કહી ન શકાતી પીડાનો પહાડ

07:35





 બાળકનું શારીરિક શોષણ થાય છે ત્યારે આખી જીંદગી તેના માટે બોજ બની જાય છે 

હું જ્યારે નાનો હતો એટલે કે છ વરસથી ય નાની ઉંમર હશે મારી. તે સમયે દૂરના એક સગાને ત્યાં રહેવા ગયો હતો. આન્ટીએ ખાસ મને ભાવતી મિઠાઈ બનાવી હતી. મારા આન્ટીનો દીકરો નીલ ત્યારે પચ્ચીસેક વરસનો હશે તે મને મિઠાઈની લાલચ આપીને જાતીય સતામણી માટે લલચાવતો. મારા સદનસીબે મને કોઈ ખાસ ઈજા નહોતી થઈ કે મારા પર બળાત્કાર પણ નહોતો થયો, પરંતુ જે કંઈપણ બન્યું હતું તે મારા મનને સતત કોરી ખાતું હતું. ખાસ કરીને હું જ્યારે કિશોરાવસ્થામાં પહોંચ્યો ત્યારે મારા પર તેની વિપરીત અસરો થઈ. એ પ્રસંગો યાદ આવતા મને મારા પ્રત્યે ઘૃણા થતી. મારા માટે તે સ્મૃતિઓ નાઈટમેર હતી. આમતો હું ખૂબ મળતાવડો અને હસમુખા સ્વભાવનો હતો પણ ધીમે ધીમે હું ચિડિયો અને અંતર્મુખ થવા લાગ્યો.
આલ્કોહોલ અને ડ્રગના રવાડે ચઢ્યો. કોઈ સાથે વાત ન કરું. મારા માતાપિતા સાથે પણ મારું વર્તન ખૂબ ખરાબ થવા લાગ્યું હતું. એ લોકો છેવટે મારાથી કંટાળી ગયા અને 16 વરસની ઉંમરે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. દુનિયામાં હું સાવ નકામો અને અણગમતો થઈ પડ્યો હતો. ધીમે ધીમે મેં મારી જાતને સંભાળી. કામ કરતાં કરતાં અનેક અડચણો વચ્ચે મેં ફરી ભણવાનું શરૂ કર્યું. ગ્રેજ્યુએટ થયો અને જર્નાલિઝમ ભણ્યો. મને સમજાવા લાગ્યું કે મારી જીંદગી જે ખરાબે ચઢી ગઈ હતી તેમાં બાળપણની જાતિય સતામણીની અસર હતી. તેની સ્મૃતિઓ સાથે મારે જીવતાં શીખવું પડશે. વળી મારા માતાપિતા સાથે સંપર્ક સાધ્યો. તેમને મેં જાતિય સતામણીની વાત કરી તો એમને પણ મારા વર્તનનું રહસ્ય સમજાયું. વળી હું સમાજમાં ફરીથી સામાન્ય વ્યક્તિ તરીકે ભળવા લાગ્યો. તે છતાં મને સતત ભય લાગ્યા કરતો કે ક્યાંક હું  જે બાબતનો ભોગ બન્યો છું તેના બળવા રૂપે પોતે પણ જાતિય સતામણી ન કરવા લાગું. કેટકેટલા ભય અને માનસિક તકલીફોની સાથે લડતો રહ્યો. મેં નક્કી કર્યું કે મારે બાળક નથી જોઈતું. મારા વિચિત્ર વર્તન અને તકલીફોને કારણે કોઈ છોકરી સાથે સંબંધ પણ ન બાંધી શક્યો. રોમાન્સ મારા માટે ટોર્ચર સમાન પણ બની રહેતું. મને ખબર છે કે મારી સાથે એટલું ખરાબ વર્તન નથી થયું જે બીજા બાળકો સાથે થતું હોય છે તે છતાં જો આટલી તકલીફ થતી હોય તો બીજાઓની તકલીફ કેટલી પીડાદાયક હશે. મારે આ વાત દુનિયાની સામે મૂકવી હતી કારણ કે બીજાઓ પોતાના બાળકની કાળજી રાખે. 
