પિતૃસત્તાક પુરુષથી આલ્ફા મેલ અને અલ્ટા મેલની સફર
06:53યુપીના બીજેપીના નેતા દયાશંકરે માયાવતી વિશે ટિપ્પણી કરતાં તેને માટે વેશ્યા જેવા શબ્દનો ઉપયોગ કર્યો એ પુરુષની પિતૃસત્તાક માનસિકતાનું પરિણામ છે. તો સલમાન ખાને પણ થોડો સમય પહેલાં જે વાક્યો કહ્યાં તે પણ પુરુષપ્રધાન માનસિકતાનું પ્રતિબિંબ છે. આપણી આસપાસ જ્યારે પણ ઝઘડો થતો હોય છે ત્યારે જે છૂટથી ગાળો બોલાય છે તેમાં પણ સ્ત્રીનું અપમાન અને પિતૃસત્તાક માનસિકતાના જ મૂળ હોય છે. તે ન ભૂલવું જોઈએ કે ત્યારે આપણને કોઈ વાંધો નથી હોતો.
તે છતાં સમયની સાથે પુરુષોમાં પણ બદલાવ આવ્યો છે અને આલ્ફા મેલની સાથે તેમની વિચારધારામાં પણ બદલાવ આવ્યો જ છે. કેટલીય સદીઓ બદલાઈ તે છતાં જેમ દરેક સ્ત્રીની માનસિકતા બદલાઈ નથી તેમ દરેક પુરુષની માનસિકતા બદલાઈ નથી એ વાત પણ સ્વીકારવી જોઈએ, પરંતુ તે છતાં ધીમે ધીમે પણ બદલાવ આવી જ રહ્યો છે તે વિચારી ખુશ થવું જોઈએ.
દયાશંકરે કે સલમાન ખાને આ રીતે શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ એવો વિરોધ ખુલ્લી રીતે અનેક પુરુષોએ પણ કર્યો છે. જોકે એ અલગ વાત છે કે મોટાભાગના વિરોધમાં કોઈને કોઈ સ્વાર્થ પણ છુપાયેલો જ હોય છે.
આલ્ફા મેલ એટલે આધુનિક શહેરી માનસિકતા ધરાવતા પુરુષની માનસિકતા પુરુષ પ્રધાન હોઈ શકે, પણ એક વિદેશી મેગેઝિને ૨૨થી ૫૫ વરસના પુરુષોને અનેક સવાલો પૂછીને સંશોધન કર્યું છે તેનાથી પુરુષની બદલાયેલી માનસિકતા જાણવા મળી અને એને નામ આપ્યું અલ્ટા મેલ.
ડાર્વિનની થિયરી જોઈએ તો જેમ માનવે ધીમે ધીમે વિકાસ કર્યો હોય તે જો માનતા હોઈએ તો આ વાત પણ માનવી પડે કે માનવનો વિકાસ હજી પણ ચાલુ જ છે. આલ્ફા મેલ આધુનિક જગતની દેન છે. પહેલાં જોઈએ કે આલ્ફા મેલ એટલે કેવો પુરુષ. જોકે આ વિશે પહેલાં પણ અનેકવાર લખાઈ ચૂક્યું છે. છતાં તેને ફરીથી જોઈએ તો અલ્ટા મેલની પ્રકૃતિ સમજાશે. આલ્ફા મેલમાં પૌરુષીય માનસિકતા સાવ નાબૂદ નહોતી પામી એટલે જ તેનો પોતાનો અહ્મ મોટો રહે છે. તે આકર્ષક અને અપ ટુ ડેટ પર્સનાલિટી ધરાવે છે. ફેશનમાંય તેને ખબર પડે છે. તે લઘરો નથી. હંમેશ દરેક જગ્યાએ તેણે આગળ રહેવું હોય. પોતાનાથી બીજું કોઈ સુપર પાવર ધરાવતું હોય