અડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું

22:20





 સ્ત્રીઓને શિક્ષણ મળ્યું હોવા છતાં વિચારોની દિશા બદલાઈ નથી એટલે જ સમાનતા આવી નથી.

સ્ત્રીઓને સમાનતા મળતી નથી છતાં પુરુષોમાં સ્ત્રીઓ માટે રોષ જોવા મળી રહ્યો છે. કારણ એ પણ હોય કે સ્ત્રીઓ હવે અધિકારની વાત કરે છે. સત્તા અને સંપત્તિમાં અડધો ભાગ માગે છે. અત્યાર સુધી એક હથ્થુ રાજ ભોગવ્યું હોય તેમાંથી ભાગ આપવો અઘરો પડે. એ માનસિકતા સમજવા માટે સ્ત્રીઓએ વધુ સ્પષ્ટ થવાની અને વધુ સ્ટ્રોન્ગ થવાની જરૂર પડે છે. પિતૃસત્તાક માનસિકતા ધરાવતા પુરુષો માટે એ સમજવું અઘરું છે. શક્ય હોય ત્યાંથી સ્ત્રીઓને હાંશિયામાં ધકેલી દેવાના પ્રયત્નો સત્તાસ્થાને બિરાજેલા પુરુષો કરતા હોય છે. સ્ત્રીએ પણ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે કેમ કે હમણાં જ ક્યાંક વાંચવામાં આવ્યું સવાલજવાબની કોલમમાં એક સ્ત્રીએ સવાલ પૂછ્યો...હું લિવ ઈન રહું છું છેલ્લા કેટલાક વરસથી હવે એ પુરુષ મને ઉતારી પાડે છે. ત્રાસ આપે છે.... વગેરે વગેરે હું શું કરું?
ખેર આ સવાલ વાંચીને જ સમજાય કે એ બહેન લિવ ઈન રિલેશનશીપનો અર્થ સમજ્યા જ નથી. તેમને પુરુષની સાથે રહેવું છે લગ્ન કરીને નહીં તો લિવ ઈન. સલામતી જોઈએ છે. તેમની માનસિક લાગણીઓ એ પુરુષની ઉપર આધારિત છે. જવાબ આપનારે પણ ગોળ ગોળ જવાબ આપ્યા. તમે સ્ટ્રોન્ગ થાઓ, સામનો કરો, વાત કરો વગેરે વગેરે લિવ ઈન રહેવું એટલે સાથે રહેવું પણ કોઈ શરત નહીં.  જે દિવસે લાગે કે બસ નથી રહેવાય એમ તો સરળતાથી બેગ પેક કરીને નીકળી જવાનું હોય જેમ આવ્યા તેમ. આ કોન્સેપ્ટ પશ્ચિમી દેશોમાં છે જ્યાં સ્ત્રી આર્થિક રીતે પણ સ્વતંત્ર હોય.  સાથે રહેવા માટે સ્ત્રીનું ઘર હોય કે પુરુષનું ઘર હોય કે પછી તેઓ સાથે મળીને ભાડે ઘર લે કે નવું ઘર ખરીદે. ઘરમાં અડધો અડધો ખર્ચ અને કામ વહેંચાઈ જાય. સાથે રહેવાનો આનંદ હોય પણ કોઈ બીજા પર દાદાગીરી કે અધિકાર કે પછી બંધંન ન રાખે. બન્ને એકબીજાની સ્વતંત્રતાનો આદર કરે. જે પણ કરે તે પ્રેમથી કરે પણ તે કર્યાનો કોઈ ભાર ન રાખે. આમ જોઈએ તો આ ખૂબ આદર્શ સ્થિતિ છે. તો પછી જ્યારે બીજી વ્યક્તિ સાથે તમે કમ્ફર્ટેબલ ફીલ ન કરો તો છૂટા પડવા માટે તમારે કોઈની પરવાનગી કે સલાહ નથી લેવાની હોતી. તમારી મરજીથી તમે જોડાયા અને તમારી મરજીથી છૂટા પડી પણ શકો છો.
