય છે તે દીકરો ભણવાનું છોડીને ખોટા રવાડે ચઢીને માતાના પૈસા વાપરે છે અને તેના પિતાની જેમ માતાને ઉતારી પાડે છે. તેના કામ અને ચરિત્ર અંગે શંકા કરે છે. પુત્ર પુરુષ બનીને માતાને હીન ભાવે ઉતારી પાડે છે.  પુત્ર માટે જ જીવતી હતી કલ્યાણી તેનાથી અપમાન હવે સહેવાતું નથી. જીવનમાં રસ રહેતો નથી છેવટે  આપઘાત કરે છે દરિયામાં ડૂબીને. એ દૃશ્ય એટલું કલાત્મક રીતે લીધું છે કે દર્શક તરીકે આહ અને વાહ બન્ને સાથે બોલાઈ જાય. ફિલ્મમાં દંભી સમાજને લપડાક મારવામાં આવી છે. સ્ત્રીનું નગ્ન ચિત્ર જોઈને તેને ભોગવવાનો જ વિચાર કરતા પુરુષને જ્યારે ખબર પડે કે તે માતાનું ચિત્ર પણ હોઈ શકે છે ત્યારે જે લપડાક તેને લાગે છે ત્યારે એ નપુંસક ગુસ્સો કલા અને કલાકાર પર ઉતારે છે. કલા નગ્નતાને આદર અને આયામ આપે છે તો સંકુચિત સમાજ એ નગ્નતાને પોર્નોગ્રાફી બનાવે છે. સન્ની લિયોનને સ્વીકારી શકતો આપણો સમાજ કલામાં નગ્નતા સ્વીકારી શકતો નથી. 
માનવીય સંબંધોના અનેક નગ્ન સત્યને ઉજાગર કરતી આ ફિલ્મમાં કશે પણ નગ્નતા વરવી કે શરમજનક નથી લાગતી. આ ફિલ્મ નગ્ન શરીરની જ નહીં પણ માનવીય મનની માનસિકતાને પણ નગ્ન કરીને આપણી સમક્ષ મૂકે છે. અભ્યાસ અને કલાનું મહત્ત્વ પણ સહજતાથી સમજાવે છે. કથાકથન, સંગીત, અભિનય સાથે ફિલ્મના દરેક પાસાં પર ચીવટપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે.       




You Might Also Like

0 comments