મારકણું આકર્ષણ
04:05
પોતાની પત્ની કે પ્રેમિકા સાથે હોવા છતાં પુરુષ સામેથી આવતી સ્ત્રીને પુરુષ તરીકે ચોક્કસ જોશે. તેને સેક્સ મેનિયાક ન કહી શકાય. પુરુષને સ્ત્રીનું અને સ્ત્રીને પુરુષનું આકર્ષણ કુદરતે મૂકેલું છે એ નહોત તો પ્રજોત્પત્તિ શક્ય ન બનત. સંબંધોમાં મનુષ્યની બુદ્ધિએ પાવર અને પઝેશનના ગુણોને લીધે લગ્ન સંસ્થાનો જન્મ થયો. જો કે તેને તોડવા માટે મૈત્રી કરાર(ગુજરાતમાં થતા હતા) લિવ ઈન રિલેશનશિપના રસ્તાઓ શોધાયા. જો કે તેમાં પણ પઝેસિવ હોવાનો સ્વભાવ બેમાંથી એકેયમાંથી જતો નથી. તેમાં ફક્ત પુરુષનો વાંક નથી પણ પુરુષ જ પત્ની હોવા છતાં બીજી સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી કે ધર્મ પરિવર્તન કરી સુખ માણે છે. આવા કિસ્સાઓમાં પુરુષની બીજી પસંદ યુવાન સ્ત્રીની જ રહે છે. પુરુષોને યુવાન સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ થાય છે તેનું કારણ છે ટેસ્ટટોરોન અને પ્રજોત્પત્તિનનું કુદરતી રહસ્ય.
પુરુષ અને સ્ત્રીનો બાયોલોજિકલ ફરક જ તેમને આગવું વ્યક્તિત્વ આપે છે. પુરુષ સિવાય સ્ત્રીની અને સ્ત્રી સિવાય પુરુષની વાત કરવી અશક્ય છે. કારણ કે તેમનો જન્મ પણ એ બન્નેના લીધે જ થાય છે. પુરુષ શું જુએ છે સ્ત્રીમાં તો વેલ તે એનો ચહેરો પહેલાં નથી જ જોતો. સ્તન અને કમરના વળાંકોને જુએ છે. આ વળાંકો જ સ્ત્રીની ફળદ્રુપતાનાં ચિહ્નો હોય છે. જો કે આજનો પુરુષ આવું વિચારીને સ્ત્રીને જોતો નથી. પણ તેના અજાગૃત મનમાં અને લોહીમાં ટેસ્ટોટોરોન રૂપે આ કામ કરતું હોય છે. અત્યાર સુધી આ બાબત પુરવાર કરી નહોતી શકાઇ પણ ત્રણેક વરસ પહેલાં નેબ્રાસ્કા લિન્કન યુનિવર્સિટીના સામાજિક મનોચિકિત્સક સારાહ ગરવેઇસે કરેલા એક સંશોધન દરમિયાન એ સાબિત થયું કે વળાંકોવાળું ફિગર ધરાવતી સ્ત્રીઓ પર પુરુષોની નજર જાય જ છે, તે એમની ફર્ટિલીટીને કારણે. એટલું જ નહીં સ્ત્રીઓ પણ સુંદર ફિગર ધરાવતી સ્ત્રીઓને જુએ છે. પણ પોતાની હરીફ તરીકે. આઈ ટ્રેકર બેસાડીને આ સંશોધન થયું હતું. પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે હોવા છતાં સુંદર ફિગર ધરાવતી યુવતી પર એક નજર કોઇપણ પુરુષ નાખશે જ. કારણ કે એ પુરુષનો મૂળ સ્વભાવ ડીએનએમાં વણાયેલો છે. મી ટુ કેમ્પેઈન શરૂ થયા પછી પુરુષો વધુ ચોકન્ના બની રહ્યા છે ખરા, પરંતુ જે એક ક્ષણ આકર્ષણની સહજતાથી આવી જાય છે તેને સ્ત્રીઓ પણ સમજીને સ્વીકારી શકે છે.
