રહી ગયું હશે તો...

05:30





 કેટલીક વાતોની ચર્ચા ન જ કરવી એવો વણલખ્યો નિયમ હોય છે

કેટલી માંદી અને થાકેલી લાગે છે? સુનંદાએ બીજા માળનો દાદરો ચઢતી શીતલને પૂછ્યું એ સાથે જ તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા પણ તેના પર કાબૂ મેળવી આછું હસતાં બોલી થોડો તાવ રહે છે એટલે નબળાઈ. હકીકતમાં તેણે એબોર્શન કરાવ્યું હતું. પંદર વરસના લગ્નજીવન દરમિયાન શીતલ બીજી વાર એબોર્શન કરાવી રહી હતી. કારણ કે તેના પતિને કોન્ટ્રાસેપ્ટિવ વાપરવું ગમતું નથી અને શીતલને બર્થ ક્ધટ્રોલ ગોળી સદતી નહોતી એટલે થોડો સમયે બંધ કરવી પડી હતી. વળી તેમને બે બાળકો હતા અને હવે બાળક જોઈતું નહોતું. એબોર્શન કરાવવું યોગ્ય છે કે નહીં તેની ચર્ચા થઈ શકે, તો પછી શીતલ ઓપરેશન કેમ નથી કરાવી લેતી એવો પ્રશ્ર્ન ય થાય પણ તેનો પતિ નસબંધી કેમ નથી કરાવી લેતો એવો સવાલ ક્યારેય સંભળાતો નથી. કદાચ આ વાંચવું પણ કેટલાકને અજુગતું લાગશે.

ફેમિલી પ્લાનિંગની જવાબદારી ફક્ત સ્ત્રીઓની હોય છે. પુરુષોને તેની સાથે કોઈ લેવાદેવા હોતી નથી. આ વાત નેશનલ હેલ્થ મિશનના આંકડાઓ કહી રહ્યા છે. ૯૩ ટકા સ્ત્રીઓ સ્ટરિલાઈઝેશનના ઓપરેશન કરાવે છે કારણ કે પુરુષોને બાળક ન થાય એવું નાનકડું ઓછી તકલીફવાળું ઓપરેશન કરાવવાનું ય ગમતું નથી કે તેઓ ઈચ્છતા નથી. સ્ત્રી સમાનતાની વાત કરીએ છીએ પણ આ બાબતે લગભગ બધી જ જવાબદારી સ્ત્રીઓની જ છે તેવું માની લેવામાં આવે છે. સ્ત્રીઓને પણ એ સ્વીકારી લેવામાં કોઈ વાંધો આવતો નથી. એનું સૌથી મોટું કારણ છે કે એવી માન્યતા છે કે નસબંધીનું ઓપરેશન કરાવવાથી પુરુષાતન ઓછું થઈ જાય.

