સ્વસ્થ ચિત્તથી જુદી રીતે વિચારી શકાય

22:02




નારીવિશ્વ



 જીવનમાં પ્રેમ અને લગ્ન સિવાય પણ અનેક આયામ હોય છે, જરૂર છે સ્વસ્થ ચિત્તથી વિચાર કરવાની.


હાલમાં એક વીડિયો જોયો ફેસબુક પર, તેમાં એક સ્ત્રી આપઘાત કરવા જતાં પહેલાં રડીને પોતાના પતિ વિશે વાત કરી રહી હતી. તે સ્ત્રી માંડ પચ્ચીસ વરસની હશે. પાછળથી નાના બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. તેના કહેવા પ્રમાણે તેના પતિને અનેક સ્ત્રીઓ સાથે સંબંધો છે અને તે અંગે તેણે વાંધો ઊઠાવતાં તેના પતિએ ખૂબ માર માર્યો. એ ઈચ્છતી હતી કે તેના પતિને સજા થાય તેના મૃત્યુ બાદ. તે કહી રહી હતી કે તેને સતત ટોર્ચર કરવામાં આવતી હતી. તેની માતાને અને ભાઈને મારી નાખવાની ધમકી પણ તેનો પતિ આપતો હતો.  આ યુવાન સ્ત્રી રોતી કકળતી પોતાની આપવીતી કહી રહી હતી. પછી તેણે આપઘાત કર્યો કે નહીં તે ખબર નથી. તે ધારે તો પોલીસમાં ફરિયાદ કરીને પતિને સજા અપાવી શકત, તેને આવડે તે કામ કરીને પોતાના બાળકને ઉછેરી શકે. અનેક સામાજિક સંસ્થાઓ તેને યોગ્ય માર્ગદર્શન આપી જ શકે.
આ વીડિયો જોઈને મને બીજો એક પ્રસંગ યાદ આવ્યો. અમારા એક સંબંધીની દીકરીને ઓનલાઈન પ્રેમ થયો હતો. છોકરો બીજા દેશનો હતો. તેઓ સતત ઓનલાઈન ચેટ કરતાં રહેતા કે પછી વીડિયોમાં રૂબરૂ વાત કરતા. આવું વરસેક ચાલ્યું. છોકરી પૈસા ખરચીને પેલા છોકરાને મળવા વિદેશ ગઈ. તેણે જે કલ્પના કરી હતી તેવો આવકાર ન મળ્યો. કલ્પનાની દુનિયા વાસ્તવિકતાની ધરતી પર ટકી ન શકી. આખરે તે ભાંગ્યા હૃદયે પાછી આવી. સતત હતાશામાં રહેતી. લગભગ વરસથી ચોવીસ કલાક ઓનલાઈન ચેટ કર્યા કરતી હોવાથી હવે તેના જીવનમાં વેક્યુમ સર્જાયું હતું. તેણે અનેકવાર આત્મહત્યાના પ્રયાસ કર્યા. તેની મમ્મી કહેતી કે મારે તેના પર સતત ધ્યાન આપવું પડે છે, નહીં તો તે દોડે છે અગાશીમાંથી પડતું મૂકવા. આજે લગભગ ચારેક વરસ પછી એ છોકરીએ પ્રેમ લગ્ન કર્યા છે અને આનંદમાં છે. 
આ બન્ને કિસ્સામાં યુવતીઓ શિક્ષિત છે. પુરુષની પસંદ નાપસંદ ઉપર શું કામ આટલું નિર્ભર થવાનું? મુંબઈની લોકલ ટ્રેનમાં ખભે ટુવાલ કે સાડી બાંધીને ધાવણા બાળકને લઈને ચાંદલા કે માથાની પીન વેચવા નીકળતી સ્ત્રીઓ જોઈ છે. તેમાંથી એક સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તે ગર્ભવતી રહી ત્યારે ખૂબ બિમાર રહેતી હતી. તે દરમિયાન તેનો પતિ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો, ઘરમાંથી નીકળી જાઉં તેથી  તેને ખૂબ મારતો હતો એટલે બાળકને માટે તેણેપતિનું ઘર  છોડી પોતાની માતાને ત્યાં રહેવા આવી છે. તેના પર બોજ ન બનવા માટે પોતે બાળકને લઈને ફેરીમાં લઈને આવે છે. તેણે કહેલું વાક્ય આજે પણ યાદ છે.  