લેડિઝ મેન

05:48






 પુરુષો પ્રત્યે સ્ત્રીઓ પણ આકર્ષાતી હોય છે, લેડિઝ મેન વિશે કેટલીક રસપ્રદ વાતો વાંચવામાં પુરુષોને ચોક્કસ રસ પડશે

આપણા પડોશી દેશ પાકિસ્તાનનો નવો વજીર એટલે કે વડાપ્રધાન ઈમરાન ખાન એક જમાનામાં મોસ્ટ સેક્સિએસ્ટ મેન તરીકે ઓળખાતો. સ્ત્રીઓમાં તે એટલો બધો પ્રિય હતો કે તેને પ્રિયતમ બનાવવા માટે સ્ત્રીઓ તત્પર રહેતી. તે મોસ્ટ વોન્ટેડ લેડિઝ મેન ગણાતો. 65 વરસની ઉંમરે પણ તેના ત્રીજા લગ્ન થઈ શકે છે. ભલે તેની ભૂતપૂર્વ પત્નીના પુસ્તકમાં તેના વિશે અનેક બુરાઈઓ લખાઈ હોય પણ ભારતમાં જ નહીં વિદેશમાં પણ અનેક બાનુઓ હશે જેમણે ઈમરાન ખાનને નહીં તો તેના પોસ્ટરને ચુમ્યો હશે. ઈમરાન ખાનનો ચહેરો પરફેક્ટ હતો એવું ન કહી શકાય. તેણે પોતે પણ એક મુલાકાતમાં કહ્યું હતું કે મારી બહેન મને અગ્લી એટલે કે કદરૂપો કહેતી અને હું પોતે પણ માનતો કે મારો દેખાવ કંઈ આકર્ષક નથી. પણ ક્રિકેટમાં તેની દુનિયાના ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભાએ પઠાણી દેખાવમાં સફળતાનો ચાર્મ ઉમેર્યો.
ઈમરાન ખાનની બોડી લેંગ્વેજ ક્રિકેટના મેદાનમાં અગ્રેસીવ અને મારકણી હતી. 80ના દાયકામાં તે મોસ્ટ સેક્સીએસ્ટ અને પીન અપ ક્રિકેટર હતો. પાકિસ્તાનની ટીમ રમવા આવી હોય તો સ્ટેડિયમમાં ખૂબસુરત સ્ત્રીઓનો જમાવડો રહેતો. પત્રકારો સતત તેનો પીછો કરતાં. જો કે તેણે એ વિશે બહુ જવાબો આપવાનું ટાળ્યું જ છે. તેના પગ હંમેશા જમીન પર જ રહ્યા છે. હા એ ખરું કે સુંદર સ્ત્રીઓ તેની આસપાસ રહેતી ખરી. તેની માતા જીવતી હતી ત્યારે એને પોતાની સેક્સી બોયની ઈમેજ અખરતી હોવાનું પણ કબૂલ્યું હતું. તેમના મૃત્યુ પછી તેને કોઈ ફરક નથી પડ્યો. સ્ત્રીઓને જેમ સુંદર અને આકર્ષક દેખાવાનું ગમે છે તેમ પુરુષોને પણ હેન્સમ, આકર્ષક દેખાવાની ઈચ્છા હોય છે. લેડિઝ મેન એટલે કે સ્ત્રીઓમાં લોકપ્રિય હોવું. પુરુષે સ્ત્રીની પાછળ નહીં પણ સ્ત્રીઓ એવા પુરુષની કંપની ઝંખતી હોય તે. જરૂરી નથી કે એવો પુરુષ દેખાવડો હોય,
મોટાભાગના પુરુષોને જાણવું હોય છે કે સ્ત્રીઓને કેવો પુરુષ ગમે છે. હોર્મોનલ આકર્ષણ સ્ત્રી અને પુરુષ માટે સરખું જ હોય છે. પણ કેટલાક પુરુષોમાં એવો ચાર્મ કે કરિશ્મા હોય છે. એ કરિશ્મા આમ તો જન્મજાત જ હોય છે, પણ કેટલીક બાબતો કેળવી પણ શકાય છે. સ્ત્રીઓને પૈસાદાર પુરુષો જ ગમે છે એવું નથી. સફળ પુરુષો આકર્ષે છે. ઈમરાન ખાન ક્રિકેટર તરીકે સફળ હતો અને પાકિસ્તાન ટીમનો સફળ કેપ્ટન હતો. તેણે પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતી આપ્યો હતો. પોતાની રમતમાં આક્રમક હોવા છતાં તે ધીરગંભીર હતો. ઉછાંછળો કે ઝઘડાખોર