ચલો કુછ તુફાની કરતે હૈ
01:05
કઈક એવું કરવું કે જે દરેકથી થઈ શકે
પણ એવું લોકો કરતા નથી એટલે જ તુફાની
પાંચેક વરસ પહેલાંની વાત યાદ આવે છે. જૂહુ બીચ પર
સવારના ચાલવા ગઈ હતી ત્યારે જોયું તો હજારો ઈલ માછલીઓ કિનારે પડી હતી. દરિયા
કિનારે અનેકવાર આવા કૌતુક જોવા મળતા હોય છે. માછીમારો જાળ નાખ્યા બાદ તેમની જાળમાં
આવતી દરેક માછલીઓ લઈ ન જાય. સપ્ટેમ્બર મહિનાની આ વાત છે. વરસાદ ઓછો થયો હતો એટલે
દરિયામાં ઉથલપાથલ થઈ હોય એટલે અનેક કામની ન કામની વસ્તુઓની જેમ ઈલ માછલીઓના ઢગલા
હતા જે તેઓ દરિયા કિનારે મૂકીને જતા રહ્યા હતા. સાપ જેવી દેખાતી આ માછલીઓ જીવતી હતી. સવારે મોર્નિંગ વૉક કરવા
આવેલા લોકો તેને જુએ અટકે અને મોં બગાડે...અમે પણ મોં બગાડ્યાં. ત્યાં એક વ્યક્તિ
આ માછલીઓને એક એક કરીને પકડીને દરિયામાં પાછી નાખી રહ્યો હતો. તે જોઈને સારું લાગ્યું
પણ મદદ કરવા જેટલી હિંમત નહોતી. માછલીને હાથ લગાવવા ગઈ ત્યાં પેલા ભાઈએ કહ્યું બી
કેરફુલ આ કરડી શકે છે. એટલે બસ દર્શક બનીને ઊભી રહી. અમારી સાથે બીજા અનેક ટોળું
વળીને ઊભા પેલા ભાઈ એકલા માછલીઓને દરિયામાં નાખી રહ્યા હતા. પેલા ભાઈ અંબરિષ
કોર્પોરેટ કંપનીમાં કામ કરતા હતા અને રોજ સવારે દરિયા કિનારે વૉક લેવા આવતા હતા.
એને પૂછ્યું કે તમે શું કામ આ મહેનત કરો છો... માછલીઓ તો હજારો છે. તો કહે કે
મારાથી શક્ય હોય તેટલી માછલીઓને બચાવવાનો પ્રયત્ન કરીશ..બીજું કોઈ મદદ કરે તેની
આશા નથી કે તે વિશે વિચારતો નથી. હું મને જે યોગ્ય લાગે તે કરી રહ્યો છું. આ કામ
કરતાં એક માછલીએ તેમના હાથે બટકું પણ ભર્યું અને લોહી પણ નીકળ્યું તે છતાં એ ભાઈ
માછલીઓને શક્ય તેટલું જીવનદાન આપતા રહ્યા.
એ ભાઈએ કશુંક તુફાની કરવાનું નક્કી કર્યું હશે.
તુફાની કરવું એટલે આસમાનમાંથી તારા તોડી લાવવા કે
ઊંચા મકાનો પર કૂદકા મારવા કે હેલિકોપ્ટરમાંથી જમ્પ કરવું કે એવરેસ્ટ ચઢવું એવું
કશું જ નહીં. જાહેરાતોમાં બતાવે એવું જોખમ લેવું એવું પણ નહીં. તમને કંઈક એવું કરવાનું મન થાય કે જે દરેકથી થઈ
શકે પણ કોઈ કરવાનું વિચારે પણ નહીં. શક્ય
છે કે તમારા સાહસને લોકો બિરદાવે પણ તે છતાં તમને ઘેલા સમજે. હમણાં થોડો સમય
પહેલાં કોઈએ લખ્યું કે દિલ્હીની મેટ્રોમાં કોઈ યુવકની બેગ ખુલીને નીચી પડી ગઈ અને
તેમાંથી તેનું ટિફિન પણ ખુલી ગયું અને ખાવાનું વેરાઈ ગયું. તેણે પહેલાં તો પોતાની
બેગ બંધ કરી પણ પછી પોતાની પાસેનો નકામો કાગળ લઈ મેટ્રોની ફરશ પર વેરાયેલું
જમવાનું પણ સાફ કરી તે કચરાને પોતાની સાથે બેગમાં ભરી દીધો. ચોક્કસ જ બધા તેને
નવાઈથી જોઈ રહ્યા હશે. અહીં તો બીએમડબલ્યુમાં બેસનારાઓ પણ કાચ ઉતારીને બહાર કચરો
ફેંકતા કે થૂંકતા જોયા છે. તેમને રોકવા જોઈએ મોટાભાગના તો એવું પણ ન કરે કારણ કે
આપણે બિન્દાસ બારી બહાર કચરો ફેંકીએ છીએ. કચરો બીજાએ સાફ કરવાનો આપણે નહીં. આપણું
ઘર કે ગાડી સાફ રાખવાના દેશ નહીં. અમદાવાદમાં અને મુંબઈમાં પણ એકાદ બે રિક્ષાવાળા
છે જેઓ પેસેન્જરને કેટલીક વધારાની સુવિધા આપે છે. જેમ કે મુંબઈનો મુન્નાભાઈ
રિક્ષાવાળો તેની રિક્ષામાં ચા,કોફી કે પાણી પણ મળી રહે. વાંચવા માટે છાપું હોય,
ફ્રી ઈન્ટરનેટ હોય અને પેશન્ટ કે વૃદ્ધોને
તે મફતમાં લઈ જાય. વળી તેની રિક્ષા ચકાચક સાફ અને સુંદર દેખાતી હોય. મુંબઈના
વરસોવા કિનારાને સાફ કરવાનું કામ અફરોઝ શાહ નામના વકિલે શરૂ કર્યું હતું. આજે તેની
સાથે મુંબઈની સરકાર પણ કામ કરી રહી છે.
