ઈતિહાસનાં પાનાઓ પરથી ખોવાઈ ગયેલી કથા
02:05
મિશેલ ઓબામા પ્રથમ આફ્રિકન અમેરિકન નથી કે જેણે આત્મકથા લખી હોય, દોઢસો વરસ પહેલાં જેરેના લિનું પુસ્તક પ્રગટ થયું હતું
અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ લખેલી સંભારણારૂપી આત્મકથા બીકમિંગ ગુજરાતી વેપારીની ભાષામાં કહીએ તો ભજિયાની જેમ વેચાઈ રહી છે. એટલું જ નહીં તે બેસ્ટસેલર નોનફિકશન બની ગઈ છે. એવું કહેવાય છે કે ૨૦૧૮ની સાલમાં અમેરિકામાં પ્રગટ થયેલા કોઈપણ પુસ્તક કરતાં સૌથી વધારે વેચાઈ છે. એક તો તે અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં દાખલ થનાર પ્રથમ બ્લેક સ્ત્રી જે ફર્સ્ટ લેડી હતી. મિશેલ ઓબામા ફક્ત પ્રમુખ પત્ની નહોતાં પણ તેમનું પોતાનું આગવું વ્યક્તિત્વ પણ હતું. જો કે ઓબામા પ્રમુખ બને તે માટે તેમણે પોતાની કારર્કિદીને પણ બ્રેક મારી હતી. એવો પણ સમય હતો કે જ્યારે બરાક ઓબામા કમાતા નહોતા અને મિશેલે ઘર ચલાવ્યું હોય. મિશેલ જુદી રીતે વિચારી શકતાં અને પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવતાં હોવાને કારણે તેમનું પુસ્તક વાંચવામાં લોકોને રસ પડી રહ્યો છે.
મિશેલ ઓબામાએ લખ્યું તેના લગભગ દોઢસોએક વરસ પહેલાં પણ એક બ્લેક સ્ત્રીએ પોતાના અનુભવની વાત લખી હતી અને પુસ્તક પણ પ્રગટ થયું હતું. એ વિશે થોડું ઘણું ફ્રેડરિક નાઈટના શોધ નિબંધ વિશે શેનન મેન્યુઅલનો આર્ટિકલ જે સંશોધાત્મક નિબંધ છાપે છે તે મેગેઝિનમાંથી મળે છે. જેરેના લિનું નામ ઈતિહાસનાં પાનાઓમાં ખોવાઈ ગયું તેનાં બે કારણો છે. એક તો તે બ્લેક સ્ત્રી હતી અને બીજું કે તે ચર્ચમાં પહેલી મહિલા પ્રિચર (ધર્મઉપદેશક) હતી.
આજે ચર્ચમાં મહિલા પ્રિચર હોતા નથી. જેમ મંદિરમાં સ્ત્રી પૂજારી હોતા નથી તેવી જ રીતે ચર્ચમાં પણ મહિલા પ્રિચર બની શકતી નથી. અમેરિકામાં આફ્રિકન મેથોડિસ્ટ એપીસ્કોલ ચર્ચમાં જેરેના લિ પ્રિચર હતી. તેનો જન્મ લગભગ ૧૭૮૩ની સાલમાં થયો હોવાની નોંધ સંશોધકોને મળે છે પણ તેના મૃત્યુની સાલની નોંધ મળતી નથી. તે ક્યાં અને કેવા સંજોગોમાં મૃત્યુ પામી તે હજી રહસ્ય જ છે.
કોઈને જાણ ન થાય એ રીતે ફિલોડેલ્ફિયામાં તેના પતિની બાજુમાં તેને દફનાવવામાં આવી હતી. તેની કબર ઉપર કોઈ જ લખાણ પણ નહોતું લખાયું જેથી તેની ઓળખ થઈ શકે. જેરેના લિને અત્યારે યાદ કરવી પડે કારણ કે તેણે એ જમાનામાં જાતીય અસમાનતા વિશે પ્રશ્ર્નો કર્યા હતા. રાઈટિંગ ઓફ જેરેના લિ શોધ નિબંધમાં ફ્રાન્સિસ હાર્પર અને હેરિએટ જેકોબ લખે છે કે જેરેનાએ તે સમયે રંગભેદ અને જાતીય (લિંગભેદ) ભેદભાવનો વિરોધ કર્યો હતો. મિશેલ ઓબામાએ પણ પોતાના પુસ્તકમાં રંગભેદ અને જાતીય અસમાનતાનો વિરોધ નોંધાવ્યો છે. મિશેલ આ વિશે અનેકવાર બોલ્યાં છે. તેમને પોતાના જીવનમાં પણ સ્ત્રી હોવાને કારણે જે બાંધછોડ કરવી પડી હતી તેનો રંજ વ્યક્ત કર્યો છે.