યાદ રહે પુરુષો યુવાન સુંદર પ્રમાણસર શરીર ધરાવતી સ્ત્રીને એકાદ બે નજર જોઇ લે ત્યાં સુધી જ તેનું અજાગૃત મન અને હોર્મોન કામ કરતાં હોય છે, પરંતુ પછી તે જે નિર્ણય લે છે આંખોને મન પર કાબૂ રાખવાનો તે જાગૃત અવસ્થા હોય છે. પણ જો તે વધારે ધારીને જુવે કે તેને યેનકેન પ્રકારેણ પામવાની કોશિશ કરે ત્યારે તે પૌરુષ્યની સીમાની બહાર રહીને વર્તતો હોય છે. જેને સમાજ રચનામાં સ્વીકાર્ય નથી મનાતું કે સ્ત્રીને પણ સ્વીકાર્ય હોતું નથી. સ્ત્રીના સ્ત્રીત્વને આદરને માન સાથે પ્રેમ કરે તે જ ખરો પુરુષ. જાહેરમાં કે એકાંતમાં સ્ત્રી સલામતીનો અનુભવ ન કરી શકે તેનો અર્થ પુરુષોનું પુરુષાતન ખતમ થઈ ગયું છે. પુરુષનું પૌરુષ્ય તેના હોર્મોન પરના સંયમને કારણે જ પુરવાર થતું હોય છે. સદીઓથી ઇવ પણ આદમના આ સંયમી પૌરુષ્યના પ્રેમમાં પડે છે.
આદિમાનવમાંથી જેમ જેમ માણસનો વિકાસ થતો ગયો તેમ સમાજના નિયમોની રચના પણ થતી ગઇ, પરંતુ સ્ત્રીને સ્ત્રીત્વ આપતું કે પુરુષને પુરુષત્વ આપતું મુખ્ય તત્ત્વ તો એ જ રહેવાનું છે. પુરુષને પૌરુષત્વ આપતું ટેસ્ટેટોરોન નામનું હોર્મોન પુરુષોની ખાસિયતો ઘડે છે એવું કહી શકાય. રસ્તા પરથી પસાર થતા , કોઇ પબમાં દાખલ થાય, પત્ની સાથે ડિનર લેતા હોય કે ઑફિસમાં જ કામ કેમ ન કરતા હોય દરેક પુરુષ પસાર થતી કે સામેથી આવતી યુવાન સ્ત્રીને જુએ જ છે. તેમાં એ પુરુષ ખરાબ છે એવું નથી. યુવાન સ્ત્રી ફર્ટિલાઈ હોય છે. અને તે તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. સેક્સ એડવાઈઝર અને થેરેપિસ્ટ ડો.માઈક ડોવ કહે છે કે પુરુષનું મગજ નોંધ લે તે પહેલાં તો પુરુષની નજર સ્ત્રી સુધી પહોંચી જતી હોય છે. પુરુષના હોર્મોન તેને એમ કરવાની પ્રેરતા હોય છે. સ્ત્રીને જોતો દરેક પુરુષને ફ્લર્ટ માની લેવાની જરૂર નથી. સ્ત્રી પસાર થાય અને પુરુષની નજર તેની નોંધ ન લે તેવું બનવું અશક્ય છે.
બીજા એક રિસર્ચ પ્રમાણે સ્ત્રીનું બીજ જ્યારે ફલિત થવાનું હોય છે ત્યારની તેના પરસેવાની વાસ પુરુષના ટેસ્ટોટોરોનને અસર કરે છે. સ્ત્રીની ફળદ્રુપતાની ગંધ પુરુષના ટેસ્ટેટોરોનને વધારતી હોવાના અનેક પુરાવા સંશોધનકારોને મળ્યા છે. એટલે જ્યારે કોઈ પુરુષ કહે છે કે મને સ્ત્રીના શરીરમાં રસ છે તેની બુદ્ધિમત્તામાં નહીં ત્યારે તેની અંદરનું પુરુષ નામનું પ્રાણી આ કહી રહ્યું હોય છે. પુરુષોને સ્ત્રીની લાગણીઓ કરતાં શરીરની સાથે કામ પાર પાડતા સરળતાથી ફાવતું હોય છે. એનો અર્થ એવો નહીં કે પુરુષને લાગણી નથી હોતી કે તેણે પોતાના ટેસ્ટોટોરોનને પ્રાણીની જેમ વર્તવા દેવાનું હોય. અહીં જ આપણો વિકાસ કામ કરે છે. ટેસ્ટોટોરોન તો પુરુષના લોહીમાં જ હોય છે પણ તેની સાથે શિક્ષણ ,સમાજ અને સમજ આ દરેક બાબતો પુરુષનું ઘડતર કરે છે, પરંતુ બેઝિક ઇન્સ્ટિન્ક તો આદિમાનવની જ રહેવાની.