મહેનત કરીએતો બે રોટલા પૂરતું તો મળી જ રહે. મફતમાં તો મા પણ ન ખવડાવે. તેને જ્યારે પૂછ્યું કે તને મરી જવાનો વિચાર આવ્યો હતો? તો સામે જ સવાલ આવ્યો કે શું કામ? ભગવાને આપણને હાથપગ આપ્યા છે તો મહેનત, મજૂરી કરી જ શકાય. દુખથી એમ હારી જઈએ તો મનુષ્યનો અવતાર નકામો. કેટલાય લંગડા,લૂલા, આંખો વગરના કે બોલી ન શકતા લોકો સરસ રીતે જીવે છે તો આપણે શું કામ નહીં? તે ક્યારેય સ્કૂલમાં નહોતી ગઈ. 
શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ શું કામ પતિ તરછોડે તો કે પ્રેમી તરછોડે તો આપઘાતનો રસ્તો અપનાવે છે? આજની નારી ચાંદને અડી આવે કે એવરેસ્ટ સર કરે કે પછી પાતાળને માપે, પરંતુ મોખરે રહેવામાં હજી ટકાવારી ઓછી જ છે. તેનું કારણ છે સ્ત્રીઓની માનસિકતા. એક છોકરી લગ્ન થાય ત્યાં સુધી ટાઈમપાસ માટે ભણતી હોય તેવા કિસ્સાઓ પણ જોયા છે. તેઓ કહેશે કે અમારે બહાર જઈને કામ કરવું નથી ફક્ત આજના છોકરાઓને ભણેલી છોકરીઓ જોઈએ એટલે જ ડિગ્રીનું મહત્ત્વ. જ્યાં સુધી આવી માનસિકતા હશે ત્યાં સુધી પણ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદલાશે નહીં. સ્ત્રીએ પોતાના જીવનમાં સફળ થવા માટે પુરુષની આસપાસ જીવન રચવાનું બંધ કરવું પડશે. પુરુષ વિરોધી નહીં પણ પુરુષ નિર્ભર પણ રહેવાની જરૂર નથી. હા, તેના માટે સખત મહેનત જરૂર કરવી પડે કારણ કે ઊંધા પ્રવાહે તરવાનું છે. હજી દુનિયા પુરુષોની જ છે તેમાં આપણે આપણી જગ્યા બનાવવાની મહેનત કરવી જ પડે.
મહિલાઓમાં અસલામતી અને અસફળતાના માપદંડથી જ પોતાને માપે છે. લગ્ન અને ઘરસંસાર પણ જરૂરી છે પણ એટલી હદે નહીં કે તમે એના વિના જીવી ન શકો કે પછી તે માટે કોઈપણ સમજૂતી સાધવા તૈયાર થઈ જાઓ. સહેલું નથી હોતું પ્રેમભંગને પચાવવો પણ જીવન ત્યાં જ ખતમ પણ તો નથી થતું. જો પેલી યુવતીએ પ્રેમભંગ થતાં આપઘાતના પ્રયત્નો કર્યા હોત તો આજે તે જીવીત ન હોત. તેની માતા કેટલી દુખી હોત. તેના પિતાતો હતા જ નહીં. ખેર, આજે તે ભૂતકાળની પોતાની ભૂલોને હસવામાં કાઢી શકે છે. લગ્ન પછી પણ, બાળક સાથે ય અનેક સ્ત્રીઓ પોતાનું જીવન પોતાની રીતે જીવવા માટે મહેનત કરે છે અને સંતોષ સાથે જીવન જીવે છે.
