સેક્સીએસ્ટ મેન પણ સેક્સીસ્ટ નહીં

23:02




સ્વસ્થ તન અને સ્વસ્થ મન પુરુષને આકર્ષક અને હેન્ડસમ બનાવી શકે છે.


જ્યારે તેને સમાચાર મળ્યા કે તે દુનિયાનો સેક્સીએસ્ટ મેન તરીકે પસંદ થયો છે તો એના માનવામાં નહોતું આવ્યું, તરત જ આયના સામે ઊભો રહી ગયો અને આછી સફેદ દાઢી પર હાથ ફેરવતાં પોતાના પ્રતિબિંબને ધ્યાનથી જોયું. હોઈ શકે ખેર, પણ થોડો અહંકાર પુષ્ટ થયો તેની કબૂલાત કરવી રહી. ૪૬ વર્ષીય ઈદરીસ એલ્બાના આ શબ્દો છે.

સૌ પ્રથમ તો સૌ વાચકોને ખ્રિસ્તી નવા વરસની શુભકામના. ગયા વરસનું સરવૈયું અને આવતા વરસની વાતો દરેક અખબારો અને ચેનલોએ કરી લીધી છે હવે આપણે પુરુષની વાત કરીએ. માફ કરશો મથાળું અંગ્રેજીમાં છે પણ સેક્સી શબ્દ હવે આપણે ખૂબ સામાન્ય રીતે વાપરતા થઈ ગયા છીએ. આકર્ષક અને સોહામણો પુરુષ એવું કહી શકાય. સેક્સીસ્ટ એટલે જાતીય ભેદભાવ કરનાર. નવા વરસની શરૂઆત નકારાત્મક રીતે ન જ કરી શકાય એટલે દુનિયાના આકર્ષક અને સોહામણા જે સ્ત્રીઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં છે એવા પુરુષોની જ વાત કરીશું. ૨૦૧૮માં નવેમ્બર મહિનામાં પીપલ મેગેઝિન દ્વારા ઈદરીસ એલ્બાનું નામ મોસ્ટ સેક્સીએસ્ટ પર્સન અલાઈવમાં જાહેર થયું. ઈદરીસ વિશે કદાચ તમે ન જાણતા હો તો એનો ફોટો આ સાથે મૂક્યો જ છે તો જોઈ લેશો.

ઈદરીસ બ્લેક છે, આછી સફેદ દાઢી રાખે છે, ૪૬ વરસનો છે. તેનું વ્યક્તિત્વ અને સ્વભાવ આકર્ષક છે પણ વાગે એવું નથી. ઈદરીસ હોલીવૂડ અને ટેલિવિઝનનો જાણીતો અભિનેતા છે. છેલ્લાં ૩૪ વરસમાં જે પુરુષોને મોસ્ટ સેક્સીએસ્ટ મેનનું બિરુદ મળ્યું છે તેમાંના મોટાભાગના ૩૦થી વધુ કે ૪૦થી વધુની ઉંમર ધરાવે છે. એ યાદીમાં એકમાત્ર મેલ ગિબસન હતો જે સેક્સીએસ્ટ મેનનું બિરૂદ મળ્યું ૧૯૮૫માં ત્યારે ૨૯ વરસનો હતો. સૌથી મોટી વયે સેક્સીએસ્ટ મેન ઓફ ધ યરનું બિરૂદ મેળવનાર બે જણ છે એક તો ૧૯૮૯માં ૫૯( જી હા ઓગણસાઈઠ) વરસનો શોન કોનેરી અને ૧૯૯૮માં ૫૬ વરસનો હેરિસન ફોર્ડ. પચાસ કે ચાલીસની ઉંમર પાર કર્યા બાદ ગુજરાતી પુરુષોની કલ્પના કરી જુઓ તો...

રિચર્ડ ગેરે, બ્રાડ પિટ, જ્યોર્જ ક્લુની અને જ્હોની ડેપ્પ એ ચાર જણને બે વાર સેક્સીએસ્ટ મેનનું બિરૂદ મળ્યું છે. આજે તેઓ બધા જ અડધી સદી પાર કરી ચૂક્યા છે અને આજે પણ એટલા જ આકર્ષક છે એવું સ્ત્રીઓનું માનવું છે. આ લખનાર પણ સ્ત્રી જ છે તે ધ્યાનમાં રહે. ભારતીય પુરુષની વાત કરીએ તો હેન્ડસમ શબ્દ જ વાપરવો પડે. રિતીક રોશન અને શાહિદ કપૂર હજી પણ હેન્ડસમ મેનની યાદીમાં મોખરે છે. રિતીક રોશન આખાય એશિયામાં ત્રીજા નંબરમાંથી આ વરસે પ્રથમ ક્રમે પહોંચી ગયો છે. ગ્રીક ગોડ જેવું શરીર ધરાવતાં રિતીકને બોલીવૂડમાંથી હજી કોઈ બીટ કરી શક્યું

નથી.

