રસોડામાં પણ ગ્લાસ સિલિંગ
06:07
સતત ફરિયાદ થઈ શકે ખરી સંજોગોની સામે
પણ તેને બદલવા માટે જરૂરી છે આકરી મહેનત
દુનિયામાં હજી અનેક એવા ક્ષેત્ર છે જ્યાં
સ્ત્રીની પ્રતિભાને આવકારો નથી મળતો કે તેનો સ્વીકાર પણ નથી થતો. એ ક્ષેત્રો પર
માત્રને માત્ર પુરુષો જ હોય છે. સ્ત્રીની પ્રતિભાના સ્વીકારની આડે કાચની દિવાલ છે.
જેની આરપાર જોઈ શકાય છે ખરું પણ તેમાંથી પસાર થવા માટે કાચને તોડવો પડે છે. એને
ગ્લાસ સિલિંગ કહેવાય છે. એ ગ્લાસ સિલિંગને તોડવામાં ઘણાં કળ અને બળની જરૂર પડે છે.
કાચ તૂટે તો આપણે ય ઘવાઈએ અને સામી વ્યક્તિ પણ ઘવાય તેવું બને ખરું.
એક જમાનામાં સ્ત્રીઓ ડોકટર ન બની શકતી. નર્સ
બનીને સેવા કરી શકતી પણ ડોકટર બનીને સારવાર કરવાનું ગજું સ્ત્રીઓનું નહીં તેવું
કહેવાતું. આખરે સો વરસ પહેલાં એ ગ્લાસ સિલિંગ તૂટી. એમા ભારતની પ્રથમ મહિલા ડોકટર
આનંદીબાઈને પણ યાદ કરવી પડે. પહેલી વિમાન ઉડાડનાર સ્ત્રી સરલા ઠકરાલ અને પહેલીવાર
ભારતીય એર ફોર્સમાં પાયલટ તરીકે શામેલ થનાર અવનીએ પણ અનેક ગ્લાસ સિલિંગોને પાર
કરવી પડી હશે. એ જ રીતે દરેક ક્ષેત્રમાં હજી પણ બાકી રહી ગયેલી ગ્લાસ સિલિંગ તૂટી
રહી છે. કેટલીય સ્ત્રીઓ સતત ફરિયાદ કરતી હોય છે કે અમારામાં પણ પ્રતિભા છે પણ તેને
બહાર આવવાનો મોકો જ ન મળ્યો. અમે તો પરણીને ઘરસંસારમાં પડ્યા કે પછી બહાર કોઈએ
અમને તક ન આપી. અનેક પુરુષો પણ એવા હોય છે કે જેમને ખાસ્સી મહેનત છતાં સફળતા નથી
મળતી. સ્ત્રી તરીકે તો એ તક મેળવવા માટે અનેક સંઘર્ષો પાર કરવા તૈયાર રહેવું જ પડે
છે. તેમાં સૌ પ્રથમ બાબત છે, સંઘર્ષ કરતાં મહેનત કરવાની. સખત મહેનતનો કોઈ વિકલ્પ
નથી. તગારામાં સેંકડો વખત રેતી ભરાયને ઠલવાય ત્યારે જ ઈમારત બને છે. દરેક સફળ
સ્ત્રીઓએ ફરિયાદ કરવામાં પોતાની તાકાત વેડફવાને બદલે પૂરા જોશથી કામ કરવાનું શરૂ
કરી દીધું હતું જે દિશામાં જવું હતું તે તરફ. અનેક અડચણો અને પડકારોમાંથી માર્ગ
કાઢતા જઈને સફળતાના શિખરે પહોંચ્યા હતા. કોઈ તમને હાથમાં તૈયાર લાડવો આપી શકતું
નથી.
