ફેસબુક ડાયરી- શબ્દો જોઈને ગુજરાતી શીખ્યા - પાંડુરંગ યેન્દે
23:16
ફેસબુક ડાયરી વરસો પહેલાં શરૂ કરી હતી જેમાં નાના માણસોની મોટી વાત કહેવી હતી. આસપાસ અનેક એવી વ્યક્તિઓ હોય છે કે પછી એ વ્યક્તિઓ જીવનપ્રવાસમાં અનાયાસે મળી જતી હોય છે જેમનો ક્યારેય કોઈ ઈન્ટરવ્યુ નહીં લે કે તેમના વિશે ક્યારેય કોઈ નહીં લખે. છેલ્લા કેટલાક સમયથી હું આ ફેસબુક ડાયરી અપડેટ કરવામાં અનિયમિત બની ગઈ હતી. તે છતાં એવું નહોતું કે આવી વ્યક્તિઓ ક્યારેય મને મળતી નહોતી. માર્ચનો મહિનો એટલે આખાય વરસના હિસાબો સરભર કરવાના. આ માર્ચ મહિનામાં હું જ્યાં કામ કરું છું તે મુંબઈ સમાચારમાં વરસોથી પ્યુન તરીકે કામ કરતા પાંડુરંગ પણ છે. પાંડુભાઈને આમ તો ઘણાં વરસોથી જોતી હતી. મુંબઈ સમાચારમાં ફ્રીલાન્સ કરતી હતી ત્યારે તંત્રી મિત્ર પિન્કી દલાલને મળવા અવારનવાર ઓફિસે જાઉં તો દૂબળાપાતળા, લાંબા અને સૌમ્ય ચહેરાવાળા પાંડુભાઈ મારા માટે પાણી કે ચા લાવે. એમના વ્યક્તિત્વની સૌમ્યતા ત્યારે પણ સ્પર્શી જતી. બે વરસ પહેલાં હાલના તંત્રી નીલેશ દવેને મળવા ગઈ અને મુંબઈ સમાચારમાં ફુલટાઈમ જોડાઈ ત્યારે પાંડુભાઈના જાણીતા સ્મિતે સ્વાગત કર્યાનું યાદ છે. પછી તો રોજ ઓફિસમાં કામ માટે પાંડુભાઈ સાથે વાતચીત થાય. પાંડુભાઈ મુંબઈ સમાચારમાં છેલ્લાં 44 વરસથી પ્યુનનું કામ કરે છે.
પાંડુભાઈ ઓછું બોલે પણ બોલે ત્યારે ધીમા અવાજે સ્પષ્ટ ગુજરાતીમાં વાત કરે. એક દિવસ મેં તેમને મારો આર્ટિકલ પ્રૂફ રીડર પાસે મોકલવા માટે આપ્યો. પાંચેક મિનિટ બાદ હું ઓફિસમાંથી બહાર નીકળતી હતી કે દરવાજા પાસેની ખુરશી પર બેસીને પાંડુભાઈ વાંચતા હતા. સહજ તેમના હાથમાં રહેલા કાગળો પર નજર પડી તો મારો જ આર્ટિકલ હતો. મેં કહ્યું, "પાંડુભાઈ તમે આર્ટિકલ વાંચો છો?" તો એ જ જાણીતા આછા સ્મિત સાથે હળવેથી બોલ્યા, "હા, મને વાંચવું ગમે છે અને ક્યારેક રસ પડે તો આર્ટિકલ પણ વાંચુ." વળી સવાલ થયો તમે "મહારાષ્ટ્રિયન છોને? ગુજરાતી આવડે છે?" તો પાંડુભાઈ કહે, "હા મારી માતૃભાષા મરાઠી છે પણ ગુજરાતી અખબારમાં કામ કરું છું તે ભાષા આવડી ગઈ." પછી તો આજુબાજુ બેઠેલા જે જૂના કર્મચારીઓ હતા તેમણે કહ્યું કે પાંડુભાઈની સમજ અને ભાષા પરનું પ્રભુત્વ ઘણું સારું છે. તેમને સમાચારનીય ઘણી સમજ છે. આ પાંડુભાઈ 31 માર્ચે 64 વરસની ઉંમરે નિવૃત્ત થવાના છે એવી ખબર મળતા લાગ્યું કે પાંડુભાઈ વિશે હજી ઘણું જાણવાનું બાકી છે. તેમને પૂછીએ તો તેઓ ઝાઝું કશું બોલે નહીં. પણ એક દિવસ વહેલા ઓફિસ પહોંચીને તેમની સાથે વાતનો દોર સાધ્યો એટલે પાંડુભાઈ ધીમે ધીમે ઊઘડ્યા.
