દુખને હરાવવાની કળા
07:19
“કેન્સર તમારી પાસેથી ઘણું લઈ લે છે., કેન્સરે મારા પગ, મારું ફેફસું, અને લીવરનો થોડોક ભાગ પણ. લઈ લીધો.... પરંતુ, તેણે મને ઘણું આપ્યું છે. હું કોણ છું તે જાણવામાં મને મદદ કરી છે. પીડા સહેવાની મારી મર્યાદા... અને સૌથી મહત્ત્વનું તો મૃત્યુનો સામનો કરવાનો મારો ડર દૂર કરવામાં મને મદદ કરી છે.“ આ શબ્દો છે આલ્બર્ટ એસ્પીનોસાના. સ્પેનિસ સિનેમામાં સ્ક્રીન રાઈટર, એકટર, ડિરેકટર તરીકે પ્રખ્યાત છે અને તે કોલમ રાઈટર પણ છે. આજે તે 44 વરસનો છે.
અભિનેત્રી મનીષા કોઈરાલા અને લિઝા રેએ કેન્સરને માત આપી છે તો હાલ સોનાલી બેન્દ્રે પણ કેન્સર સામે ઝઝૂમી રહી છે. તેમાં ય ક્રિકેટર યુવરાજ કેન્સરની સામે સિક્સર ફટકારી તેને માત કરી ફરી ખેલના મેદાનમાં ઊતરી આવ્યો છે તે સૌ કોઇ જાણે છે. કેન્સરની સામે બાથ ભીડનાર અનેક લોકો દુનિયામાં છે. પણ સ્પેનના બાર્સેલોના શહેરનો આલ્બર્ટ એસ્પીનોસાને 14 વરસની ઊંમરે જ્યારે પગમાં હાડકાના કેન્સરની ગાંઠ થઈ ત્યારે ડોકટરોએ તેને કહી દીધું કે બસ તે હવે જીવી નહીં શકે. જીવનનો છેલ્લો મહિનો છે તે એણે આનંદમાં વીતાવવો જોઇએ. આલ્બર્ટના માતાપિતાએ દીકરાના છેલ્લા દિવસો સારી રીતે વીતે તે માટે તેને સુંદર સ્થળે ફરવા લઈ જવાના હતા. એરપોર્ટ તરફ જતી વખતે આલ્બર્ટે નક્કી કર્યું કે તે કેન્સરની સામે હાર માનીને મૃત્યુને નહીં સ્વીકારે પણ મૃત્યુને સાથે રાખીને તે કેન્સરની સામે લડશે. બસ, પછી તો તે એરર્પોટ પરથી જ પાછો ફર્યો અને ફરવા જવાને બદલે હોસ્પિટલમાં પહોચ્યો અને ડોકટરને કહ્યું કે મારો પગ કાપી નાખો. એટલું જ નહીં પગ કપાવતા પહેલાં તેણે પાર્ટી આપી. અને પોતાના બે પગે નર્સની સાથે જીવનનું છેલ્લું નૃત્ય પણ કર્યું. ચૌદ વરસના છોકરાએ જે હિંમતથી જીવનની દરેક પરિસ્થિતિ સ્વીકારી તે જોઇને કેન્સરે પણ પીછેહઠ કરી. તેણે 14 વરસથી 24 વરસ સુધી એટલે કે યુવાનીના સુવર્ણ દિવસો હોસ્પિટલમાં વીતાવ્યા. 24 વરસની વયે જ્યારે ડોકટરે કહ્યું કે બસ હવે તે કેન્સરથી મુક્ત થયો છે ત્યારે એને સમજાયું નહીં કે હવે શું કરવું. કારણ કે તેણે વિચાર્યું હતું કે કેન્સરની સામેની તેની લડાઈ જીવનભર ચાલશે.
જો કે તે પછી આલ્બર્ટ દુનિયાભરમાં પોતાના એક નકલી પગ સાથે ફર્યો. સફળ સ્ક્રીન રાઈટર બન્યો અને તેણે 2008ની સાલમાં યલો વર્લ્ડ નામે એક પુસ્તક લખ્યું.જે વાંચીને તેને લોકો રોજના 9000 ઇમેઇલ લખે છે.
પુસ્તકમાં તેણે જીવનના દરેક પડકારને જોવાનો દ્રષ્ટિકોણ કઈ રીતે બદલી શકાય તે પોતાના જીવનના ઊદાહરણ આપતાં આલેખ્યું. આલ્બર્ટ લખે છે કે કેન્સરે તેને જીવનને સાચા અર્થમાં સમજતાં શીખવ્યું. જીવનમાં દરેક સંજોગો બદલાઈ શકે છે. ફક્ત તેને જોવાનો નજરિયો બદલવાની જરૂર હોય છે. નિરાશ થઈને પીડાને કે દુખને રડ્યા કર્યા વગર તેને રમૂજમાં ફેરવી શકાય. જેમકે મારો પગ કપાવાનો હતો તેને આગલે દિવસે મેં પાર્ટી આપી તેમાં દરેકને યાદ કરીને બોલાવ્યા, મેં જે મિત્રોની વિરુધ્ધ ફુટબોલ રમતાં પચાસ ગોલ માર્યા હતા, જે છોકરીની સાથે મેં ટેબલની નીચે પગ અડાડવાની રમત રમી હતી તેને પણ બોલાવી. અને છેલ્લી વખત નર્સની સાથે નૃત્ય કરીને મેં પગને હસતાં હસતાં અલવિદા કહી. હસવાથી દુખ હળવું થાય છે અને તેની પાછળ છુપાયેલ સુખને જોઈ શકાય છે.
