સો વરસ પહેલાં અને આજે
02:22
વરસો બદલાયા બાદ પણ સ્ત્રીઓની સામાજિક લડત આજે પણ જારી છે, સો વરસ પહેલાં અને આજે ફરક એટલો જ છે કે આપણે વધુ સંકુચિત થયા
સામાન્ય ચૂંટણી સિવાય, પ્રેસને અબાધિત સ્વતંત્રતા આપ્યા સિવાય, દરેક મતને સ્વતંત્ર અભિવ્યક્તિનો અધિકાર આપ્યા વિના કોઈપણ સામાજિક સંસ્થા જીવંત રહી શકતી નથી. ફક્ત જીવંતતાનો આભાસ ઊભો થાય છે. એમાં ફક્ત બ્યુરોક્રસી (અમલદારશાહી) અમલમાં રહે છે. લોકોનું જીવન ધીમે ધીમે સુષુપ્ત બને છે. કેટલાક તાકાતવર નેતાઓ કે જેમની પાસે અનુભવ હોય છે તેઓ દેશને નિયંત્રિત કરે છે અને ચલાવે છે. સ્વતંત્રતા ફક્ત સરકારને કે એક પાર્ટીને સપોર્ટ કરે છે, તેના માટે જ હોય છે. આવા જલદ શબ્દો છે રોઝા લેક્ઝમબર્ગના જેને સો વરસ પહેલાં એટલે કે 15 જાન્યુઆરી 1919ના જર્મનીના બર્લિનમાં મારી નાખવામાં આવી હતી. એ વખતે તે ફક્ત 47 વરસની હતી. સો વરસ પછી પણ રોઝા અનેક ચાહકોના હૃદયમાં જીવંત છે. આખાય જાન્યુઆરી મહિના દરમિયાન બર્લિનમાં તેને યાદ કરીને અનેક દેખાવો, સભાઓ અને મોર્ચાઓનું આયોજન થાય છે. રોઝાના જીવન પરથી 1986ની સાલમાં ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. રોઝાના વિચારો કેપિટલિઝમના વિરોધી હતા. તે સોશિયલિસ્ટ તેમજ માકર્સવાદમાં માનતી હતી. રોઝા માર્કસિસ્ટ વિચારધારાથી પ્રભાવિત હતી તે છતાં તેની પોતાની આગવી વિચારધારા પણ હતી. કોઈપણ વિચારધારાની બંધિયારતાનો તે વિરોધ કરતી હતી. એ જમાનામાં એટલે કે સો વરસ પહેલાં રોઝા માટે આગવી વિદ્રોહી વિચારધારા ધરાવવાનું સહેલું તો નહોતું જ. એક તો તે યહૂદી હતી, બીજું તે સ્ત્રી હતી અને ત્રીજું તે અપંગ હતી. તેને પગમાં બાળપણની માંદગીમાં ખોડ રહી જતા તે સામાન્ય રીતે ચાલી નહોતી શકતી. શારીરિક ખોડ ધરાવતા લોકો પ્રત્યે તે સમયે લોકોને સહાનુભૂતિ નહોતી. કદાચ તેઓ આવા લોકોને સામાન્ય રીતે સ્વીકારી નહોતા શકતા. આવી અનેક અવહેલનાઓ સહ્યા બાદ તેણે વિદ્રોહનો રાહ પસંદ કર્યો હશે. દરેક ક્ષેત્રે તેનો અસ્વીકાર જ હતો તે છતાં તેણે પોતાની વિચારધારાને કારણે પોતાનો આગવો વર્ગ ઊભો કર્યો હતો.
માર્ચ 1871માં તે રશિયનના તાબામાં રહેલા પોલેન્ડમાં જન્મી હતી. એક તો યહૂદી સ્ત્રી અને તેમાંય લંગડાપણું હોવાને કારણે તેને સેક્ધડ સિટીઝન ગણવામાં આવતી હતી. તેણે અવરોધોને અવગણીને, પરિસ્થિતિઓનો સ્વીકાર કરવાની સાથે તેમાંથી માર્ગ કાઢવાનું પસંદ કર્યું હતું. અવરોધોથી ગભરાઈને રડતાં બેસી રહેવા કરતાં તેની સામે લડી લેવાનું તેણે મુનાસિબ માન્યું. રોઝાએ તે સમયે લડાઈ રહેલા પ્રથમ વિશ્ર્વયુદ્ધનો વિરોધ કર્યો હતો. કામદારો શાંતિ માટે એકજૂટ થાય તે એને મંજૂર હતું પણ એકબીજાના ગળા કાપવા માટે યુદ્ધમાં જોડાય તે મંજૂર નહોતું. તેણે લેનિનની સામે પણ વિદ્રોહ કર્યો હતો. સ્થાપિત સત્તાઓ સામે તે બિન્દાસ બળવો કરી શકતી હતી. તેની તેજાબી કલમે લખાયેલા લેખોએ લોકોને વિદ્રોહી બનાવ્યા એટલે જ તેને મારી નાખવામાં આવી.
