બાપુ તું તો હાનિકારક હૈ
20:40
વરણાગી રાજા
માર્ગને ગાંધીજીનું નામ આપી દેવું સહેલું છે, પણ તેમને માર્ગે ચાલવાનું આજના નેતાઓને અને પુરુષોને કપરુ લાગે છે
ગાંધીજીના જન્મને દોઢસો વરસની ઉજવણી ચાલી રહી છે. આવતી કાલે એટલે કે ૩૦ જાન્યુઆરીએ બાપુનો નિવાર્ણ દિન છે. એક મહાપુરુષને બીજા પુરુષે ગોળી મારી દીધી. ગોડસેએ માત્ર રિવોલ્વર ચલાવી પણ તેની પાછળ બીજા અનેક પુરુષોનો સાથ હતો. ગાંધીજી મૃત્યુ બાદ વધુને વધુ આપણા જીવનમાં વણાઈ ગયા. ચલણી નોટો, મહાત્મા ગાંધી માર્ગ દ્વારા પણ તેમણે ચીંધેલા માર્ગ પર આપણે ચાલીએ છીએ ખરા? અહિંસા અને સત્યના શસ્ત્ર સાથે તેમણે ભારતને સ્વતંત્રતા અપાવી સાથે વિશ્વભરમાં નવો ચીલો પાડ્યો. સત્યાગ્રહ અને અસહકારના આંદોલનની વિચારધારાએ વિશ્વને અચંબિત કર્યું. નેલ્સન મંડેલાએ તો તેમના માર્ગે ચાલીને આફ્રિકાને પણ સ્વતંત્ર કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધી આમ તો તમારા મારા જેવા સામાન્ય વ્યક્તિ જ હતા. તેમનામાં પણ ત્રુટિઓ હતી, પણ તેમણે સતત પોતાની જાતને પણ સુધારવાની શરૂઆત કરી. બીજાને જે સંદેશ કે સલાહ આપતા તે સૌ પ્રથમ પોતાના જીવનમાં ઉતારતા હતા. સમાજમાં જે પુરુષની વ્યાખ્યા છે સામાન્યપણે, તેમાં પણ ગાંધીજી મહાપુરુષ હતા એવું ચોક્કસ કહી શકાય. એવો પુરુષ કે જેનામાં નવો ચીલો ચાતરવાનું સાહસ હતું. ગરીબ સ્ત્રીઓની તકલીફો જોઈને પોતડી પહેરવાનું નક્કી કર્યું. એ જ પોતડીભેર વિશ્વમાં ફર્યા અને વિશ્વમાંથી વિદાય પણ લીધી. પોતાના નામે કે કુટુંબના નામે કોઈ સંપત્તિ ભેગી ન કરી. સમગ્ર સમાજની ચિંતા કરી. પોતાની નબળાઈઓનું વિશ્લેષણ કરતાં પણ અચકાયા નહીં. બીજાની ભૂલોનું પણ પોતે જ પ્રાયશ્ચિત કરવાની હિંમત તેમનામાં હતી.તેમને કરન્સી નોટ પર છાપીને, તેમના પૂતળાં બનાવીને કે રસ્તાઓને તેમનું નામ આપીને આપણે તેમને યાદ કરીએ છીએ એવું દર્શાવીએ છીએ પણ તેમની જેમ જીવવાનું અશક્ય લાગે છે એટલે તેના વિશે વિચારતા જ નથી. તેમને અનુસરવાનું આપણને હાનિકારક લાગતું હોય છે.
