પોર્નોગ્રાફી અને ડોપામાઈનની રમત
08:36પોર્નોગ્રાફી જોવાનું ટાળવું કોઈને પણ માટે અઘરું હોઈ શકે પણ સજ્જડ આંખો મીંચી દો ના જુઓ
કેટલાકને યાદ હશે કે અર્ધનગ્ન સ્ત્રીના ફોટા જોવા માટે એકાંત શોધવું પડતું. એવો પણ વખત હતો કે પોર્નોગ્રાફીક મેગેઝિનોને છુપાવીને સ્મગલ કરવામાં આવતા હતા. તેના પર કવર ચઢાવીને છુપાવીને રખાતા અને મિત્રોને અપાતા. પ્લેબોય તેમાં જેની પાસે હોય તે મૂછોને વળ દેતું. સેન્ટર પેજમાં છપાતો નગ્ન ફોટો તેની વિશેષતા હતી. ગરીબ તવંગર દરેક પુરુષોને માટે લલચામણું પેજ હતું. નગ્નતા વિશે આપણે ત્યાં દંભ ઘણો છે. તેને છુપાવીને બીજી સ્ત્રીઓની નગ્નતા જોવી પુરુષોને ગમતી હતી અને હજી આજેય તે જોવાય છે. પછી ઈન્ટરનેટ આવ્યું અને લોકોને ડર લાગ્યો કે બાળકો બગડી જશે તો? બાળકો પર અસર એટલી ન થઈ જેટલી પુખ્ત બાળકો પર થઈ. પોર્નોગ્રાફી તમારા મગજમાં ડોપામાઈનના પ્રવાહને ધસમસતો કરે છે જેને કારણે ટેસડો પડી જાય એવી મજા આવતી હોય છે.
મજા સજામાં પલટાઈ જઈ શકે એવી કલ્પના પણ કેટલાકને નથી આવતી. ઈન્ટરનેટની સ્પીડ સ્લો હતી ત્યાં સુધી વાંધો નહતો પણ જેમ જેમ ઈન્ટરનેટની સ્પીડ વધતી ગઈ તેમ પુરુષોમાં ઈરેક્ટાઈલ ડિસફંકશનની સમસ્યા વધી રહી છે. ઈન યોર બ્રેઈન ઓન પોર્ન નામના પુસ્તકમાં ગેરી વિલ્સન આવી અનેક વાતો લખે છે. ઈન્ટરનેટની સ્પીડની સાથે કેવી સમસ્યાઓનો સામનો માણસ જાતે કરવો પડે છે તે વિશે કેટલાય કેસ સ્ટડી કર્યા બાદ તેમણે આ પુસ્તક લખ્યું છે. ગેરી આ પુસ્તકમાં ઘણી વિગતે આપણા મગજની ઈનામ આપવાની ટેકનિક વિશે વાત કરે છે.
હાવર્ડ મેડિકલ સ્કૂલમાં ભણાવતા માનસચિકિત્સક કેવિન મજેરસ કોગ્નિટિવ બિહેવરિયલ થેરેપીમાં એક્સપર્ટ છે. તેમણે પોતાના બ્લોગમાં પોર્નોગ્રાફી જોતી સમયે મગજ કેવી રીતે કામ કરે છે તે વિશે તાજેતરમાં લખ્યું છે. તેઓ લખે છે કે મગજ જે ડોપામાઈન દ્વારા મજાનો અનુભવ કરાવે છે તે બે પ્રકારના છે. એક તો વિસિયસ અને બીજું વર્ચ્યુઅસ. સહેલી ભાષામાં સમજીએ તો એક બહુ જાણીતી કહેવત છે કે કરે એવું ભરે. તમે જેવું કરો તેવું પામો છો જીવનમાં. આપણે દરેક કામ આનંદ માટે કરીએ છીએ. મજા ન આવે એટલે કે કશુંક ન પામવા મળે તેમાં મગજને એટલે કે મગજને રસ નથી પડતો. આપણને ભણવું ગમતું નથી પણ પણ ભણીએ છીએ કારણ કે ત્યારબાદ નોકરી કે વ્યવસાયમાં આગળ વધી શકીએ છીએ. લગ્ન કરીને કુટુંબ મેળવી શકીએ છીએ. કોઈ વળતર ન હોય તો તે કામ નથી કરતા. પૈસા ન મળે તો કોઈ નોકરી કે વ્યવસાય ન કરે. પૈસાથી સુખસગવડ ખરીદી શકાય છે જે વળી મગજમાં મજા ઊભી કરે છે. લગ્ન, બાળકો, સંબંધો, મિત્રો આ બધું જ મજા માટે કરીએ છીએ. જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય છે ત્યારે તેને આ બધું જ બેકાર લાગે છે. તેને કશામાં જ રસ નથી પડતો. ડિમેન્સિયામાં પણ એવું જ થાય છે. ઈમોશન ફ્રિજ થઈ જાય છે.