જીવનમાં કંટાળો આવતો હોય કે એકલા પડી ગયા હોય
એવું લાગે ત્યારે આવી કેટલીક વ્યક્તિઓને જોવી જોઈએ જે તમને કશુંક આઉટ ઓફ બોક્સ
વિચારવાની તક આપે છે. દિલ્હીમાં રહેતા સ્નેહલત્તા હુડા શાળામાં શિક્ષિકા હતા,
નિવૃત્ત થયા બાદ 75 વરસની ઉંમરે તેમણે રસ્તા પર રહેતાં બાળકોને ભણાવવાનું નક્કી
કર્યું. આજે ત્યાં સોથી વધુ બાળકો ભણે છે અને તેમાંથી કેટલાક બોર્ડની પરિક્ષા પણ
આપશે. મુંબઈના એક ઉદ્યોગપતિ લક્ષ્મીકાંત તન્નાએ સિત્તેર વરસની ઉંમર પછી એમબીએ કરવા
વિદેશ ગયા. એમને જ્યારે પૂછ્યું કે તમે સફળ ઉદ્યોગપતિ છો તો હવે શું કામ ભણવાનું?
તો કહે કે આજના યુવાનોની સાથે બેસીને ભણવાથી મારું જ્ઞાનતો વધે જ છે
સાથે આજના યુવાનોની હારોહાર રહી શકું છું. જીવનને નવો આયામ મળે છે. દર વરસે તેઓ
નવો કોર્સ કરવા કોલેજ જાય છે મુંબઈના એક નિવૃત્ત શિક્ષક સ્વ.જયંત દેસાઈ હતા જેમણે
જ્યાં સુધી શરીરે સાથ આપ્યો ત્યાં સુધી ધરમપુરના આદિવાસી વિસ્તારમાં જઈને બાળકોને
અંગ્રેજી શીખવાડ્યું. એ માટે તેઓ મોટી વયે પણ ટ્રેન અને બસની મુસાફરી કરીને
આદિવાસી વિસ્તારમાં જતા. નિવૃત્તિ પછી સમાજને પાછું આપવાનું હોય તેવું એ માનતા.
પોઝિટિવ વિચારો કરવા કરતાં જીવનમાં કંઈક હટકે કરવાનો
મોકો મળે તો છોડવો ન જોઈએ. ક્યારેક બહારગામની ટ્રેનમાં બારણા પાસે બેસીને પસાર
થતાં દૃશ્યો જોઈ શકાય તો કોઈ દિવસ વરસાદમાં ઓફિસના બારણા સુધી પહોંચીને અંદર ન જઈ
કામે ન વળગતાં રસ્તામાં પાણીમાં છબછબિયા કરો કે એકલા લોન્ગ ડ્રાઈવ પર નીકળી પડો.
રસ્તાની ટપરી પર ચા પીતાં ચાવાળા સાથે વાતે વળગો. જરૂરી નથી કે કોફી શોપમાં
પ્રિયતમા સાથે કે મિત્રો સાથે બેસીને જ આનંદ માણી શકાય. એકલા રખડવાનો આનંદ પણ માણી
જ શકાય. રસ્તામાં જતાં ક્યારેક કોઈની મદદ
કરી શકાય, ભિખારીને સોની નોટ આપી શકાય કે કોઈ વૃદ્ધ ફેરિયાને આખાય દિવસની કમાણી આપી
શકાય. સરકારી હોસ્પિટલમાં જઈને અજાણી વ્યક્તિઓને કેમ છો પૂછીને હાસ્ય વેરી શકાય.