નહોતો. તેને મળનારા પુરુષ પત્રકારો પણ તેની નમ્રતાના વખાણ કરે છે તો તેની આંખોની ચમક, વ્યક્તિત્વની પ્રતિભાની નોંધ લે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટિમાં તે ભણ્યો છે અને બુદ્ધિશાળી છે. એટલે સૌ પ્રથમ તો લીડર તરીકેની પુરુષની ગુણવત્તા કે આવડત સ્ત્રીઓને સૌથી વધુ ગમે છે એવું કહી શકાય. મોટાભાગના લોકોને લીડર તરીકેની જવાબદારી ઉપાડવી ગમતી નથી. બીજાની નીચે કામ કરવું કે બીજાને ફોલો કરવું ગમે છે. કોઈપણ પરિસ્થિતિમાં નેતૃત્વ ઉપાડી લેનાર પુરુષ જવાબદારીથી ભાગતો નથી એ સાબિત થાય છે.
ડોન વાન અને કેસાનોવાનું નામ લેડિઝ મેન તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પણ પહેલાં નંબરે આવે ડાયનોસસ પ્રાચીન ગ્રીસનો દેવતા. તેને ગ્રીક ગોડ ઓફ સેક્સુઅલ પેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે તે એટલો આકર્ષક હતો કે વીમેન સ્ટીલર તરીકે પણ ઓળખાતો. તેની પાછળ સ્ત્રીઓ પાગલ બનતી એવી માન્યતાઓ છે. સ્ત્રીઓના દિલ જીતવામાં તે માહેર હતો. ગ્રીક માયથોલોજીમાં તે વાઈન મેકર તરીકે પણ ઓળખાતો. અનેક કિવંદતીઓ ગ્રીક ઈતિહાસમાં તેના વિશે જોવા મળે છે પણ તે લેડિઝ મેન હતો તે બાબત સામાન્યપણે દરેક વાર્તાઓમાં મળી આવે છે.
સત્તરમી સદીમાં ટિરસો ડી મોલિના નામના મોન્કે ડોન વાન નામનું એક નાટક લખ્યું હતું. ડોન વાન વિશે ઘણી કિવંદતીઓ છે તેમાં તેણે 1700થી વધુ સ્ત્રીઓને સિડ્યુસ્ડ કરી હોય તેવી બાબત પણ છે. હેન્ડસમ, ઊંચા કદ,કાઠીનો દેખાવ ધરાવતો ડોન વાન પોતાની વાતોથી, ચાર્મથી , સેક્સ અપીલથી સ્ત્રીઓને આકર્ષી શકતો. રાણીઓથી લઈને માછણો પણ તેના પ્રેમમાં હતી એવું કહેવાય છે. ખ્રિસ્તી ધર્મ પ્રમાણે તે સારો માણસ નહોતો પણ સ્ત્રીઓમાં તે પ્રિય હતો. ત્યારબાદ ફ્રેન્ચમેન કાસાનોવાનું નામ આવે છે. હજી આજે પણ સ્ત્રીઓને આકર્ષી શકતા પુરુષને કાસાનોવાનું ઉપનામ આપવામાં આવે છે. કાસાનોવાનો અર્થ થાય છે સ્ત્રીઓને આકર્ષી શકતો પુરુષ કે જેને અનેક પ્રેયસી હોય. ડોન વાનનો અર્થ પણ કંઈક એવો જ થાય છે. સ્ત્રીઓને પ્રેમમાં પાડી શકતો. કાસાનોવા મૂળ વેનિસનો હતો અને લેખક પણ હતો. તેના અનેક અફેર હતા. પાછળથી તે ફ્રેન્ચ ભાષામાં લખતો. તેના અફેરની ચર્ચાઓ અને વાયકાઓ એટલી હતી કે આજે વુમનાઈઝર કે લેડિઝ મેનને કાસાનોવા કહીને સંબોધવામાં આવે છે. પ્રસિદ્ધ રશિયન લેખક ટોલ્સટોયની વાર્તા આના કેરોનિનાનો નાયક કાઉન્ટ વરોન્સ્કિ દરેક સ્ત્રી વાચકોના કલ્પનાનો પુરુષ છે. હેન્ડસમ, પૈસાદાર, સ્માર્ટ અને સ્ત્રીઓને ગમે એવો મિત્ર બની શકે. આવા પુરુષોની સાથે તમારા જોખમે સંબંધ રાખવો એવી ચેતવણી આ નવલકથામાં આપવામાં આવી છે. કારણ કે આવા પુરુષો કોઈ એક સ્ત્રીના થઈ જ ન શકે.