સ્વતંત્ર વિચારધારા માટે આજે પણ સ્ત્રીઓને મારી નાખતા સત્તાશાળીઓ અચકાતા નથી. ગૌરી લંકેશને આપણે ભૂલી ન શકીએ. ડાબેરી વિચારધારા અને જમણેરી વિચારધારા વચ્ચે સતત જંગ ચાલતો જ રહ્યો છે. રોઝા માનતી હતી કે દરેક વિચારધારાને પોતાનો મત પ્રદર્શિત કરવાનો અધિકાર હોવો જોઈએ. કોઈ અવાજને દાબી દેવાના પ્રયત્નો ન જ થવા જોઈએ. પણ આપણે ત્યાં સબરીમાલામાં પ્રવેશ કરી આવેલી સ્ત્રીઓને સમાજ અને સ્વજન બન્નેએ ધિક્કાર વરસાવવામાં કોઈ કસર બાકી નથી રાખી. આપણા બંધારણમાં દરેકને સમાન અધિકાર આપવામાં આવ્યો હોવા છતાં ભેદભાવ અને અસમાનતા વ્યવહારમાં જોવા મળતી જ હોય છે. માસિકમાં આવતી વયની સબરીમાલામાં પ્રવેશ કરનાર પ્રથમ મહિલાઓ બિન્દુ અને કનકદુર્ગાને લાગે છે કે શક્ય છે કે તેમને વિરોધી બળો મારી નાખે, પણ તેમને એનો ડર નથી લાગતો. સ્ત્રીએ સમાનતા અને સ્વતંત્રતાની ભાષા આજે પણ બોલવાની હોતી નથી. એવા વિદ્રોહી અવાજને નિર્દયતાથી રહેંસી નાખતા પણ સમાજને ખચકાટ થતો નથી. રોઝાને માથામાં ગોળી મારી બર્લિનની નહેરમાં ફેંકી દેવામાં આવી હતી. તેનું શબ ખાસ્સા સમય બાદ મળ્યું હતું.
તુર્કીમાં પણ કેટલીક મહિલાઓ સ્થાપિત પિતૃસત્તાક સત્તા સામે માથું ઉઘાડું કરી રહી છે. હિજાબ પહેરવાનું ફરજિયાત હોવાને કારણે તેમણે ક્યારેય ખુલ્લા માથે ફરવાની પોતાની ઈચ્છાઓને પૂરી નહોતી કરી. હાલમાં સોશિયલ મીડિયામાં દસ વરસની ચેલેન્જ ચાલી રહી છે. આ તુર્કિશ સ્ત્રીઓએ એક વરસની ચેલેન્જ તરીકે પોતાનો વરસ પહેલાંનો અને હાલનો ખુલ્લા માથા સાથે એટલે કે હિજાબ વગરનો ફોટો મૂકવાની શરૂઆત કરી છે. આ પણ એક વિદ્રોહ જ છે. રોઝાએ પણ લિબરલ એટલે કે સ્વતંત્ર વિચારને મહત્ત્વ આપ્યું હતું. તુર્કીમાં ઈસ્લામધર્મી મહિલાઓએ એક જૂથ ઊભું કર્યું છે જે માને છે કે કોઈ નાની બાળાઓને જબરદસ્તીથી પોતાનું માથું ઢાંકીને ફરવાનું ન કહી શકે. દરેક વ્યક્તિ સ્વતંત્ર હોવી જોઈએ પોતાના દેખાવ અને જીવન જીવવાના વિચાર અંગે. જેમને પોતાના માથા પર સ્કાર્ફ બાંધવો છે અને નથી બાંધવો તે માટેની સ્વતંત્રતા વિશે ચર્ચાઓ ચાલી રહી છે. મંદિરમાં જવું કે ન જવું, હિજાબ પહેરવો કે ન પહેરવો તે નક્કી કરવાની સ્વતંત્રતા સ્ત્રીને મળવી જોઈએ. તેમાં ધર્મ કે પિતૃસત્તાક સમાજ નિયમો ઘડે તે સ્ત્રીની સ્વતંત્રતાને હણવાનું કામ કરે છે. સ્ત્રીને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર હોવો જોઈએ. લગ્ન બાદ કામ કરવું કે નહીં. મંગળસૂત્ર પહેરવું કે નહીં, પોતાની અટક બદલવી કે નહીં, તેણે ક્યાં રહેવું, શું કરવું તે દરેક બાબત દરેક સ્ત્રીને પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ.
આપણું બંધારણ પણ એ માટે સમાન અધિકાર આપે છે. જોકે તે છતાં વરસોથી સ્ત્રીને પોતાનું જીવન જીવવાનો અધિકાર આપવામાં આવતો નથી. કેટલીક સ્ત્રીઓ સ્વતંત્ર નિર્ણય લઈ શકતી હોય છે તે અપવાદરૂપ છે. બાકી મોટા ભાગની સ્ત્રીઓ પોતાના જીવનનો કોઈ નિર્ણય લઈ શકતી નથી. તેણે કેટલું ભણવું, શું કામ કરવું, શું પહેરવું, લગ્ન ક્યારે અને કોની સાથે કરવા તેમ જ બાળક ક્યારે કરવાથી લઈને જીવનની દરેક બાબતો પિતા, પતિ અને દીકરો જ નક્કી કરતા હોય છે. જે સ્ત્રીઓ જાતે નક્કી કરીને હિજાબ પહેરતી હોય કે માસિક દરમિયાન મંદિરમાં ન જવા માગતી હોય તે એનો અંગત નિર્ણય હોવો જોઈએ. પણ એવા નિયમો ન જ હોવા જોઈએ.
સો વરસ પહેલાં પણ સ્ત્રીઓને સ્વતંત્ર વિચારધારા રાખવાનો અધિકાર નહોતો અને આજે પણ નથી જ. સ્ત્રીઓ પોતાના જીવનને પોતાની રીતે જીવી શકે તે માટે હજી પણ બીજાં સો વરસ વીતી શકે છે. તે છતાં વચ્ચે વચ્ચે રોઝા, બિન્દુ અને કનકદુર્ગા જેવી અનેક સ્ત્રીઓ વિદ્રોહ અને વિરોધી અવાજે બોલતી હોય છે. તેને ચૂપ કરવાના પ્રયત્નો સો વરસ પહેલાં પણ થયા છે અને આજે પણ થાય જ છે.
0 comments