તું જો કહે હા તો હા
22:43
ના એટલે ના નો અર્થ ન સમજનારા માટે હા
એટલે હા કેમ્પેઈન ચલાવવાની જરૂર છે.
આપણે ત્યાં જ નહીં દુનિયામાં મોટેભાગે બધી જ
જગ્યાએ સ્ત્રીનો નકાર પુરુષો સ્વીકારી શકતા નથી. એટલે જ સ્ત્રીની ના પણ હા જ
કહેવાય એવી માન્યતાઓ કિંવદતીરૂપ ચાલી રહી છે. સ્ત્રીઓ શરમાળ હોય છે અને એટલે તેઓ હા પાડતી નથી એવી પણ માન્યતાઓ
છે. હકિકતે સ્ત્રીઓને ખબર પડતી હોય છે કે ક્યારે હા પાડવીને ક્યારે ના પાડવી. સમજ
અને સ્વીકાર પુરુષોને નથી હોતો એટલે જ બળાત્કાર થાય છે. પોતાને જે ઈચ્છા થાય તે
પૂરી થવી જ જોઈએ અને ના આ નહીં મળે તેવું બાળપણથી શીખવાડમાં આવતું નથી. જ્યારે
સ્ત્રીઓને કોઈ અપેક્ષા ન રાખવાની અને સ્ત્રીઓ તો પુરુષોની સામે બોલાય જ નહીં કે
તેમને કોઈ બાબતે ના પડાય જ નહીં તે પણ જાણેઅજાણે શીખવાડાય છે.
ખેર આજે વાત કરવી છે એવા કેટલાક દેશોની જેમને
લાગ્યું કે પુરુષો ના એટલે હા જ સમજે છે તો હા નો અર્થ તેમને સમજાશે. હા એટલે હા
નો કાયદો બનાવ્યો. એનો અર્થ એ કે જો હા ન હોય તો ના જ છેએવું માનવું જરૂરી છે.
સ્પેનમાં બુલ રન ફેસ્ટિવલ ખૂબ પ્રસિદ્ધ છે. જીંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં એ
બુલ રનના દૃશ્યો ફિલ્માવાયા હતા. એ ફેસ્ટિવલના સમયે નિર્ભયા જેવો કિસ્સો બન્યો
હતો. પાંચ પુરુષોએ એક અઢાર વરસની છોકરી પર
બળાત્કાર કર્યો અને તેની ફિલ્મ પણ ઉતારી. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને જે
ફિલ્મ જજે જોઈ તો તેમાં છોકરી ચુપ હતી અને બળાત્કારનો વિરોધ નહોતી કરી રહી એટલે
ન્યાયાધીશે એવો ચુકાદો આપ્યો કે તે છોકરી એ ફિલ્મમાં વિરોધ નહોતી કરતી એટલે
બળાત્કારને બદલે સેક્સુઅલ અસોલ્ટ એટલે કે જાતીય સતામણીનો કેસ બન્યો. આ ચુકાદાનો
આખાય સ્પેનમાં ખાસ્સો વિરોધ થયો. કારણ કે
ચુપ રહેવાને કે વિરોધ ન કરવાને સંમતિ માની લેવાની જરૂર નથી. પાંચ પુરુષો હોય તો
ગમે તેટલો વિરોધ કર્યો હોય તો પણ શું તે સ્ત્રી બચી શકવાની હતી? વળી
શરૂઆતમાં જ્યારે તેણે ના પાડી હશે, વિરોધ કર્યો હશે ત્યારે એ તેમણે ફિલ્મ નહોતી
ઉતારી. છોકરી ડરની મારી પણ ચુપ થઈ જાય. એટલે સ્પેનમાં આખરે કાયદો બદલાયો. કન્સેન્ટ
એટલે કે બન્ને પક્ષની સંમતિ હોય તો જ સેક્સ થઈ શકે નહીં તો તે બળાત્કાર ગણી શકાય. સેક્સ
સમયે શાંત કે ચુપ રહેનાર વ્યક્તિ કે કોઈ જ પ્રકારના ભાવ પ્રદર્શિત ન કરવામાં આવ્યા
હોય તો પણ બળાત્કાર ગણી શકાય.