બીજું કે યુવાન સ્ત્રી પ્રૌઢ પુરુષને અભી તો મૈ જવાન હુંની લાગણી જન્માવે છે. પૌરુષત્વને સતત પુરવાર કરવું પડે છે એ આપણી સમાજ વ્યવસ્થા છે. એટલે જ પોતાનાથી દસ કે વીસ વરસ નાની યુવતી તરફ તે આકર્ષાય છે. અબો અકાડેમી યુનિવર્સિટી ટુર્કુ, ફિનલેન્ડના સાયકોલોજિસ્ટે હાલમાં જ સ્ત્રી-પુરુષ કેવા પાર્ટનર પસંદ કરે છે તેના પર સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે સ્ત્રીઓ પાર્ટનર પસંદ કરતા સમયે ઉંમરનો બહુ ગેપ પસંદ કરતી નથી. પ્રૌઢ પુરુષોને પણ પોતાની વયની સ્ત્રી પસંદ હોય છે પણ ફક્ત કંપની પૂરતી, રિલેશનશિપ એટલે કે સેક્સુઅલ સંબંધો બાંધવા માટે પુરુષો જરૂર યુવાન સ્ત્રી પસંદ કરશે તે છતાં એ દરેક વખતે શક્ય બનતું નથી. યુવતીઓને સંતોષ આપવાનું પ્રૌઢ પુરુષ માટે શક્ય નથી હોતું. હા તેમના પૈસા અને માનમરતબો માટે તેઓ જરૂર જોડાઈ શકે છે. એટલે જ તમે ક્યારેય જોયું છે કે ગરીબ પ્રૌઢને પોતાની મરજીથી કોઈ યુવાન સુંદર સ્ત્રી પરણી હોય? શક્ય જ નથી તે ગરીબ યુવાન પસંદ કરશે પણ જો પ્રૌઢ પુરુષ પસંદ કરવાનો હોય તો પૈસાદાર કે સત્તાશાળી પુરુષ જ પસંદ કરશે.
અપવાદ રૂપ કિસ્સાઓમાં પુરુષોએ પોતાની ઉંમરથી મોટી વયની સ્ત્રી પસંદ જરૂર કરી છે પણ તેમાં એ સ્ત્રીની ખૂબસૂરતી સાથે તેની બુદ્ધિમત્તાથી આકર્ષાયો હોય છે. એવા પુરુષને બાલીશ યુવતીઓ કરતાં મેચ્યોર્ડ સ્ત્રીની કંપની પસંદ હોય છે. જો કે આવા કિસ્સાઓ ખૂબ ઓછા છે. બે-ચાર વરસનો તફાવત હજી સામાન્ય રીતે આપણી આસપાસ પણ જોવા મળશે પણ ફ્રાન્સના પ્રમુખ મેકરોનની પત્ની બ્રિજિટ તેમનાથી 25 વરસ ઉંમરમાં મોટી છે જે અસામાન્ય કિસ્સો છે, જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની પત્ની તેમનાથી 25 વરસ નાની છે અને એવા કિસ્સાઓ સામાન્યપણે આસપાસ પણ જોવા મળશે. આપણે ત્યાં પ્રૌઢ પુરુષ જો પોતાનાથી નાની ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરશે કે લિવ ઈન રહેશે તે સામાન્ય રીતે સ્વીકાર્ય છે પણ પ્રૌઢ મહિલા પોતાનાથી નાના કે અડધી ઉંમરના પુરુષ સાથે રહેતી હોય તેવો કિસ્સો જડવો મુશ્કેલ છે.
મી ટુ કેમ્પેઈન બાદ અનેક પુરુષો પૂછે છે શું અમારે સ્ત્રીને જોવાની નહીં. સૌંદર્યને એપ્રિશિયેટ કરવાની નહીં ? કોઈ સ્ત્રી એવું ઈચ્છે નહીં. પુરુષે સ્ત્રીને સ્ત્રી તરીકે જોવી ખરી પણ અમુક સેક્ધડ્સ ત્યારબાદ બુદ્ધિનો ઉપયોગ કરી તેના સૌંદર્યને યોગ્ય શબ્દો કે વર્તન દ્વારા એપ્રિશિયેટ કરી શકાય. સ્ત્રીની મરજી નામરજીને પણ સમજવાની ક્ષમતા કેળવવી જોઈએ. ફિલ્મોમાં દર્શાવે છે એ રીતે કોઈપણ અજાણી વ્યક્તિ તેના શારિરીક સંદર્ભે કોમેન્ટ કરે કે કોઈ જાણીતી વ્યક્તિ પણ તેની મરજી વિરુદ્ધ અડપલાં કરે તે યોગ્ય નથી. આકર્ષણ થવું સ્વાભાવિક છે પણ ત્યારબાદનું વર્તન યોગ્ય વિચાર દ્વારા ક્ધટ્રોલ થઈ શકે છે. જબરદસ્તીથી બળાત્કાર જ થઈ શકે. પુરુષ સામેથી નમ્રતાથી પૂછીને માનવીય રીતે વર્તી જ શકે છે. ક્ધટ્રોલ ન થઈ શકે એ હદની માનસિકતા હોય તો સાયકોલોજિસ્ટ કે કાઉન્સેલર પાસે જઈને તેનો ઉપાય કરી શકાય છે.
0 comments