કોઢને આપ્યું નવું રૂપ (mumbai samachar)
05:44
વિની હર્લોવને શરીર પર વિટિલિગો એટલે કે ચામડીની એક જાતની બીમારી છે જેમાં પિગમેન્ટેશન ઓછા હોવાને કારણે એટલી ત્વચા સફેદ દેખાય છે. જેને સામાન્યપણે સફેદ કોઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ જેને થાય તેનું સૌંદર્ય હણાઈ ગયાનું અનુભવાતું હોય છે. વિની હર્લોવના ચહેરા પર, છાતી પર અને હાથ-પગની કેટલીક ત્વચા સફેદ થઈ ગઈ છે. તેને કારણે દેખાવ કાબરચીતરો લાગે છે. મશહૂર ગાયક માઈકલ જેકશનને પણ વિટિલિગોની બીમારી હતી.
આજે ૨૩ વરસની આ મોડેલ વિનીનું પશ્ર્ચિમના ફેશન જગતમાં જાણીતું નામ છે, પરંતુ તે જ્યારે નાની હતી ત્યારે શાળામાં તેને ખૂબ ચીઢવવામાં આવતી હતી. કોઢી, કાબરચીતરી-ગાય કે ઝેબ્રા કહીને તેને ચીઢવવામાં આવતી હતી. એની તેના બાળમાનસ પર ખૂબ ખરાબ અસર થતી હતી.
કેનેડાના ટોરેન્ટો શહેરમાં ૧૯૯૪ની સાલમાં જન્મેલી વિનીનું ખરું નામ ચેન્ટેલ બ્રાઉન હતું. સિંગલ પેરેન્ટ માતા લીસા બ્રાઉનની દેખરેખ અને બે બહેનો સાથે ઉછરેલી વિનીને જન્મથી કોઢ નહોતો થયો. તે જ્યારે ચાર વરસની થઈ ત્યારે આ રોગ દેખાવા લાગ્યો હતો. દુનિયામાં લગભગ ૧ટકા વ્યક્તિઓ આ વિટિલિગોની બીમારી એટલે કે સફેદ ડાઘથી પીડાય છે. અને આ રોગનો કોઈ ઈલાજ નથી. આ રોગ ન તો ચેપી છે કે બીજા કોઈ ચામડીના રોગ જેટલો ખરાબ છે, પરંતુ લોકોમાં તેના વિશે જાણકારી ન હોવાને કારણે ખોટી માન્યતાઓ આકાર લે છે. ચાર વરસની ઉંમરે તો તેને ત્વચાના ફેરફાર વિશે ખાસ સમજ ન પડી, પરંતુ આઠ વરસની ઉંમરે તેની આસપાસના લોકો તેને વિચિત્ર નજરે જોવા લાગ્યા હતા. શાળામાં બીજાં બાળકો તેની સાથે બોલતા નહીં. તેની પાસે જતાં ડરતાં. વળી તેને સતત ચીડવતાં રહેતાં. છોકરીઓ પણ તેને દૂર જ રહેવાનું કહેતી કારણ કે તેને અડવાથી તેમની ત્વચા પણ કાબરચીતરી થઈ જાય તો એવો એમને ભય લાગતો હતો. એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં તેણે કહ્યું હતું કે શાળામાં બાળકો મને ચીડવતાં એથી હું ભાંગી પડતી. રોજ રાત્રે બારીમાં બેસીને હું તારાઓ સામે જોઈને ઈચ્છતી કે કોઈપણ રીતે મારી ચામડી એક જ રંગની થઈ જાય. હાઈ સ્કૂલમાં પહોંચતા બાળકો મારી સાથે હિંસક થવાં લાગ્યાં. છોકરીઓ વગર કારણે મારી સાથે ઝઘડવા માંડતી. મારા પર હુમલાઓ કરતી. અનેક વાર મેં શાળાઓ બદલી તો આવા હિંસક બનાવોને લીધે મને એકવાર શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવી. છેવટે કંટાળીને મેં ૧૬ વરસની ઉંમરે ભણવાનું છોડી દીધું. અનેકવાર મને આત્મહત્યા કરવાના વિચારો આવતા. દિવસમાં અનેકવાર હું સપનાઓ જોતી કે મારી ચામડી સામાન્ય થઈ ગઈ છે. તો સતત પ્રાર્થનાઓ પણ કરતી કે કોઈ રીતે ચમત્કાર થાય અને હું નોર્મલ થઈ જાઉં. અને એક વખત મને સમજાયું કે હું નોર્મલ જ છું. ફક્ત મારી ત્વચા પર પેઈન્ટિંગ કરવામાં આવ્યું છે. આ રોગ ન તો ચેપી છે કે ન તો ઘાતક તો પછી મારે શા માટે વગર કારણે દુખી થવું જોઈએ?
