ગોરક્ષા અને ગાંધીજી આજે પણ મનનીય

21:41








હરિભાઉ ઉપાધ્યાય દ્વારા લિખિત બાપૂકથામાંથી ભાષાંતર ) આજના સંદર્ભે પણ ગાંધીજીના વિચારો કેટલા સચોટ છે. આપણે વિકાસ કર્યો છે ખરો ? ગાંધીજીના વિચારો જેમના તેમ રજૂ કરું છું. share more and more if you like it
હિન્દુઓ અન્યથા ગો-રક્ષાની વાતો બહુ કરતા હોય છે. પરંતુ, ગોસેવાની એટલી જ ઉપેક્ષા કરે છે.
એક પ્રશ્નકર્તાના જવાબમાં ગો-રક્ષા વિશેના પોતાના વિચાર પ્રગટ કરતાં ગાંધીજીએ કહ્યું –
“ ગોરક્ષાની ભાવના માનવ જાતિ માટે હિન્દૂ-ધર્મનું એક મોટું વરદાન છે. પરંતુ, મારા આ વચનો ગૌરક્ષાની મારી વિશિષ્ટ કલ્પના પ્રમાણે જ જોવામાં આવે. ગૌસેવાના વિષયે મેં ખૂબ અભ્યાસ કર્યો છે. જેટલી ગૌશાળાઓ મેં જોઈ છે એટલી ભાગ્યે જ કોઈએ જોઈ હશે.
જે લોકો ગોવધ કરે છે તેઓ અજ્ઞાની છે. તેમને મારી નાખવાથી તેમનું અજ્ઞાન દૂર નહીં થાય. તેમનું અજ્ઞાન મિટાવવા માટે સહાનુભૂતિ અને પ્રેમની સાથે ભિન્ન પ્રકારના પ્રયત્નોની જરૂર છે. આર્થિક દૃષ્ટિએ પણ ગાયોની કિંમત વધારવાથી કામ નહીં થાય. ગાયોની જેમને ચિંતા છે એમણે શું કરવું જોઈએ ?-
1 ગાયના દૂધનો વધુ ઉપયોગ કરવો જોઈએ અને બીજા બધા દૂધ બંધ કરી દેવા જોઈએ.*(1)
2 મૃત ગાયના શરીરના દરેક હિસ્સાનો ઉપયોગ કરવો, એ બેકાર ન જવા જોઈએ. આ રીતે પ્રયત્ન કરવો અને તેનો પ્રચાર કરવો.*(2)
*(1) ગાંધીજીએ પોતાના આશ્રમ પર ફક્ત ગાયો જ રાખી. ત્યાં ગાયના ઘીનો પ્રયોગ કરવામાં આવતો. આચાર્ય વિનોબાજીનો પણ એ જ આગ્રહ હતો. જ્યાં સુધી ગાયનું દૂધ એટલું ન મળતું થયું કે તેમાંથી ઘી બની શકે તે સમયે આશ્રમમાં ઘીની જગ્યાએ રોટલી પર અળસીનું તેલ જ ચોપડવામાં આવતું.
*(2) આ રીતનો પ્રયોગ ગાંધીજીએ વર્ધામાં ગૌસેવા ચર્માલય ખોલીને પ્રત્યક્ષ કરીને બતાવ્યો હતો. એક ઋગવેદી બ્રાહ્મણ કાર્યકર્તા શ્રી વાલુંજકરે મરેલા પશુનું ચામડું ઉતરડી તેના શરીરના પ્રત્યેક અંગનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે એ બધું કામ શીખીને બાપુના માર્ગદર્શન હેઠળ જાતે જ કરી સાબિત કરી બતાવ્યું કે ગોપાલન આર્થિક દૃષ્ટિએ કઈ રીતે સફળ થઈ શકે.
3 ગાયની નસ્લ સુધારવાનો પ્રયત્ન કરવો. *
4 ગાયો વધુ દૂધ આપી શકે તેવું બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જો મને કોઈ પૂછે કે હિન્દૂ-ધર્મનું સૌથી મોટું બાહ્ય સ્વરૂપ શું છે તો હું કહું કે ગોરક્ષા. મને વરસોથી દેખાઈ રહ્યું હતું કે આપણે એ ધર્મ ભૂલી ગયા છીએ. દુનિયામાં એવો કોઈ દેશ નથી જોયો કે જ્યાં ગાયના વંશની અનાથ જેવી હાલત હોય.