આંકડા જોઈએ તો ૨૦૧૭-૧૮માં કુલ ૧૪,૭૩,૪૧૮ સ્ટરિલાઈઝેશન પ્રોસીજરમાંથી પુરુષોનું પ્રદાન માંડ ૬.૮ ટકા છે. પુરુષ આ બાબતે કોઈ જવાબદારી ઉઠાવવા માગતો જ નથી. વસેક્ટમી પ્રોસીજર દ્વારા વીર્યને વહન કરતી નળીને કાપીને યુરેથ્રામાં જતી અટકાવવામાં આવે છે. જેથી એ પુરુષ દ્વારા સ્ત્રીને ગર્ભ રહેવાની શક્યતા રહેતી જ નથી. વળી એ પ્રોસીજરમાં કોઈ હૉસ્પિટલાઈઝેશનની પણ જરૂર હોતી નથી. અડધા કલાકમાં તો આ પ્રક્રિયા પૂરી થઈ જતી હોય છે. ફેમિલી પ્લાનિંગમાં વસેક્ટમી એકદમ કારગત ઉપાય છે. જેની કોઈ આડઅસર કે તકલીફ હોતી નથી. તે છતાં સ્ત્રીઓની જ સ્ટરિલાઈઝેશન પ્રક્રિયા થતી હોય છે. આ પ્રક્રિયા દરમિયાન અનેક સ્ત્રીઓ મૃત્યુ પામે છે એવા કિસ્સાઓ બન્યા છે. ૨૦૧૪માં બિલાસપુરમાં ઓગણીસ કે વધુ સ્ત્રીઓ મૃત્યુ પામી હતી. જ્યારે વસેક્ટમીથી મૃત્યુ થયા હોય તેવા કિસ્સાઓ નોંધાયા નથી. ૨૦૧૬ના આંકડા પ્રમાણે લગભગ ૯૮ ટકા સ્ત્રીઓ સ્ટરિલાઈઝેશન ઓપરેશન કરાવે છે. પુરુષો નબળા પડે એવી માન્યતાઓ હેલ્થ વર્કરમાં પણ હોય છે અને પુરુષોમાં અને તેમના દ્વારા સ્ત્રીઓના મનમાં ય રોપવામાં આવે છે. યોગ્ય સમજના અભાવે ફેમિલી પ્લાનિંગની જવાબદારી બધી સ્ત્રીના માથા પર આવે છે. ૨૦૧૩-૧૪માં મિઝોરમમાં એકપણ વસેક્ટમી થઈ નથી. જ્યારે અરુણાચલ પ્રદેશમાં ૨ અને મેઘાલયમાં ૧૪ તેમ જ નાગાલેન્ડમાં ૧૫ થઈ હતી. ઉત્તર પ્રદેશના મિશન પરિવાર વિકાસ હેઠળ ૮૩૭૫ વસેક્ટમી થઈ હતી તો તેની સામે ૨,૬૨,૭૫૮ ટ્યુબેક્ટમી એટલે કે સ્ત્રીનું સ્ટરિલાઈઝેશનનું ઓપરેશન થયું હતું. જેમાં સ્ત્રીની ફેલોપિન ટ્યુબને સીલ કરી દેવામાં આવે છે જેથી સ્ત્રી બીજ યુટરસમાં ન પહોંચે. પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પૂનમ મુત્તરેજાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એક તો પુરુષ નબળો પડે છે એ માન્યતાને કારણે જ વસેક્ટમી થતી નથી. બીજું કે પબ્લિક હેલ્થ સિસ્ટમ દ્વારા પુરુષોને ફેમિલી પ્લાનિંગની જવાબદારી સમજાવવાની વાત જ થતી નથી. ૨૦૦૦ની સાલથી ભારતમાં વસ્તી વધારાને કાબૂમાં લેવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. પણ તેમાં સૌથી વધુ સ્ત્રીઓના સ્ટરિલાઈઝેશન ઓપરેશન થાય છે. જે આંકડાઓમાં દેખાય જ છે. આ પરિસ્થિતિ આજે પણ બદલાઈ નથી. શહેરોમાં પણ સ્ત્રી ગર્ભ નિરોધક ગોળી ખાશે, લુપ મુકાવશે કે પછી સ્ટરિલાઈઝેશન કરશે પણ પુરુષનું તેમાં પ્રદાન નહિવત જ રહ્યું છે. પૂનમ મુત્તરેજાના કહેવા પ્રમાણે ફેમિલી પ્લાનિંગ માટે મળતા ફંડમાંથી ૧.૫ ટકા ફેમિલી પ્લાનિંગ માટે જનજાગૃતિની જાહેરાતમાં વપરાય છે અને ૮૫ ટકા ફંડ સ્ત્રીઓના સ્ટરિલાઈઝેશન પ્રોગ્રામમાં વપરાય છે. તેમાંથી ૭૭ ટકા સ્ત્રીઓ માટે સ્ટરિલાઈઝેશન એ પહેલું પગલું હોય છે ફેમિલી પ્લાનિંગ માટે. એ સિવાય તેઓ કોઈ જ કોન્ટ્રાસેપ્ટિવ વાપરતા નથી. ભારતમાં સ્ત્રીઓની સ્ટરિલાઈઝેશનની પ્રક્રિયા સિવાયના કોન્ટ્રાસેપ્ટિવ માટે કોઈ પ્રયત્ન થતા નહીં હોવાનું પૂનમનું કહેવું છે.