આપણા જાણીતા લેખક કનૈયાલાલ મુનશીએ માલવપતિ મુંજનું જે આલેખન કર્યું છે તે પણ બહાદુર અને આકર્ષક વ્યક્તિત્વનો સ્વામી હોવા ઉપરાંત તે બુદ્ધિશાળી હતો અને વાકપતિ એટલે કે બોલવામાં હોંશિયાર હતો. માલવાનો આ રાજા તૈલપની સામે હાર્યો પણ તૈલપની વિધવાબહેન મૃણાલ પણ તેના પ્રેમમાં પડી જાય છે. માલવપતિ મુંજ નામે ગુજરાતી ફિલ્મ પણ બની છે. જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને તનુજા હતા.
આજે કેવો પુરુષ ગમે સ્ત્રીને તો નેતૃત્વ કરી શકે અને જવાબદારી ઉઠાવી શકે. એ સિવાય બુદ્ધિશાળી હોય, સ્ત્રીને પામવા માટે લટૂડા પટુડા ન કરે, તેના પર આધિપત્ય પણ ન જમાવે તેવો. એક સમય હતો જ્યારે સ્ત્રીને તાબામાં રાખે એવો પુરુષ ગમતો. જો કે આજે તેની વ્યાખ્યા બદલાઈ છે કારણ કે સ્ત્રીઓનું જીવન પણ બદલાયું છે. ઈ એલ જેમ્સની ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે જે સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય બની હતી તે એના નાયકને લીધે. તેનો નાયક હેન્ડસમ, પૈસાદાર છે અને તેને સ્ત્રીની મરજીથી હિંસક પ્રેમ કરવો ગમતો હતો. સ્ત્રીને બાંધીને પ્રેમ કરવામાં તેને તાબામાં લઈ સરન્ડર કરવાની વાત છે. કેટલાક અંશે મોટાભાગની સ્ત્રીઓને બેડ બોય ગમતા હોય છે તેથી જ આવી નવલકથા લખાઈ અને તે ધૂમ વેચાઈ અને વંચાઈ. પૌરુષીય પુરુષની વ્યાખ્યા સ્ત્રીઓના મનમાં પણ કોતરાઈ ગઈ હોય એવું લાગે છે.    
તો પછી કેમ દરેક પુરુષને સ્ત્રી મળતી નથી. કે પછી દરેક પુરુષ કાસાનોવા બની શકતો નથી. પુરુષને સ્ત્રીનું આકર્ષણ એટલું હોય છે કે તે માટે કોઈ પણ હદે તેઓ જઈ શકે છે, એટલે જ સ્ત્રીને હંમેશાં પુરુષોથી થોડો ભય રહ્યા કરતો હોય છે. સ્ત્રી કોઈપણ પુરુષ પર જલ્દીથી વિશ્વાસ નથી મૂકી શકતી. તે દરેક પુરુષને સંબંધોમાં પણ સતત ચકાસતી રહે છે. મુખ્ય કારણ તો એ છે જ કે સ્ત્રીને ફક્ત શારિરીક સંતોષ નથી જોઈતો.  સ્ત્રીને સંતોષ માનસિક રીતે ફીલ થવો જોઈએ. કહેવાય છે કે સ્ત્રી પ્રેમ મેળવવા માટે સેક્સ આપે છે, તે વાત સાવ ખોટી નથી. બીજું સ્ત્રીને પ્રિન્સેસ હોવાનો અહેસાસ કરવો ગમે છે. પોતે હજી વોન્ટેડ છે, રોમાન્સને લાયક છે તેવો અહેસાસ કરવો ગમે છે. આ લેડિઝ મેનમાં કુદરતી ચાર્મ સિવાય સ્ત્રીઓને ખુશ રાખવાની આવડત હોય છે. તેઓ સ્ત્રીની લાગણીઓની મજાક નહીં ઉડાવે પણ તેની કદર કરશે. ઈમરાન ખાન એવો છે કે નથી એવું તેની બીજી પત્નીએ પુસ્તકમાં લખ્યું છે. એ પુસ્તક બહાર આવ્યા છતાં તે ચૂંટાઈ આવ્યો તેનું કારણ એનું કામ અને કરિશ્મા હોઈ શકે.  

  



You Might Also Like

0 comments