સ્ત્રી=પુરુષ: પણ એ માટે ૧૩ વરસ રાહ જોવી પડશે (mumbai samachar)
00:17આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને અનેક દેશોમાં જાહેર રજા આપવામાં આવે છે. ૧૯૦૮ની સાલથી ૮મી માર્ચના દિને મહિલા દિનના બીજ રોપાયા હતા. તે દિવસે ૧૫૦૦૦ મહિલાઓએ ન્યૂયોર્કના રસ્તા પર પોતાની માગણીઓ સાથે માર્ચ કરી હતી. તેમની માગણી હતી કે સ્ત્રીઓના કામના કલાક ઓછા કરો, યોગ્ય વેતન આપો અને મત આપવાનો અધિકાર આપો. ધીમે ધીમે બીજા દેશોમાં પણ ૮ માર્ચનો મોરચો મંડાતા ૧૯૧૩ની સાલથી આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનાવવા લાગ્યો. મહિલા દિનની જરૂર પડી કારણ કે સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદલાય તે માટે મહિલાઓ સંગઠિત થાય.
ભારતને સ્વતંત્રતા મળી ક્ારણ કે ભારતીયો સ્વતંત્રતાનો પોતાનો અઘિકાર મેળવવા સંગઠિત થયા. પૃથ્વી પર જેટલા પુરુષ છે લગભગ એટલી જ સ્ત્રીઓ પણ છે, પરંતુ પિતૃસત્તાક માનસિકતાને લીધે સ્ત્રી જાતિને અન્યાય થતો આવ્યો છે. એટલે સો વરસથી પોતાની પરિસ્થિતિ બદલવા માટે અને જાતીય સમાનતા માટે મહિલાઓ પ્રયત્ન કરી રહી છે. દર વરસે આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવીને મહિલાઓ સંગઠિત થઈને જાતીય સમાનતા માટેની પોતાની લડત આગળ ધપાવે છે. ચેન્જની વાત જ છેલ્લાં સો વરસથી થઈ રહી છે પણ આ વરસે મહિલાઓને કહેવામાં આવે છે કે બી બોલ્ડ ટુ ચેન્જ. તમારો અવાજ ઊંચો કરવા માટે તૈયાર થાઓ.
આટલા વરસોની ગુલામીને કારણે મોટાભાગની સ્ત્રીઓની માનસિકતા એવી થઈ ગઈ છે કે તેઓ પોતાના અધિકાર માટે પણ બોલતી નથી. કવિ ઓડ્રે લોર્ડ લખે છે તેમ આપણી જાત કરતાં, ભયનો આદર કરવાનું આપણને શીખવાડવામાં આવે છે. વાત સાચી જ છે, આપણે ત્યાં તો પહેલાં છોકરી જન્મે તેનું જ દુખ કરવાનું શરૂ થઈ જાય છે. છોકરીને જન્મ આપનાર મહિલા પહેલાં ભય પામે છે કે પોતે છોકરાને જન્મ કેમ ન આપ્યો. બધો જ વાંક સ્ત્રીઓનો જ હોય છે તેવું સ્ત્રીઓએ માની લેવાનું. ટૂંકા કપડાં પહેર્યા એટલે જ પુરુષોની નજર બગડી. પુરુષોને ગમે છે એટલે જ આઈટમ સોન્ગમાં બીભત્સ ચેનચાળા હોવા જરૂરી છે. તેમાં પણ લોકપ્રિય હિરોઈન આઈટમ સોન્ગ પર સેક્સી ડાન્સ કરે તો વધુ પુરુષો જુએ. લોકપ્રિયતા ટકાવી રાખવા માટે ય સ્ત્રીઓ આઈટમ સોન્ગ કરશે. નોકરી કરવી કે ન કરવી તે પિતા કે પતિ નક્કી કરે. એમબીએ, ડૉકટર કે એન્જિનિયર થયા છતાં સ્ત્રી ઘરે બેસવાનું પસંદ કરી શકે. પોતાની કાબેલિયત કરતાં ઓછો પગાર મળે તો પણ સ્ત્રીઓ કશું બોલી ન શકે.