તે સ્વીકારી શકતો નથી. તે ફિલ્મ જોતાં રડી શકે છે પણ કોઈ તેને નબળો ધારે તો તેનો પૌરુષીય અહમ્ ઘવાય છે. સ્ત્રીઓને આદર આપતા આવડતું હોવાને લીધે તેના તરફ સ્ત્રીઓ વધુ આકર્ષાય છે. પણ શક્ય છે કે તેનો આદર ફક્ત સ્ત્રીઓ સાથે ફલર્ટ કરવા પૂરતો જ મર્યાદિત હોય. તે પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડને મુક્તિ આપી શકતો નથી. જીમમાં જઈને બાવડાં અને સિક્સ પેક બનાવવા અને દેખાવ પાછળ અલ્ફા મેલ પૈસા ખર્ચતા અચકાતો નથી. તે છતાં તેમનામાં અસલામતી અનુભવાતી હોય
અલ્ટા મેલ પોતાના પુરોગામી પુરુષોથી ભિન્ન છે. હકીકતે તે બેલેન્સડ રીતે વિચારે છે અને બેલેન્સડ જીવન જીવવામાં માને છે. ન તો એકસ્ટ્રિમ છે ન તો તે બદ્ધ છે. કે ન તો તે જક્કી છે. પારંપરિક રીતે પૌરુષીય ગુણો જે મનાય છે શક્તિશાળી-બળવાન, કઠોર અને વ્યાવસાયિક મહત્ત્વાકાંક્ષા ધરાવનારો મુખ્યત્વે પણ હવે તે મૂલ્યો બદલાયા છે તેની જગ્યાએ નમ્રતા, બુદ્ધિશાળી અને સહાનુભૂતિ જેવા ગુણોની ગણતરી થાય છે.
આ સર્વે મુજબ ૬૧ ટકા પુરુષોએ કબૂલ્યું કે હવે તેમને
પુરુષાતનની વ્યાખ્યા બાંધવી મુશ્કેલ લાગે છે. જ્યારે ૭૩ ટકા ૬૫થી વધુ વયના પુરુષોએ કબૂલ્યું કે સમાજનો સૂર હકારાત્મક બની રહ્યો છે.
મોટા ભાગના પુરુષો હવે પરંપરાગત પૌરુષીય ભૂમિકાનું સમર્થન નથી કરતા. પરંપરાગત ઓળખમાં ખોવાઈ જવાના બદલે તેઓ પોતાની આગવી ઓળખ ઊભી કરવાના પ્રયત્નો કરવાનું વધુ પસંદ કરે છે. વધુ સમય માગી લેતી કારકિર્દીને બદલે તેઓ ચીલો ચાતરીને મનગમતું કામ કરવાનું પસંદ કરે છે. બાહ્ય દેખાડામાં ફસાઈ રહે તે આલ્ફા મેલ પણ આંતરિક વિકાસમાં રસ ધરાવે તે અલ્ટા મેલ. બોડી બિલ્ડિંગ કે સિક્સ પેક એબમાં તેને રસ નથી પણ હા સ્વાસ્થય સાચવવા તે પ્રાકૃતિક જીવન પદ્ધતિ અપનાવશે. આસપાસના વાતાવરણ અને સમાજનાં મૂલ્યો પ્રત્યે તે સહાનુભૂતિ ધરાવતો થયો હોવાથી પોતાની જીવનપદ્ધતિ તે બદલાવે છે. એટલે જ વધુને વધુ પુરુષો દોડવું, સાઈકલિંગ, હાઈકિંગ, ટ્રાવેલિંગ, સ્પોર્ટસ વગેરેને પોતાના કામની સાથે શોખને જ કારકિર્દીમાં પલટી નાખે છે. અલ્ટા મેલ જીવનના આનંદને માણવામાં માને છે. પોતાના પરિવારને અને શોખને કારકિર્દી અને પૈસાથી વધુ મહત્ત્વ આપે છે.