સ્ત્રીની પ્રથમ આત્મકથા ૧૪૦૦ની સાલમાં લખાઈ હતી તે જાણીને રોમાંચ જરૂર થાય. તેનું નામ હતું ધ બુક ઓફ માર્જરી કેમ્પે. એ સ્ત્રીને લખતાં, વાંચતા નહોતું આવડતું. તેણે એ અંગ્રેજીમાં લખાવી હતી અર્થાત કે તે બોલતી હતી અને કોઈએ લખી લીધી હતી.
માર્જરીએ તેના બાળકના જન્મથી લઈને તેની થયેલી ટીકાઓથી લઈને પોતાના જીવન અને અનુભવ વિશે અનેક બાબતો લખાવી હતી. પછી તે લખાણ સદીઓ સુધી ખોવાઈ ગયું હતું તે છેક ૧૯૩૪ની સાલમાં મળી આવ્યું હતું. આ રીતે શરૂઆતમાં સત્તરમી-અઢારમી સદીમાં લખાયેલી અનેક આત્મકથાઓ ખોવાઈ ગઈ છે. ખૂબ ઓછી સ્ત્રીઓની આત્મકથાઓ મળી છે જે તે જમાનામાં જીવતા જીવન અને સ્ત્રીઓની સ્થિતિ વિશે જાણવા મળે છે. આત્મકથા ડોક્યુમેન્ટ્સ પણ બની શકે છે જો તે સમયની રાજકીય, સામાજિક પરિસ્થિતિઓનો ચિતાર આપતી હોય.
જેરેના લિએ ૧૮૩૬ની સાલમાં ધ લાઈફ એન્ડ રિલિજિયસ એક્સપિરિઅન્સ ઓફ જેરેના લિ, એક બ્લેક સ્ત્રી ચર્ચમાં ધર્મઉપદેશક તરીકે કામગીરી વિશે લખે તે જમાનામાં તે બહુ મોટી વાત હતી. ૧૮૪૯ની સાલમાં ત્યારબાદનાં વરસોના અનુભવોનો ઉમેરો કરીને જેરેનાએ ફરીથી પુસ્તક પ્રગટ કર્યું હતું. એવું સ્કોલર ફ્રેડરિક નાઈટ ધ મેની નેમ્સ ઓફ જેરેના લિ નામના શોધ નિબંધમાં નોંધે છે. ઈમ્પોર્ટન્ટ રોલ ઈન ધ બ્લેક લિટરરી ટ્રેડિશન એવું લખતાં ફ્રેડરિક કહે છે કે જેરેના લિનાં લખાણો આફ્રિકન અમેરિકન સ્ત્રી દ્વારા તે સમયગાળા વિશે અનેક વાતો ઉજાગર કરી શકે છે પણ તેને ઈતિહાસનાં પાનાઓમાં ક્યાંય હાંસિયામાં ધકેલી દેવામાં આવી છે. તે સમયે પણ સ્ત્રીઓને ચર્ચમાં પ્રિચર તરીકે સરળતાથી સ્વીકારવામાં આવતી નહોતી એવું જેરેનાના લખાણમાંથી જાણવા મળે છે. તે એવું માનતી હતી કે એને જલ્દી મોકો મળ્યો હોત તો વહેલી પ્રિચર બનત પણ પહેલીવાર આફ્રિકન મેથોડિઝમ સ્થાપક રિચાર્ડ એલને તેને પ્રિચર તરીકે સ્વીકારવાની તેની વિનંતીને નકારી કાઢતા કહ્યું હતું કે ચર્ચના કાયદાઓમાં સ્ત્રીઓને પ્રિચર બનવાની પરવાનગી નથી.
જેરેનાએ પણ સંઘર્ષ કરવો પડ્યો હતો પ્રિચર બનવા માટે. તેણે તે સમયે સવાલ કર્યો હતો કે શા માટે મને સ્ત્રી હોવાને કારણે નકારવામાં આવે. જે પુરુષ કરી શકે છે તે હું પણ કરી જ શકું છું. ફ્રેડરિકના જણાવ્યા પ્રમાણે તે સમયે સ્ત્રીઓ પોતાના આધ્યાત્મિક અનુભવો વિશે આત્મકથાત્મક પુસ્તકો લખતી હતી. જો કે તે બધામાં જેરેના લિનું લખાણ જુદું તરી આવે છે, મિશેલ ઓબામાની જેમ તેના લખાણમાં સ્ત્રી હોવાને કારણે થતાં અન્યાય વિશે પણ તે વિરોધ નોંધાવે છે. સવાલો કરે છે.