આ વિચાર સાથે જ સુંદર દેહયષ્ટી ધરાવતી વિનીનું જીવન બદલાઈ ગયું. પાંચ ફુટ નવ ઈંચની ઊંચાઈ ફેશન મોડેલ બનવા માટે પરફેક્ટ હોવાથી તેણે નક્કી કર્યું કે તે મોડેલ બનશે. તે જ અરસામાં ઈન્સ્ટાગ્રામ એપ્પલીકેશને યુવાનોમાં ધૂમ મચાવી હતી. તેણે પોતાના ફોટાઓ ઈન્સ્ટાગ્રામ પર મૂકવા માંડ્યા. વિનીએ વિચાર્યું કે જો હું જ મારા શરીરને ન સ્વીકારું તો બીજા કઈ રીતે સ્વીકારશે? બસ એ વિચાર આવ્યા બાદ તેને પોતાની ચામડીનો બદલાયેલો રંગ નડતો નથી. બદલાયેલી ત્વચા પર મેકઅપ લગાવીને છુપાવવાના પ્રયત્નો કર્યા સિવાય તેણે ફોટોશૂટ કરાવ્યો. એના ફોટા જોઈને અમેરિકાની મોડલ ટાયરા બ્રેકે પોતાનો શો અમેરિકાસ ટોપ મોડલ ૨૦૧૪માં ભાગ લેવા માટે વિનીને પસંદ કરી. બસ ત્યારબાદ વિનીએ પાછા ફરીને જોયું નથી. અનેક અંગ્રેજી પ્રસિદ્ધ મેગેઝિનના કવર પેજ પર વિનીનો ફોટો છપાઈ ચૂક્યો છે. ફેશન શોમાં પણ તેને પસંદ કરવામાં આવે છે તો બિયોન્સેના ફ્રિડમ ગીતમાં પણ તેને દર્શાવવામાં આવી છે.
સૌંદર્યના સીમાડાઓને તોડીને સૌંદર્યને નવી વ્યાખ્યા આપનાર વિની આજે વિટિલિગો ધરાવતી વ્યક્તિઓની સામે શક્તિનું નવું ઉદાહરણ બનીને ઊભી છે. જીવનની વિપરીત પરિસ્થિતિને તેણે પોતાની તાકાતમાં ફેરવી દીધી છે. તેની કાબરચીતરી ચામડી જ આજે તેની ઓળખ બની ગઈ છે. જો તેણે પહેલાં જીવનથી હારીને આત્મહત્યા કરી હોત તો આજે જે પ્રસિદ્ધિ મેળવી રહી છે અને સાહસવીરનું બિરુદ મેળવી રહી છે તે ન બની શક્યું હોત. તેની પ્રેરણાત્મક જીવનકથાના વીડિયો આજે જગતભરમાં લાખો લોકોની સરાહના મેળવી રહ્યા છે. ફાસ્ટ કાર ચલાવતો પ્રસિદ્ધ લેવીસ આજે તેનો બોયફ્રેન્ડ છે. એ લોકો ડેટિંગ કરી રહ્યાં છે તેના સમાચાર દરેક અખબારોમાં ચમકી રહ્યા છે. આ પહેલાં પણ તેની સાથે ડેટિંગ કરવા માટે અનેક પુરુષોએ પ્રપોઝ કર્યું છે. તેની કાબરચીતરી ચામડી સામાન્ય જીવન જીવવામાં એક જમાનામાં નડી રહી હતી તે આજે તેને પ્રસિદ્ધિ અપાવી રહી છે. શાળામાં જે છોકરીઓ તેને ચીડવતી હતી તેમને આજે કોઈ જાણતું સુધ્ધાં નથી.
0 comments