ધ હૅટ સ્ટોરી
03:27અમેરિકામાં હજી ગયા અઠવાડિયે બીજી હત્યા થઈ. દીપ રાયને એક અમેરિકને વી હેટ યુ , ગો બેક ટુ યોર ક્ધટ્રી કહીને ગોળી મારી દીધી. ત્યારબાદ ન્યૂઝિલેન્ડમાં એક ભારતીયને ધિક્કારભર્યા શબ્દો સાંભળવા પડ્યા. આપણને નવાઈ લાગે કે વરસોથી ભારતીયો અમેરિકામાં રહેતા આવ્યા છે તો પછી આ ધિક્કાર અચાનક કેવી રીતે હિંસક બની ગયો. આ વાત અહીં કરી રહી છું કારણ કે અહીં પુરુષો જ એકબીજાને ધિક્કારી રહ્યા છે દ્વેષભાવથી એક બીજાની હત્યા કરી રહ્યા છે. આ દ્વેષ કે ધિક્કાર -હેટ સ્ટોરી આજની નથી કે અચાનક નથી થતી. તેના મૂળ તો હોય જ પણ યોગ્ય સમયે જ તેના અંકુર બહાર આવે તેમ આપણી આંતરચેતનામાં રહેલો કોઈપણ માટેનો દ્વેષભાવ એક દિવસ બહાર આવે જ છે. આમ શ્ર્વેતપ્રજાને અશ્ર્વેત લોકો માટે એક જાતની ઘૃણા અને દ્વેષ સદીઓથી છે જ પણ તેના પર સમજની અને બદલાવનું આવરણ ચઢી જતા તે દેખાતો નહોતો.
મિશિગન યુનિવર્સિટીમાં સેક્સુઅલ હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામ ભણાવતા જો કોર્ટની પાસે અનેક સ્ત્રીઓ આવે છે જાણવા માટે કે તેમના પતિ ગે તો નથીને. એણે પોતાના અનુભવો પરથી એક પુસ્તક પણ લખ્યું છે ઈઝ માય હસબન્ડ ગે, સ્ટ્રેઈટ ઓર બાયસેક્સુઅલ. અર્થાત મારા પતિ સજાતિય છે કે વિજાતીય છે કે પછી બન્ને જાતિની સાથે સેક્સમાં રસ ધરાવે છે? જો કોર્ટ સાયકોલોજીના એક પેપરમાં લખે છે કે માણસોમાં અનેક જાતના રોષ-દ્વેષ આંતરચેતનામાં છુપાયેલા હોય છે. આ રોષ મોટેભાગે એક જાતની ધિક્કારની લાગણીઓમાંથી જન્મતો હોય છે. આપણે બીજાથી જુદાં છીએ તે માનવું આપણને ગમતું હોવાથી જ આપણે બીજાનો તિરસ્કાર કરતાં હોઈએ છે જે ક્યારે ધિક્કારમાં બદલાઈ જાય છે તેની આપણને પણ ખબર પડતી નથી. હાર્વડ યુનિવર્સિટીના સાઈકીઆટ્રીસ્ટ પ્રોફેસર ચેસ્ટર એમ. પીઅર્સે આ માટે એક ખાસ શબ્દ શોધ્યો છે માઈક્રોઅગ્રેસન. તેમણે જોયું હતું કે ગોરા અમેરિકનનો આફ્રિકન અમેરિકનો સાથે સતત અપમાનિત અને ઉપેક્ષા ભર્યું વર્તન કરતા હતા. તે વર્તનો જોઈને આ શબ્દ તેમને સૂઝ્યો. તેમાં ય મોટાભાગના લોકો પોતે અપ્રિય વર્તન કરે છે તેવું માનતા જ નથી હોતા પણ હકીકતમાં તેઓ અપમાનિત વર્તન કરતા જ હોય છે. શબ્દો દ્વારા તેમને સતત ઉતારી પાડવા કે ઉપેક્ષિત કરવા. જેમ કે
તું કોણ છે ?
તું અશ્ર્વેત જેવું વર્તન કરતો નથી
હું કલરબ્લાઈન્ડ છું.
તું કેમ ગોરા જેવું બોલે છે ?
આ શું ખરેખર તારા જ વાળ છે ?
તારા કુટુંબમાંથી તું પહેલી વ્યક્તિ છે જે કોલેજમાં જાય છે ?