જેરેનાએ આધ્યાત્મિક ક્ષેત્રે પોતાની સાથે સ્ત્રી હોવાને કારણે થયેલાં ભેદભાવ વિશે પણ લખી શકી છે. રંગભેદની નીતિ તો તે સમયે અમેરિકામાં હતી જ પણ સ્ત્રી હોવાને કારણે પણ ભેદભાવ તેણે સહન કરવો પડ્યો હતો તેના વિશે એણે લખ્યું છે. પહેલીવાર જ્યારે તેને ચર્ચમાં પ્રવેશ ન આપ્યો ત્યારબાદ જેરેનાએ લગ્ન કર્યા અને તેને બે બાળકો પણ થયા. તેના પતિના અવસાન બાદ તે ફરીથી ચર્ચમાં ગઈ હતી પ્રિચર બનવા માટે તે વખતે પ્રવેશ મળ્યો હતો. જેરેના પોતાના સમયથી આગળ હતી તેને પોતાની આસપાસ અસમાનતાઓ દેખાતી હતી. મિશેલ ઓબામાના અનુભવોનું આલેખન પ્રથમ બ્લેક સ્ત્રી જેણે અસમાનતાઓ વિશે પોતાનો વિરોધ પ્રગટ કર્યો એવું કહેવાતું હોય ત્યારે જેરેનાને યાદ કરવી પડે.
જેરેનાએ પોતાના પુસ્તકમાં વાચકોની માફી માગતા લખ્યું છે કે મારી ભાષા સારી ન હોય કે લખાણ યોગ્ય રીતે ન લખાયું હોય અને તેમાં ભાષાકીય ભૂલો હોય તો માફ કરશો કારણ કે મને યોગ્ય શિક્ષણ મળ્યું નથી(સ્ત્રી હોવાને લીધે મને તેનાથી વંચિત રાખવામાં આવી હતી) જે કંઈ લખતા-વાંચતા આવડે છે તે જાતે જ શીખી છું.
આપણે ત્યાં ઘરકામ કરતી સ્ત્રીએ લખેલી આત્મકથા જે મૂળ બંગાળીમાં લખાઈ હતી તે કુલ ૨૧ ભાષામાં અનુવાદિત થઈ છે અને તેમાંય ૧૩ વિદેશી ભાષાઓ પણ છે. ટૂંકમાં બેબી હલદારે લખેલી આત્મકથા આલો અંધારી (બંગાળી), લાઈફ લેસ ઓર્ડિનરી (અંગ્રેજી) બેસ્ટ સેલરના લિસ્ટમાં સ્થાન પામી છે.
બેબી હલદારની આત્મકથા વાંચવાથી ઘરકામ માટે બંગાળમાંથી આવતી ગરીબ સ્ત્રીઓની પરિસ્થિતિ વિશે જાણવા મળે છે. સિમોન દ બુવા અને અનાઈસ નીન વાંચતા તે સમયના ફ્રાન્સ, યુરોપ અને અમેરિકા વિશે જાણવા મળે છે. ઈસાડોરા ડંકન વાંચતા તે સમયના અમેરિકન સમાજ વિશે જાણી શકાય છે. આટલી બૃહદ ચેતના સાથે લખાઈ હોય તેવી આત્મકથા ઘણી ઓછી છે. સ્ત્રીઓની આત્મકથામાં સ્વજનોના સંબંધો અને પોતાની વાત વધુ પ્રમાણમાં હોય તો વાચકને રસ પડતો નથી કે ન તો તે સાહિત્યિક કૃતિ બને છે. ભારતીય સ્ત્રીઓએ લખેલી આત્મકથા સ્ત્રી જીવનના અનેક પાસાંઓને ઉજાગર કરે છે.
જવાહરલાલ નહેરુની બહેન કૃષ્ણા હઠીસિંગ, વિજ્યાલક્ષ્મી પંડિત, નયનતારા સહેગલે લખેલી આત્મકથામાં સ્વાતંત્ર્ય સંગ્રામની વાત સાથે તે સમયના સમાજની અને સાથે ક્યારેક ખુલ્લા શબ્દોમાં તો ક્યારેક બીટવીન ધ લાઈન્સમાં આલેખાયેલી તેમના અંગત જીવનની વાતો પણ મળી આવે છે. આમ, આત્મકથાનો ઈતિહાસ તપાસતાં કેટલીક નારીઓએ કરેલી થોડી ઘણી હિંમત પણ બિરદાવવા જેવી છે. ગુજરાતી સ્ત્રીઓની આત્મકથા વિશે આવતે અંકે વિગતે વાત કરીશું.
0 comments