લિવ ઈન રિલેશનશીપનો જે મૂળભૂત વ્યાખ્યા છે તેમાં  ખરા અર્થમાં જીવનસાથી તરીકે જીવન માણવાની સ્વતંત્રતા મળે છે.  સ્ત્રી અને પુરુષ માટે પણ એવું બનતું નથી. કારણ કે લગ્નસંસ્થા આપણી માનસિકતામાં વણાઈ ગઈ છે. લિવ ઈન રિલેશનશીપમાં કોઈ વિધિ કે કાયદાકીય રીતે પણ લગ્ન નથી થતા. બસ બે વ્યક્તિઓ પોતાની મરજીથી, સમજદારીપૂર્વક સાથે રહેવાનું નક્કી કરે છે કારણ કે તે બન્નેને એકબીજાનો સાથ ગમે છે.
લગ્નમાં પણ એવું જ હોય છે, પરંતુ તેમાં કાયદાકીય વ્યવસ્થા પણ લાગૂ પડી શકે છે. તેઓ છૂટા પડવાનું નક્કી કરે તો તેમણે કાયદાથી પણ છૂટા પડવું પડે જો બેમાંથી એકે બીજા લગ્ન કરવા હોય કે પછી પોતાનો અધિકાર જોઈતો હોય અને બીજી વ્યક્તિ ન આપતી હોય તો. આ લખાય રહ્યું છે તે સમયે દિલ્હી સુપ્રીમકોર્ટમાં એક કેસ ચર્ચાનો વિષય બન્યો છે. એક સ્ત્રીએ પુરુષ સામે કેસ દાખલ કર્યો છે છેતરામણી અને બળાત્કારનો. એ બન્ને સ્ત્રી પુરુષ છેલ્લા છ વરસથી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. સ્ત્રી કહે છે કે તે મારી સાથે લગ્ન કરશે એ જ શરતે મેં તેની સાથે સંમતિથી શારિરીક સંબંધ બાંધ્યો હતો. હવે એ પુરુષ લગ્ન કરવાની ના પાડે છે. સુપ્રીમ કોર્ટ વિચારણા કરી રહી છે કે લિવ ઈન રિલેશનશીપમાં સ્ત્રીને અન્યાય ન થાય. ખેર, કાયદાકીય વ્યવસ્થા જાળવવાનું કામ સરકારનું છે. અને તેમાં કોઈપણ કાયદા બાબતે વિચારણા કરવી જ પડે, પરંતુ સ્ત્રીએ સેક્સુઅલ સંબંધને શરીરની પવિત્રતા-અપવિત્રતા સાથે જોડવાની જરૂર છે ખરી?
હા બળાત્કાર થાય તે લગ્નબાદ પણ  યોગ્ય નથી જ. સેક્સુઅલ સંબંધમાં સ્ત્રીની સંમતિ અને ભાગીદારી જરૂરી છે. સ્ત્રીની ના એટલે ના અને હા એટલે મરજી પછી તેમાં શરતો સાથે સંબંધ બાંધવa કેટલે અંશે યોગ્ય ગણાય? બાળકોને જેમ આપણે ધમકાવીએ કે લેશન કરીશ તો જ તને આઈસ્ક્રિમ મળશે કે પછી હોમવર્ક પૂરું કરીશ તો જ રમવા જવા મળશે વગેરે... એ રીતે સ્ત્રી, પુરુષને કહે કે લગ્ન કરીશ તો જ શરીર સંબંધ બાંધીએ. આવું એટલે બને છે કે સ્ત્રીનું શરીર સેક્સ કર્યા બાદ અપવિત્ર બની જાય છે અને પુરુષનું શરીર નહીં એવી માનયતાઓ પિતૃસત્તાક સમાજ દ્વારા ઊભી  કરવામાં આવી છે. સીતાએ અગ્નિ પરીક્ષા આપવી પડે કે તે પવિત્ર છે, રામ કે રાવણે નહીં કારણ કે તેઓ પુરુષ છે. આ માનસિકતા શિક્ષિત સ્ત્રીઓમાંથી પણ જતી નથી. એટલે જ જે સ્ત્રી માનસિક રીતે પુખ્ત ન થઈ હોય કે સમજદાર ન હોય તે શરત મૂકે કે લગ્ન કરશે તો જ સેક્સ કરવામાં આવશે.