વર્ચ્યુઅસ એક્ટિવિટીમાં હકારાત્મક કાર્યો આવે છે. જેમકે રમતગમતમાં માહેર થવાનો કે પછી તમે કોઈ ગોલ નક્કી કરો છો ત્યારે શરૂઆતમાં તમારે મહેનત કરવી પડતી હોય છે. પણ જેમ જેમ તમે ધ્યેયની નજીક પહોંચો છો કે રમતગમતમાં માહેર થાઓ છો કે તેમાં આનંદ બેવડાતો જાય છે. તમને તમારી મહેનતનું પરિણામ જે મળે છે તે લાંબા સમય સુધી તમને આનંદ આપે છે. તે આનંદ હકારાત્મક હોય છે. તમારા જીવનમાં સુખદ પરિણામો આપે છે. જ્યારે પોર્નોગ્રાફી તમને વિસિયસ મજા આપે છે. તેમાં તત્પુરતી મજા આવે છે પણ એ જ મજા કાયમ ટકતી નથી. તેનું કારણ સમજાવતાં કેવિન કહે છે કે શરૂઆતમાં પોર્નોગ્રાફી જોતી સમયે ડોપામાઈન તમને તરત જ મજાનો અનુભવ કરાવે છે પણ વારંવાર પોર્નોગ્રાફી જોવાથી પહેલાં આવ્યો હતો તેવો આનંદ મળતો નથી. એથી તમારે વધુ વાર પોર્નોગ્રાફી જોવી પડે છે. મજાની એક લત લાગી જાય છે અને જો પોાતાના પર કન્ટ્રોલ ન હોય તો સતત તેમાં વ્યક્તિ ખૂંપતી જાય છે. તેને પછી એમાં વધુ વરાયટીની જરૂર પડે છે જે ડોપામાઈનને સ્ટિમ્યુલેટ કરે. શક્ય છે એ લત તેને હિંસક વળાંકો તરફ લઈ જાય કે ભયભીત કરે એવા વિડિયો જોવા તરફ લઈ જઈ શકે કે પછી એવું કરવા માટે પ્રેરી શકે. હાલમાં જ એક કિસ્સો બન્યો છે મુંબઈના એક ૩૪ વરસના યુવાનને કેટલીય શોધખોળ પછી પકડવામાં આવ્યો. તેણે મહિનાઓ પહેલાં પુણેના આઈપી એડ્રેસથી ઓનલાઈન ડોકટરને સેક્સુઅલ બિહેવયર અંગે સવાલ પૂછ્યો હતો. તેણે પૂછ્યું હતું કે દસ વરસની છોકરીના ગુપ્તાંગ ઉપર વીર્ય સ્ખલન થાય તો તેને ગર્ભ રહી શકે ખરો. એ ડોકટરે પોલીસમાં ફરિયાદ કરી કે સવાલ પૂછનાર વ્યક્તિ નાની છોકરીનું શોષણ કર્યું હોઈ શકે કે કરી શકે. પોલીસોએ મહામહેનતે એ યુવકને પકડ્યો. હવે એનું કહેવું છે કે તેણે આ સવાલ અમસ્તો જ પૂછ્યો હતો. કોઈ માનસિક રીતે અસંતુલિત વ્યક્તિ જ આવો સવાલ પૂછી શકે એવું પોલીસ અને ડોકટરોનું તારણ હોવાથી તેને જેલમાં પૂરી શકે. આમ જોઈએ તો વાત સાચી પણ છે. કેવિનના લખવા પ્રમાણે પોર્નોગ્રાફી તમને નકારાત્મક