જરા વિચારીએ તો આવું જ કંઈક વર્તન શું આપણે ય નથી કરતા? ચોક્કસ જાતિ કે ધર્મ વિશે ક્યારેક આપણા શબ્દો કે વાક્યો ભારોભાર ધિક્કાર કે ઉપેક્ષાથી ભરપૂર હોય છે. તેમાં પણ આપણા કરતાં કોઈ જુદું વિચારતું હોય અને જેને સ્વીકારવું અશક્ય લાગતું હોય તે બાબત માટે આપણે ખૂબ જક્કીપણાથી વર્તતા હોઈએ છીએ કારણ કે આપણા મનમાં તેમના માટેનો પૂર્વગ્રહ દ્દઢ થઈ ગયો હોય છે. પૂર્વગ્રહ કે જક્કીપણાનું હોવું આપણને દેખાતું નથી કે જોવા માગતા નથી. તેને વળગી ન રહીએ તો આપણો પોતાનો અહંકાર તૂટી પડે છે. અને આપણી પોતાની કોઈ ઓળખ જ બદલાઈ ગયેલી લાગે છે. મૃત્યુ કરતાં પણ ઓળખ ભૂસાઈ જવાનો ભય માનવીઓને ખૂબ હોય છે. એટલે તે કોઈકને કોઈક જૂથ સાથે વળગી રહેવાનો પ્રયત્ન કરશે. જૂથને જુદું વ્યક્તિત્વ હોતું નથી. ટોળાને ચહેરો હોતો નથી. તેમને એક જ લાગણી હોય છે જે એમને દોરે છે. જક્કીપણું ક્યારે ઝનૂની બની જાય છે તેની ખબર ટોળામાં કે જૂથમાં ભળી ગયેલી વ્યક્તિને પડતી નથી. જૂથની વિચારધારા એક જ હોય છે એટલે જ તો તે જૂથબંધી કે વાડાબંધી કરી શકે છે. પછી તે ધર્મનો હોય કે જાતિનો હોય કે પછી પાર્ટીનો હોય.
જુદું વિચારતી બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થતો હોય છે તેમાં દ્વેષભાવ ઉમેરાતો હોય છે, પણ એક સરખું વિચારતી વ્યક્તિઓ વચ્ચે અહમ સિવાય કોઈ ઝઘડો હોતો નથી. તમે જે જૂથની વ્યક્તિ છો તે સિવાયની વ્યક્તિઓ માટે તમને એક પ્રકારની ઉપેક્ષાની લાગણી હોય જ છે. ટ્રમ્પને આવ્યાને હજી માંડ મહિનો થયો છે. આ પહેલાં ક્યારેય કેમ ભારતીયોને ગો બેક ટુ યોર ક્ધટ્રી કહીને મારવામાં નહોતા આવતા. તે છતાં છુપો રોષ તો તેમના મનમાં હતો જ. આપણે જેમ તેમને ચોક્કસ નામથી બોલાવીએ છીએ તેમ જ એ લોકો પણ આપણને બ્લેકી કે એવા જ કોઈક નામથી બોલાવતા હશે. આ માઈક્રોએગ્રેસન આપણે ત્યાં અને આખી દુનિયામાં લોકોના માનસમાં પ્રવર્તી રહ્યું છે.
હિન્દુ-મુસ્લિમના હુલ્લડો કેમ વારંવાર થતા હતા આપણે ત્યાં? હજી પણ જરા જેટલી ગફલત થાય તો બન્ને કોમ સામસામે આવી જાય. સતત સાથે રહેવા છતા એક જાતનો રોષ સતત અંદર ભભૂક્યા કરતો હોય છે. અને હવે તો ધર્મની પણ આગળ જતાં જાતિ, જ્ઞાતિના વાડાઓ વિસ્તરતા જાય છે. સજાતીય લોકોની ચળવળ ચાલે છે કારણ કે મોટાભાગના લોકોના મનમાં હજી તેમનો સ્વીકાર નથી કે તેમને તેમની રીતે જીવવાનો અધિકાર પણ તેઓ આપવા માગતા નથી. એક જાતનો ધિક્કાર તેમના મનમાં સતત ચાલતો રહે છે. શ્ર્વેત અને અશ્ર્વેતોે વચ્ચે જે અપમાનિત વાક્યોની આપલે થતી હોય છે તેવું જ સજાતીય લોકો સાથે આપણે કરતાં હોઈએ છીએ. જેમ કે
હું હોમોફોબિક નથી પણ તું બહુ સેન્સિટીવ છે.
તે ક્યારેય ખરેખર સેક્સ કર્યો છે ખરો?
ક્યાં પુરુષ સાથે રિલેશનશીપ છે?
મને જોણું જાવું ગમે છે ત્યાં સુધી વાંધો નથી પણ ...સાલું માનવું ન ગમે. વગેરે વગેરે
સ્ત્રીઓ માટે તો કેટલાંય વાક્યો સહજતાથી નીકળી જતાં હોય છે જેમાં તમને ભારોભાર ઉપેક્ષા અને અપમાન દેખાય જો તટસ્થતાથી જુઓ તો. જેમ કે
હું ક્યારેય સ્ત્રીઓ માટે કામ ન કરું. .
સ્ત્રીઓ જે રીતના કપડાં પહેરે છે તે ખુલ્લું આમંત્રણ જ હોય છે.
સ્ત્રીના શરીરમાં એ પુરુષ છે.