બીજા પર પોતાનો પ્રભાવ પાડવા કરતાં બીજાની સાથે સંવાદ સાધવામાં તેને રસ પડે છે. તે ન તો બીજાની સ્વતંત્રતા છીનવવામાં માને છે કે ન તો પોતાની સ્વતંત્રતા ગુમાવવામાં રસ હોય છે. વસ્તુઓ પાછળ પૈસા ખર્ચવામાં પાછળ વળીને નહીં જુએ પણ તેની ઉપયોગિતા વિશે સભાન બન્યો છે. અલ્ટા મેલ માટે સફળતા એટલે દુનિયાને બતાવવા કે પુરવાર થવાની બાબત નથી રહી. પણ પોતાને ગમે તે કામ કરવું કે ન કરવું તે પોતે જ નક્કી કરે છે. બીજા શું વિચારશે તેના કરતાં પોતે શું ઈચ્છે છે તે એના માટે વધુ મહત્ત્વનું છે. નાના નાના એડજસ્ટમેન્ટ કરવા માટે જાગૃત રહે છે. અર્થાત્ બીજા કહે તે પહેલાં જાતે જ પોતાનું જાતપરીક્ષણ કરશે. જાતિય ભેદભાવ વિશે તે જરા પણ સભાન નથી. દરેકને પોતાની સ્વતંત્રતા હોય અને પોતાનું વ્યક્તિત્વ હોય તેનો ચોખ્ખો સ્વીકાર તેનામનમાં સ્પષ્ટ છે.
લગ્ન કરશે તો પત્ની અને બાળકો તેના માટે પહેલાં હશે. સંબંધોમાં પોતાની જવાબદારી તે દિલથી નિભાવશે. ટૂંકમાં પુરુષોની માનસિકતાના રીતસરના બે ભાગ પડી રહ્યા છે : એક તો પારંપારિક પૌરુષીય વિચારધારા જે આતંકી પણ હોઈ શકે. બીજું લિબરલ વિચારધારા ધરાવતો અલ્ટા મેલ જે ખોટી ભ્રામક માન્યતાઓથી પર રહીને જમીન પર ઊભા રહેવાનું વધુ પસંદ કરે છે. સ્વતંત્રતા મેળવીય શકે છે અને આપીય શકે છે.
૮૪%
પુરુષોએ કહ્યું કે, ‘ હું મારા જીવનમાં જડમૂળથી બદલાવ લાવવા કરતાં લાઈફ સ્ટાઈલ કે સ્વસ્થ રહેવાના નાના ફેરફારો કરવાનું વધુ પસંદ કરીશ.’
-----------------------------
૧૦%
પુરુષોએ ચોક્કસ રીતે ડ્રેસિંગ કરવાનો ભાર હોવાનું કબૂલ્યું.
-----------------------------
૩૨%
૨૫ થી ૩૪ વરસના અને ૨૬ % ૩૫-૪૪ વરસના પુરુષાએે નિયમિત દોડવાનું શરૂ કર્યું હોવાનું કબૂલ્યું છે.
-------------------------
૬૦%
પુરુષો શારીરિક રીતે ફિટ રહેવા માટે પ્રયત્નો કરશે. ૫૩ % એ વજન ઉતારવા માટે કસરત અને ડાયેટિંગ કર્યું હોવાનું કબૂલ્યું છે.
---------------------------
૯૪%
૩૫-૪૪ વરસના પુરુષોએ કબૂલ્યું કે મારી પત્ની મારા કરતાં વધુ પૈસા કમાતી હોય તો મને ગર્વ અનુભવાય.
----------------------------
૯૨%
પુરુષો માને છે કે જીવનની કિતાબમાં દરેક પ્રકરણ જુદું હોય છે.
--------------------------
૧૧%
પુરુષો એવું માને છે કે વસ્તુઓ ખરીદવાથી કે મેળવવાથી સફળતા પુરવાર થાય છે. એટલે કે ૨૦૧૬માં મોટા ભાગના પુરુષો લકઝરી વસ્તુઓના દેખાડાને તેઓ સફળતા માનતા નથી કે એ રીતની સફળતા મેળવવા ઈચ્છતાય નથી.
-------------------------
૩૮%
પુરુષોએ આલ્કોહોલ પર કાપ મૂક્યો હોવાનું કબૂલ્યું છે અને ૨૫% પુુરુષોએ કેલરી ગણવાનું શરૂ કર્યું હોવાનું કબૂલ્યું છે.
----------------------------
૧૨%
પુરુષોએ પોતાના સારા દેખાવ માટે સભાન હોવાનું જણાવ્યું હતું.
0 comments