બનાવે છે. તે તમને ખરાબ કે ન કરવા જેવા કામ કરવા પ્રેરી શકે છે. ફક્ત શારીરિક રીતે જરાક મોજ માટે પોર્નોગ્રાફી જોવાનું શરૂ કરનારાઓને ક્યારે લત લાગી જાય છે તે સમજી શકાતું નથી. ડોપામાઈન ડ્રગ જેવું કામ કરે છે અને તમને સતત ડ્રગની જેમ પોર્નોગ્રાફી જોવાનું વ્યસન લાગી જાય છે. ધીમે ધીમે તમારું મગજ ડલ થઈ જાય છે. કોઈપણ બીજા કામમાં ધ્યાન આપી શકાતું નથી. શરીર પણ તેને રિસપોન્સ કરવાનું બંધ કરી દઈ શકે છે. એટલે જ તેને વધારે ને વધારે ડ્રગની એટલે કે ડોપામાઈનની જરૂર પડે છે. વર્ચ્યુઅલ વર્લ્ડ એ વાસ્તવિકતાથી તમને જોજનો દૂર લઈ જવાનું કામ કરે છે. નેટફ્લિક્સ અને પ્રાઈમ વિડિયો પર તમે કલાકો બેસીને ધારાવાહિકો જુઓ છો. મીડિયા મનોરંજન અને ઈન્ટરનેટ તમારી આદતો અને માનસિકતામાં જબરદસ્ત બદલાવ લાવી રહી છે.
તમને ધીરજ રાખવાની આદત રહેતી નથી. દરેક વસ્તુ તરત જ મળી જાય છે. પહેલાં તો ફિલ્મ જોવી હોય તો થિયેટરમાં જવું પડતું ત્યારે જોઈ શકાતી. ધારાવાહિકના હપ્તાઓ માટે અઠવાડિયાની રાહ જોવી પડતી. હવે દરરોજ એપિસોડ આવે કે પછી એક સાથે તમે બધા જ એપિસોડ જોઈ શકો છો. નેટફ્લિક્સની આદત પડી હોય એવા કિસ્સાઓ પણ માનસચિકિત્સક પાસે આવી રહ્યા છે. વ્યક્તિઓ મોબાઈલ કે ટીવીના બંધાણી થઈ જતા સાચુકલા સંબંધોમાં ફેઈલ્યોર અનુભવે તેવું સહજ બની રહ્યું છે. બે વ્યક્તિઓ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય તેવું દૃશ્ય આપણા માટે નવું નથી. મિત્રો પણ એકબીજા સાથે સમય વીતાવવાને બદલે ફોન પર વધુ સમય વીતાવે છે. કેવિન કહે છે કે વાસ્તવિક જીવન સાથે જોડાવાનો પ્રયત્ન કરો. વર્ચ્યુઅલ એટલે કે કાલ્પનિક દુનિયામાંથી મળતો આનંદ તમને સુખી નથી કરી શકતો. સ્ક્રિન પર સુંદર વાનગી જોઈને પેટ નથી ભરી શકતા. તમારે મહેનત કરીને રસોઈ બનાવવી પડે છે અને પછી તેને ખાવી પડે છે. પોર્નોગ્રાફી તમારા મગજને વિચારતું બંધ કરી દે છે. લાંબેગાળે તમને માનસિક રોગી બનાવે છે અને વાસ્તવિક જીવનમાં ફેઈલ્યોરિટી તરફ દોરી જાય છે.
0 comments