વાત બે જુદા વિશ્વની (mumbai samachar)
02:56આ વરસે મહિલા દિને મેટ્રો શહેરમાં એક ચેનલે અનેક શિક્ષિત યુવતીઓને સુનીથા ક્રિષ્નન, દયા બાઈ અને આઈરોમ શર્મિલા વિશે જાણો છો? એવું પૂછ્યું તો દરેક યુવતીઓએ નકારમાં માથું હલાવ્યું, પણ જ્યારે તેમને ઐશ્ર્વર્યા રાયની દીકરીનું નામ પૂછ્યું તો દરેક યુવતીએ એક જ સેક્ધડમાં સાચો જવાબ આપ્યો. સુનીથા, દયા અને શર્મિલા ત્રણેએ મહિલાઓના અધિકાર અને ઉત્કર્ષ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. અને ત્રણેને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. ખેર, કેટલીય મહિલાઓએ પોતાના જીવનને સામાજિક કામ માટે સમર્પિત કરી દીધું છે. અમે પણ બે ત્રણ મહિલાઓને અરુણા રોય, મેધા પાટકર અને રિતિક રોશનની પત્ની સુઝાન ખાન વિશે પૂછ્યું ત્યારે જરાપણ અચાકાયા વિના સુઝાન ખાન વિશેની માહિતી સરળતાથી આપી દીધી. પણ અરુણા રોય આઈએસ ઓફિસર હતા અને જેમણે આરટીઆઈ એક્ટ (રાઈટ ટુ ઈન્ફોર્મેશન) લાવવાની પહેલ કરી હતી. મેધા પાટકર વિશે એકાદ જણે કહ્યું કે તેઓ રાજકારણી છે.
થોડી મહિલાઓ સાથે વાત કરતા ખબર પડી કે તેઓ અખબાર વાંચતા જ નથી કે ન તો ન્યૂઝ જુએ છે. કેમ તો કહે કે તેમની પાસે સમય જ નથી હોતો. આ સાંભળીને તેમની સાથે ફિલ્મો અને ધારાવાહિકો વિશે વાત કરવા માંડી તો તેમને મારા કરતાં વધુ ખબર હતી. તેમને ધારાવાહિકો અને ફિલ્મો જોવાનો સમય હોય છે, પરંતુ અખબાર કે મેગેઝિન વાંચવાનો સમય નથી હોતો. તેમને ફિલ્મી ગપસપ વાંચવા સિવાય કશું પણ નવું જાણવાની જરૂર પણ નથી જણાતી. તેઓ એવું પણ માને છે કે મહિલાઓને ક્યાંય કશી તકલીફો હવે છે જ નહીં. પહેલાંની જેમ ન તો રોકટોક છે કે ન તો ઘરમાંથી બહાર નીકળવાની બંધી છે. સ્ત્રીઓ ખોટે ખોટું રડે છે કે પોતે પીડિતા છે તેવું જતાવે છે. તેમને લાગે છે કે કામ કરતી બાઈઓ પણ હવે તો મોબાઈલ વાપરતી થઈ ગઈ છે અને તેઓ પણ સારા કપડાં પહેરે છે, સારું કમાય છે અને પોતાના અધિકારો વિશે જાગૃત છે.
તેમની વાત થોડે અંશે સાચી પણ છે, તે છતાં સ્ત્રીઓને હજી સંઘર્ષ નથી કરવો પડતો એ વાત સાચી નથી. ઉચ્ચ વર્ગની કે ઉચ્ચ મધ્યમવર્ગની મહિલાઓને માટે શારીરિક શ્રમ કરવાનો રહ્યો નથી કારણ કે ઘરના અનેક કામ મશીન આવવાને કારણે સરળ થઈ ગયા છે. ઘરમાં કામકાજ કરવા માટે ઘરે નોકર પણ હોય છે. કમાણી કરવી તેમને માટે જરૂરી નથી હોતું. પિયરમાં અને સાસરામાં કોઈ તકલીફો જોઈ જ ન હોય. સાથે સમાજમાં શું થાય છે તે જાણવામાં બહુ રસ ન હોય, સિવાય કે કિટી પાર્ટી અને ફેશનમાં શું ચાલે છે તે જાણવાથી તેમનું જનરલ નોલેજ પૂરું થઈ જાય. તેમની જાણકારી દુનિયા અકસ્માત કે હવામાન અને બૉલીવૂડના સમાચારો પૂરતી જ સીમિત હોય છે. આવો ઘણો મોટો વર્ગ છે ભારતમાં એટલે જ તેમને જ્યારે આઈરોમ શર્મિલા અને અરુણા રોય કે મેધા પાટકર વિશે ખબર ન હોય તેનાથી કશો જ ફરક નથી પડતો. જ્યારે બીજી તરફ એવી પણ મહિલાઓ છે જે પોતાના કુટુંબના ભરણપોષણ અને શિક્ષણ માટે સંઘર્ષ કરે છે.