લગ્ન કરવા માટે શરીર સંબંધ બાંધવો કે શરીર સંબંધ બાંધ્યો એટલે લગ્ન કરવા જ પડે પછી એ પાત્ર યોગ્ય હોય કે ન હોય તેને વળગી રહેવાનું. લગ્ન પહેલાં કે લગ્ન બાદ પણ. પુરુષ બળાત્કાર કરે તો પણ સ્ત્રીનું શરીર અપવિત્ર થાય એવી ગુનાહિતતા સાથે સ્ત્રી જીવે. ચોર ચોરી કરે તો ચોર ખરાબ કે જેના ઘરે ચોરી થઈ હોય તે વ્યક્તિઓ ખરાબ? આટલી સાદી સમજ સ્ત્રીઓમાં કેળવવામાં નથી આવતી.  સ્ત્રી જો સમજદાર બને તો તેને પુરુષ ઉપર નિર્ભર રહીને જીવવાની જરૂર ન પડે. લિવ ઈન રિલેશનશીપ લગ્નના પર્યાય તરીકે સ્વતંત્રતામાં માનતી વ્યક્તિઓની શોધ  છે, પરંતુ તેમાં પણ જો કાયદો આવે કે શરતો આવે તો પછી તે લિવ ઈન ન રહેતા લગ્ન સંસ્થા જ બની રહેશે. કોન્ટ્રાક્ટ મેરેજ પણ અસ્તિત્વમાં આવી રહ્યા છે. સ્ત્રીને શરીર સંબંધનો ડર લાગે કારણ કે તેને ગર્ભ રહી જવાની શક્યતા હોય છે. તેની જવાબદારીને કારણે તે નબળી પડી જતી હતી અત્યાર સુધી. પણ આધુનિક યુગમાં સ્ત્રી પોતાની મરજીથી ગર્ભ ધારણ કરવો કે ન કરવો તે નિર્ણય જો ઈચ્છે તો લઈ શકે છે. જો પુરુષ પર જ તે નિર્ભર રહેવાની હોય દરેક બાબતે તો તે કોઈ જ નિર્ણય લઈ શકતી નથી. શિક્ષણ લીધા પછી પણ અને લિવ ઈન રિલેશનશીપમાં રહ્યા બાદ પણ તે જો પુરુષને જવાબદાર ઠેરવે પોતાના નિર્ણયો માટે તો સ્ત્રીને સમાન અધિકાર કે સ્વતંત્રતા મળશે નહીં. દરેક સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આવે છે. હવે આ બાબત અનેક સ્ત્રીઓને સમજાઈ રહી છે અને એટલે જ એવી ફિલ્મો પણ બની રહી છે જે સમાજનું જ પ્રતિબિંબ હોય. ક્વીન ફિલ્મમાં એકલી હનીમૂન પર જવાનો નિર્ણય લેનારી નાયિકા જવાબદારીનો અર્થ સમજતા પોતાની સ્વતંત્રતાનો બખૂબી ઉપયોગ કરે છે. લાગણીઓમાં તણાઈને ખોટા નિર્ણયો નથી કરતી. એ જ રીતે દમ લગા કે હઈશોની નાયિકા પણ પોતાની ઈચ્છાઅનિચ્છા સાથે પોતાનું સ્વમાન પણ જાળવવાનો આગ્રહ રાખે છે. જવાબદારી ઊઠાવવાની તૈયારી હોવાથી લગ્નને ટકાવી રાખવા માટે પોતાને બિચારી નથી બનાવતી. સ્વમાન અને આદર સાથે પતિની સાથે રહેવા તૈયાર છે પણ અપમાનિત થઈને રહેવા તૈયાર નથી. કાયદાથી લડીને સન્માન અને સ્વમાન લઈ શકાતું નથી પણ તે જાતે મેળવવાનું હોય છે. આપણો આનંદ અને આદર બીજા પર નિર્ભર ન હોવો જોઈએ.

પ્રેમ હોય તો આદર હોય. આદર ન હોય તો પછી શોષણ જ હોય છે. આપણું શોષણ થવા દેવું કે નહીં તે આપણા પોતાના હાથમાં હોઈ શકે છે. કેટલાક નિર્ણયો આપણે લેવા પડે છે અને તેની જવાબદારી પણ આપણ જ લેવાની હોય છે. બીજા પર તેનો આક્ષેપ મૂકવો યોગ્ય નથી. પિતૃસત્તાક માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર પુરુષોને ન પણ લાગે પરંતુ સ્ત્રીને લાગે તો એમાંથી બહાર નીકળી શકે છે. હા, શરૂઆતમાં સંઘર્ષ થાય અને તકલીફો પણ આવે પરંતુ ચીલો ચાતર્યા બાદ રસ્તો સરળ બને છે.  

You Might Also Like

0 comments