આ વરસથી જીદ્દી બનીએ

03:41


નવા વરસની સૌ વાચકોને શુભેચ્છા સહ કહેવાનું કે હવે તો અંધકારને સ્વીકારીએ તો અજવાસને સ્વીકારી શકીશું. 


સ્ત્રીઓ જીદ્દી હોય છે. એક વાર નક્કી કરે પછી તેમને પાછી વાળવી મુશ્કેલ છે. એ જીદ્દી સ્વભાવને દરેક સ્ત્રીઓએ ઉજાગર કરવો જોઈએ. જીદ્દ કંઈક નવું કરવાની, જીદ્દ કશુંક મેળવવાની પોતાના બલબૂતા પર. જાતને પામવાની, જિતાડવાની અને ઉજવવાની જીદ્દ. આ વરસે નવો મંત્ર અપનાવવા જેવો છે જીદ્દી બનો. દરેક માતાએ પોતાની દીકરીને જીદ્દી બનતા શિખવાડવું જોઈએ. પોતાની આવડતથી સફળતાનો માર્ગ કંડારી શકવાની જીદ્દ, ગુનો કરે પણ નહીં અને ગુનાહિત ભાવ અનુભવે પણ નહીં. ગુલામ બને પણ નહીં અને ગુલામ બનાવે પણ નહીં. જીવનની અમાસને પોતાના સ્વબળના દીપથી પ્રજ્વલિત કરીએ. આજે જે દરેક સ્ત્રીની સફળતા પુજાય છે તેઓ જીદ્દી હતી. સાવિત્રીબાઈ ફુલે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આનંદી ગોપાલ, જસ્ટિસ અન્ના ચાંદી, સુચેતા કૃપલાની, વિજ્યા લક્ષ્મી પંડિત, સરોજિની નાયડુ, કલ્પના ચાવલા વગેરે અનેક સ્ત્રીઓએ જીદ્દ કરીને પોતાનું નામ એક વ્યક્તિ તરીકે ઈતિહાસમાં કોતર્યું. 

આ વર્ષની દિવાળી આવી અને ગઈ. અમાસની રાત્રીએ આપણે તેમાં અજવાસ પાથરી દઈએ છીએ. દીપ પ્રગટાવીએ છે એટલે જ અંધારું રહેતું નથી કે દેખાતું નથી પણ એ છે તો ખરું જ. તેનો નકાર થઈ શકતો નથી. છેલ્લા કેટલાય સમયથી સ્ત્રીઓ પોતાના જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરવાના પ્રયત્નો કરી રહી છે. આ લડત નવી નથી, હા તેના મુદ્દાઓ જરૂર બદલાયા છે. દીકરીના જન્મની ખુશી આજે મોટાભાગના ઘરોમાં મનાવાય છે, પણ એક સમય હતો જ્યારે દીકરીના જન્મને લોકો આવકારતા નહીં. હજી આજે પણ કેટલાક ઘરોમાં દીકરાના જન્મની રાહ જોવાતી હશે. દીકરીના જન્મ બાદ તેને ભણાવવાની નહીં અને પરણાવવાની ચિંતા કરાતી. તેના નસીબમાં સારું સાસરું આવે તે માટે પ્રાર્થના કરવામાં આવતી. સારો વર અને ઘર મેળવવા માટે વ્રત-ઉપવાસ કરવામાં આવતા. હવે દીકરીઓને ભણાવાય છે અને તેને મનપસંદ કારકિર્દી માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે છતાં સ્ત્રીને સમાન અધિકાર મળ્યા છે એવું કહી શકાય નહીં. 

આજે કેટલીક એવી સ્ત્રીઓની વાત કરીએ કે જેમણે અનેક અડચણોને વળોટીને પોતાને સમાનતાની ધરી પર મૂકવાનો પ્રયત્ન કર્યો છે.