મણિપુર રાજ્ય આઈરોમ શર્મિલાને લીધે તો જાણીતું છે જ પણ મણિપુરના ઈમ્ફાલમાં ઈમા કેઈથલ એટલે કે માતાનું માર્કેટ છે. જ્યાં ચાર હજારથી વધુ મહિલાઓ માલસામાનનો વેપાર કરે છે. આખીય માર્કેટમાં કશે જ પુરુષો દુકાન પર બેઠેલા નહીં જોવા મળે. આ મણિપુરની મહિલાઓએ આલ્કોહોલ અને ડ્રગ અબ્યુઝ માટે પણ લડત ચલાવી છે. તો અન્યાય કરતી આર્થિક નીતિઓ સામે પણ પોતાનો અવાજ ઊંચો કર્યો છે. લગભગ ૧૬મી સદીથી આ માતાનું માર્કેટ અસ્તિત્વમાં છે. તો બીજી તરફ દિલ્હીના લાલ કિલ્લાની બાજુની ગલી જે એશિયાનું સૌથી મોટું સ્પાઈસ મસાલાઓનું બજાર ખારી બાઓલી છે જેમાં હજારો લોકો નાનો મોટો વેપાર કરી લે છે. આ માર્કેટમાં નહીંવત્ સ્ત્રીઓ જ કામ કરી શકે છે કારણ કે અન્ય બજારોની જેમ આખાય બજારમાં પુરુષોનું જ ચલણ ચાલે છે. હોલસેલ માર્કેટમાં વેપારીઓ પણ પુરુષો, કામ કરનારાઓ પણ પુરુષો અને ખરીદ કરનારા પણ પુરુષો જ હોય છે. તેમાં એક યુવાન છોકરી બધાથી જુદી તરી આવે છે. લીના ચવ્હાણ. લીના ચવ્હાણ એક માત્ર અપરિણીત અને યુવાન વેપારી છે. લીના તેની બહેનોને યુનિવર્સિટીમાં મોકલવા માગે છે એટલે જ ૧૫ વરસની ઉંમરથી અહીં ખારી બાઓલીમાં કામ કરે છે. તેનું કહેવું છે કે જો સ્ત્રીઓ ભણશે તો જ આગળ વધી શકશે અને જાતીય અસમાનતા દૂર થઈ શકશે. બજારમાં તેને પુરુષો તરફથી ઘણા ખરાબ અનુભવ થાય છે, તેનું કારણ તે માને છે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા અને જાતીય અસમાનતાની માનસિકતા. લીના માને છે કે આપણે ત્યાં છોકરી અને છોકરાના ઉછેરમાં મોટો ફરક છે તે દૂર થવો જોઈએ.
સમાજના દરેક સ્તરે આ જાતીય અસમાનતા જોવા મળતી જ હોય છે. જે સ્ત્રીઓને સંઘર્ષ વગર જીવન જીવવાનો અધિકાર મળે છે તેમને સમાજમાં પ્રવર્તી રહેલી અસમાનતા અને ભેદભાવ દેખાતા નથી કે જોવામાં રસ નથી. એ સ્ત્રીઓને સુખસગવડ આપીને માનસિક રીતે અંધ બનાવી દેવામાં આવે છે. ન તો એ સ્ત્રીઓ પોતાની જાતે શું પહેરવું કે શું ખાવું કે ક્યાં ફરવા જવું તે સિવાયના કોઈ મહત્ત્વના નિર્ણયો લઈ શકે છે કે ન તો તેમને એ બાબતે પૂછવામાં આવતું. તેમની પાસે સમય છે, પરંતુ તેનો તેઓ રચનાત્મક ઉપયોગ કરવાને બદલે તેને સુખસગવડમાં વાપરે છે. તેઓ ધારે તો પોતાના શિક્ષણનો ઉપયોગ પોતાના અને ગરીબોના બાળકોને ભણાવવામાં કે ગરીબ સ્ત્રીઓના ઉત્કર્ષના કામમાં વાપરી શકે છે, પરંતુ તેમના પોતાના બાળકોને પણ તેઓ ભણાવતી નથી. ટયૂશનમાં મોકલી આપે છે. જો આધુનિક નારી પોતાના જીવનમાં કોઈ ઠોસ ફેરફાર નહીં લાવે તો તે સમાજના ચહેરાને બદલી શકશે નહીં કે સ્ત્રી-પુરુષ સમાનતા લાવી શકશે નહીં. કેટલા પુરુષો ઉચ્ચ વર્ગના પણ તમને કશું જ કામ કર્યા વિના બસ સુખસગવડમાં જ જીવન વ્યતીત કરતાં દેખાશે? દરેક સુખ સગવડ હોવા છતાં પોતાના જીવનને જુદી રીતે જીવવાનો પ્રયત્ન સુધા મૂર્તિએ (જેઓ નથી જાણતા તેમના માટે ઈન્ફોસીસ કંપની શરૂ કરનાર નારાયણ મૂર્તિના પત્ની) કર્યો છે. તેઓ ખૂબ સાદાઈથી રહે છે અને સાથે અનેક સામાજિક કામો કરે છે. અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્નાએ પોતાનું આગવું વ્યક્તિત્વ વિકસાવ્યું છે. આવા કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ છે જ. તે છતાં મોટાભાગની સ્ત્રીઓ પોતાનું વ્યક્તિત્વ વિકસાવવાને બદલે પિતા કે પતિ પર નિર્ભર રહે છે.
0 comments