આવો કાયદો શું કામ લાવવાની જરૂર પડી ? એની
નવાઈ ઘણાને લાગી શકે છે. પણ સેક્સુઅલ
સંમતિ માટે સ્ત્રી અને પુરુષની સમજ જુદી છે. તેથી મોટેભાગે ખોટી સમજને પકડવામાં
આવે છે. માન્યતાઓને પણ સમજમાં ખપાવવામાં આવે છે. જેમ કે સ્ત્રી જો ના પાડે તો
પુરુષને લાગે છે કે સ્ત્રી તેના પૌરુષત્વને પડકારે છે. જો તે વધુ પ્રયત્ન કરે અને
કઠોર બને તો જ તે હા પાડશે. એટલે તેની ના ને નજરઅંદાજ કરે છે. આપણે ત્યાં હિન્દી
ફિલ્મોમાં આ બાબત દર્શાવવામાં આવે છે. હિરોઈન હીરોને ના પાડે તો પણ તે એની પાછળ
જાય. હેરાન કરે અને હા બોલાવીને જ રહે. હીરો તેને ગમતી છોકરીનો પીછો કરે તેને
યોગ્ય માનવામાં આવે એટલે જ પછી છોકરી માની જાય આ પિતૃસત્તાક માનસિકતા ધરાવનાર ફિલ્મ
બનાવે તો બને. લડકી હૈ યા લડી હે... ખંભે જેસી ખડી હૈ જેવા ગીતોનું ફિલ્માંકન જુઓ.
હકિકતમાં એવું બને તો પોલીસ કેસ થઈ શકે. વળી સ્પેનની વાત કરીએ તો તેમણે કાયદો
બદલ્યો જેથી સ્ત્રીઓને અન્યાય ન થાય. જબરદસ્તી સ્ત્રીઓને ગમે છે એવી માન્યતાને
સાચી માનવાની જરૂર નથી. હકિકતમાં પુરુષને ય ખબર હોય છે કે ક્યારે સ્ત્રીની ખરેખર
ના હોય છે અને ખરેખર હા હોય છે. પણ ના તે સ્વીકારી શકતો નથી એટલે તકલીફ ઊભી થાય
છે.
સ્પેન સિવાય બીજા અનેક દેશોમાં આ કન્સેન્ટનો
સંમતિનો કાયદો છે. અમેરિકામાં ન્યુયોર્કમાં પબ્લિક અને પ્રાઈવેટ કોલેજમાં 2015થી
સેક્સુઅલ કન્સેન્ટનો કાયદો લાવવામાં આવ્યો છે. કેલિફોર્નિયા પહેલું અમેરિકન રાજ્ય
છે કે જ્યાં જેમણે 2014માં કન્સેન્ટને કાયદાની સમજુતિમાં સામેલ કરી. આઈસલેન્ડ,
સ્વીડન, ઈંગ્લેડ, જર્મની, સાયપ્રસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે અનેક દેશોમાં સેક્સ
માટે બન્ને પક્ષની સહમતિને કાયદામાં આવરી લેવામાં આવી છે. સહમતિ કે સંમતિ સિવાયનો
સેક્સ બળાત્કાર ગણવામાં આવે છે. સ્પષ્ટ હા જરૂરી છે. આપણે ત્યાં આવા કિસ્સાઓ બહાર
આવી જ રહ્યા છે. અનેક સ્ત્રીઓ બળાત્કારના કેસ નોંધાવતાં કહે છે કે અમારી સાથે લગ્ન
કરવાની બાંહેધરી આપી હતી એટલે એમે સેક્સની હા પાડી હતી. પછી તે વ્યક્તિ ફરી જાય છે
એટલે તેને બળાત્કાર કહી શકાય. સ્ત્રી શિક્ષિત હોય અને પુખ્ત હોય તો કન્સેન્ટ આપતી