જે જીદ્દની મેં વાત કરી તેના પર સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે. લિબિયા અને ઈજિપ્તમાં રિવોલ્યુશન આવ્યા બાદ સ્ત્રીઓની સ્થિતિ કેવી છે તેના પર બે ડોક્યુમેન્ટરી ફિલ્મો બની છે તેમાં સ્ત્રીઓની જીદ્દની વાત છે. એ બન્ને ફિલ્મ પૂરી થયા બાદ મને લાગ્યું કે આપણે ત્યાં સમાનતા નથી પણ સ્વતંત્રતા માટે આટલી સ્ટ્રગલ નથી કરવી પડતી. મોટાભાગની સ્ત્રીઓ પોતે જ ગુલામીમાં જીવવું પસંદ કરતી હોય છે કારણ કે તેમને જવાબદારી ઉઠાવવી નથી હોતી કે તેમનામાં જીદ્દનો અભાવ હોય છે. સરન્ડર એટલે કે સમર્પણ કરી દેવાનો ગુણ તેમણે અપનાવ્યો હોય છે જેનાથી ન તો તેઓ પોતે સુખી થાય છે કે ન તો પરિવારને સુખી કરી શકે છે. પોતે જે રીતે જીવવું છે તે માટે જીદ્દ જરૂરી છે. અહીં કપડાં કે ઘરેણાં ખરીદવાની જીદ્દની વાત નથી કે ન તો ઘર ખરીદવાના જીદ્દની વાત છે. એ જીદ્દ ન કહેવાય. એ બાળહઠ કહી શકાય. ઈજિપ્ત અને લિબિયામાં ૨૦૧૧ની સાલમાં રિવોલ્યુશન આવ્યું હતું. દેશમાં બળવાઓ થયા હતા. ઈસ્લામિક દેશ હોવાને કારણે સ્ત્રીઓને ત્યાં સ્વતંત્ર વ્યક્તિત્વ રાખવાનો અધિકાર હોતો નથી. સ્ત્રીઓ ચુપચાપ ઘરની ચાર દીવાલોમાં રહીને બાળકો ઉછેરવા અને ઘરની દેખભાળ કરવા સિવાય વધુ મહત્ત્વકાંક્ષી બનવાનું ન હોય. 

ઈજિપ્તની ફિલ્મ અમલ અને લિબિયાની ફિલ્મ ફ્રિડમ ફિલ્ડ ચારથી પાંચ વરસના લાંબાગાળા દરમિયાન બની છે. સૌપ્રથમ અમલની વાત કરીએ તો ૧૪ વરસની અમલ વીસ વરસની થાય ત્યાં સુધી એની વાત કહેવાઈ છે. અમલ ખૂબ જીદ્દી છોકરી છે. જ્યારે ઈજિપ્તમાં મુસ્લિમ બ્રધરહૂડે બળવો કર્યો અને ઈજિપ્ત સ્કેવર પર બધા પુરુષો સરકારની જોહુકમી સામે બગાવત કરતા હતા ત્યારે તેમાં થોડી સ્ત્રીઓ પણ હતી. અમલ તેમાંની જ એક. અમલનો અર્થ થાય આશા. અમલ બાળપણથી તોફાની અને જીદ્દી હતી. તેને છોકરીઓ પર લદાતા બંધનો પસંદ નહોતા એ તેણે પોતાની રીતે ફગાવી દીધા. પેન્ટ, ટીશર્ટ અને બોયકટ સાથે તે ઈજિપ્તની ગલીઓમાં રાત્રે પોતાના મિત્રો સાથે પહોંચી જતી. બળવામાં પણ ભાગ લેતી. તેમાં એક વાર તેણે માર પણ ખાધો. ગલીઓમાં પુરુષો સાથે ફૂટબોલ રમતી. ભ્રષ્ટાચારી રાજકારણીની વિરોધી હતી. તેની માતાને તે કહેતી કે ભ્રષ્ટાચારી રાજકારણીને વોટ આપીશ તો તું પણ ભ્રષ્ટાચારી કહેવાય. હું તારી સાથે નહીં બોલું. તે સતત જીદ્દ કરીને પોતાના વ્યક્તિત્વને પુરુષોના સમાંતર મૂકવાનો પ્રયત્ન કરતી. યુવાનવયે છોકરાઓ પ્રત્યે આકર્ષાઈ અને પ્રેમમાં પડી ત્યારે બોયફ્રેન્ડ સાથેય બાખડતી. બોયફ્રેન્ડ કહે કે તું છોકરી છે તારાથી અમુક રીતે ન વર્તાય તો એ વિરોધ કરતી, માનતી નહીં પરિણામે તેનો પ્રેમસંબંધ તૂટી જાય છે. અમલ નાસીપાસ નથી થતી. પોતાને જેમ છે તેમ કોઈ સ્વીકારે તો ભલે પણ છોકરાને તે ગમે એટલે અમુક રીતનું વર્તન કરે તે એને મંજૂર નથી. વીસ વરસની ઉંમરે તે નક્કી કરે છે કે તે પોલીસમાં ભરતી થશે. વ્યવસ્થામાં જઈને તે વ્યવસ્થા બદલવાનો પ્રયત્ન કરશે. બીજું કંઈ નહીં તો પોતાને એક સ્ત્રી તરીકે સરન્ડર નહીં કરે. બસ ત્યાં ફિલ્મ પૂરી થાય છે. 

