સ્ત્રીને ઈચ્છા હોય કે નહીં

02:34



સ્ત્રીએ ક્યારે અને શું બોલવું, ક્યારે કેમ વર્તવું બધું જ નક્કી છે. તેના વિરુદ્ધ વર્તે તે સ્ત્રી તરીકે જીવનમાં નપાસ થાય છે


છેલ્લા મહિનાથી મી ટૂ અને સબરીમાલા મંદિરની વાતો સતત ચાલતી રહી. માસિકને માસિક ધર્મ કહેવાય કે નહીં? મંદિરમાં જવું જોઈએ કે નહીં? શું કામ ન જવું જોઈએ વગેરે વગેરે મી ટૂ બાબતે સ્ત્રીઓ પણ સ્ત્રીની વિરોધી બની ગઈ. ત્યારે કેમ ન બોલી અને હમણાં શું કામ? વાત તો ખરી છે કે ત્યારે જ અવાજ ઉઠાવવો જોઈતો હતો. ગમે તે પરિણામ આવે. પણ દોસ્તો આપણે એમ કેમ નથી કહેતા કે પુરુષે સ્ત્રીને સમાન અધિકાર આપ્યો હોય તો તેણે આગળ વધવા સમાધાન ન કરવું પડે કે તેની પાસેથી સમાધાનની આશા જ ન રખાય. સ્ત્રીએ પણ પુરુષની જેમ પોતાની યોગ્યતા પુરવાર કરીને જ (શારીરિક બાંધછોડ) આગળ વધવું જોઈએ. હમણાં જ એક કન્નડ ફિલ્મ જોઈ. તેમાં આ વિષયને સરસ રીતે વાર્તામાં મઢી લેવાયો છે.

ધર્મ, અર્થ, કામ દરેક ક્ષેત્રમાં હું તારી પડખે ઊભી રહીશ. આવું વચન આપ્યા બાદ સુખી લગ્નજીવનનો આનંદ માણતી નાયિકાના લગ્નના ત્રણ જ વરસમાં પતિ ગુજરી જાય છે. નાયિકાના આ પ્રેમલગ્ન હોય છે. પતિપત્ની વચ્ચે ખૂબ જ સંવાદિતા હોય છે. તેના ગયા પછી પણ તે પતિની દરેક નિશાની સાચવી રાખે છે. ત્રણ વરસ બાદ પણ તેના કપડાં, ફોટો, એશટ્રે વગેરે જેમના તેમ જ ઘરમાં છે. વિધવા નાયિકા યુવાન છે તેને ઈચ્છાઓ પણ હોય. એકલી રહે છે, માનસિક સ્ટ્રેસ છે. આસપાસ પુરુષો ઘણા છે પણ તે દરેક સાથે જોડાઈ શકાતું નથી. પતિ પ્રત્યેના તેના પ્રેમને સમજી શકે કે સ્વીકારી શકે તેવો પુરુષ મળવો મુશ્કેલ છે. નાયિકા ઓફિસમાં કામ કરે છે ત્યાં એક સહકર્મચારી તેને આડકતરી રીતે સંબંધ બાંધવા માટે કહ્યા કરે છે. તે કહે છે કે પોતે પરણેલો છે એટલે વિધવા થયા બાદ તારી જરૂરિયાત અને તકલીફો હું સમજી શકું છું. નાયિકા પહેલાં તો તેને ટાળે છે પણ સતત સતામણીથી કંટાળીને ઓફિસમાં કેબિનની બહાર આવીને દરેક વ્યક્તિઓ સાંભળે તે રીતે કહે છે કે તમે મારી ચિંતા કરવાનું છોડી દો, હું મારી કાળજી લઈ શકું છું. સ્ત્રી હોવાને કારણે મારી દયા ખાવાની જરૂર નથી, કે વિધવા હોવાને કારણે મારી મજબૂરીનો લાભ ઉઠાવવાની જરૂર નથી. પેલી વ્યક્તિ ઘા ખાઈ જાય છે. એણે પહેલાંય અનેકવાર ના પાડી હોવા છતાં તેની સતામણી કરવાનું ચૂક્યો નથી. એટલે છેવટે તેણે જાહેરમાં જ બધાની સામે ઓફિસમાં વિરોધ કર્યો. તે રોજ ચાલવા જાય છે ત્યાં એક પુરુષ ચાલવા આવે છે. તે એની સામે જોતો પણ નથી એથી તે આકર્ષાય છે એની તરફ. નાયિકા દોસ્તીનો હાથ લંબાવે છે એ પુરુષ તરફ. પેલો પુરુષ પરિણીત છે પણ પત્નીને આદર નથી આપી શકતો કારણ કે તેના લગ્ન એની મરજીથી નહોતા થયા. તે છતાં એ પુરુષ સજ્જન છે. પત્નીને ભલે ઉતારી પાડતો હોય વાતે વાતે પણ અન્ય સ્ત્રીને આદર આપતો હોય છે. મિત્ર બન્યા બાદ નાયિકાને ખાતરી થાય છે કે આ પુરુષ તેની દયા ખાતો નથી કે ન તો તેને ફક્ત શરીર તરીકે જુએ છે. નાયિકા તેને સીધું મેસેજ દ્વારા પૂછી લે છે કે મને પુરુષની જરૂર છે, તું મારી જરૂરિયાત પૂરી કરશે.