૨૦૧૬ની સાલમાં મોન્સટર સેલેરી ઈન્ડેક્સ ડેટા દ્વારા જાણવા મળે છે કે ભારતમાં કામ કરવા માટે સ્ત્રી કરતાં પુરુષોને ૨૫ ટકા વધારે પગાર મળે છે. ૨૦૧૫ની સાલમાં પગારનો આ ભેદભાવ ૨૭ ટકા હતો તે કરતાં બે ટકા જ તેમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. ઉત્પાદન ક્ષેત્રમાં તો આ ફરક ૨૯ ટકાનો છે. આ પાછળનું કારણ છે કે મહિલાઓ લગ્ન બાદ બાળક થાય ત્યારબાદ એટલી જ સહજતાથી કામ ચાલુ રાખી શકતી નથી જે રીતે પુરુષ પિતા બન્યા બાદ ચાલુ રાખે છે. મેટરનિટી લીવ અને બાળઉછેર માટે સ્ત્રીઓ કારકિર્દીમાંથી બ્રેક લીધા બાદ પાછળ રહી જાય છે તે મોટી સમસ્યા છે. લગ્ન બાદ ઘર ચલાવવા બાબતે પુરુષોનો સહકાર સ્ત્રીને મળતો નથી. ટૂંકમાં એમ કહી શકાય કે જાતીય અસમાનતાના ધોરણોને કારણે મહિલાઓનો વિકાસ સહજતાથી જોઈએ તેવો થતો નથી. સ્ત્રી જો પોતાનું ઘર સંભાળે, બાળકો ઉછેરે તો તે કામ ગણાતું નથી. તેનો આર્થિક સહયોગ મનાતો નથી. જો સ્ત્રી બીજાના ઘરે કામ કરે, રસોઈ કરે, બાળક સંભાળે તો તેની આવક ગણાય છે. પોતાના ઘરના કામને તે પોતે પણ કામ ગણતી નથી. ગૃહિણી હોવું એટલે બેકાર હોવાની માનસિકતા ગણવામાં આવે છે. જો ઘરકામ માટે પણ તેને બિરદાવવામાં આવે તો પણ માનસિકતા બદલાઈ શકે છે.
લગ્ન કરવા કે નહીં, બાળક કરવું કે નહીં, કારકિર્દી કરવી કે નહીં તે દરેક નિર્ણયો જાતે કરવાની સ્વતંત્રતા પુરુષોની જેમ સ્ત્રીઓને હોતી નથી. મોટેભાગે તો સ્ત્રીઓ પણ આવા નિર્ણયો કરતા ગભરાતી હોય છે. અને જો કોઈ સ્ત્રી એવો નિર્ણય કરે તો તેને ઘણું સહન કરવું પડતું હોય છે.
એકલી સ્ત્રીને શહેરમાં ભાડે ઘર લેવું સહેલું નથી હોતું. અને જો લેવું ય હોય તો છોકરી કેવા ઘરની છે તેવું જાણવાની કોશિષ કરવામાં આવે છે. છોકરી સારી છે કે ખરાબ તે એના કપડાં, વર્તન પરથી નક્કી કરવામાં આવે છે. પુરુષો દારૂ, સિગરેટ પીએ કે રાતના રખડે તો તેના વિશે વાતો નહીં થાય કે તેને ખરાબ માનવામાં નહીં આવે, પણ જો સ્ત્રી દારૂ પીએ કે સિગરેટ પીએ કે રાતના બહાર કામ માટે રહે કે પોતાના મિત્રો સાથે ફરે તો તેના ચરિત્ર પર આંગળીઓ ઊઠવા માંડે. આવા તો અનેક મુદ્દાઓ છે જેના વિશે સતત ચર્ચાઓ થતી રહી છે.
