સત્તા, સંપત્તિ અને સહકાર જરૂરી
04:53મહિલા પાર્ટીની સ્થાપના છતાં હકિકતમાં વિશ્વભરમાં મહિલાઓ રાજનીતિમાં ઓછી સંખ્યામાં છે. તેના કારણોની છણાવટ
૨૦૧૪ની ચૂંટણી સમયે લોકસભામાં મહિલાઓની ઓછી સંખ્યા વિશે લખ્યું ત્યારે ફક્ત મહિલાઓની પાર્ટી કેમ નથી એવો સવાલ થયો હતો. પાર્લામેન્ટમાં સ્ત્રીઓ માટે તેત્રીસ ટકા અનામતની માગણી થઈ રહી હતી અને બિલ પાસ ન થતા પણ સવાલ ઊઠ્યો હતો કે શા માટે ફક્ત તેત્રીસ ટકાની માગણી કરવાની જ્યારે સ્ત્રી પુરુષ સમાનતાની વાત કરતા હોઈએ? જો કે પિતૃસત્તાક માનસિકતા ધરાવતા સમાજમાં સહેલું નથી સ્ત્રીઓ માટે પોતાના નામ પર સંપત્તિ હોય ત્યાં સત્તા માટેનો અધિકાર મેળવવો. આજે સાંભળ્યું કે ૨૦૧૯ની ચૂંટણીમાં ફક્ત સ્ત્રીઓની પાર્ટી રાજકીય ક્ષેત્રે પ્રવેશવાના પડઘમ વગાડી ચૂકી છે. સામાજિક કાર્યકર ડૉ. શ્ર્વેતા શેટ્ટીએ નેશનલ વિમેન પાર્ટીની સ્થાપના કરી. તેઓ ૨૦૧૯ની ચૂંટણીમાં પચાસ ટકા સીટો પર ઉમેદવાર ઊભા કરશે. ચલો સરસ, શરૂઆત સારી થઈ રહી છે. રાજકારણમાં સ્ત્રીઓની સંખ્યા ક્વોટા દ્વારા એટલે કે અનામત સીટ દ્વારા પંચાયતમાં અને નગરપાલિકામાં પચાસ ટકા સુધી સ્ત્રીઓને સક્રિય કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
જો કે તેનાથી ફરક નથી પડ્યો એવું કહી ન શકાય. સ્ત્રીઓને અધિકાર મળતાં સ્ત્રીઓ પોતાની રીતે નિર્ણયો લેતી પણ થઈ છે તે છતાં હજી પુરુષો બેકસીટ ડ્રાઈવિંગ કરી રહ્યા છે ખરા. સત્તાને જતી કરવી કોઈને ગમતું નથી. સ્ત્રીઓને પણ નહીં તો પુરુષોને તો તકલીફ થવાની જ છે કારણ કે અત્યાર સુધી એકહથ્થુ સત્તા ભોગવી છે. પિતૃસત્તાક માનસિકતા ધરાવતા પુરુષો હજી પણ માને છે કે સ્ત્રીઓએ ઘરમાં રાજ કરવું જોઈએ અર્થાત કે ઘર, વર અને બાળકોને સંભાળવા જોઈએ. ઘરની સત્તામાં પુરુષોને રસ નથી કારણ કે તેમાં કોઈ જ સંપત્તિ કે વળતર નથી હોતું. વીસ સંસ્થાઓએ મળીને એક અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું કે દુનિયાભરમાં મહિલાઓ ૭૦૦ લાખ કરોડના કામ પૈસા વિના કરે છે. એક્સફાર્મ દ્વારા જાહેર કરાયેલા આ સર્વેમાં ભારતમાં ૬ કરોડ મહિલાઓ વગર પૈસાના કામ કરે છે. શહેરી મહિલાઓ દરરોજ ૩૧૨ મિનિટ તેમ જ ગ્રામ્ય મહિલાઓ ૨૯૧ મિનિટ વગર પૈસે કામ કરે છે. આ કામ એટલે ઘરને સાફસૂફ રાખવું, રસોઈ બનાવવી, બાળકોને સ્કૂલમાં લેવા-મૂકવા જવા, ભણાવવા, વડીલોનું ધ્યાન રાખવું, સામાજિક કામ કરવા, ખેતીકામ, પશુપાલન વગેરે અનેક કામો એવા છે કે તે કરવા બદલ સ્ત્રીઓને આવક થતી નથી અને તેમની સંપત્તિ સર્જાતી નથી. આખી જિંદગી કામ કર્યા બાદ પણ તેની પાસે પોતાનું ઘર ન હોય કે જમીન ન હોય એવું શક્ય છે. આખી દુનિયાની સંપત્તિમાં સ્ત્રીઓ પાસે ફક્ત એક ટકા જ સંપત્તિ છે બાકીની બધી સંપત્તિની સત્તા પુરુષો પાસે છે. ઉચ્ચ હોદ્દાઓ ઉપર સ્ત્રીઓની સંખ્યા નહીંવત છે. તો રાજકારણમાં સ્ત્રીઓની સંખ્યા માંડ ૧૧ ટકા જેટલી જ છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓનું કામ નહીં રાજનીતિ રમવાનું, વાત તો સાચી છે સ્ત્રીઓના હાથમાં સત્તા હોય તો અનેક કામો થઈ શકે છે એ ગ્રામ પંચાયતમાં જ્યાં સ્ત્રીઓ સક્રિય રીતે કામ કરે છે ત્યાં જોઈ શકાય છે.
ભારતમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પદ સુધી મહિલા પહોંચી છે પણ સંસદમાં તેની સંખ્યા નહીંવત હોવાને કારણે જ્યારે પોલિસી નક્કી કરવાની હોય તો તેમાં સ્ત્રીના હિતનો વિચાર ઓછો થાય કે યોગ્ય રીતે ન થાય તે શક્ય છે. સંસદમાં ૩૩ ટકા અનામત સીટ માટેનું બિલ છેલ્લાં વીસ વરસથી ધક્કે ચડી રહ્યું છે. પાર્ટી કોઈપણ હોય તેઓ ચૂંટણીમાં પણ મહિલા ઉમેદવારો માંડ એકાદ બે જ રાખે છે. જો મહિલા ઉમેદવારોની સંખ્યા પચાસ ટકા કે તેથી વધુ હોય તો મહિલા ક્વોટાની આવશ્યકતા જ ન રહે. સ્પષ્ટ રીતે દેખાય છે કે મહિલાઓને સત્તા આપવા પુરુષો તૈયાર નથી. વેલ્ફેરના કાર્યક્રમો દ્વારા તેમને બિચારી જ રાખવામાં તેમનો ફાયદો છે. મહિલાઓને માટે કાયદા બનાવો, શિક્ષણ આપો, ગેસના ચૂલા અને મેટરનિટી સુવિધા આપો બસ. જો કે એ પણ જરૂરી છે, પરંતુ મહિલાઓને પિતૃસત્તાક માનસિકતાનો ઉછેર ન આપો તો તેને વેલફેર આપવું નહીં પડે. દેશના જીડીપીમાં સ્ત્રીઓનું પ્રદાન ખૂટે છે કારણ કે તેમની પાસે સંપત્તિ અને સત્તા નથી. ટેક્સ બચાવવા માટે અનેક પુરુષો પોતાની પત્ની અને દીકરીના નામે પ્રોપર્ટી જરૂર ખરીદે છે પણ તે પ્રોપર્ટી પર ખરેખર તે મહિલાનો કોઈ અધિકાર હોતો નથી. જે સ્ત્રી કરકસરથી સરસ રીતે ઘર ચલાવી શકે તે દેશ પણ ચલાવી જ શકે છે. તે પોતાનું નહીં પણ દરેકનું હિત જોઈ જ શકે છે. જો કે એવું બનશે નહીં. વિમેન પોલિટિકલ લીડર ગ્લોબલ ફોરમની પ્રમુખ સિલ્વાના કોચ-મહેરિને ૨૦૧૮ના ફેબ્રુઆરી મહિનામાં કહ્યું છે કે ગ્લોબલ ઈકોનોમિક ફોરમ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ પ્રમાણે હાલ જે ગતિએ કામ થઈ રહ્યું છે તે જોતાં હજી ૯૯ વરસ લાગશે મહિલાઓને રાજકારણમાં સમાન પ્રતિનિધિત્વ મળતાં.