વખતે શરત મૂકવાની જરૂર નથી હોતી. પણ જો તે શરત મૂકે છે તો પુરુષે ત્યારે અટકી જવું
પડે, કારણ કે એનો અર્થ એ થાય કે સ્ત્રી લગ્ન સિવાય સંબંધ ઈચ્છતી નથી. એટલે કે તેની
સ્પષ્ટ સંમતિ નથી, ભલે ઈચ્છા હોય તો પણ. આ ગ્રે એરિયા એટલે કે સંમતિ અંગે સ્ત્રી
અને પુરુષની સમજ જુદી હોય છે. સ્પષ્ટ ખુલાસો નથી થતો. આપણે ત્યાં પણ એવું આજકાલ
કહેવાય રહ્યું છે કે ના એટલે ના જ સમજવાની, પણ કેટલાક કિસ્સામાં સ્ત્રી અને પુરુષ
પ્રેમમાં હોય છે અને બન્ને હોર્મનલ પુરમાં તણાઈ જાય તે શક્ય છે એ વખતે સ્ત્રી
મૌખિક રીતે ખાતરી મેળવે છે કે લગ્ન કરીશ મારી સાથે તો જ આગળ વધીએ. અને પુરુષ
તત્પુરતી હા પાડી દેતો હોય છે. ત્યારબાદ સ્ત્રી વિરોધ નથી કરતી સેક્સનો. એટલે આમ
જોઈએ તો તે સહમત થતી હોય છે. તો પછી બળાત્કાર ક્યાંથી સાબિત થાય. આવી શરતે અનેક
પુરુષો સ્ત્રી પર બળાત્કાર કરતાં હોય છે. તેમાંથી કેટલાક કિસ્સાઓ જ બહાર આવે છે
અને મોટાભાગના કિસ્સાઓ બહાર નથી આવતા.
કોઈ જ શરત વિના હા હોય તો જ હા એવો કાયદો સ્પેન
અને અન્ય દેશોમાં છે. આ સમજ આપણે ત્યાં પણ લાવવાની જરૂર છે. ના તો ના ન સમજાતું
હોય તેણે હા તો જ હા નહીં તો ના જ
સમજવાનું એવું સમજાવવું પડશે બન્ને પક્ષોને. આમાં કોઈ ફક્ત એક પક્ષને ન્યાય આપવાની
વાત નથી. સ્ત્રી અને પુરુષ બન્ને માટે સારું છે કે યોગ્ય અને સ્પષ્ટ સંમતિ સાથે
સંબંધ બાંધે જેથી પાછળથી પસ્તાવું ન પડે. એક કિસ્સો અહીં યાદ આવે છે કે સગાઈ થયા
બાદ છોકરાએ છોકરી સાથે એકાંતમાં સંબંધ બાઁધવા માગતો હતો. છોકરીએ ના પાડી પણ છોકરાએ
સમજાવ્યું કે આપણા લગ્ન થવાના જ છે તો શું વાંધો છે ? કેટલીક
આનાકાની બાદ છોકરી ભાવિ પતિને નારાજ કરવા નહોતી માગતી એટલે સરન્ડર થઈ. સેક્સ
દરમિયાન છોકરીને બ્લિડિંગ ન થતા છોકરાએ છોકરી (કુંવારી નથી) બદચલન છે કહીને સગાઈ
તોડી નાખી. આપણે ત્યાં આ રીતે પણ બળાત્કાર થતા હોય છે. એટલે માનસિકતા બદલવા માટે
પણ સંમતિનો કાયદો વધુ સ્ટ્રેન્ગ કરવાની જરૂર ખરી.
વળી એવું પણ બનશે કે ભવિષ્યમાં કન્સેન્ટ ફોર્મમાં
બન્ને સહી કરીને સેક્સ સંબંધો બાંધશે. એ માટે ડિજિટલ સંમતિ પણ માન્ય કરવામાં આવશે.
સાંભળ્યું છે કે એની શરૂઆત થઈ ગઈ છે.
0 comments