આજે જ નહીં સો વરસ પહેલાં વિદેશના પ્રવાસે જે લોકો જતાં તે સંપૂર્ણ વિદેશી બનીને પાછા ફરતા, ગાંધીજીએ આ બધામાં નવો ચિલો ચાતર્યો. જહાજમાંથી ઊતર્યા ત્યારે એમણે નખશીખ કાઠિયાવાડી પહેરવેશ પહેર્યો હતો. મુંબઈમાં કે જ્યાં ક્યાંય પણ તેમનું સ્વાગત થયું ત્યાં તેમણે ગુજરાતી કે હિન્દી ભાષાનો જ પ્રયોગ કર્યો. તે જમાનામાં વિદેશ યાત્રાને પાપ માનવામાં આવતું, પરત ફરનારે તેનું પ્રાયશ્ચિત કરવું પડતું. ગાંધીજીને સમાજની પરવા નહોતી પરંતુ, પિતા સમાન મોટાભાઈની આજ્ઞાને માથે ચઢાવી નાસિક જઈ પોતાની શુધ્ધિ કરી આવ્યા. પરંતુ, જીવનભર પોતાના જ્ઞાતિ સમાજથી બહાર જ રહ્યા.
બાપુ ગોખલેને પોતાના ગુરુ માનતા હતા. તેમનો આદેશ હતો કે સ્વદેશ પાછા ફરીને સેવાના કામમાં જોડાઈ જવાની ઉતાવળ ન કરવી. એક વરસ સુધી ન ક્યાંય ભાષણ કરવું , ન ક્યાંય લેખ લખવો કે કોઈપણ પ્રકારે પોતાના વિચારો વ્યક્ત કરવાની ઉતાવળ ન કરવી. દેશની સ્થિતિને સારી રીતે સમજી લેવી. સાર્વજનિક સેવકો અને નેતાઓના વિચોરો અને તેમની કાર્યપધ્ધતિનું બારીકાઈથી અવલોકન કરી લેવું. ત્યારબાદ પોતાની શક્તિ અને મર્યાદાઓને પણ જોઈ સમજી લીધા બાદ જે કહેવું હોય કે કરવું હોય તે કરવું. ગાંધીજીએ ગુરુની આજ્ઞાનું અક્ષર સહ પાલન કર્યું અને પૂરી તૈયારી કર્યા બાદ જ તેમણે કામ કરવાની શરૂઆત કરી. યાદ રહે કે આફ્રિકામાં પ્રિટોરિયાનો પ્રસંગ બન્યા બાદ ગાંધીજીએ અન્યાય વિરુદ્ઘ અહિંસાપૂર્વક લડવાનું શરૂ જ કરી દીધું હતું. આફ્રિકામાં પણ તેમણે આશ્રમ ચલાવ્યો હતો અને બેરિસ્ટર હોવાને નાતે કોર્ટમાં કેસ પણ લડ્યા હતા.
બરાબર એક વરસ પછી ગાંધીજીએ સૌથી મોટું ભાષણ કાશી વિશ્વવિદ્યાલયના શિલાન્યાસ સમયે કર્યું. ગાંધીજી જે બોલ્યા તે આખું ય ભાષણ છપાયું નહોતું પરંતુ, જેટલું છપાયું તેના લીધે આખાય દેશમાં ખળભળાટ મચી ગયો. વિદ્યાર્થી વિનોબા ભાવે ગુરુની શોધ અને જરૂરી અધ્યયન અભ્યાસ માટે પરિક્ષા છોડીને હિમાલય જઈ રહ્યા હતા. હિમાલય જતાં પહેલાં તેઓ કાશીમાં સંસ્કૃત શીખવા માટે રોકાયા હતા. બીજે દિવસે તેમણે અખબારમાં ગાંધીજીનું આ ભાષણ વાંચ્યું. વાંચતાં જ લાગ્યું કે જે ગુરુની તેમને શોધ છે તે મળી ગયા. ગુરુની શોધ પુરી થવાના સંતોષ સાથે હિમાલયને બદલે તેઓ સાબરમતી તરફ ચાલવા લાગ્યા.