1972માં મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો હતો. પૂને પાસેના એક નાનકડા ગામમાંથી પાંડુભાઈએ કમાણી માટે મુંબઈ આવવું પડ્યું. તે સમયે એમણે અગિયારમા ધોરણની પરીક્ષા આપી હતી. મુંબઈ સમાચારમાં તેમના મોટાભાઈ મશીન પર કામ કરતા હતા તે એમણે શેઠને કહીને પાંડુને પ્યુનની નોકરી અપાવી. મુંબઈમાં રહેવા માટે ઘર નહીં. મામાના ઘરે રહેવાનું. પગાર પડ્યો 175 તે પણ પાંડુભાઈને અધધધ લાગ્યો હતો. જોકે દેશમાં જમીન ગિરવે મૂકવામાં આવી હતી એટલે કર્જ ચૂકવવાનું હતું. તેમાંથી 40 રૂપિયા મામાના ઘરે ખાવાપીવાના આપવાના. બાકી રૂપિયા દરરોજ આવવા જવામાં, પરચુરણ ખર્ચમાં અને ગામમાં ગિરવે મૂકેલી જમીનન છોડાવવામાં વપરાતા. એ વાત કરતા ઉત્સાહપૂર્વક પાંડુભાઈ કહે છે કે "તે જમાનામાં 2200 રૂપિયામાં જમીન ગિરવે મૂકી હતી ઘરવાળાઓએ. એક જ વરસના ગાળામાં એ જમીન અમે છોડાવી લીધી."
મુંબઈ આવ્યા ત્યારે ગુજરાતી નામે કોઈ ભાષા છે તે પણ એમને ખબર નહોતી. ગુજરાતી અખબારમાં પ્યુન તરીકે જોડાયા બાદ કાને અને નજરે પડતી ભાષા ધીમે ધીમે ઉકેલાતી ગઈ. "બસ જોઈ જોઈને ગુજરાતી ભાષા શીખી ગયો. વાચનનો શોખ હતો એટલે વાંચતાં અને લખતાં પણ શીખી ગયો. એક કાંતિભાઈ સવાણી હતા તેઓ જ્યારે રજા પર હોય ત્યારે ફોનમાં ઘણીવાર રિપોર્ટ લખાવતા તે હું લખી લેતો. બાકી ક્યારેય હું ગુજરાતી શીખવા બેઠો નથી. " કહેતાં પાંડુભાઈ વળી ચૂપ થઈ જાય છે. તેમને સમાચારો અને આર્ટિકલ વાંચવા ગમે વાર્તાઓમાં રસ નહીવત જ. મુંબઈ સમાચારમાં તેમને 80ના દાયકામાં નવજીવન મળ્યું હોવાની વાત કરતાં થોડા ભાવુક થઈ જાય છે. પહેલી વાર તમારી સામે ખૂલીને વાત કરું છું એમ કહેતા તેમણે વાત શરૂ કરી. "તે સમયે તંત્રી જેહાન દારૂવાલા હતા. મને દારૂની આદત પડી હતી પણ કામમાં ક્યારેય મેં દિલચોરી નહોતી કરી. પૂરી ઈમાનદારીથી કામ કરવાનો મારો સ્વભાવ જ કદાચ મને ફળ્યો છે. તે સમયે મને ટીબીનો રોગ લાગુ પડ્યો. કોઈ જ દવાની અસર થતી નહોતી. એટલું સારું હતું કે એ મારો ટીબી ચેપી નહોતો. સ્વ. દારૂવાલાસાહેબે મને ભાવનગર પાસે આવેલી જીંથરીની ટીબી હોસ્પિટલમાં જવા કહ્યું. મને