સમસ્યા અને ઉકેલ ત્રાજવાનાં બે પલ્લાં

01:51

                



યા અઠવાડિયે અખબારમાં સમાચાર વાંચ્યા. તમે પણ કદાચ વાંચ્યાં જ હશે. એક સ્ત્રીએ પોતાની સાસુનું ગળું ઘોંટીને મારી નાખ્યા બાદ પોતે પણ ઝેર પીને આત્મહત્યા કરી. આ બધું બન્યું તે દરમિયાન તે સ્ત્રીનો ૧૪ વરસનો દીકરો બીજા રૂમમાં સૂતો હતો, એ જાગ્યો ત્યારે એણે મા અને દાદીને મૃત જોતાં પડોશીને જાણ કરી. તેના પિતા તે સમયે કામથી ઘરે આવી રહ્યા હતા. બસ આટલી જ માહિતી અખબારમાંથી મળે છે. પણ એ વાંચતા જ બનેલી ઘટનાની આસપાસ અનેક વાર્તાઓ આપણા મનમાં રચાવા લાગે છે.

સાસુ-વહુના ઝઘડા કોઈ નવી વાત નથી. સાસુ-વહુના સંબંધોમાં સંઘર્ષ હોય તેમાં કોઈને નવાઈ નથી લાગતી, પરંતુ વાત મરવા મારવા પર આવી જાય ત્યારે સવાલો પેદા થાય છે કે ક્યાં કશુંક ખોટું થયું? શું તેને ટાળી ન શકાયું હોત? સાસુ વહુને બાળી નાખે, મારી નાખે તે સાંભળીને આપણને દુખ જરૂર થાય પણ નવાઈ નથી લાગતી, પણ જ્યારે આ રીતે વહુ-સાસુને મારી નાખે ત્યારે આઘાત લાગે છે. વહુને પણ આઘાત લાગે છે એટલે જ તે પોતે પણ મરી જાય છે. જ્યારે કોઈ સાસુ વહુને માર્યા બાદ આપઘાત કર્યાનું જોયું કે સાંભળ્યું નથી. હોઈશકે કદાચ એકાદો અપવાદરૂપ કિસ્સો.

જીવનમાં દરેક બાબત ગણિતની જેમ એકને એક બે નથી થતી. દરેક પરિસ્થિતિ, સમસ્યા અને તેના ઉકેલની પદ્ધતિ દરેક બાબત જુદી હોય છે, એટલે જ તેને ન્યાયનાં ત્રાજવાની જેમ બરાબર કરવાનો પ્રયત્ન કરીએ તો તે શક્ય નથી. પણ એટલું દેખાય છે કે દરેક બાબતને ખુલ્લા મનથી જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી વિચારધારાના ચશ્માં ચઢાવીને જોવાથી આપણી અને સામેવાળાની બેઉની સમસ્યામાં વધારો જ કરીએ છીએ. ઝઘડા તો દરેકના ઘરમાં થાય પણ તે દરેક ઝઘડાનું સ્વરૂપ આટલું વરવું બને એ હદે ન પહોંચે તેટલો વિવેક અને જાગૃતિ કેળવવા જરૂરી હોય છે. 

ખેર, આ સમાચાર વાંચવામાં આવ્યા તેના એકાદ દિવસ બાદ યુટ્યુબ પર ટીસ્પુન નામની શોર્ટ ફિલ્મ જોવા મળી. અબાન ભરુચાની આ થ્રિલર શોર્ટ ફિલ્મ અનેક એવૉર્ડ મેળવી ચૂક્ી છે. આ ફિલ્મમાં સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની વાત છે. કવિતા નામની મહિલાએ પોતાના ખાટલાવશ સસરા માટે ઘરમાં જ ગોંધાઈ રહેવું પડે છે. તેના સસરાને પેરેલેસીસ થયો છે. અને તેઓ ટીસ્પુન એટલે કે ચમચો પલંગ સાથે અથડાવીને ટીંગ ટીંગ અવાજ કરી પોતાની જરૂરિયાત માટે પુત્રવધૂને બોલાવે છે. 