૧૯૫૨ની સાલમાં ભારતમાં ફેમિલી પ્લાનિંગ માટે નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામની જાહેરાત થઈ હતી. ભારત પહેલો દેશ છે જેણે ફેમિલી પ્લાનિંગને રાષ્ટ્રિય કાર્યક્રમમાં સામેલ કર્યું હતું. ફેમિલી પ્લાનિંગના કાર્યક્રમમાં પાયાનું કામ કરનાર સ્ત્રી આવાબાઈ વાડિયાને ભૂલી ન શકાય. તેઓ ઈન્ટરનેશનલ પ્લાન્ડ પેરેન્ટહુડ ફેડરેશનના અને ફેમિલી પ્લાનિંગ એસોસિયેશન ઈન્ડિયાના સ્થાપક હતા. ૧૯૭૧માં તેમના કામ માટે તેમને પદમશ્રીનો એવૉર્ડ આપવામાં આવ્યો હતો. ફેમિલી પ્લાનિંગ કાર્યક્રમને કારણે આપણે ત્યાં ફર્ટિલીટી રેટ શહેરોમાં ૧.૮ અને ગામડાઓમાં ૨.૩ સુધી પહોંચ્યો છે ખરો પણ તેમાં પુરુષોનો ફાળો નહિવત છે. કારણ કે સ્ત્રીઓ જ ફેમિલી પ્લાનિંગની જવાબદારી ઊઠાવતી હોય છે.

કેટલીય સ્ત્રીઓને સાંભળ્યું છે કે તેમના પતિઓને ક્ધડોમ વાપરવું ગમતું નથી એટલે તેઓ ગોળીઓ લે છે. આપણે ત્યાં સ્ત્રીઓ આ બાબતે પતિને કંઈ જ કહી શકતી નથી. કારણ કે સ્ત્રીઓએ સેક્સ વિશે કે એ બાબતે પુરુષોની જવાબદારી વિશે ક્યારેય વાત કરી જ શકાય નહીં. પછી ગમે તેટલી તકલીફો તે વેઠે. કર્ણાટકમાં પણ ૨૦૧૭માં સ્ટરિલાઈઝેશન વખતે ભૂલથી બીજું ઈન્જેકશન અપાઈ જતાં પંદર સ્ત્રીઓ મૃત્યુ પામી હતી. તો એક ઓપરેશન દરમિયાન ફેલોપીન ટ્યુબને બદલે ડૉકટરે આંતરડું કાપી નાખતા તે સ્ત્રી મૃત્યુ પામી હતી. બિલાસપુરના કિસ્સા બાદ તો કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે ફેમિલી પ્લાનિંગને ટારગેટ તરીકે ગણીને સ્ટરિલાઈઝેશનના કેમ્પ ન કરવા. ફેમિલી પ્લાનિંગ જરૂરી છે પણ તે સ્ત્રીના સ્વાસ્થ્ય અને આદરના ભોગે નહીં. તે બાબતે પણ સ્ત્રી-પુરુષમાં સમાનતા હોવી જરૂરી છે. સ્ત્રીની સહમતી કે ઈચ્છા શું છે તે પૂછવામાં આવતું નથી. પુરુષની કોઈ ભાગીદારીની અપેક્ષા રખાતી જ નથી. કેટલીય સ્ત્રીઓ ન જોઈતો ગર્ભ રહી જશે તો એની ચિંતા સેવતી હોય છે. કારણ કે ગર્ભ રહી જાય તો પણ તેને જન્મ આપ્યા બાદ ઉછેરવાની દરેક જવાબદારી સ્ત્રીઓની જ હોય છે, અને જો એ ગર્ભ ન જોઈતો હોય તો પણ એના દરેક ઉપાય કરવાની ચિંતા પણ સ્ત્રીઓની જ હોય છે. તે છતાં ક્યારેય તેના વિશે કોઈ સમાનતાની વાત કરતું નથી કે કરવા માગતું નથી. આ સમસ્યા છે એ વિશે કેટલાક અભ્યાસુઓ કે સમાજ સેવી સંસ્થાઓ સિવાય કોઈ જ વિચારવા ય નથી માગતું. જ્યારે નેશનલ હેલ્થ મિશનના આંકડાઓ આવે ત્યારે અખબારના કોઈ ખૂણામાં આ સમાચાર છપાય તો છપાય અને ન પણ છપાય. પ્રાદેશિક ભાષાઓનાં અખબારોમાં આવા સમાચારોનું પણ એડિટ કરી નાખવામાં આવે છે.


You Might Also Like

0 comments