આલ્બર્ટે 24 વરસની ઉંમરે હોસ્પિટલમાંથી નીકળીને ઇન્ડસ્ટ્રિઅલ એન્જીનયરનો અભ્યાસ કરવા માટે ટેકનિકલ સ્કુલ ઓફ બાર્સેલોનામાં જોડાયો. તેણે એન્જીનયરની ડિગ્રી પણ લીધી પણ ક્યારેય તેણે એન્જિનયર તરીકે કામ નથી કર્યું. કોલેજ બાદ તરત જ તે ટેલિવિઝન કંપનીમાં જોડાયો હતો. અને સ્ક્રીન પ્લે લખવાની શરૂઆતતો તેણે કોલેજ કાળથી જ શરૂ કરી હતી. તેણે એક સ્પેનિસ ફિલ્મ પણ બનાવીઅને તેને એવોર્ડસ પણ મળ્યા. એ સિવાય સ્પેનિસ ધારાવાહિકો લખી એટલું જ નહીં તેણે કેટલાક એપિસોડમાં એકટિંગ કરી અને ડિરેકટર તરીકે પણ કામ કર્યું. આ ઉપરાંત અત્યાર સુધીમાં તેના ચારપુસ્તકો પ્રગટ થયા છે. અને તે બેસ્ટસેલર લેખક રહ્યો છે.
જીવનના દરેક સારાનરસા સંજોગો પાછળ સુંદર સંદેશો હોય છે. કપરામાં કપરા સંજોગો પણ જીવતંતાથી ભરપુર હોય છે. આપણે જીવનમાં ફક્ત પામવાનું શીખવાનું નથી પણ ખોતા ય શીખવું પડે છે. વસ્તુ કે વ્યક્તિને ખોવાનું દુખ આપણે સતત શોક ને નિરાશા સાથે જોતા હોઇએ છીએ. પણ જો આપણે શોકમગ્ન રહીને રડ્યા કરવાને બદલે તેને સ્વીકારી લઈને જોઇશું તો જીવન બદલાઈ શકે છે એટલું જ નહીં પણ આપણે ઇચ્છયું હશે તે કરતાં વધુ સારું પણ બની શકે છે.
જો આલ્બર્ટે 14 વરસની વયે કેન્સરની સામે લડવાને બદલે હાર માની લીધી હોત તો આજે આપણે તેના વિશે કશું જ જાણતા ન હોત. કારણ કે તે જીવ્યો જ નહોત અને ન તેણે પુસ્તક લખ્યું હોત. પરિક્ષામાં નાપાસ થવું, પ્રેમમાં નિષ્ફળ જવું કે પછી ધંધામાં ખોટ જવી કે પતિ પત્નિ વચ્ચે થતાં સામાન્ય ઝઘડાઓને અહમનો મુદ્દો બનાવી દેવો...જેવા અનેક વિપરિત સંજોગોમાં લોકો પોતાની જાતને નિષ્ફળ માનીને જીવનને ખતમ કરી નાખે છે તો કેટલાક સંજોગો સામે હાર માનીને નિષ્ફળ જીંદગી જીવે છે. ત્યારે સતત મોતને સ્વીકારીને કેન્સર સામે યુવાન વયે હસતાં હસતાં વીરતાથી લડનાર આલ્બર્ટ જીવનને જીવંત રાખે છે. આલ્બર્ટનું જીવન પ્રેરણાત્મક પ્રસંગોમાં જુદો ચીલો પાડે છે, તે આપણને જીવનનો જેમ છે તેમ જ સ્વીકાર કરતાં શીખવે છે.
દુખ, પીડા એ જીવનનો ભાગ જ છે તેને સ્વીકારીને જીવનને જીવંત બનાવી શકાય તો એને નકારીને કે તેની સામે હારીને જીવન વેડફી ય નાખી શકાય છે. હકારાત્મક જીવન જીવવા માટેના અનેક પુસ્તકો લખાયા છે પણ આલ્બર્ટના યલો વર્લ્ડઆ બધામાં અનોખું છે.40 વરસીય આલ્બર્ટ પોતે સફળ અને સરસ રીતે જીવન કઈ રીતે જીવી શકાય તેનું જીવતું જાગતું ઊદાહરણ છે.
0 comments