તો વળી ક્યારેક બાળકોને પણ સ્કૂલમાં બંગ કરાવી અમથું રખડવા નીકળી પડાય. વરસોથી ન
મળેલા મિત્રને સરપ્રાઈઝ આપી શકાય.
જીવનને રગશિયું ગાડું બનાવવામાંથી બહાર નીકળવાના
અનેક રસ્તાઓ મળી આવશે. ક્યારેક તમારા હાથ નીચે કામ કરતાં માણસોને લઈને લંચ કે ડિનર
પર જઈ શકાય. તેમને સ્પોર્ટસમાં રસ હોય તો ફાઈનલના દિવસોએ ઓફિસમાં ટીવી ચાલુ કરી
શકાય કે પછી સ્ટાફને પણ મેચ જોવા માટે રજા આપી શકાય. દરરોજ એકની એક રીતે વર્તવું,
ડાહ્યાડમરા બનીને રહેવું યોગ્ય નથી. રોજ ગાડીમાં ઓફિસ જતા હો તો ક્યારેક પબ્લિક
ટ્રાન્સપોર્ટમાં જઈ શકાય કે ચાલીને પણ જઈ શકાય. તમે બોસ હો અને તમારી પોતાની ઓફિસ
હોય તો ગુગલ કે માઈક્રોસોફ્ટની ઓફિસમાં જે
રીતે ફ્રિડમ હોય છે કે તમને ગમે ત્યાં બેસીને
કામ કરો તે રીતે ઓફિસને બોરિંગ રુટિનમાંથી બહાર કાઢી કંઈક રચનાત્મક રસ્તાઓ
શોધી શકાય. એવું કરવાથી લોકોને કામ કરવાની પણ મજા આવે અને સ્ટ્રેસ ઓછું થાય.
જીવનમાં બસ આમ જ હોય અને આમ જ વર્તાય એવા દરેક રુટિનમાંથી બહાર આવી વિચારવું એટલે
તોફાન કરવું.
દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ વિચારો કરવા સહેલા નથી
હોતા, પરંતુ આઉટ ઓફ વે વિચારવા માટે તમારે કશુંક હટકે કરવું પડે રોજિંદા જીવનમાં.
કોઈ જ કારણવિના પતિ કે પત્નિ માટે ફૂલો લઈ
શકાય. પતિની ઓફિસમાં લંચ અવરમાં ટિફિન લઈને પહોંચી જવાય કે પછી લંચ ડેટ પર પણ જઈ
શકાય. ક્યારેક ક્યારેય ન કર્યું હોય એવું વર્તન કરી શકાય પછી જુઓ તુફાની હવા તમારા
જીવનમાં પરિવર્તન લાવી દેશે. પણ હા, કોઈને દુખ થાય કે નુકસાન પહોંચે એવું કોઈ
વર્તન તમને આનંદ નહીં આપી શકે કે તમારા જીવનમાં રંગો નહીં પૂરે. અન્ય કોઈ કે પોતાની વ્યક્તિને પણ દુખ ન પહોંચે તેનો
ખ્યાલ રાખી શકાય. ફક્ત જરૂર છે જીવનને આઉટ ઓફ બોક્સ જોવાની. મને યાદ છે એક
વ્યક્તિ કંટાળો આવે ત્યારે ટ્રેન કે બસના નવા રૂટમાં બારી પાસે બેસીને બસ
એમ જ પ્રવાસ કરે. કોઈપણ રૂટની છેલ્લા સ્ટેશનની ટિકિટ લઈને ફરી પરત ફરે. અજાણી
જગ્યા, ગામ અને રસ્તો તેને રોમાંચ આપી જાય. તો રજાના દિવસે પોતાની ગલી કે રોડને
સાફ કરી શકાય.
કંઈક જૂદુ કરો એટલે મગજને અટકવું પડે છે. તેણે
નવેસરથી પોતાને ગોઠવવું પડે છે. સ્ટ્રેસ કે વિચારોની શૃંખલા તૂટે છે. ભવિષ્યના
પ્લાન બનાવીને જીવવા કરતાં આજમાં જીવવાથી આનંદ વધુ મળે છે અને ફ્રસ્ટ્રેશન નથી
આવતું. પ્લાન કરીને જીવવામાં એકવિધતાતો આવે જ છે પણ આજે મળી શકતો આનંદ ખોઈ બેસીએ
છીએ. જો આજ જુદી રીતે જીવાશે તો ભવિષ્ય પણ જુદું જ હોઈ શકે છે, આજે ફક્ત ભણીશું કે
કામ જ કરીશું તો વરસાદી માહોલ કે તડકાનો ચળકાટ જોવાનો રહી જશે. અને વળી કાલ કોણે
દીઠી છે...
0 comments