ફોસ્ટરિંગ: હે રે કન્હૈયા કિસકો કહેગા તૂ મૈયા (mumbai samachar)

21:51






આમ જુઓ તો ફોસ્ટર પેરેન્ટિંગ એટલે કે પાલક માતાપિતાનો કોન્સેપ્ટ આપણે ત્યાં નવો નથી, પરંતુ તે વિસરાઈ રહ્યો છે. સૌ પહેલાં પાલક માતાપિતા જશોદા અને નંદ હતા. વસુદેવ અને દેવકી પોતાનું બાળક કંસ મારી ન નાખે એટલે ગોકુળમાં રહેતા નંદને આપી દે છે. આ વાત આપણે બધા જ જાણીએ છીએ એટલે તેમાં આગળ નથી કહેવું. તેને દત્તક લીધો ન કહેવાય કારણ કે કૃષ્ણ સમજણા થતાં જ મથુરા પાછા જતા રહ્યા હતા પોતાનો હક મેળવવા માટે. વળી નંદ અને જશોદા પણ જાણતાં હતાં કે તેઓ પાલક માતાપિતા છે. બાળક પ્રત્યે મોહ, માયા અને મમતા બંધાય જ તે અલગ વાત છે. 

અનેકવાર આપણે ફોસ્ટર પેરેન્ટ્સ વિશે અંગ્રેજી ફિલ્મોમાં સાંભળ્યું છે જોયું છે. પણ આપણે ત્યાં આના વિશે વધુ માહિતી લોકોને નથી. અમેરિકા અને ઈંગ્લેડમાં હંગામી ધોરણે કે કાયમી ધોરણે બીજાના બાળકના પાલક માતાપિતા બની શકાતું હોય છે. દત્તક લેવામાં એ બાળક તમારું જ છે તેવું કહેવાય છે. બાળકની અટક પણ બદલાવી શકાય છે. કાયદેસર એ તમારું બાળક બને છે. પણ ફોસ્ટર પદ્ધતિમાં તે બીજાનું જ બાળક કહેવાય છે. ફોસ્ટર પેરેન્ટ્સે ફક્ત તેની દરરોજની જરૂરિયાતની કાળજી લેવાની. તેનું ધ્યાન રાખવાનું. એ બાળક વિશેના દરેક નિર્ણયો સરકાર કે સોશિયલ સર્વિસ એજન્સીઓ જ લઈ શકે પાલક માતાપિતા ન લઈ શકે. 

કોઈપણ કારણસર અનાથ થયેલું બાળક કે માતાપિતાની તકલીફોને કારણે અસહાયતા અનુભવતું હોય કે ગુનેગાર માતાપિતાને કારણે એકલા પડી ગયેલા બાળકનો યોગ્ય ઉછેર થઈ શકે, તેની શારીરિક, માનસિક જરૂરિયાતનું ધ્યાન રાખવા માટે સંસ્થાતો હોય જ છે પણ તે કરતાં પણ બાળકને જરૂર હોય છે ઘરના હૂંફની, કાળજીની. આમ તો બાળકને દત્તક લેવા માટે અનેક લોકો તૈયાર જ હોય છે પણ દત્તક લેવા માટેની કાર્યવાહી ખૂબ સમય માગી લેતી હોય છે. અનેક કાયદાકીય ગૂંચો ઉકેલ્યા બાદ જ બાળકને દત્તક આપવામાં આવે છે. 

કુદરતી હોનારત સર્જાય તે વખતે જે બાળકો અનાથ બને છે તે સમયે મોટેભાગે કુટુંબની કોઈ વ્યક્તિ કે પછી દાદા, દાદી કે નાના-નાની પાલકવાલી બને છે. તે સમયે કોઈ કોર્ટ કચેરી કે સરકારી કાયદાકીય વિધિઓની જરૂરત નથી રહેતી. પણ ગુજરાતમાં ૨૦૦૧ની સાલમાં ગુજરાતના ધરતીકંપ સમયે અનેક બાળકો અનાથ થઈ ગયાં હતાં. તે સમયે તેમના કોઈ નજીકના સગાં ન બચ્યા હોય તો દૂરના સગાંસબંધીઓને પાલક વાલી બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેને કારણે બાળકે પોતાના વાતાવરણથી દૂર ન જવું પડે અને તેના ઉછેરની કાળજી પણ લેવાય. આવા વખતે બાળકના મનમાં લાગેલો આઘાત ભૂંસવા માટે તેનું જાણીતું વાતાવરણ અને વ્યક્તિઓ હોય તો સહેલું પડે છે. 

ભારતમાં ફોસ્ટર પેરેન્ટ્સ માટે ખાસ જાણકારી નથી. ૨૦૧૫માં મહિલા અને બાળવિકાસ આયોગે ફોસ્ટર પોલિસી વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે કેટલાક પ્રયત્નો શરૂ કર્યા છે. બાળકો માટેની સંસ્થાઓ, અનાથાલય અને ફેમિલી સેન્ટરને આ ફોસ્ટર પેરેન્ટિંગ વિશે તૈયાર કરવામાં આવશે. 