આપણા પાંજરાપોળોની હાલત જુઓ. વ્યવસ્થાપકોની ઉદારતા માટે મારા દિલમાં આદર છે. પરંતુ, તેમના પ્રબંધ માટે મારા દિલમાં ઘણો ઓછો આદર છે. હું નથી માનતો કે પાંજરાપોળ ગાય કે તેના વંશની રક્ષા કરે છે. પાંજરાપોળો ફક્ત લાવારિશ જનાવરોને રાખવાનું અને તેમને સુખથી મરવા દેવાનું સ્થાન ન હોવું જોઈએ. પાંજરાપોળોમાં હું આદર્શ ગાય-બળદ જોવાની આશા રાખું છું.
મારો એ દૃઢ વિશ્વાસ છે કે હિન્દુઓનું પહેલું કામ પોતાનું ઘર સાફ કરવાનો છે. મારામાં શક્તિ હોત કે મારી પાસે સમય હોય તો હું ગોરક્ષા મંડળીઓને પાંજરાપોળને સુધારવાનું, પશુ-પાલન શાસ્ત્રનું જ્ઞાન જનતાને આપવાનું, નિર્દય હિન્દૂઓને પોતાના જાનવરો પર દયા કરવાનું શીખવાડવું, અને ગરીબથી ગરીબ બાળક તથા રોગીઓને શુદ્ધ દૂધ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં વાપરું. સૌપ્રથમ હું આ હિન્દુઓ પાસે ગોરક્ષા મંડળીઓની વ્યવસ્થા અને પ્રત્યક્ષ ગો-સેવાનું ભગીરથ કામ કરાવું.
આટલું કરું તો જ મને મુસલમાન ભાઈઓને ગોવધ બંધ કરવાનું કહેવાનો હક મળે છે. આ રીતે આપણો ધર્મ ચોખ્ખો દેખાય છે. તે છતાં જે કામ આપણે છેલ્લે કરવાનું છે તે તે કામ આપણે પહેલાં કરી રહ્યા છીએ.
ગોરક્ષા મને મનુષ્યના દરેક વિકાસક્રમમાં સૌથી અલૌકિક બાબત લાગે છે. ગાયનો અર્થ મનુષ્યથી નીચે દરેક મૂંગી જીવસૃષ્ટિ કરું છું.
આ તત્ત્વ દ્વારા મનુષ્યોને સંપૂર્ણ ચેતન-સૃષ્ટિ સાથે આત્મીયતાનો અનુભવ કરાવવાનો પ્રયત્ન છે. મને સ્પષ્ટ દેખાય છે કે ગાયમાં જ કેમ દેવભાવ રોપવામાં આવ્યો છે. એટલા માટે કે હિન્દુસ્તાનમાં ગાય જ મનુષ્યનો સૌથી સાચ્ચો સાથી અને સૌથી મોટો આધાર છે. ગાય જ હિન્દુસ્તાનની કામધેનુ હતી. એ ફક્ત દૂધ જ નથી આપતી પણ આપણી ખેતીનો આધારસ્તંભ છે. એ તો દયાધર્મની મૂર્તિમંત કવિતા છે.
હવે ગોરક્ષાના પ્રશ્ને આપણે ફક્ત આર્થિક દૃષ્ટિએ જ વિચારીએ. ગાયના દૂધના અભાવે મને ફરી જાગૃત કર્યો. હિન્દુસ્તાન જેવા દેશમાં જ્યાં જીવદયાના ધર્મનું પાલન કરનારા અસંખ્ય મનુષ્યો વસે છે અને જ્યાં ગાયને માતા સમાન માનતા કરોડો હિન્દુ ધર્માત્માઓ રહે છે ત્યાં ગાયની આવી ખરાબ હાલત? એ જ ગાયના દૂધનો અભાવ ? આમાં દોષ જો કોઈનો હોય તો હિન્દુઓનો છે. તેઓ જાણીબૂઝીને દોષી નથી બનતા પણ અજ્ઞાનને કારણે દોષી બને છે.