તો તેના વિશે કશી ખબર નહીં અને પાસે કશી મૂડીય નહીં. દારૂવાલાસાહેબે કોઈ ત્યાંના એમના ઓળખીતા રાજકારણી સાથે વાત કરી મારી વ્યવસ્થા કરી. આવવા જવાની ટિકિટ માટે પણ દારૂવાલાસાહેબે પૈસા આપ્યા. એક પૈસો મને ખર્ચવા ન દીધો. પોણાબે મહિના એ હોસ્પિટલમાં રહી હું ટીબી મુક્ત બન્યો. પાછો આવ્યો તો નૌશીરશેઠે મને બોલાવી મારા રિપોર્ટ જોયા. મને કહે બધું સારું છે પણ તું હજી છ મહિના ઘરે આરામ કરી લે જેથી તારામાં કામ કરવાની પૂરતી તાકાત આવી જાય અને તેમણે ચાલુ પગારે મને છ મહિના આરામ કરવાની રજા આપી. બસ એ મારા માટે પુનર્જન્મ હતો એમ જ કહી શકાય. આખી જિંદગી પૂરી નિષ્ઠાથી મેં મુંબઈ સમાચારમાં કામ કર્યું. ભગવાનની દયાથી આજે મારા બે દીકરા સારું કમાય છે. સાથે જ રહે છે. મને જાળવે છે. તેમને હું કામ કરવા આવું તે ગમતું નથી. મારો બે બેડરૂમનો ફ્લેટ છે અને ગામમાં ખેતી-ઘર પણ છે. હવે બસ આરામ કરીશ અને વાચન કરીશ. " તેમની વાત પૂરી થાય છે.
"44 વરસ કામ કર્યા બાદ તમને આરામ કરવો ફાવશે? "તો હસતાં હસતાં પાંડુભાઈ તેમની લાક્ષણિક શૈલીમાં કહે કે "કરી તો જોઈએ તો જ ખબર પડશેને...." પછી જરા અટકીને પૂછે છે કે "તમે આ બધું લખશો?" મેં કહ્યું, "હા, સામાન્ય માણસો કે જેમના વિશે કોઈ કદીય નહીં લખે તેમની કોઈ ખાસ વાત હોય જે મને સ્પર્શે તો એમના મુલાકાતની ડાયરી બ્લોગ અને ફેસબુક પર લખું છું." તેમને મારા અગાઉની મુલાકાતો વિશે વાત કરી તો પાંડુભાઈ કહે, " સારું છે. તમે પુસ્તક કરો તો મારા જેવાને આવા સામાન્ય માણસોની અસામાન્ય વાતો વાંચવી ગમે. મોટા માણસો જ મહાન હોય તેવું ન જ હોયને બહેન." મુલાકાત બદલ તેમનો આભાર માની, તેમની સાથે સેલ્ફી લેવાની લાલચ રોકી ન શકી. પાંડુભાઈનું વ્યક્તિત્વ એવું છે કે તેઓ હાજર હોય તો ઉપયોગી બને પણ તેમની હાજરી સહેજેય કળાય નહીં. સહજ અને વાસ્તવિકતા એ છે કે થોડા સમય પછી ભારવિહિન વ્યક્તિત્વ ઓફિસમાં નહીં હોય તો કદાચ ખબરેય ન પડે એવું બને, પણ પાંડુભાઈ જેવી વ્યક્તિ સદાય સ્મૃતિમાં યાદરૂપે સાથે રહે છે.
1 comments
કહેવાતો નાનો માણસ વાતોમાં કેવો મોટો આનંદ આપે છે. 💚
ReplyDelete