ઘરમાં રસોડું સ્ત્રીનું ગણાય. સ્ત્રીઓ જ રસોઈ
બનાવે પણ બહાર હોટલોમાં શેફ એટલે કે રસોયા પુરુષો જ હોય. ગામમાં પણ નાત જમાડે
ત્યારે મહારાજને બોલાવવામાં આવે. શાક સમારવાનું કે રોટલી વણવાનું ચીંધ્યું કામ
સ્ત્રીઓ કરતી હોય. તે છતાં મુખ્ય રસોયા તરીકે સ્ત્રી કામ કરી શકે તેવું માનવામાં
નથી આવતું. હાલમાં જ વાંચવા મળ્યું કે કેરળની લથા કે પહેલી વિમેન સેફ બની. કેરળમાં
પ્રવાસન ઉદ્યોગ જાણીતો છે. કેરળની પોતાની આગવી વાનગીઓ છે જે પરંપરિત રીતે સ્ત્રીઓએ
સાચવી છે. લથા કે એ પરંપરિત વાનગીઓને પંચતારક હોટલમાં પીરસે છે. લથા નાની હતી
ત્યારે એણે પોતાની બહેનપણીના ભાઈને શેફના યુનિફોર્મમાં જોયા હતા, બસ ત્યારથી જ એણે
નક્કી કર્યું કે તે શેફ બનશે. આજે તે પંચતારક હોટલની શેફ છે. તેણે કબૂલ્યું છે કે
અહીં સુધી પહોંચવા માટે મારે અનેક લડાઈઓ લડવી પડી છે પણ ક્યારેય પ્રેરણા ઓછી નથી પડી.
અંગ્રેજીમાં કહેવત છે કે વિમેન મેક ગુડ કુકસ, બટ મેન મેક બેટર શેફ. અર્થાત સ્ત્રીઓ
સારી રસોઈ બનાવી શકતી હશે પણ પુરુષો સારા રસોયા બની શકે છે. સમાજમાં સ્ત્રીને જે
રીતે જોવામાં આવે છે તે આ વાક્ય દ્વારા કહેવાયું છે. સ્ત્રીઓ પરંપરિત રીતે
કુટુંબનું જમવાનું બનાવી શકે પણ તેઓ ફેન્સી રેસ્ટોરન્ટનું કોમ્પલેક્સ છતાં ખ્યાતિ
પ્રાપ્ત કરનારું રસોડું ન સંભાળી શકે. પ્રોફેશનલ રસોડાંમાં સખત મહેનત અને કડકાઈથી
સ્ટાફ પાસેથી કામ કરાવવું પડે. જે સ્ત્રીઓ કરી ન શકે એવું અત્યાર સુધી માનવામાં
આવતું હતું. અમેરિકાની પ્રખ્યાત કુલિનરી ઈન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકામાં 1970 સુધી
સ્ત્રીઓને પ્રવેશ જ મળતો નહીં. આજે ચાલીસ વરસ બાદ તે જ સંસ્થામાં 44 ટકા
વિદ્યાર્થીનીઓ શિક્ષણ લઈ રહી છે. બ્રિટિશ ક્લેર સ્મિથ પ્રથમ મહિલા શેફ બની હતી અને
આજે રસોઈની દુનિયામાં તેના આગવા પ્રદાનની નોંધ લેવાઈ રહી છે. ક્લેર કહે છે કે એક
સ્ત્રી તરીકે મને આ ટેસ્ટટરોનની દુનિયામાં કામ કરવાનું અઘરું જરૂર પડ્યું પણ ધીમે
ધીમે તેમાં મેં સ્ત્રીત્વની સૌમ્યતા અને ઉદારતાનો સ્પર્શ ઉમેર્યો.
તમારે તમારા સપનાંને પૂરા કરવા માટે સતત પોતાની
જાતને પ્રેરિત કરવી પડે છે અને તમારી આસપાસની વ્યક્તિઓ પણ પ્રેરિત કરશે પણ મહેનતતો
તમારે જ કરવી પડે. લથા આજે પણ દસ, બાર કલાક કામ કર્યા બાદ સતત નવું વાંચે છે જે
તેને પ્રેરિત કરે. જો તે તેનું વાંચન ફુડ કલ્ચર વિષયનું જ હોય. તે કહે છે કે હું
ગમે તેટલી થાકી ગઈ હોઉં તો પણ દરરોજ એકાદ બે પાનાં વાંચવા સિવાય લખવાનું પણ રાખું છું.
દરરોજની એક નવી વાનગીની રીત લખું. જેનો તે
દિવસે પ્રયોગ કર્યો હોય. તેનું કહેવું છે કે તમને હોદ્દો મળે તે પુરતું
નથી. તેને સતત પુરવાર કરતા રહેવું પડે છે. એ માટે સતત અભ્યાસ કરવો પડે છે.