સેક્સીએસ્ટ મેન કઈ રીતે પસંદ કરવામાં આવે છે અને તેના ક્રાઈટેરિઆ એટલે કે માર્ગદર્શિકા જાણવાની પુરુષોને ઉત્સુકતા હશે જ. સેક્સીએસ્ટ મેન તરીકે ફક્ત દેખાવ કે સેક્સી શરીરને જ મહત્ત્વ નથી આપવામાં આવતું. ઈદરીસને જોઈને ઘણાને એવું લાગી શકે કે આના કરતાં બીજા ઘણા સારા દેખાવ ધરાવનાર વ્યક્તિઓ આપણી આસપાસ છે. ઈદરીસ સારો અભિનેતા છે અને પ્રસિદ્ધ છે એ કારણ તો ખરું જ પણ એ સિવાય ઈદરીસ ખૂબ સારો પિતા અને પતિ છે. સેક્સી મેન એટલે છોકરીઓથી ઘેરાયેલો કે બહુ બધી છોકરીઓ સાથે સંબંધો ધરાવનાર વ્યક્તિ નહીં પણ તે સારો વ્યક્તિ હોવો જરૂરી છે.

ઈદરીસનું બોડી પરફેક્ટલી ટોન છે. તે દરરોજ વર્કઆઉટ કરે છે. તે પ્રેમાળ પિતા છે. તેને બે બાળકો ૧૬ વરસની દીકરી ઈસાન અને ચાર વરસનો દીકરો વિન્સ્ટન છે. ઈદરીસે પોતાની ભૂમિકા માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મેળવ્યો છે, પણ ઈદરીસને પૂછવામાં આવે કે તેને ગમતી ભૂમિકા કઈ છે તો તે તરત જ કહેશે કે પિતા તરીકેની. તેને પોતાનાં બાળકો ખૂબ વહાલાં છે. બાળકોના જન્મ વખતે તે બધા જ કામ છોડીને હાજર રહ્યો હતો. બાળકોના જન્મની પળોને તે જીવનની ઉત્તમ પળ હોવાનું કહે છે. બાળકોને તે ખૂબ ભેટે, ચુંબન કરે અને વહાલ કર્યા કરે. હવે દીકરી મોટી થઈ ગઈ છે તે ક્યારેક વઢે કે હું હવે બાળકી નથી રહી મોટી થઈ ગઈ છું પણ નાનકડો દીકરો પિતાની કોટે વળગેલો રહે તે ગમે છે. તેના બે વાર લગ્ન થયાં છે અને હાલમાં એ તેની ગર્લ ફ્રેન્ડ સબરીના સાથે રહે છે.

ઈદરીસ ખૂબ ટેલેન્ટેડ છે તેને છ વાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેશન મળ્યું છે તો પાંચ વાર એમ્મી અને ત્રણ વાર બાફ્ટા માટે નોમિનેશન મળ્યું છે. ૨૦૧૬માં આવેલી ધ જંગલબુક ફિલ્મમાં શેરખાન માટે તેણે અવાજ આપ્યો હતો. આટલી ટેલેન્ટ અને પ્રસિદ્ધિ છતાં તેની શાખ નમ્ર વ્યક્તિ તરીકેની છે. અને ખાસ તો તેનું નામ હજી મી ટૂમાં નથી આવ્યું.

૪૪ વર્ષનો ડ્વેન જોન્સન ૨૦૧૬નો સેક્સીએસ્ટ મેન અલાઈવ જાહેર થયો ત્યારે એને એક સવાલ પૂછવામાં આવ્યો કે તમારા લાખો પ્રશંસકોને તમે કેમ સેક્સી લાગો છો? બાલ્ડ (યસ ડ્વેનના માથા પર વાળ નથી) હોવા છતાં ડ્વેન સેક્સીએસ્ટ મેન છે. તેણે માથા પર હાથ ફેરવતાં જરા આછા હાસ્ય સાથે નમ્રતાપૂર્વક કહ્યું કે મારો રમૂજી સ્વભાવ અને સેક્સી દેખાવાના પ્રયત્નો ન કરવો કદાચ લોકોને વધુ સેક્સી લાગતું હશે. હું કૂઉઉલ માણસ છું. આ વરસની મોસ્ટ હેન્ડસેમ મેનની યાદીમાં પ્રથમ ક્રમે રિતીક છે તો ૫૪ વરસનો ટોમ ક્રૂઝ પહેલાંથી બીજા ક્રમે પહોંચી ગયો છે. તો સાતમા ક્રમાકે સાઉથનો અભિનેતા મહેશ બાબુ છે. ઉંમર વધવા સાથે ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા પુરુષો પોતાની ફિટનેસ લેવલ સિક્સપેક અને હવે એઈટ પેક્સ (શાહરુખ ખાન) બનાવીને સ્પર્ધામાં ટકી રહેતા હોય છે.૪૨ વરસની ઉંમર બાદ પહેલી વાર શાહરુખે સિક્સ પેક એબ બનાવવાનું નક્કી કર્યું હતું. ૫૩ વરસે તે ઝીરોમાં હીરોની ભૂમિકા કરે છે. શાહરુખને સતત અસલામતી અનુભવાય છે એવું તેણે જાહેરમાં અનેક વાર કબૂલ્યું છે. સલમાન ખાન જ્યારે જુઓ ત્યારે શર્ટ ઉતારીને પોતાનું કસરતી શરીર બતાવવા તૈયાર હોય છે.

