માર્ચનો છેલ્લો દિવસ. આખાય વરસનું સરવૈયું કાઢીને એકાઉન્ટ ક્લોઝ કરવાના હોય. આત્મકથા પણ જીવનનું સરવૈયું કાઢવા માટે જ લખાય છે ફરક માત્ર એટલો જ હોય છે કે તેમાં જીવનનું અકાઉન્ટ ક્લોઝ નથી કરવાનું હોતું. ગાંધીજીની આત્મકથા ખૂબ પ્રખ્યાત છે. પણ કસ્તુરબાએ આત્મકથા લખી હોત તો કદાચ ગાંધીજીનું જુદું જ પાસું આપણને જાણવા મળ્યું હોત, આવું આપણાં જાણીતાં લેખિકા હિમાંશી શેલત આત્મકથા વિશે વાત કરતા કહે છે.
હિમાંશીબહેનનું આત્મકથાત્મક પુસ્તક મુક્તિ-વૃત્તાંત હાલમાં જ પ્રસિદ્ધ થયું. ગુજરાતી ભાષામાં આંગળીઓ પર ગણી શકાય તેટલી લેખિકાઓએ જ આત્મકથા લખી છે. આત્મકથા લખવા માટે હિંમત જોઈએ એ તો માનવું જ પડે, કારણ કે તમારે પોતાનું જીવન બીજા સામે અનાવૃત્ત કરી ખુલ્લું મૂકવાનું હોય છે. મરાઠી સાહિત્યમાં અનેક સ્ત્રીઓએ આત્મકથા લખી છે. તો ફ્રાન્સની લેખિકાઓ સિમોન દ બુવા અને અનાઈસ નીને પોતાની આત્મકથા પ્રગટ કરવાની હિંમત દાખવી છે. અનાઈસ નીનને બાળપણથી ડાયરી લખવાની આદત હતી. એ જ ડાયરીઓ તેમણે અંગ્રેજીમાં પોતે જ અનુવાદ કરીને પ્રગટ કરી હતી. એમાં તેમના હેન્રી મિલર સહિત અનેક પ્રેમસંબંધની વાત પણ કોઈ શું વિચારશે તેની ચિંતા કર્યા વિના આલેખી છે. અનાઈસ પોતાની આસપાસની ઘટનાઓને ખૂબ બારીકાઈપૂર્વક જોવાનો, સમજવાનો પ્રયત્ન કરતી હતી.
હિમાંશી શેલત પોતાના મુક્તિ-વૃત્તાંતમાં લખે છે કે, ‘સ્મરણકથા, નિજવૃત્તાંત, મારી હકીકત જે કહો એ. છેલ્લું છેલ્લું જોઈ લેવું છે કે કેટલાં પ્રામાણિક થઈ શકાય છે, અને કેટલાં નિખાલસ! આ પણ એક પ્રકારનો બાર-ડાન્સ. બધાં જોતાં હોય ત્યારે અજવાળાંમાં ખુલ્લાં થઈને ઊભા રહેવાની તાકાત કેવીક છે, જોઈએ તો ખરાં! મુક્તિ જેવી છે તેવી, ઢોળ ચડાવ્યા વિનાની અને રંધો ફેરવ્યા વગરની. બસ, એની જોડે આંખ મેળવવાની ઈચ્છા છે.’ હિમાંશીબહેન જરા આગળ જતાં એમ પણ કહે છે કે, ‘મારે મારા સંબંધોની સચ્ચાઈ ચકાસવી છે, અને કામની નક્કરતાને પણ.’ તે છતાં હિમાંશીબહેન કેટલુંક અપ્રગટ પોતાની પાસે રાખે છે. કેમ? તો ખૂબ જ દૃઢ શબ્દોમાં કહે છે કે, ‘મારે બધું તો નથી જ આપવું. કંઈક મારી પાસે પણ રાખવું જ હતું. તે છતાં શક્ય તેટલું નિખાલસતાપૂર્વક દરેક ઘટનાને જોવાનો પ્રયત્ન કર્યો છે.’