ઘરમાં ત્રણ કે ચાર વ્યક્તિઓનું જમવાનું બનાવવું
અને હોટલમાં પચાસ કે સો વ્યક્તિઓની ફરમાઈશ પૂરી કરવી તે બેમાં ફરક છે. સતત ખડે પગે
રહીને પરફેક્ટ સોડમને સ્વાદ સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું. આપણે ઘરમાં કહેતા
હોઈએ છીએ કે દરેકની જુદી ફરમાઈશ અને જુદા સ્વાદ પણ હોટલમાં પૈસા આપીને ખાનાર
વ્યક્તિને પણ પોતાને અનુકૂળ સ્વાદ જોઈતો હોય છે. જો એ ન મળે તો સફળતા ટકતી નથી.
રોજ જ રસોડામાં કપરી કસોટીઓનો સામનો કરવાનો. તે છતાં આનંદ આવે કારણ કે ત્યાં
એપ્રિશિએશન અને પૈસા બન્ને મળે છે. આર્થિક સ્વતંત્રતા સ્ત્રીને પોતાનું વ્યક્તિત્વ
બક્ષે છે. અને તે મેળવવા માટે તે સતત સંઘર્ષ કરે છે. લથાએ પોતાના ઘરમાં દાદી અને
માતાના હાથનું સ્વાદિષ્ટ ભોજન ખાધું છે અને તેને બનાવતાં પણ જોયું છે. તાજી
સામગ્રી અને પ્રેમનું મિશ્રણ રસોઈમાં સ્વાદ પૂરે છે એવું લથાનું દૃઢપણે માનવું છે.
એટલે જ તે દાદીની શિખામણ આજે પણ કામ કરતી વખતે યાદ રાખે છે કે મૂડ સારો ન હોય તો
રાંધવું ન જોઈએ. લથાને કોઝિકોડેની ફુડ ક્રાફ્ટ ઈન્સ્ટિટ્યુટે સ્ત્રી હોવાના કારણે
પ્રવેશ આપવાની ના પાડી હતી, પણ તે અને તેના ઘરવાળાઓ ટસના મસ ના થયા. તેમણે આગ્રહ
રાખ્યો કે સંસ્થા લથાને સ્ત્રી હોવાને કારણે પ્રવેશ માટે ના ન પાડી શકે. આખરે તે
પહેલી મહિલા બની એ સંસ્થામાં પ્રવેશ મેળવનાર. 27 છોકરાઓ વચ્ચે એકલી લથા હિંમતથી
ભણતી રહી. વરસ બાદ તેમણે કામનો અનુભવ લેવા માટે કોઈ હોટલમાં ઈન્ટર્નશીપ કરવાની હોય
તો એ દરેક છોકરાઓને સારી હોટલોમાં પરવાનગી મળી પણ લથાને કોઈ પરવાનગી ન મળી. દરેક
જગ્યાએથી એક જ જવાબ મળતો કે આ કામ છોકરીઓનું નથી અને અમે કોઈ સ્ત્રીને કામ પર
રાખતા નથી. (રસોડામાં) લથાએ અહીં પણ હાર માન્યા વિના ઘરથી દૂર જવાનું નક્કી
કર્યું. ચેન્નાઈમાં તેની એક મિત્રનો સંપર્ક કરીને તેની મદદથી ચેન્નાઈ શિફ્ટ
થઈ એક હોટલમાં થોડા મહિના કામ કર્યું. બસ
ત્યારબાદ તેણે પાછું ફરીને જોયું નથી. તેણે કાલીકટમાં પરત ફરીને ત્રણેક વરસ પોતાની
નાની રેસ્ટોરન્ટ અને કેટરિંગ વ્યવસાય સફળતાથી ચલાવ્યો. ત્યારબાદ વિદેશ જઈને જુદા
જુદા પ્રદેશની વાનગીઓ શીખી. ત્યારબાદ તેણે ભારતમાં કેરળનું આદિવાસી ભોજનને હોટલના
ટેબલ સુધી પહોંચાડ્યું. પરંપરાને તોડવી જેટલી જરૂરી છે તેટલું જ રસોઈમાં તેને સાચવવી પણ તેટલી જ જરૂરી છે એવું લથાનું માનવું છે. આપણા ગુજરાતી શેફ તરલા દલાલ
પણ અહીં યાદ આવે. ગુજરાતી ભોજનને સરળ બનાવવા સાથે વિદેશી વાનગીઓનો સ્વાદ પણ તેમણે
ગુજરાતી ઘરો સુધી પહોંચાડ્યો છે.
0 comments