ઈતિહાસ અહીં સૂરમાં ગાય છે (published in mumbai samachar)
06:38નળબજારમાં આવેલ સૈફી જ્યુબિલિ સ્ટ્રીટ, ચોર બજાર તરીકે પણ જાણીતી છે. તેમાં કોઈને પણ પૂછો કે રેકોર્ડવાલા કહા હૈ તો હાંડી મસ્જિદની સામે તમને મોકલી
આપે. ઈતિહાસના એક ખૂણા સમી એ દુકાન પોતે પણ ઐતિહાસિક લાગે. આમ પણ નળબજાર બાદ ચોરબજારની ગલીઓમાં જાઓ તો એ જ જૂનું પુરાણું મુંબઈ નજરે ચઢે. તેમાંય દરેક દુકાનો નહીં નહીં તો ય ૫૦ થી ૧૦૦ વરસ જૂની હશે જ. હાજી ઈબ્રાહિમ રેકોર્ડવાળાની દુકાન તો લગભગ ૫૫ વરસ જૂની છે અને એટલી જ કે તેનાથી વધુ જૂની રેકોર્ડ અને રેડિયો લોકો અહીં જોવા અને ખરીદવા આવે છે.
દુકાનમાં પ્રવેશતાં જ ચારે બાજુ જૂના રેડિયો, ટેપ રેકોર્ડર અને ખાનાઓમાં કક્કાવારી પ્રમાણે ગોઠવેલી રેકોર્ડસ તથા પેટી વાજાં જોઈને બે ઘડી પાછલા સમયમાં ચાલી ગયા હોવાનો ભાસ થાય.
થડા પર બેસેલા ૫૫ વરસીય મોહમ્મદ સલીમ શેખ હસીને તમારું સ્વાગત કરે. પણ તમારું ધ્યાન સામે જ પડેલા સોનેરી ભૂંગળાવાળા થાળી વાજાં પર આઈ મીન ગ્રામોફોન રેકોર્ડર પર પડે. તેની બાજુમાં લાલ રંગની પેટીમાં પડેલું થાળી વાજું જોઈને સૌ પહેલો સવાલ મોહમ્મદભાઈને પૂછી બેસાય છે, ‘ આ વાગે છે?’ તરત જ મોહમ્મદભાઈ ઊભા થઈને થાળી વાજાં પાસે પહોંચીને તેમાં ચાવી ભરીને વગાડે છે. મધુરા સૂર વહેતા થાય છે ... અખિયાં મિલાકે જીયા ભરમાકે ચલે નહીં જાના...નૌશાદનું સંગીત સાંભળતાં જ મધુર સ્મૃતિઓ તાજી થાય છે. ખરેખર આટલી મીઠાસ હતી તે વખતની એલપીમાં.
૧૯૫૯થી શરૂ કરીને દુનિયાની જે પણ એલપી રેકોર્ડ તમને જોઈતી હોય તો મોહમ્મદભાઈ શોધી આપે. તેમની દુકાનમાં પડેલી હજારો રેકોર્ડ વિશે માહિતી છે. મોહમ્મદભાઈ કહે છે, ‘ સમજણો થયો એટલે કે લગભગ ચાર વરસનો હોઈશ ત્યારથી આ દુકાનમાં આવું છું. આ રેકોર્ડસ સાથે જ હું મોટો થયો છું. મારા કાકા હાજી ઈબ્રાહીમ શેખે આ વ્યવસાય શરૂ કર્યો હતો. આજે અમે કાકાના દીકરાઓ આસિફ અને ગુલામ હુસેન મન્સુરી સહિત ભાઈઓ આ વ્યવસાય સંભાળીએ છીએ. પહેલાં આ રેડિયાઓ ન હતા ધીમે ધીમે રેડિયા નાના થતા ગયા ત્યારથી તેને સંઘરવાનું, વેચવાનું શરૂ કર્યું. રેકોર્ડ તો બે જ કંપની બનાવતી કોલંબિયા અને એચએમવી. આ બાજુની પાઈલમાં બિથોવન, મોઝાર્ટથી લઈને અનેક વેસ્ટર્ન ક્લાસિકલ રેકોર્ડસ છે તો આ બાજુના ખાનાઓમાં હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતની રેકોર્ડ છે. પેલી બાજુ ફિલ્મના ડાયલોગ્સની રેકોર્ડ છે. તો હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી એમ દરેક ભાષાની રેકોર્ડસ અમારી પાસે છે. ગુજરાતીમાં અભરામ ભગતથી લઈને દુલા ભગતના નામ મને યાદ છે. બાકી તમે ગીતની કડી કહો કે ગાયકનું નામ કહો કે ફિલ્મનું નામ કહો તો શોધી આપીએ. અનેક કલેક્ટર અમારી પાસે દેશવિદેશથી આવે છે.’