વાત સાચી છે. દરેક સ્ત્રીને રસ પડી શકે તેવો આ મુક્તિ-વૃત્તાંત છે. હિમાંશીબહેને પોતાના જીવન સાથે સંકળાયેલી દરેક વ્યક્તિઓ વિશે તટસ્થતાપૂર્વક લખવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં એમની પોતાની જાત સુધ્ધાં આવી જ જાય છે. તેમના દરેક કામનેય તેમણે તટસ્થતાના ત્રાજવામાં તોળી તોળીને જોઈને લખ્યું છે. તેઓ લખે છે કે,‘ક્યાં કામમાં કોની મદદ, કેવી રીતે મેળવવાની હોય, એ એક્સપ્લોર કરતાં મને ન આવડ્યું. એવી અન્વેષક વૃત્તિનો વિકાસ ન થયો. આ શોધખોળને અભાવે ઘણાં કામો અડધાંપડધાં થયાં, તો કેટલાંક સાવ અટવાઈ ગયાં.’ સિત્તેર દાયકાની તેમની સફરમાં માનવ સંબંધોથી લઈને કૂતરા-બિલાડીઓના સંબંધની વાત પણ એટલી જ સંવેદનાપૂર્વક તેઓ કરી શકે, કારણ કે દરેક જીવની સાથે સ્નેહસંબંધ જો બાંધે તો પૂરાં હૃદયથી અને છતાં મુક્તિનો અહેસાસ અળગો ન થવા દે. તેમને નજીકથી જાણનારા જાણે છે કે કાચબાની જેમ તેમની પાસે એક કોચલું છે જેમાં તેઓ કોઈપણ ક્ષણે ચાલી જઈ શકે છે. આત્મવૃત્તાંતમાં પણ તેમણે આ વાત કબૂલી છે. તેમના ઘરને મોટે ભાગે તાળું નથી મારવામાં આવતું બારણું ઠાલું જ હોય તેને ખોલવાની હિંમત કરો તો પ્રવેશ કરી શકાય પણ ત્યાં સુધી જ જ્યાં સુધી તમને અધિકાર આપવામાં આવ્યો હોય. હા, બિલાડીઓ ગમે ત્યારે ગમે તે બારી કે બારણાથી પોતાની મરજી પ્રમાણે આવે ને જાય. ક્યારેય કોઈ પર હાવી થવાની વાત નહીં કે ન કોઈને હાવી થવા દેવાનાં તે પુસ્તક વાંચતાં ને તેમને મળતાં સમજાઈ જાય.
હિમાંશીબહેન કહે છે કે, ‘સ્ત્રીઓ આત્મકથા નથી લખતી કારણ કે આત્મકથા લખવું સીધું સરળ નથી. તેમાં અનેક શેડ્સ છે. આત્મનિરીક્ષણ, નિવેદન અને આત્મસમર્થન જીવનમાં જે પોતે કર્યું છે તે યોગ્ય ઠેરવવાનું હોય છે. વળી સ્ત્રીઓની ભૂમિકા વેરવિખેર હોય છે, દીકરી, બહેન, પત્ની, મા, મિત્ર અને બહાર કામ કરવા જતી હોય તો ત્યાંના સંબંધો, અનુભવો વગેરે અનેક સ્તરે તે જીવતી હોય છે તેને ભેગું કરી આત્મકથારૂપે મૂકવું સહેલું નથી. બીજું કે સ્ત્રીને પ્રગટ થવું ગમતું નથી. ગમે તેટલી વિદુષી સ્ત્રી હશે કોઈ આવવાનું હોય તો સુકાંતા કપડાં પહેલાં સમેટીને અંદર મૂકી દેશે. કપડાં બદલતી વખતે પડદા પાડી દેશે. એટલે આત્મકથા લખવા માટે પ્રગટ થવાનું હોય તો તે સ્વભાવની વિરુદ્ધ જવું પડે. પ્રામાણિકતાથી પોતાની વાત કહેવા માટે સાહસ જોઈએ. અમૃતા પ્રીતમે રેવન્યુ સ્ટેમ્પમાં પોતાના પ્રેમના સંબંધો ફળીભૂત નથી થયા કે જે સંબંધોનું રૂપ ઊઘડ્યું નથી એ વિશે પ્રામાણિકતાથી વાત લખી છે. સિમોન દ બુવાએ પણ ચાર ભાગમાં પોતાનું જીવન આલેખ્યું છે. પણ મારે વધારે નહોતું લખવું. તેમાંય જે મોટી વ્યક્તિઓને મળવાનું બન્યું હોય તે આત્મશ્ર્લાઘા કરવાનું ટાળ્યું છે. ’
હિમાંશીબહેને તેમના જીવનમાં આવીને ચાલી ગયેલા બે પુરુષોની હાજરી અને ગેરહાજરી વિશે શક્ય એટલી નિખાલસતાપૂર્વક લખ્યું છે. ગુજરાતી ભાષામાં આ પહેલાં ક્યારેય કોઈ સ્ત્રીએ આટલા પણ ખુલ્લા થવાનો પ્રયત્ન કર્યો જ નથી. એ સંબંધોમાં પણ તેમની સ્પષ્ટતા અને સંવેદનશીલતા વાચકને ચોક્કસ જ સ્પર્શે જ છે. સ્ત્રી તરીકે અનુભવાતી કેટલીક સંવેદનાઓ જે સ્ત્રી જ લખી શકે અને સમજી શકે તે અહીં વાંચીને કોઈપણ સ્ત્રીને સ્પર્શે જ. સ્ત્રી અને આત્મકથા વિશે અને મુક્તિ-વૃત્તાંત વિશે હજી એક લેખ લખી શકાય. ફરી મળીશું આવતા લેખમાં.
- 21:07
- 0 Comments