સ્ત્રીઓ આવું પણ કરી શકે છે તે જોઈને ઈમ્પ્રેસ થયો!
જા રસોડામાં કશુંક બળતું હશે.
તમને બૈરાઓને તો કશી ગતાગમ પડે જ નહીં. વગેરે વગેરે
ફક્ત સ્ત્રીઓ માટે જ આ રીતે ધિક્કારથી વિચારાય છે એવું નથી. પુરુષો માટે પણ ઉપાલંભ વાપરવામાં આવે જ છે.
પુરુષોને કદી સમજાવાનું જ નથી.
પુરુષો પ્રેમ કરી જ શકતા નથી.
પુરુષોને ક્યારેય ના સાંભળવાની આદત જ હોતી નથી.
પુરુષોને સેક્સ સિવાય કશું સૂઝે જ નહીં.
શું વાત છે તને સ્પોર્ટસમાં રસ નથી લે ?
પુરુષ બન પુરુષ
બાયલાવેડા ન કર.
પુરુષો સ્ત્રીઓ પાછળ ગાંડા હોય છે. વિમેનાઈઝર
પુરુષોનો વિશ્ર્વાસ કરી ન શકાય.
આ બધા પણ માઈક્રોઅગ્રેસનના જ પ્રકાર છે. આ અગ્રેસન ક્યારે બહાર આવીને હિંસક બની જાય તે કહી શકાય નહીં. સતત દબાવીને રાખેલા આવો રોષ જરાક છંછેડાય કે હિંસક બનીને ઉછળે. માન્યતાઓથી વિરુદ્ધનું વર્તન વ્યક્તિ સહન કરી શકતો નથી. આપણે જાણીએ છીએ કે પિતૃસત્તાક સમાજમાં પુરુષોને અનેક વિશેષાધિકાર હોય છે. પુરુષોને તેનો ખ્યાલ પણ નથી આવતો. તે છતાં એ જ પુરુષને જ્યારે કહેવામાં આવે કે પુરુષ બન તો તે એને અપમાનજનક લાગે જ છે. જે પુરુષ પિતૃસત્તાક માન્યતાઓથી પરે હોય તેણે સ્ત્રીઓ અને પુરુષ બન્ને સંભળાવે છે કે તું પરુષ નથી. અને આવું જ્યારે કહેવાતું હોય છે તો તે સામી વ્યક્તિને રોષ સાથે, ધિક્કાર સાથે જ કહેવામાં આવતું હોય છે. આપણે ત્યાં કહેવત છે કે જીભને હાડકું નથી હોતું તે આ જ સંદર્ભે. અપમાનજનક શબ્દો સામી વ્યક્તિને મારી નાખી શકે છે. મોટાભાગના ઝઘડાઓ અને હિંસક મારામારીની શરૂઆત શબ્દોથી જ થતી હોય છે. અપમાનિત શબ્દોને કારણે તો જ મહાભારત રચાયું.
ધિક્કાર, ઘૃણા, રોષને સ્વીકારવો પડે. જોવો પડે. પેરિસનો હુમલો હોય કે અમેરિકાના ટ્વિન ટાવર પર ને અન્ય જગ્યાઓએ થયેલા આતંકી હુમલાઓ પણ રાગદ્વેષ અને ધિક્કારનું જ પરિણામ અને એ હુમલાઓ બાદ અમેરિકાનો વળતો હુમલો અફઘાનિસ્તાન પર તે પણ ધિક્કારને કારણે જ. ધિક્કારથી ધિક્કાર જ જન્મી શકે. મંદી બાદ અનેક અમેરિકનોને કામ ન મળતા તેને જ્યારે દેખાય કે વિદેશથી આવેલી વ્યક્તિઓની પાસે નોકરી છે અને મારી પાસે નથી તો તેનું ફ્રસ્ટ્રેશન સારઅસારનું ભાન ભૂલી જશે. તેમાં તેના ધિક્કારને હવા આપતું કોઈ બોલ્યું એટલે બસ અત્યાર સુધી દબાવી રાખેલો રોષ જ્વાળામુખી બનીને ફાટે. પતિપત્ની વચ્ચે કે બે કુટુંબો વચ્ચે કે પછી બે જાતિ કે ધર્મની વચ્ચે જ્યારે પણ ઘર્ષણ થાય છે તેમાં સતત દ્વેષ ભળતો રહે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સુલેહની કેટલીય મંત્રણાઓ ભાંગી પડે છે, કારણ કે કેટલીક વ્યક્તિઓ પોતાના દ્વેષભાવને પાળીપોષી એટલો મોટો કરે છે કે તે એમના ક્ધટ્રોલની બહાર જ રહે છે. માનવીની માનસિકતામાંથી દ્વેષ, તિરસ્કાર કે ધિક્કારને ઓછો કરી શકાય પણ તેને નાબૂદ કરવો હજી તો અશક્ય લાગે છે.
0 comments