જો કે રવાન્ડા અને ફ્રાન્સ, કેનેડા, સ્વીડન, સ્લોવેનિયા જેવા કેટલાંક દેશોમાં પચાસ ટકાથી બાવન ટકા જેટલી મહિલાઓ પાર્લામેન્ટમાં સક્રિય કાર્ય કરી રહી છે. આ ડેટા તમને ઓસીઈડીની વેબસાઈટ પરથી મળશે. તેમાં ભારતનો ડેટા નથી. જાપાનમાં ૧૫ ટકા જ સ્ત્રીઓ રાજકારણમાં સક્રિય છે. એટલે કે એટલી જ મહિલાઓ ત્યાં સુધી પહોંચી શકી છે. આપણે ત્યાં પણ અગિયાર ટકા જ મહિલાઓ સંસદ સુધી પહોંચી શકે છે. જ્યારે મહિલા મતદાતાઓની સંખ્યા પચાસ ટકા જેટલી તો હોય જ. સંયુક્ત રાષ્ટ્રસંઘ મહિલા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે આખા વિશ્ર્વમાં સંસદમાં પુરુષોનું પ્રતિનિધિત્વ ૭૭ % , ૮૨ % સરકારી ખાતાઓમાં, ૯૩ % સરકારી ઉચ્ચ અધિકારી પદે પુરુષો જ છે. જ્યારે પણ કોઈ મહિલા ત્યાં પહોંચે છે ત્યારે અખબારમાં હેડલાઈન બને છે. સરકારી હોદ્દાઓ અને રાજકારણી બનવા માટે મહિલાઓએ અનેક સ્તરે અડચણો પસાર કરવી પડે છે. ઘર, સમાજ અને સરકારી સ્તરે દરેક સ્થળે પિતૃસત્તાક માનસિકતા મહિલાઓ માટે મોટી સમસ્યા બની રહે છે. એ અવરોધો દરેક વખતે દેખીતી રીતે સ્પષ્ટ નથી હોતા. વિમેન પોલિટિકલ ગ્લોબલ ફોરમે ૬૧૭ દેશોમાં સર્વે કરાવીને ફિમેલ પોલિટિકલ કેરિયર (મહિલાઓની રાજકીય કારર્કિદી) નો અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે મહિલાઓ રાજકીય કારર્કિદીની શરૂઆત ઘણી મોડી કરે છે. તેમના માટે ઘર અને બાળકોની કાળજી પ્રાથમિક બાબત હોય છે. આફ્રિકન યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ કોસેજના દવામી જુમાનું કહેવું છે કે ઘરમાં જ સમાનતાની શરૂઆત થવી જોઈએ તો જ સમાજ અને રાજકારણ સુધી સમાનતાની વાત પહોંચશે. મહિલાઓને ત્રણ બાબત નડે છે રાજકીય ક્ષેત્રે સક્રિય થતાં મની, મીડિયા અને મેન. પુરુષ અને મહિલાઓને તક એક સરખી નથી મળતી. પ્રાઈવેટ સેકટરમાંથી મહિલા રાજકારણીને પુરુષ રાજકારણી કરતાં ઓછું દાન મળે છે એટલે મહિલાઓ પાર્ટી સ્પોન્સરશિપ ઉપર જ આધાર રાખવો પડે છે. બીજું કે મીડિયામાં મહિલા રાજકારણીને જે રીતે રજૂ કરવામાં આવે છે તેમાં પણ પિતૃસત્તાક માનસિકતા ભાગ ભજવતી હોય છે. તેમના દરેક નિર્ણયોને અને કામને પિતૃસત્તાક માનસિકતાથી જ જોવાતા હોય છે અને એ જ રીતે રજૂ કરાય છે. સ્ત્રી-પુરુષ અસમાનતા અને ભેદભાવનો ભોગ મહિલા રાજકારણીને પણ ભોગવવો જ પડતો હોય છે. તેમને ખોટી રીતે રજૂ કરાતા હોય, નકારાત્મક પબ્લિસિટી તેમ જ ગંભીરતાપૂર્વક તેમના કાર્યને જોવાય નહીં કે કદર ન થાય તેને કારણે પણ મહિલા રાજકારણીઓની સંખ્યા ઓછી છે. અવરોધો અનેક અને સતત પિતૃસત્તાક માનસિકતા સામે લડવાનું સહેલું નથી હોતું. પુરુષોને પણ રાજકારણમાં અવરોધ પાર કરવા પડતા હોય છે પણ મહિલાઓએ એ ઉપરાંત ફક્ત સ્ત્રી હોવાને કારણે વધારાના અવરોધો પાર કરવા પડે છે. વળી તેમની પાસે સંપત્તિ અને સહકાર પણ હોતા નથી. જે સ્ત્રીઓ રાજકીય ક્ષેત્રે સક્રિય છે તેઓ પ્રિવિલેજ એટલે કે તેમની પાસે સંપત્તિ અને સહકાર બન્ને હતા. કૌટુંબિક બેકગ્રાઉન્ડ પણ કામ કરે છે તે આપણે ગાંધી પરિવારમાં જોયું જ છે.
0 comments