સ્વરાજ્ય કેવું હોય ? તેના સાધન અને માર્ગ ક્યા હોઈ શકે ? પશ્ચિમી સભ્યતાનું સ્વરૂપ અને મૂલ્ય શું છે ? જેવા વિષયો પર ગાંધીજી 1908ની સાલમાં પોતાના વિચારો હિન્દ સ્વરાજ નામની નાનકડી પુસ્તિકામાં લખી ચુક્યા હતા.
ગમે તે સ્વરૂપે, જ્યાં પણ સત્યનો બોધ મળે ગાંધીજી તેને તરત જ ગ્રહણ કરી લેતા. તેને અપનાવી આચરણમાં ઉતારી પણ લેતા.
સામાન્ય રીતે લોકો પોતે બીજાથી કંઈક વિશેષ છે એવું જતાવીને મોટાઈ દર્શાવવાનો પ્રયત્ન કરતા હોય છે. જ્યારે ગાંધીજી એમ માનતા હતા કે તેમનામાં કોઈ વિશેષતા નથી. ઉલ્ટાનું તેઓ કહેતા કે હું જે કરું છે તે બીજી કોઈપણ વ્યક્તિ કરી શકે. આવું કહીને તેઓ એક તરફ ખોટી પ્રતિષ્ઠા સ્થાપિત કરવા માગતા લોકોને તેમની મર્યાદાનું ભાન કરાવતાં. તો બીજી તરફ દરેક મનુષ્યમાં રહેલી ગુપ્ત શક્તિને જાગૃત કરતા.
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર હતા તે સમયે, અદાલતથી પાછા આવતાં વેંત કોટ ખીંટી પર ટાંગી બાને રસોઈમાં મદદ કરવા લાગતા. રશ્કિનની અન ટુ ધિસ લાસ્ટ પુસ્તક વાંચ્યા બાદ તેમણે પોતાના જીવનનો ક્રમ જ બદલી નાખ્યો. ફિનિક્સ આશ્રમ સ્થાપી શરીર –શ્રમ ધ્વારા પોતાનો જીવન નિર્વાહ કરવા લાગ્યા. ત્યાં સત્યાગ્રહના દિવસોમાં પોતાના દેશવાસી ભાઈઓની સેવાનું વ્રત લીધું તો રહેણી કરણી પણ તેમના જેવી જ કરી દીધી. ભારતમાં આવતાં તેમને દેશની અસહ્ય ગરીબીને જોઈ તો ટૂંકી પોતડી પહેરવા માંડ્યા. રેલના ત્રીજા દરજ્જામાં પ્રવાસ કરવાનું કારણ પણ આ જ હતું.
રેલ્વેમાં, ઘોડાગાડીમાં અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ ભવનની સામે જે માર ખાધો તેને પોતાનું અંગત અપમાન માનવા કરતાં કોમનું અપમાન સમજીને આખીય કોમને ઉપર ઊઠાવવાના કાર્યને જ જીવન બનાવી દીધું. દક્ષિણ આફ્રિકા હોય કે ભારત હોય તેમના દરેક કાર્યમાં પ્રેરણા અને પ્રકાશ વેરતો એકમાત્ર મંત્ર હતો સત્ય અને અહિંસા. તુલસીદાસની જેમ તેમની સાધનાનો આધાર પણ એક જ હતો રામ… જો કે તેમણે રામ મંદિર બાંધવાની વાત નહોતી કરી પણ રામ રાજ્યની કલ્પના જરૂર કરી હતી. જાતિ, ધર્મ કે વર્ગના ભેદભાવ વિના તેઓ દરેક માનવમાં રામ જોતા હતા.
ગાંધીજી એવી પહેલી વ્યક્તિ હતા જેણે છાતી ઠોકીને કહ્યું હતું કે અંગ્રેજી શાસનને ઉખાડી નાખવો એ મારો ધર્મ છે. ન્યાયાધીશોને એમણે કહ્યું કે જો તમે એવું માનતા હો કે આ હકુમત ખરાબ છે તો નોકરી છોડી દો. અને જો તમે એવું માનતા હો કે જનતા માટે આ હિતકર છે તો કાયદામાં જે કડકમાં કડક સજા હોય તે મને આપો. ગાંધીજી પહેલાં આવું કહેવાની કોઈએ હિંમત નહોતી કરી એવું કહી શકાય.