બીજું કે હાલમાં જ વડસાવિત્રીનું વ્રત ગયું અને મોળાકાત તેમ જ જયા પાર્વતીના વ્રતના ઉજવણા ચાલી રહ્યા છે. આ દરેક વ્રત સારો પતિ કે પતિનું આયુષ્ય વધે કે પછી દિકરો જન્મે તેના માટે કરવામાં આવે છે. આ વ્રત કર્યા છતાં પણ અનેક સ્ત્રીઓના છૂટાછેડા થયા છે. અનેક સ્ત્રીઓના પતિ તેમને યોગ્ય આદર આપતા નથી કે તેમને દીકરીઓ જ જન્મી છે. વળી ફિલ્મોની અસરને કારણે હવે કરવા ચૌથનું વ્રત પણ ઉજવાઈ રહ્યું છે. સામાન્યપણે અજ્ઞાતવશ કે પિતૃસત્તાક વાતાવરણમાં ઉછેરેલી સ્ત્રી આવા વ્રત કરે તો સમજી શકાય પણ હવે તો મિસ વર્લ્ડ રહી ચૂકેલી ઐશ્વર્યા રાય બચ્ચન પણ કરવા ચોથ મનાવે, બોલ્ડ અને બ્યુટિફુલ શિલ્પા શેટ્ટી કે બીજીવાર લગ્નો કરનારી અભિનેત્રીઓ પણ કરવા ચૌથના પોતાના ફોટો મીડિયામાં ગૌરવ સાથે બતાવે ત્યારે નવાઈ લાગે. એમનું જોઈને હવે અનેક શિક્ષિત સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે. ઉપવાસ કરવામાં કોઈ વાંધો નથી પણ તેમાં પતિ કે પ્રેમીને જોડીને કરવો તે પિતૃસત્તાક માનસિકતાને દૃઢ કરે છે.
પતિ કે પ્રેમીની ઉંમર વધે કે સ્વાસ્થ્ય સારું રહે તે આપણે દરેક ઈચ્છીએ જ, પરંતુ આજના યુગમાં શિક્ષણ અને જ્ઞાન દ્વારા દરેક બાબતે આપણે નવી ઊંચાઈ સર કરીએ. બોલ્ડ અને બ્યુટિફુલ કહેવડાવતા ગર્વ અનુભવીએ (જો કે તે પણ પુરુષોને આકર્ષવા પુરતું જ હોય તો નકામું) અને બીજી તરફ વડસાવિત્રી, જયા પાર્વતી, મોળાકાત અને કરવા ચૌથ પણ કરવાની. આ ડબલ ઢોલકી જેવી માનસિકતા ક્યારે બદલાશે. જરૂરી છે કે આપણી એવી ક્ષમતા કેળવીએ કે આર્થિક રીતે આપણે પગભર બનીએ. થોડું ઘણું પણ પોતાની મહેનતથી કમાણી કરતા હોઈશું તો આત્મવિશ્વાસ કેળવાશે અને કોઈપણ પરિસ્થિતિમાં આત્મહત્યાનો વિચાર નહીં આવે. વળી ઘર સંભાળવાનું કામ પણ એક કામ જ છે. તેની કિંમત ઓછી આંકવાની જરૂર નથી. ઘરને મેનેજ કરવા માટે જેટલો સમય અને મહેનત લાગે છે તેની મૂલ્ય કોઈ મેનેજરના પગાર કરતાં ઓછું હોઈ જ ન શકે.
 આપણે આપણી જાતને નબળા માનવા કરતાં સબળા બનવામાં ધ્યાન આપવું જોઈએ. દરેક સ્ત્રી પુરુષો કરતાં બમણું કામ કરતી હોય છે. તેણે પોતાને નકામી માનવાની જરૂર હોતી નથી. વળી ત્રાગા કરવાને બદલે શાંત ચિત્તે દરેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. સ્વસ્થ ચિત્ત સ્વસ્થ જીવન આપી શકે છે. હાર માની લેવાને બદલે સંજોગેની સામે લડતા શીખો, વ્યક્તિઓની સાથે નહીં. બીજા પર નિર્ભર રહેવા કરતાં પોતાનો આત્મવિશ્વાસ મજબૂત કરો. અંહકાર નહીં.  


You Might Also Like

0 comments