સ્ત્રી હોવાનો બુરખો ક્યાં સુધી પહેરવાનો? (mumbai samachar)

05:38

     
               

  બંધિયાર માનસિકતા ધરાવતો સમાજ આજે પણ મહિલાઓને સ્વતંત્ર વ્યક્તિ તરીકે વિચારવાનો કે જીવવાનો અધિકાર આપી શકતો નથી. હાલમાં જ જે ફિલ્મને ગ્લાસગ્લો ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૭નો ઓડિયન્સ એવોર્ડ મળ્યો છે તે ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ને સેન્સર બોર્ડે ભારતમાં દર્શાવવાનું સર્ટિફિકેટ ન આપ્યું. કારણ, તો કહે કે તે નારીપ્રધાન ફિલ્મ છે અને તેમાં સ્ત્રીઓની સેક્સુઆલિટી દર્શાવવામાં આવી છે. ફિલ્મની દિગ્દર્શિકા અને લેખિકા અલંક્રિતા શ્રીવાસ્તવને પણ નવાઈ લાગી રહી છે કે જે સેન્સર બોર્ડ બીએ પાસ, માર્ગરિટા વીથ સ્ટ્રો અને પાર્ચ્ડ જેવી ફિલ્મોને સર્ટિફિકેટ આપી શકે છે તે નારીપ્રધાન ફિલ્મ હોવા માત્રથી તેને સર્ટિફિકેટ ન આપે ! આમ જોઈએ તો કેટલીય બી અને સી ગ્રેડની ફિલ્મો જેમાં ભરપુર હિંસા અને સેક્સ દર્શાવવામાં આવતાં હોવાં છતાં તેને રજુ કરવાની પરવાનગી મળી શકે છે અને તે રજૂ પણ થઈ શકે છે.

અહીં ઈસ્મત ચુગતાઈ યાદ આવ્યાં. ૧૯૪૨ની સાલમાં તેમણે લિહાફ નામે વાર્તા લખી હતી. જેમાં સ્ત્રીની સેક્સુઆલિટી અને સજાતીય સંબંધોની વાત હતી. પરદા પાછળ સ્ત્રીની ઈચ્છાઓને છુપાઈને રહેવું પડે એવો આપણો સમાજ છે. આ વાર્તા લખવા માટે ઈસ્મત ચુગતાઈ પર અશ્ર્લીલતા સંદર્ભ સાથે લાહોરમાં કેસ થયો હતો. જે મેગેઝિનમાં છપાયો હતો તેના પર અને લેખિકા પર ધમકીભર્યા પત્રો આવ્યા હતા. આ બાબતે માફી માગવાને બદલે ચુગતાઈ હિંમતથી કેસ લડ્યાં હતાં અને જીત્યાં પણ હતાં. આજે એકવીસમી સદીમાં અંલક્રિતા શ્રીવાસ્તવની ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ ફિલ્મ ભારતમાં રજુ નહીં થઈ શકે. તેનું એકમાત્ર કારણ છે કે તેમાં ખાસ કોમ્યુનિટીની સ્ત્રીને પણ પોતાના મનની વાત કહેતા દર્શાવાઈ છે. ફિલ્મમાં ચાર સ્ત્રીઓ છે ૧૮ વરસની ટીનએજરથી લઈને ૫૫ વરસની પ્રૌઢાની વાત છે. આ ચારેય સ્ત્રીઓ મુસ્લિમ નથી, ભલે ફિલ્મના ટાઈટલમાં બુરખાનો શબ્દ પ્રયોગ થયો હોય. આ ફિલ્મ સ્ત્રી દિગ્દર્શકે સ્ત્રીનાં મનોજગતના એક પહેલુની વાત કહેવા માટે બનાવી છે. જે આજ પહેલાં આપણે ત્યાં ફિલ્મોમાં આ રીતે વ્યક્ત નથી થઈ. સ્ત્રી એક સામાન્ય માનવ છે તે આપણા સમાજમાં માનવામાં જ આવતું નથી. સમાજને મતે સ્ત્રી એટલે મહાન હોઈ શકે, ત્યાગ, સમર્પણ અને સહનશીલતાની મૂર્તિ બનીને રહી શકે. મૂર્તિ એટલા માટે કે જે ન બોલી શકે કે ન તો પોતાની રીતે વર્તી શકે. તેની પૂજા કરવામાં આવે કારણ કે તેને જેમ રાખવામાં આવે તેમ જ એ રહે ચુપચાપ. જો એ બોલે કે પોતાના મનની કરે તો તેને તોડી-ફોડીને ફેંકી દેવામાં આવે.