સરકારી અધિકારીઓ અને પોતાના વિરોધીઓ સાથે પણ તેમનું વર્તન સૌજન્યશીલ રહેતું. અંગ્રેજોમાં પણ તેમના પ્રશંસક ચાહકો હતા. તેમના સૌજન્ય અને શાલીનતાનું બીજું ઉદાહરણ ઈતિહાસમાં જડવું મુશ્કેલ છે. ગાંધીજીની સાથે રહેલા હરિભાઉ પાધ્યેએ લખ્યું છે કે , “ગાંધીજીના ચરિત્ર અને વર્તનનો પ્રભાવ લોકો પર એટલો પડ્યો હતો કે જ્યારે તેમના પર કાયદાકિય કાર્યવાહી થતી ત્યારે તેઓ નિસંકોચ રીતે નિર્ભયતાથી કહી શકતા કે હા અમે આ કાયદાનો ભંગ કર્યો છે.
દુનિયામાં લોકો એવું કહેતા હોય છે અને માને પણ છે કે રાજકારણમાં સાચું, ખોટું છળ, કપટ, વિશ્વાસઘાત બધું ચાલે.
ગાંધીજીએ આ માન્યતાને હંમેશા ખોટી અને હાનિકારક માની. તેઓ માનતા હતા કે ચારિત્ર્યને કલંકિત કરીને જગતનું કોઈ કામ ન થઈ શકે. એટલે જ બાપુ ચરિત્ર શુદ્ધિ અને સાધન શુદ્ધિનો આગ્રહ રાખતા હતા. આજે આપણે રાજકારણી ભ્રષ્ટ ન હોય તે માની જ શકતા નથી. રાજકારણમાં સેવા માટે નહીં પણ મેવા મેળવવા માટે જ લોકો જતા હોય છે.
બીજી ધારણા એ છે કે ધર્મે રાજનીતિના ક્ષેત્રમાં ચંચુપાત કરવો ન જોઈએ. ધર્મ અને રાજનીતિ એક સાથે ચાલી જ ન શકે. ગાંધીજીએ આગ્રહપૂર્વક હંમેશા કહ્યું છે કે ધર્મવિહીન રાજનીતિ ફાંસીનો ગાળિયો છે. રાજનીતિએ હંમેશા ધર્મના રસ્તે જ ચાલવું જ જોઈએ. અને એ ધર્મ પણ ધર્મ નથી જો રાજનીતિની અવગણના કરે. એમણે અનુભવ્યું કે રાજનીતિમાં ગયા વિના ધર્મનું પાલન થઈ શકે એમ નથી તો એમણે રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યુ. “ જો કે તેમના ધર્મનો અર્થ આજના ધર્માંધતાની વ્યાખ્યામાં બેસતો નથી.
હરિભાઉ પાધ્યે બાપુ કથામાં લખે છે કે ફક્ત રાજનીતિમાં જ નહીં પરંતુ, સામાન્ય વ્યવહારમાં પણ લોકો જેવા સાથે તેવા થવું જવું જોઈએ એવું માને છે. વળી જો એવું માનવાવાળો માનવી વિદ્વાન હોય તો વેદ કે ગીતાના વચનો ટાંકીને પોતાના નીતી અને અનિતીના વ્યવહારનું સમર્થન કરશે. એના કારણે વ્યક્તિને તત્કાલ કામ થઈ ગયાનો સંતોષ ભલે થાય પણ ન સમાજ ઊંચો આવે કે ન સમાજમાં કોઈ સુધાર આવે. ગાંધીજીના વિચાર આ વિષયે એકદમ ભિન્ન હતા. બુરાઈની સામે ભલાઈ કરવાનો તેમનો સ્વભાવ હતો અને शठं प्रत्यपि सत्यम् માં તેઓ માનતા પણ હતા. તેમના પર જીવલેણ હુમલો કરનારને પણ તેઓ માફ કરી શકતા. કાયદેઆઝમ ઝીણાના રુક્ષ વ્યવહારની પરવા કર્યા વિના ગાંધીજી સામે ચાલીને દશેકવાર તેમના ઘરે ગયા હશે. સૌજન્યપૂર્ણ વ્યવહાર હોવા છતાં અલીબંધુ , સુહરાવર્દી વગેરે તેમનાથી દૂર ગયા હતા, બાકી ગાંધીજીએ ક્યારેય કોઈને દૂર નહોતા કર્યા.