એટલે જ આ વરસે સંયુક્ત રાષ્ટ્રસંઘે મહિલા દિને નક્કી કર્યું છે કે આ વરસથી જાતીય સમાનતા માટે ઠોસ બદલાવ લાવવાની શરૂઆત કરવામાં આવે જેથી ૨૦૩૦ની સાલ સુધીમાં જાતીય સમાનતા દરેક ક્ષેત્રે આવે. સ્ત્રી હોવાને કારણે કોઈ સ્ત્રીએ સહન ન કરવું પડે. સ્ત્રી પુરુષ સમોવડી નહીં પણ સ્ત્રી અને પુરુષો બન્નેને સમાન અધિકાર, સ્વતંત્રતા અને તક મળે. દુનિયાભરમાં આજે માત્ર સ્ત્રી હોવાને કારણે માનસિક-શારીરિક હિંસા સ્ત્રીએ સહેવી પડે છે. દુનિયાભરની સ્ત્રીઓએ પોતાના માનવીય અધિકારો માટે જાગૃત થવું પડશે. પુરુષોએ પણ પિતૃસત્તાક માનસિકતામાંથી બહાર આવવું પડશે. સ્ત્રીઓની સાથે થતાં દરેક ભેદભાવ દૂર કરવા પડશે. તે માટે કાયદાઓ અને નિયમો બનાવવાથી જ કામ નહીં થાય. સ્ત્રીઓએ પણ પોતાની માનસિકતા બદલવી પડશે. વધારે મહેનત કરવી પડશે. દીકરા અને દીકરીના ઉછેરમાં, શિક્ષણમાં, લગ્નના નિયમોમાં અને કોઈપણ રીતના ભેદભાવ નાબૂદ કરવા પડશે. તું છોકરી છે એટલે તારાથી અમુક રીતે ન વર્તાય એવા કે અમુક રીતે ન બોલાય કે અમુક બાબત તો કરાય જ નહીં તેવા કોઈ વાક્યપ્રયોગો ન થાય ત્યારે જ ભેદભાવ દૂર થશે.
આ બાબતે સમાજમાં જાગૃતિ આવી રહી છે પણ તેની ટકાવારી હજી ઘણી ઓછી છે. આપણે દરરોજ એવી કેટલીય રીતે સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ કરતાં હોઈએ છીએ. જાતીય ભેદભાવની એટલી આદત પડી ગઈ છે કે આપણે એવું કરીએ છીએ તેવું માનવા પણ તૈયાર નહીં થઈએ. ગામડાઓમાં કે અભણ પ્રજામાં જ આવું થાય છે એવું નથી. સમાજના દરેક વર્ગમાં આ ભેદભાવ આજે પણ થઈ રહ્યો છે. એક જ ઉદાહરણ આપું તો રાતના રસ્તા પર એકલો પુરુષ બેસે કે સૂતો હોય તો કોઈ તેને જોતું નથી, પરંતુ જો કોઈ સ્ત્રી રસ્તા પર એકલી ઊભી હોય કે બેઠી હોય કે ફરતી હોય તો તરત જ તેના વિશે આપણે શું વિચારીએ તે કહેવાની જરૂર છે?
આ મહિલા દિને આપણે આપણાં જીવનમાં જ ફરક લાવીએ તો ધીમે ધીમે આખો સમાજ બદલાઈ શકે છે. બસ આ જ વાત યુનાઈટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ કહે છે અને ઈચ્છે છે કે ૨૦૩૦ની સાલમાં જાતીય અસમાનતા જેવા શબ્દની જરૂર જ ન ઊભી થાય.
૨૦૩૦સુધીમાં હાંસલ કરવાના લક્ષ્ય
* દરેક છોકરી અને છોકરાઓને મફતમાં, એકસરખું ગુણવત્તાસભર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મળે.
* દરેક છોકરી અને છોકરાનો ઉછેર અને વિકાસ એકસરખો અને ગુણવત્તાવાળો થાય જેથી તેઓ આગળનું શિક્ષણ લેવા માટે તૈયાર થાય.
* સ્ત્રી અને છોકરીઓ સાથે કોઈપણ પ્રકારનો જાતીય ભેદભાવ ક્યાંય પણ ન થાય.
* સ્ત્રી અને છોકરીઓ સાથે ઘરમાં કે ઘરની બહાર કોઈપણ સ્થળે કોઈપણ જાતની હિંસા ન આચરવામાં આવે. તેમાં દેહવ્યાપાર માટે તેમનું વેચાણ કે જાતીય સતામણી જેવી દરેક બાબતનો સમાવેશ થાય છે.
* સ્ત્રીના વ્યક્તિત્વને નુકસાન કરતા દરેક રિવાજોને બંધ કરવામાં આવે જેમ કે બાળલગ્ન અને જેનિશિયલ મ્યુટેશન (જનનાંગનું ખતના કરવું)
આજે ટેકનોલોજી, ડિજિટલાઈજેશન અને વૈશ્ર્વિકીકરણને લીધે દુનિયા બદલાઈ રહી છે. તેમાં ફક્ત નારી સમાનતાનો અને સશક્તીકરણનો દૃષ્ટિકોણ રાખવાની જરૂર છે.
0 comments