સ્ત્રીની સેક્સુઆલિટી વિશે ક્યારેય આપણે ત્યાં વાત ન થઈ શકે! સ્ત્રીના સંદર્ભથી કોઈ વાત લખે કે કહે તો તે નારીવાદી બની જાય. નારીવાદી શબ્દ અહીં એક ગાળની જેમ ઉપયોગ કરાય છે. નારીના સંદર્ભની વાત કરનાર ખોટી વ્યક્તિ છે જે નારીને બોલતી કરીને મૂર્તિનું અપમાન કરે છે, કારણ કે નારી બોલવા લાગશે તો પોતાના અનેક દંભ ખુલ્લા પડી જઈ શકે છે. નારીનાં સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર શક્ય નથી. તેણે તો પુરુષોની સેવા કરવાની, મનોરંજન કરવાનું પણ પોતાની ઈચ્છા વ્યક્ત નહીં કરવાની. જો એમ કરે તો તે ખરાબ છે. બેહુદા અને અભદ્ર આઈટમ સોન્ગ્સ સામે કોઈને ફરિયાદ ન હોઈ શકે. એ આઈટમ સોન્ગ્સમાં પુરુષો જે રીતે લાળ ટપકાવતાં સ્ત્રીની આસપાસ નાચતા હોય અને તે આઈટમ સોન્ગ જોવાની પુરુષો મોજ માણતા હોય અને એ આઈટમ સોન્ગ્સને આ જ સેન્સર બોર્ડ પાસ કરે છે. એ જ સેન્સર બોર્ડ સ્ત્રીના મનની વાત કહેતી ફિલ્મને પાસ ન કરી શકે, કારણ કે આ જ તો સમાજ છે જે સેન્સર બોર્ડ બનીને બેસે છે પછી તે પદ પર પુરુષ હોય કે સ્ત્રી. સમાજ બદલાવ નથી ઈચ્છતો. તેને ડર લાગે છે જ્યારે સ્ત્રી આગળ વધે છે, બોલે છે એક વ્યક્તિ તરીકે.

આ ફિલ્મને કેટલા એવોર્ડ વિદેશમાં મળ્યા તે કહેવાનો મારા માટે અર્થ નથી, પરંતુ એ ફિલ્મનું ટ્રેલર જોયું તો લાગ્યું કે અરે આ ફિલ્મમાં નવું કશું જ નથી. એ જ વાત છે જે મને આસપાસ દેખાય છે. જે સમાજમાં બને છે, પણ પરદાની પાછળ, બારણાની પાછળ તેને બુરખાનું નામ આપો કે ન આપો કશો જ ફરક નથી પડતો. મુસ્લિમ દેશોમાં સ્ત્રીઓ બુરખાની નીચે મીની સ્કર્ટ પહેરે કે લિપસ્ટીક લગાવે છે તે કોણ જોઈ શકે છે? બુરખા કે બંધ બારણું કે પછી બંધ હોઠની પાછળ જે થાય તેને બહાર લાવવાનો સ્ત્રીઓને અધિકાર નથી?

પરદાની પાછળ કોઈ જાણે નહીં તેમ પોતાના મનની વાત છુપાવીને જીવતી સ્ત્રીની વાત ફિલ્મના પરદા પર દર્શાવાય તો આપણો સમાજ જે સેન્સર બોર્ડ બનીને બેઠો છે તે સહન કરી શકે તેમ નથી. તેણે ક્યારેક તો બદલાવું જ પડશે ને! સ્ત્રીઓને ચૂપ રહેવાની એટલી આદત છે કે આઈટમ સોન્ગ કરતી સ્ત્રીઓ પણ આ બાબતે ધરણા કરી શકતી નથી. વળી અહીં સાબિત થાય છે કે સ્ત્રી એક કઠપૂતળી છે પિતૃસત્તાક સમાજમાં. હા, કેટલાક હીરોએ પોતાનો વિરોધ જરૂર જાહેર કર્યો છે તે દર્શાવે છે કે કેટલાક પુરુષો બદલાઈ પણ રહ્યા છે, પરંતુ સ્ત્રીઓનાં મનનાં બંધ કમાડ ખોલવા મુશ્કેલ બની રહ્યા છે. આ મહિલા દિને આપણે એટલો અધિકાર જરૂર મેળવી શકીએ કે સમાજ સ્ત્રીને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જીવવા દે તેને મહાનતાનો બુરખો પહેરાવીને મૂર્તિ બનાવીને ન મૂકી દે. અમારે પૂજાવું નથી પણ મુક્ત રીતે જીવવું છે.

You Might Also Like

0 comments