એક મૈત્રીણીએ મોસ્ટ હેન્ડસમ અને સેક્સી મેન વિશે વાત નીકળતાં કહ્યું કે યાર આપણી આસપાસ જોઈએ છીએ તો ફરીને જોવાનું મન થાય એવા એકપણ ગુજરાતી પ્રૌઢ પુરુષો નથી દેખાતા અફસોસ અને મારા પતિને પણ કહી કહીને થાકી કે ઊઠો ચાલવા જાઓ, કસરત કરો... પણ પેટ પર હાથ ફેરવતાં કહે કે આ ઉંમરે શરીરને તકલીફ આપવી ગમતી નથી. ત્યારે વિચાર આવ્યો કે વાત તો સાચી છે સુંદર છોકરી કે સ્ત્રી પસાર થાય તો પુરુષોની આંખો સ્થિર થઈ જતી હોય છે એ દિશામાં, પણ કોઈ પુરુષની એન્ટ્રી થાય ને સ્ત્રીઓ પોતાના વાળ સરખા કરવા લાગે કે ત્રાંસી આંખે જુએ એવું તો શાહરુખ, સલમાન કે રિતીક સામે આવે તો જ થતું થશે. મોસ્ટ સેક્સીએસ્ટ મેન ડ્વેન જોન્સને બીજી પણ એક વાત કરી હતી કે તેના જીવનમાં સ્ત્રીના પ્રવેશ અને બાળકીઓના જન્મ બાદ તેના જીવનમાં વધુ બદલાવ આવ્યો છે.

પૌરુષીય દેખાવું એટલે કસરતી શરીર સાથે સ્ટ્રોન્ગ દેખાવાની વાત પણ આવે છે. ભલે કહેવાતું હોય કે શરીરનું કોઈ મહત્ત્વ નથી પણ જીવીએ છીએ ત્યાં સુધી તેને અવગણી ન જ શકાય. જન્મથી મળેલો ચહેરો કે વાન બદલી ન શકાય, પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીને તમે આકર્ષક તો જરૂર દેખાઈ શકો છો. સ્ત્રીઓ માટે કરચલી છુપાવવાની કે યુવાન દેખાવા માટે મેકઅપ અને ઘરેણાં જેવા અનેક રસ્તાઓ છે, પણ પુરુષો માટે હેન્ડસમ દેખાવા માટે ફિટ એન્ડ ફાઈન શરીર સિવાય બીજું કશું જ હોઈ ન શકે. મોટેભાગે એવી માન્યતા છે કે વાળ ઓછા થાય એટલે કે માથે ટકો થાય કે સફેદ વાળ આવવા માંડે એટલે વૃદ્ધત્વની નિશાની માની લેવાય છે, પણ જો જ્યોર્જ ક્લુની, શોન કોનોરી , ડ્વેન જોન્સન અને ઈદરીસ સેક્સીએસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ બની શકે છે તો સ્વસ્થ કસરતી શરીર દ્વારા કોઈપણ પુરુષ હેન્ડસમ બની શકે છે. લાસ્ટ બટ નોટ લિસ્ટ, ઈમોશનલ ઈટિંગ ફક્ત સ્ત્રીઓ જ નથી કરતી, પણ પુરુષો પણ કરતા હોય છે. સો ક્ધટ્રોલ યોર ઈમોશન. લાગણીઓ પર કાબૂ રાખીને શરીર પર કાબૂ રાખી શકવું શક્ય છે.

નવા વરસનું રિઝોલ્યુશન તમારા માટે ફિટ એન્ડ ફાઈન રહેવાનું હોઈ શકે. મોટાભાગે પુરુષો ૪૦ વરસ પછી જ વધુ આકર્ષક દેખાઈ શકે છે જો તેઓ જીવનમાં સંતુષ્ટ, સફળ અને સુખી હોય તો એવું દરેક સેક્સીએસ્ટ મેનની લાઈફ સ્ટોરી જોઈને લાગે છે. દરેકનું ૨૦૧૯નું વરસ સ્વસ્થ અને સુંદર હોય તેવી શુભેચ્છા.

You Might Also Like

0 comments