આપણે પાંજરાપોળને દૂધ-ભવન બનાવીને સારામાં સારી રીતે પશુપાલન કરીએ તો દૂધ તથા માખણ સસ્તા ભાવે વેચી શકાય. આપણા ઢોર સુખી થાય. ગરીબો અને બાળકોને શુદ્ધ અને સસ્તુ દૂધ-ઘી મળે અને અંતે દરેક ગૌશાળા સ્વાવલંબી કે લગભગ સ્વાવલંબી બની જાય. કોઈ એવી શંકા કરી શકે કે આ તો વેપાર થયો તો એમને હું એટલું જ કહીશ કે ધર્મ અને વ્યવહાર એ બન્ને વિરોધી બાબત નથી. વ્યવહાર જો ધર્મનો વિરોધી દેખાય તો એ ત્યાજ્ય છે. એ જ પ્રકારે ધર્મની કસોટી પણ ત્યારે જ થાય જ્યારે એ વ્યવહારમાં ખરો ઉતરે. એ ખરું કે ધર્મમાં મામૂલી કાર્યકુશળતાથી કંઈક વધુની જરૂર હોય છે કેમકે વિવેક, વિચાર વગેરે ગુણો વગર ધર્મનું પાલન અસંભવ છે. મારા મતે ગોરક્ષાનો પ્રશ્ન સ્વરાજના પ્રશ્નથી નાનો નથી. કેટલીક બાબતોમાં તો હું આને સ્વરાજના પ્રશ્નથી પણ મોટો માનું છું.
ચંપારણમાં એક જગ્યાએ ગોરક્ષા વિશે વાત કરતાં મેં કહ્યું હતું કે જેમને ગોરક્ષા કરવી હોય તે ભૂલી જાય કે આપણે મુસલમાનો કે ઈશાઈઓથી તેની રક્ષા કરવાની છે.
મારા મનમાં ગોરક્ષા કોઈ સીમિત બાબત નથી. મારો મનોરથ તો એટલો મોટો છે કે આખી પૃથ્વીના લોકો ગાયની રક્ષા કરે. પણ એ માટે મારે પહેલાં પોતાનું જ ઘર સારી રીતે સાફ કરવું જોઈએ.
એક પાગલ જેવો માણસ લાહોરમાં મને મળવા આવ્યો હતો. ગાય દૂધ આપવાનું બંધ કરી દે કે હિન્દૂ તરત તેને વેચી દે છે... તેનો ઉપાય એણે મને કહ્યો. તેણે કહ્યું કે આવી ગાયોને વેચવાની જરૂર નથી. ગાય પાસેથી બળદનું કામ શું કામ નથી કરાવાતું ? તેની પાસે ઘણી ગાયો છે. તે એ ગાયોને તાજીમાજી કરીને ગાડામાં અને હળ સાથે જોતરે પણ છે. પછી તે ફળે છે અને ગોવંશ પણ વધારે છે. હું માનું છું કે આ વિચારવા લાયક વાત છે. કોઈ આ રીતે પણ ગાયની રક્ષા કરતું હોય તો તેની નિંદા ન થવી જોઈએ.
ગાયની રક્ષાનો અર્થ માત્ર ગાય નામના પશુની રક્ષા નહીં, બલ્કે પ્રાણીમાત્રની, જીવમાત્રની રક્ષા છે. પ્રાણીમાત્રમાં મનુષ્ય પણ આવી જ જાય છે. એટલે જ ગાયની રક્ષા માટે મુસલમાન અને અંગ્રેજોને મારવા અધર્મ છે. હું સનાતન હિન્દુ ધર્મને માનવાનો દાવો કરું છું અને આ ધર્મ મને શીખવાડે છે કે ગાયને બચાવવા માટે હું અંગ્રેજ કે મુસલમાનને નથી મારી શકતો. ગોરક્ષાનો મતલબ છે પાણીમાત્રની રક્ષા.


You Might Also Like

0 comments