લિબિયાની ડોક્યુમેન્ટરી ફ્રિડમ ફિલ્ડ પણ સ્ત્રીઓની જીદ્દની વાત કરે છે. લિબિયામાં સ્ત્રીઓની ફૂટબોલ ટીમ છે, તેમને આંતરરાષ્ટ્રિય મેચ રમવાનું આમંત્રણ મળે છે પણ ઈમામે સ્ત્રીઓની રમત વિરુદ્ધ જેહાદ છેડતા ફેડરેશન ટીમને સપોર્ટ નથી કરતી. ફિલ્મ બનાવનાર નાઝિહા અરેબી બ્રિટિશ લિબિયન છે. તેણે ફૂટબોલ ટીમમાં ચાર વરસ સાથે રહીને ફિલ્મ પોતાના બલબૂતા પર બનાવી. લિબિયાની ફૂટબોલ ટીમ આંતરરાષ્ટ્રિય સ્તરે ન જઈ શકી અને વિખેરાઈ ગઈ. છોકરીઓ પોતપોતાના જીવનમાં પરોવાઈ ગઈ પણ ફૂટબોલની રમતને તેમના દિલમાંથી કાઢી શકી નહીં. કેટલાય વરસો બાદ તેઓ પોતાની જાતે ફરી ભેગી થાય છે અને ઈજિપ્તમાં દેશ વતી રમવા જાય છે. આ દરેક છોકરીઓની એક જ જીદ્દ છે લિબિયાની પુરુષ ટીમની જેમ સ્ત્રીઓની ટીમ પણ દેશ માટે રમે અને જીતે. સરકારી કોઈ સહાય વગર, ધર્મના વિરોધ વચ્ચે તેઓ પોતાની જીદ્દને કારણે રસ્તાઓ કાઢે છે. ત્રણ છોકરીઓની વાત પર કેમેરો ફિક્સ થાય છે. એક નામા જે તવેરગા જાતિની છે તે બળવા બાદ રેફ્યુજી કેમ્પમાં રહે છે. ફદવા એન્જિનિયરનું ભણે છે અને બને છે. હલીમા સ્ત્રીઓની ડૉકટર બને છે. નામાએ લગ્ન કરી લીધા છે અને બાળક પણ છે. એ લોકોના મનમાં કસક છે ફૂટબોલ ન રમી શક્યાનું એટલે જ્યારે તેઓ ભેગા થાય છે અને પોતાની રીતે પ્રેક્ટિસ કરી ટીમ બનાવવાનું નક્કી કરે છે ત્યારે પરિસ્થિતિ બદલાઈ નથી. સ્ત્રીઓના રમવા બાબતે નફરતની આગ હોલવાઈ નથી. તેઓ રામદાન વખતે રાત્રે જ્યારે બધા ધાર્મિક પુરુષો વ્યસ્ત હોય તે સમયે પ્રેકટિસ કરે છે. લાઈટ ન હોય તો જે પુરુષો તેમને મદદ કરે છે તેઓ પોતાની ગાડીઓની લાઈટ ચાલુ કરી આપે છે. જાતે જ શીખીને હજી તૈયાર ન થયેલી ટીમ જ્યારે ઈજિપ્ત પહોંચે છે ત્યારે સમજાય છે કે તેઓ પ્રોફેશનલ પ્લેયર નથી બની શક્યા પણ જુસ્સો છે એક વાર દેશવતી રમવાનો. તેઓ શરીર ન દેખાય એવો યુનિફોર્મ પહેરતા હોવા છતાં ધર્મઝનૂનીઓ વિરોધ કરતા હોય છે. યોગ્ય પ્રેક્ટિસને અભાવે તેઓ હારે છે પણ સંતોષ છે કે તેઓ વરસો બાદ પણ એકજૂટ થઈ શક્યા. આ ત્રણે પાછા આવીને એક સંસ્થા શરૂ કરે છે, તેમને ખબર છે કે તેઓ હવે નહીં રમી શકે પણ આગલી પેઢીને તૈયાર કરવાની જરૂર છે. કોઈ તેમને એક મેદાન આપે છે. તેમાં ઊગેલું ઘાસ જાતે કાપીને તેને સમથળ બનાવે છે. શાળામાં ભણતી છોકરીઓને રમતગમતનું મહત્ત્વ સમજાવે છે અને તેમને એ માટે તૈયાર કરે છે. તેમને ખાતરી છે કે ભવિષ્યમાં લિબિયાની સ્ત્રી ટીમ વિશ્ર્વની ટીમની બરોબરી કરી શકશે. હલીમા હવે પરણવાની છે અને નામા હજી પણ રેફ્યુજીનું જીવન જીવે છે. તે પરિણીત છે, બાળકની માતા છે અને ઘરના કામ કરે છે પણ દોડવાનું ચૂકતી નથી. 

એક જીદ્દ દુનિયા બદલી શકે છે. સ્ત્રી હોવું એટલે લગ્ન કરીને રસોઈ બનાવવી કે બાળકોને જ ઉછેરવા એવું નથી હોતું. એ બધા સાથે પણ પોતાનું આગવું વ્યક્તિત્વ વિકસાવી શકાતું હોય છે. સપનાઓ પૂરા કરવા માટે જીદ્દી બનવું પડે છે. નવા વરસે દરેક સ્ત્રીઓ પોતાના અધિકાર માટે, વ્યક્તિત્વ માટે વધુ જીદ્દી બને એવી શુભેચ્છા.

You Might Also Like

0 comments