ગાંધીજીની બીજી એક ખાસિયત એ હતી કે મોટી બાબતો તરફ ધ્યાન હોવા છતાં ક્યારેય નાની બાબતો તરફ બેપરવા નહોતા રહેતા. આશ્રમમાં તેઓ રસોડામાં નિયમિત રૂપે સમયસર શાક બનાવવા પહોંચી જતા. રસોડાની બાબતો પણ રસપૂર્વક જોતાં ક્યાંક કશીક ખામી જણાય તો જાતે જ સુધારી લેતા. આશ્રમમાં ભોજન માટે બે વાર ઘંટ વાગતો. બીજા ઘંટ બાદ દરવાજો બંધ થઈ જતો. મોડું આવનાર બીજી પંગત સુધી રાહ જોતા. એકવાર ખુદ ગાંધીજીને જ મોડું થયું તો રાહ જોતાં બહાર ઊભા રહ્યા. રસોડાના વ્યવસ્થાપકે ફરિયાદ કરી કે લોકો એઠું ખૂબ છોડે છે એનાથી નુકશાન તો થાય જ છે પણ ગંદકી વધતાં માખીઓ પણ આવે છે. સાંભળીને ગાંધીજીએ પોતાની બેઠક દરવાજા પાસે રાખી. જમ્યાબાદ જે થાળી ધોવા જાય તે એમને બતાવીને જ જાય. ગંભીર રાજનીતિની ચર્ચા ચાલી રહી હોય ને વચ્ચે તેમના સ્વાસ્થયના પ્રયોગોનો કોઈ અનુયાયી દેખાય તો પૂછી લે કે ‘તે પાલકની ભાજી ખાધી હતી ને ? હવે કેમ છે ? ‘ વગેરે વાઈસરોય સાથે ભારતની રાજનીતિની ચર્ચા કરતાં ખ્યાલ આવે કે ઘણો સમય વીતી ગયો છે અને હજી ચર્ચા બાકી છે તો વાઈસરોયને ય કહી દેતા કે,’ હવે હું જાઉં છું. મારા આશ્રમમાં કાર્યકર્તા બિમાર છે એનું ધ્યાન મારે રાખવાનું છે. ‘
ગાંધીજી માટે કોઈ કામ નાનું નહોતું. એ સમયે પણ તેઓ ખૂબ પ્રખ્યાત હતા અને લોકો તેમનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા તે છતાં તેમની નમ્રતા, શાલીનતા , સત્યપ્રિયતા અને સાદગીએ ક્યારેય રંગ બદલ્યો નહીં. એ મહાપુરુષ વિશે અનેક વિદ્વાનો અને અભ્યાસુઓએ લખ્યું છે. દોઢસો વરસ નિમિત્તે તેમના વિશે અનેક કાર્યક્રમો થશે, વાતો થશે, લેખો લખાશે પણ તેમને જીવનમાં ઉતારવાની હિંમત ભાગ્યે જ કોઈ માનવી કરી શકશે. ગાંધીજીને વંદન અને શ્રદ્ધાંજલિ
0 comments