સેક્સ માટે લગ્ન કે લગ્ન માટે સેક્સ? (mumbai samachar)

21:37





આજકાલ અવારનવાર અખબારમાં સમાચાર વાંચવા મળે છે કે લગ્નની લાલચ આપી બોયફ્રેન્ડ ફરી જતાં યુવતીએ પોલીસમાં બળાત્કારની ફરિયાદ કરી. ગૂગલ કરશો તો અનેક આવા કેસ વિશે અને તેના પરિણામ વિશે જાણવા મળશે. કેટલાક કેસમાં છોકરાને સજા થઈ છે કે દંડ કરવામાં આવ્યો છે, તો કેટલાક કેસો ડિસમિસ કરવામાં આવ્યા છે. આજે આ વાત કરવાનું મન થયું તે મુંબઈની લોકલ ટ્રેનને આભારી છે. ઓફિસ જતાં ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં અનેક સ્ટોરી મળી રહે છે. એક આધુનિક છોકરી ફોન પર વાત કરતાં રડી રહી હતી. તે એના બોયફ્રેન્ડ સાથે વાત કરી રહી હશે એવું લાગ્યું કારણ કે તે કહી રહી હતી કે આપણે નજીક આવ્યા તે જે માગ્યું તે મેં આપ્યું કારણ કે આપણે લગ્ન કરવાના હતા. હવે તું ફરી જઈશ તો કેમ ચાલશે? મારે શું કરવું સમજાતું નથી?.... મારી વર્જિનિટી પણ તને આપી દીધી...વગેરે વગેરે

એ છોકરી ઊતરી ગયા પછી અમે જે પાંચ-છ મહિલાઓ ડબ્બામાં હતી તે ચર્ચાએ ચઢ્યા તે વીસ મિનિટ ક્યાં પસાર થઈ ગઈ તે ખબર ન પડી. એક ત્રીસેક વરસની યુવતીનું કહેવું હતું કે લગ્નની ખોટી પ્રોમિસ કરીને છોકરાઓ છોકરીઓને છેતરે તે બરાબર નથી જ આવા લોકોને પાઠ ભણાવવા જોઈએ. તો બીજી યુવતીનું કહેવું હતું કે છોકરીઓ આજે ભણીગણીને શિક્ષિત બની કારર્કિદી ઘડે છે તો પોતાનું ભલું બૂરું સમજતા શીખવું જ પડે. બળાત્કાર અને સંબંધ બાંધવામાં ફરક સમજવો જોઈએ. હવે દલીલોમાં બે પક્ષ થઈ ગયા. એક પક્ષ માનતો હતો કે લગ્ન પહેલાં સેક્સ ન કરવો જોઈએ. સ્ત્રી પોતે પણ એમાં ગુનેગાર છે લગ્ન પહેલાં સેક્સ કરીને પાપ કરી રહી છે એટલે જ તેને સજા મળે છે, બદનામી વગેરે વગેરે. તો વળી કોઈએ કહ્યું કે તેણે ફરિયાદ કરીને આવા છોકરાઓને જેલ ભેગા કરવા જોઈએ અથવા તેને લગ્ન માટે મજબૂર કરવા જોઈએ. કારણ કે છોકરીની સાથે બીજું કોઈ પાત્ર લગ્ન ન કરે તો... 

વળી બીજો પક્ષ દલીલ કરી રહ્યો હતો કે છોકરીઓને પોતાની ઈચ્છા થઈ એટલે જ તે છોકરાની સાથે એકાંતમાં ગઈ. છોકરીઓને પણ હોર્મોન ઈમોશનલ ભાગ ભજવતાં જ હોય છે. તેમાં ફક્ત છોકરાને દોષી શું કામ ઠેરવવાના? ૧૮ વરસ બાદ વોટિંગ રાઈટ્સ હોય છે. છોકરીને પુખ્ત માનવામાં આવે છે. તો તેણે કોઈની સાથે સંબંધ બાંધવો કે નહીં તેની પુખ્તતા આવી જવી જોઈએ ને? વગેરે વગેરે...ચર્ચા લાંબી ચાલત પણ છેલ્લું સ્ટેશન આવી ગયું ને બધા ચાર્જડ અપ થઈને હસતાં હસતાં છૂટા પડ્યા. 

છૂટા પડ્યા બાદ પણ એ વિચારોએ મારો પીછો ન છોડ્યો. સ્ત્રીએ પોતાના જીવનમાં શું કરવું કે શું ન કરવું તે એણે જાતે નક્કી કરવાનું હોય. સમાજ તેને પતિતા કહીને બદનામ કરે તે ક્યાંનો ન્યાય? આજના જમાનામાં છોકરા અને છોકરીઓ માટેના કાટલાં જુદા ન રાખી શકાય. વળી દરેક માતાપિતા દીકરીને કારર્કિદી ઘડવામાં મદદ કરે છે તો તેને પોતાના જીવનના નિર્ણયો પોતે જ લેતાં પણ શીખવો. એટલું જ નહીં એ નિર્ણયોના પરિણામોની જવાબદારી પણ પોતે જ ઊઠાવવાની હોય છે. પોતાના જીવનમાં જે બને તે માટે બીજાને દોષિત કઈ રીતે માની લેવાના અને પ્રેમ કે લગ્ન બાબત કોઈ પર જબરદસ્તી કઈ રીતે થઈ શકે? જો આટલું છોકરીઓને સમજાવાય તો લગ્ન બાદ પણ તેને દુખી થવાનો વારો નહીં આવે. ભૂલ તો કોઈપણ વ્યક્તિથી થઈ શકે છે. ખોટી વ્યક્તિ પસંદ કરી હોય તો તે ભૂલ પણ સુધારી લેવાની હોય, પોતાને જ ખરાબ માનવાની કોઈ જરૂર નથી હોતી. પ્રેમ અને લાગણીમાં તણાઈ જઈને આંખે પાટા બાંધીને સામી વ્યક્તિ સાથે ચાલવાની જરૂર નથી હોતી. કારણ કે પ્રેમ હોય તો એ સામી વ્યક્તિનો આદર કરે, કાળજી કરે. આપણે ખોટા પ્રેમનો પટ્ટો પહેરીને કૂવામાં પડીએ તો આપણને જ વાગે ને? 

જો કે હવે આજની નારી બદલાઈ રહી છે. કેટલીક નારીઓ આ બધી ગિલ્ટમાંથી બહાર આવીને પુખ્તતાથી વર્તી રહી છે. લગ્ન કરવાથી સામી વ્યક્તિ જો ખરાબ હોય તો સારી નથી થઈ જતી. સેક્સ માટે લગ્ન નહીં કે લગ્ન માટે સેક્સ ન હોવું જોઈએ. લગ્નમાં બે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં એકસાથે જીવન જીવવાનો કોલ આપે છે. લગ્ન બાદ સેક્સ એ જીવનનો એક હિસ્સો છે આખુંય જીવન નથી. સેક્સએ શરીરને થતી એક ઈચ્છા માત્ર છે તેને સહજતાથી સ્વીકારવાનું સમાજે શીખવું જ પડશે. માતાઓએ પોતાના પુત્રને અને પુત્રીને આ બાબતના સંસ્કાર આપવા પડશે તો જ ભવિષ્ય બદલાઈ શકે છે.

You Might Also Like

2 comments

  1. madam , you must read the book :vagina-A new biography by famous American writer Naomi Wolf on womanhood, you may find amazing fact with feminist touch and real science, which creates woman's psychology.

    ReplyDelete