આ વાત લખી છે ઈંગ્લેડમાં રહેતા ટીમ વેરીટીએ ટેલિગ્રાફમાં પોતાના ફોટા સાથે. હેન્ડસમ દેખાતા ટીમને જોઈને કોઈને પણ ખ્યાલ ન આવે કે તે માનસિક રીતે કેટલી લડાઈઓ લડી રહ્યો હતો. ટીમ આજે પત્રકાર તરીકે કામ કરે છે. તે કેટલાય વરસો સુધી પોતાના માતાપિતાને પણ મનની વાત કહી નહોતો શક્યો. કારણ કે તેનામાં પુરુષના હોર્મોન છે. થોડા મહિના પહેલાં વ્યવસાયિક ફુટબોલર એન્ડી વુડવર્ડે (ઉંમર 43) જ્યારે તે નાનો હતો અને ફુટબોલ પ્લેયર બનવા માગતો હતો ત્યારે કોચ બીલ તેની જાતીય સતામણી કરતો હોવાનું જાહેરમાં કબૂલ્યું હતું. તેણે એટલા માટે તે જાહેર કર્યું કે જેથી બીજાઓ પણ જેમણે કોચ દ્વારા જાતીય સતામણી સહી હોય તે બોલવાની હિંમત કરે. 
સ્ત્રી માટે પણ બાળપણમાં થયેલી જાતીય સતામણી દુખકર હોય છે અને તેના વિશે કોઈની સાથે વાત કરવી મુશ્કેલ હોય છે. જ્યારે પુરુષો માટે તો તે ખૂબ જ પીડાદાયક બની રહે છે. કારણ કે પુરુષે તો સ્ટ્રોન્ગ વ્યક્તિત્વ કેળવવાનું હોય છે. વળી જો તે જાહેર કરે તો લોકો તેમના જાતીય પસંદગી વિશે પણ શંકા કરશે. પુરુષની પુરુષ દ્વારા થતી જાતીય સતામણી માનસિક રીતે વ્યક્તિને તોડી નાખે છે. પુરુષો જ બાળકની નિર્દોષતાને પીંખી નાખે છે. બાળક તરીકે પોતે લલચાયો કે ભયભીત થયો તે સ્વીકાર પણ પુરુષ બનતા સ્વીકારવું અત્યંત પીડાદાયક હોય છે. કહે છે કે દર પાંચ પુરુષમાંથી એક પુરુષ   બાળપણમાં જાતીય સતામણીનો વધતેઓછે અંશે ભોગ બન્યો હોઈ શકે. વિશ્વના દરેક ખૂણામાં બાળકને એક્સપ્લોઈટ કરવામાં આવે છે. કારણ કે બાળક કોઈ ફરિયાદ નથી કરી શકતું કે ન તો તે વિરોધ કરવા સક્ષમ હોય છે. ખૂબ સરળતાથી વિકૃત માનસનો શિકાર બની જતાં હોય છે. 
આપણે ત્યાં પણ આવી વિકૃતિ ધરાવતાં માણસો છે જ. હવે અનેક પુરુષો પોતાની ઓળખ છુપાવ્યા વિના પોતાની પીડા વ્યક્ત કરવાની હિંમત દર્શાવતાં હોય છે. તે છતાં મને યાદ છે કે રિપોર્ટિંગ દરમિયાન  એક પુરુષે કહ્યું હતું કે બાળપણમાં માતાપિતા તેને મંદિરમાં લઈ જતા હતા ત્યાં પુજારીએ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. તે પુજારી હાથ લગાવે તે એને ગમતું