ડાયલોગ્સની રેકોર્ડની શરૂઆતમાં પણ શોલેનો ફેમસ ડાયલોગ્સ અગ્રેસર છે. કિતને આદમી થે સાંભા..? મોહમ્મદ સલીમ કહે છે કે, ‘ શોલે ફિલ્મ બાદ તે સમયના ગાળાની અનેક ફિલ્મોના ડાયલોગ્સ ફેમસ થયા એટલે તેની રેકોર્ડ બની. કદાચ આ રેકોર્ડસ અમૂલ્ય બની જશે વખત જતાં. ગાઈડના ગીતો અને ડાયલોગ્સ મારી ફેવરિટ રેકોર્ડ હતી. ’ પછી આસપાસ જોતાં કહે છે, ‘મોટાભાગે મેં બધી જ રેકોર્ડ સાંભળી છે. પણ જો કે હવે વધુ તો કલેકટર કરતાં પણ ઈન્ટિરિઅર ડિઝાઈનરો બંગલાને સજાવવા માટે જુના રેડિયા અને ગ્રામોફોન લઈ જાય છે.
અમારે ત્યાં દરેક વસ્તુ ચાલુ કન્ડિશન્ડમાં હોય છે. ગ્રામોફોન ઈકો ફ્રેન્ડલી છે તેને વગાડવા માટે ફક્ત ચાવી જ ભરવાની હોય. ન કોઈ પ્લગ કે ઈલેકટ્રિસિટીની જરૂર પડે. વળી એલપી રેકોર્ડ પર ધૂળ ચડે તો તેને સાબૂના પાણીએ ધોઈ નાખવાથી ચોખ્ખી થઈ જાય. કેસેટની જેમ તે જામ ન થાય. સ્ક્રેચ પડ્યા હોય તો પણ તે વાગી શકે. આ રેડિયાઓ પણ બધા જ ચાલુ કન્ડિશન્ડમાં છે. જો ગ્રાહક કહે તો તેમાં એફએમનું મશીન ફિટ કરી આપીએ તો તે ફક્ત શોનો રેડિયો ન રહેતા ઉપયોગી બની શકે. જો કે હજી તેમાં જૂના બધા જે રેડિયો સ્ટેશન ચાલુ છે તે પકડાય છે. સીલોન, ઊર્દુ સર્વિસ વગેરે. ક્યારેક શૂટિંગ માટે પણ અહીંથી રેડિયો અને ટેપરેકોર્ડર લઈ જવામાં આવે છે. પીકે ફિલ્મમાં આમિરખાન જે ટેપરેકોર્ડર લઈને ફરે છે તે અમારી દુકાનમાંથી જ લઈ જવામાં આવ્યું હતું.’
હજાર, દોઢ હજાર રૂપિયાથી શરૂ થઈને જેમ અલભ્ય હોય તેમ રેકોર્ડના ભાવ વધતા જાય. રેડિયો પણ એ જ ભાવે મળે. આ રેકોર્ડની સાથે મોહમ્મદભાઈની યાદમાં નૌશાદ, ઓ પી નૈયર, સી. રામચંદ્ર જેવા અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓએ આ દુકાનની અને સૂરોની દુનિયાની મુલાકાત સંગ્રહાયેલી છે.
ભૂલે બિસરે ગીતોનો ખજાનો આંખોમાં અને સ્મૃતિમાં ભરીને વિદાય લઈએ છીએ. ત્યારે મનમાં એ જ ગીત ચાલે છે હો... ચલે નહીં જાના....
0 comments