તેમની ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી સતત તેઓ ટીસ્પુન વગાડતાં રહે છે. કવિતાનો પતિ આખો દિવસ કામ માટે બહાર રહે છે. પિતાનું દરેક કામ કવિતા જ કરે છે. કવિતા પણ પ્રેમથી તેમનું ધ્યાન રાખે છે. સાથે ઘરમાં બેસીને પોતાનો કોસ્મેટિક્સ સપ્લાયનો વ્યવસાય પણ ચલાવે છે. પેરલાઈઝડ સસરાને કારણે ઘરની બહાર જવું શક્ય નથી બનતું. તો પતિ પણ પિતાની સેવાની બધી જ જવાબદારી ઉપાડતી પત્નીની કદર નથી કરતો કે તેને રિલિફ મળે તેવું કોઈ ધ્યાન નથી આપતો. છેવટે કવિતા કંટાળે છે, ચિડિયણ થઈ જાય છે. તેમાં પણ ટીસ્પુનનો અવાજ તેનાથી સહન નથી થતો, કારણ કે સસરાને હવે સતત બે-બે મિનિટે કવિતાને બોલાવવાની આદત પડી ગઈ હોય છે. મધ્યમવર્ગના પરિવારને કોઈ મદદ રાખવી પોષાય એમ નથી એટલે બધો જ ટોલ ગૃહિણી પર આવે છે. પતિ-પત્ની વચ્ચે પણ સંવાદ નથી રહેતો. એક દિવસ પોતાના વ્યવસાયની ગૂંચો ઉકેલતી હોય છે ત્યાં સતત ટીસ્પૂનનો અવાજ તેને ઉશ્કેરે છે. આ પહેલાં પણ તેણે ચમચી સસરાના હાથમાંથી છીનવી લેવાની કોશિષ કરી હોય છે, પણ વૃદ્ધ પણ જક્કી છે. તેમની પાસે પણ બસ આ એક ચમચી જ છે જેના અવાજે વહુ ઓરડામાં આવે છે. એક દિવસ ગુસ્સો ચરમસીમાએ પહોંચે છે અને ઓશિકું સસરાના મોઢા પર દબાઈ જાય છે. સસરા મૃત્યુ પામે છે તે જોઈને કવિતાનો ગુસ્સો ગુનાહિતભાવમાં પલટાઈ જાય છે, પણ ફ્રસ્ટ્રેશન જરાપણ ઓછું થતું નથી. તેની માનસિક હાલત લગભગ ખોરવાઈ જાય છે. લોકોને લાગે છે કે સસરાના મરવાનો આઘાત છે તે સમય જતાં ઓછો થશે, પણ તેમાં કોઈ ફરક પતિને દેખાતો નથી. કવિતાનું રડવું બીજાને અને પતિને નવાઈ પહોંચાડે છે. તેર દિવસ થયા તો પણ રડવાનું બંધ ન થતાં પતિ પણ કહે છે કે હવે બસ થયું, પહેલાં તો તું જ કંટાળીને તેમની ફરિયાદ કરતી હતી હવે જાણે તેમના વિના રહી શકતી નથી. કવિતાને રસોડામાં પતિ માટે નાસ્તો બનાવતી વખતે અચાનક ટીસ્પુનનો અવાજ સંભળાય છે તે દોડીને સસરાના રૂમમાં જાય છે, ખાલી પલંગ જુએ છે અને ફોટો જુએ છે. અવાજ બંધ નથી થતો તે બહાર આવે છે ને જુએ છે તો તેનો પતિ પેપર વાંચતા ચાની રકાબી પર ચમચી અમસ્તો જ વગાડી રહ્યો છે. એ જોતાં જ કવિતાની આંખોમાં ઝનૂન છવાય જાય છેને ફિલ્મ ત્યાં જ પૂરી થાય છે. 

ચીડ ચડે એવું કશુંક સતત બનતાં વ્યક્તિ ઝનૂની બનીને મગજ પરનો વિવેક ગુમાવી બેસતી હોય છે. એક ક્ષણ આખું ય જીવન ઊલટસુલટ કરીતી નાખે. વિતેલી એ ક્ષણો પાછી લાવી શકાતી નથી. એ ક્ષણ સુધી ન પહોંચવાનું બને તેનું ધ્યાન ઘરની બીજી વ્યક્તિઓ અને વ્યક્તિ પોતે પણ રાખી શકે છે. તેને માટે થોડી જાગૃતિ કેળવવાની જરૂર હોય છે. જે બાબતની આપણને ચીડ ચડતી હોય તે બીજાને કહી જોવાની હોય. શક્ય છે બીજી વ્યક્તિ તમારી ચીડ ન સમજી શકે. તેમાંય પરિવારમાં તો હંમેશાં ટેઈક ઈટ ફોર ગ્રાન્ટેડ લેવાની વૃત્તિ હોય છે. તે સમયે ત્રીજી સમજદાર-મિત્ર અથવા સાયકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. ખૂબ ગુસ્સો આવતો હોય કે વારંવાર ક્રોધ આવતો હોય તો તે સમયે એકાદ ખૂણે શાંત બેસી તટસ્થતાથી વિચાર કરવાથી પણ કેટલીક વખત ન દેખાતી બાબત આપણને દેખાય છે. ખોટી શંકાઓ કે વિચારોને મહત્ત્વ ન આપવું જોઈએ. ખાસ કરીને નકારાત્મક વિચારો ટાળવા જોઈએ. નકારાત્મક વિચારો ધરાવતી વ્યક્તિ તમે પોતે હો કે આસપાસ કોઈ વ્યક્તિ હોય તો ચેતી જાઓ અને દરેક બાબતને જુદી રીતે તટસ્થતાથી વિચારવાનો પ્રયત્ન કરવો જોઈએ. રૂટિનને તોડવાનો પ્રયત્ન કરવો. રૂટિન એટલે કે એકઢાળિયાપણું, કંટાળો અને હતાશા ઉત્પન્ન કરી શકે. નવો શોખ કેળવી શકાય કે અન્ય વ્યક્તિઓ સાથે વાત કરીને હૃદય હળવું કરી શકાય છે.



You Might Also Like

0 comments