નહીં. તે વિરોધ કરતો તો લોકોને લાગતું કે હું ઉદ્દંડ છું. તો બીજા એક પુરુષે કહ્યું હતું કે એક સંપ્રદાયમાં તે ધર્મનું ભણવા જતો હતો ત્યાં એનું શોષણ થયું હતું. એટલે મોટો થયા બાદ ધર્મ પરથી તેનો વિશ્વાસ જ ઊઠી ગયો હતો. તેને ભગવાન અને ધર્મના નામે જ ધિક્કાર ઉત્પન્ન થતો. એટલે લોકો તેને નાસ્તિક અને પાપી માનતા હતા. પણ તે ક્યારેય પોતાની વાત કહી જ ન શક્યો. 
મોટેભાગે એવું માનવામાં આવે છે કે બાળકીની સુરક્ષા કરવી. બાળકની સુરક્ષા બાબતે આપણે સૌ બેદરકાર હોઈએ છીએ. એટલે જ છોકરાઓ ખૂબ સરળતાથી વિકૃત માનસિકતાનો શિકાર બનતા હોય છે. એ વિકૃત વ્યક્તિ કોઈપણ હોઈ શકે છે. શિક્ષક, સ્પોર્ટસ કોચ, ઘરે કામ કરતા પુરુષો, પડોશી, મિત્ર કે સંબંધી પણ.  કૌટુંબિક સંબંધીઓ દ્વારા જ આવી ઘૃણિત બાબત બનતી હોય છે. છોકરાઓની જાતીય સતામણી  મોટેભાગે જાણીતી વ્યક્તિઓ દ્વારા જ થતી હોય છે. આ બાબત જ એ બાળકના વિકાસને ખતમ કરી નાખતી હોય છે. એ જ્યારે પુરુષ બને છે ત્યારે એના વ્યક્તિત્વમાં આવા અનુભવોને કારણે અનેક વિચિત્રતા કે ડિપ્રેશન જોવા મળતું હોય છે. ઘટના બન્યાને વરસો બાદ પણ એ ટ્રોમામાંથી બહાર આવવાનું પુરુષ માટે અઘરું બની રહે છે. 
પિતૃસત્તાક સમાજની માનસિકતાનું નુકસાન પુરુષે પણ વેઠવું પડતું હોય છે તે અવારનવાર હું લખી ચુકી છું. અહીં પણ એ જ બાબત છે જે પુરુષને પીડે છે અને પુરુષ દ્વારા પીડા આપવામાં આવે છે. અહીં વળી કોઈ પુરુષપ્રધાન માનસિકતા ધરાવનાર કહી શકે કે પુરુષ દ્વારા જ જાતીય સતામણી થાય એવું કોણે કહ્યું? સ્ત્રીઓ પણ જાતીય સતામણી કરી શકે. પણ તે બાળક પર શક્ય નથી તે સાદી વાત સમજી શકાય એવી છે. પુરુષની વિકૃતી પુરુષને પણ પીડે છે. તેનાથી બચવા માટે સાવધાન રહેવું એ જ એક માત્ર ઉપાય છે. માતાપિતા છોકરીઓની જેટલી દરકાર રાખે છે એટલી જ દરકાર છોકરાઓ વિશે પણ રાખવી જોઈએ. જેથી તેણે ક્યારેય કોઈના વિકૃત માનસના ભોગ ન બનવું પડે. બાળકને શીખવાડવું જોઈએ કે ન ગમતો સ્પર્શ તેમને થાય તો તરત જ માતાપિતાને કહેવું જોઈએ. તમે સ્વજનને પણ પૂર્ણપણે ઓળખી નથી શકતા. તેથી શક્ય હોય તો બાળકને ક્યારેય એકલા કોઈની પાસે છોડવું નહીં. ક્યારે કોણ તે બાળકની નિસહાયતા અને નિર્દોષતાનો ફાયદો ઉઠાવશે તે કહી ન શકાય.

You Might Also Like

0 comments