જેજે એક્ટ (જુવેનાઈલ જસ્ટિસ કાયદો) ના સેકશન ૪૦ હેઠળ કહેવામાં આવ્યું છે કે બાળકને કૌટુંબિક કાળજી, સુરક્ષા અને પ્રેમની જરૂર હોય છે. તે માટે તેને દત્તક આપી શકાય, ફોસ્ટર કેર માટે આપી શકાય કે તેન ઉછેર માટે સ્પોન્સરશિપ લઈ શકાય કે પછી બાળકને આફટર કેર કરતી સંસ્થામાં મોકલી શકાય. નવજાત બાળક હોય તો તેને દત્તક આપતાં પહેલાં થોડો સમય માટે ફોસ્ટર કેરમાં આપી શકાય છે. આ રીતે જ મુંબઈમાં રહેતા કચ્છી ગુજરાતી મહિલા સંગીતા ગાલાએ બે મહિનાની છોકરીને ફોસ્ટર પેરેન્ટ્સ તરીકે લીધી છે. ૫૩ વર્ષીય સંગીતાબહેન ત્રણ બાળકોની માતા છે. તેમનાં બે બાળકો પરણી ચૂક્યા છે અને એક દીકરો પણ ભણીગણીને કામે લાગી ગયો છે. સમાજસેવાના અનેક કામ કરતા હોવાને કારણે અને વિદેશમાં થોડો સમય રહી આવ્યા હોવાને લીધે સંગીતાબહેનને ફોસ્ટર પેરેન્ટિંગ વિશે ખબર હતી. તેમને દત્તક બાળક લેવાની ઈચ્છા હતી પણ પારિવારિક જવાબદારીને લીધે તે શક્ય નહોતું બન્યું. એટલે પતિની સંમતિ અને સહયોગથી ફોસ્ટર પેરેન્ટિંગ માટે તેમણે ફેમિલી સર્વિસ સેન્ટરમાં ફોર્મ ભર્યું. અને એક દિવસ તેમની પાસે બે મહિનાની નાનકડી દીકરી આવી. તેને પણ બે મહિના થઈ ગયા. ટૂંક સમયમાં તેને દત્તક લેવા માગતા દંપતીની કાર્યવાહી પૂરી થતાં તે જતી રહેશે. સંગીતાબહેન કહે છે કે બાળકને ઉછેરવાનો અનુભવ તો હતો જ તે અહીં કામ લાગી રહ્યો છે. ફોસ્ટર પદ્ધતિમાં બાળક દત્તક લેવાય ત્યાં સુધી જ તેની કાળજી લેવાની હોય છે. કોઈ અપેક્ષા વિના આ રીતે બાળકની કાળજી લેવાથી આપણને તો સારું લાગે જ છે પણ સમાજને ય ઉપયોગી થવાનો આનંદ મળે છે. આવાં અનેક બાળકો હોય છે જેમને કાળજીની જરૂર હોય છે. હા, આ બાળકને તમે બહારગામ ન લઈ જઈ શકો કે તેને માટે તમે કોઈ નિર્ણય પણ ન લઈ શકો. કે તેની સાથે ફોટા પણ ન પડાવી શકો. કે એ ફોટા કોઈની સાથે શેઅર પણ ન કરી શકો. કારણ કે એ બાળકને કોઈ દત્તક લેવાનું હોય છે. 

ફોસ્ટર પેરેન્ટ્સનો વ્યાપ વિદેશમાં મોટો છે. પાલક માતાપિતા તરીકે અનેક બાળકોને પરિવાર મળે છે. જો કે તેને કારણે ચાઈલ્ડ અબ્યુઝના કિસ્સાઓ પણ વધુ બન્યા હોય તેવું ય બન્યું છે. એટલે જ દત્તક આપવામાં જેમ અનેક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તે છતાં અનાથ, અસહાય બાળકનો યોગ્ય ઉછેર થતો હોય તો ફોસ્ટર પદ્ધતિને ફક્ત દત્તક લેવા સુધી જ ન રાખતા વધુ લંબાવવામાં આવે તે વિશે પણ વિચાર થઈ રહ્યા છે.

જો કે ફોસ્ટર માતાપિતાની લાયકાત અને તેમના વિશેની માહિતી અને બેકગ્રાઉન્ડ તો ચેક કરવું જ પડે. તે છતાં સરકાર પણ ઈચ્છી રહી છે કે બાળક સંસ્થાઓમાં ઉછરે તે કરતાં કુટુંબમાં ઉછરે તે વધુ હિતાવહ છે. જો કે તે માટે દરેક રાજ્યના પોતાના કાયદા છે. દત્તક લેવા ન માગતા અને સમાજને ઉપયોગી થવા માગતા દંપતી કે પરિવાર ફોસ્ટર પેરેન્ટિંગ વિશે વિચાર કરી શકે છે. અને જો કોઈ તકલીફ પેદા થઈ કે પાલક માતાપિતા બાળકને રાખી શકે તેમ ન હોય તો તેને પાછું સંસ્થાને આપી શકે છે. આમ, વધુ કોઈ જવાબદારી વગર બાળકની કાળજી અને સુરક્ષામાં સહભાગી થવાની તક મળી શકે એમ હોય છે.

You Might Also Like

0 comments