આ વાંચીને એ પુરુષને ખૂબ ગુસ્સો આવે છે. કોઈ સ્ત્રી આવું બોલી જ કેવી રીતે શકે. સારા ઘરની સ્ત્રીઓ તો આવું વિચારે જ નહીં. હા,જે થવાનું હોય તો તે થાય તેની સહજતાથી પણ સ્ત્રી થઈને કઈ રીતે પોતાની ઈચ્છાની વાત કરી શકે. બસ બન્ને વચ્ચે મિત્રતા તૂટી પડે છે. બન્ને એકબીજાની મિત્રતા મીસ કરે છે પણ સ્ત્રી કરે શું. આખરે સ્ત્રી તેને મળવા બોલાવે છે અને કહે છે કે તમે એક સ્ત્રી તરીકે મારું અપમાન કેવી રીતે કરી શકો. મેં તમને પૂછ્યું કે તમે મને પૂછો એનાથી શું ફરક પડે છે. મારી સાથે અનેક પુરુષો સંબંધ બાંધવા તૈયાર હોય છે કારણ કે તેઓ મને ફક્ત એક શરીર તરીકે કે ઉપભોગનું સાધન જ ગણે છે. શરીર સિવાય પણ મારે મન હોય, સ્વમાન હોય તેવું કોઈ વિચારતું નથી. તમે જ્યારે મળ્યા ત્યારે લાગ્યું કે તમે સ્ત્રીને આદર આપી શકો છો અને સમજી શકો છો. હવે પેલા પુરુષને સમજાય છે કે વાત સાચી છે મારે તેનું અપમાન નહોતું કરવું જોઈતું.

સ્ત્રી એટલે કે નાયિકાને ખબર છે કે તેને પુરુષની જરૂર છે પણ તેનું મન નથી માનતું. તે પોતાના પતિને ભૂલી નથી શકતી. વળી સંસ્કારને લીધે લાગે છે કે તે પોતાના પતિને વફાદાર નથી રહી શકતી. રોજ પતિને ગમતા ચોક્કસ ફૂલો લાવીને પતિના ફોટા પાસે મૂકવાનો નિયમ. એક દિવસ ભૂલી જાય છે તો ગુનાહિતતા અનુભવે છે. એ સ્ત્રી એક પુરુષ મિત્ર પર વિશ્ર્વાસ મૂકીને સંબંધ બાંધે છે અને પોતાની ગુનાહિતતામાંથી મુક્ત થાય છે. પણ પેલો પુરુષ પત્નીને છેતરવા બદલ ગુનાહિત ભાવ અનુભવે છે. અહીં પુરુષને ખરાબ નથી ચીતરવામાં આવ્યો. પુરુષને પોતાની ભૂલ સમજાય છે કે તેની પત્નીને પણ એક વ્યક્તિની જેમ ટ્રીટ કરવાની જરૂર છે અને તેને પણ પ્રેમની જરૂર હોય છે. નાયિકા કોઈ અધિકારભાવ ધરાવતી નથી. તેને એક સમજદાર પુરુષમિત્રની જરૂર હતી જે તેને એક વ્યક્તિ તરીકે આદર આપે. આવા બોલ્ડ વિષયો સાથે ભારતીય ભાષામાં ફિલ્મો બની રહી છે તે સૂચવે છે કે બદલાવ આવી રહ્યો છે. તે છતાં સમાનતાની મંઝિલ હજી દૂર છે.

સ્ત્રીને માસિક આવે તો પણ સ્ત્રીનો વાંક, સ્ત્રીને સેક્સુઅલ ઈચ્છા થાય તો પણ તેણે પ્રગટ નહીં કરવાની, તેની મરજી વિરુદ્ધ પુરુષ જો તેની સાથે સંબંધ બાંધવા માગે તો પણ સ્ત્રીનો જ વાંક હોય છે કે પુરુષ તેના તરફ આકર્ષાય છે. સ્ત્રીએ નોકરી કરવાની કે કારકિર્દી બનાવવાની કોઈ મહત્ત્વાકાંક્ષા રાખ્યા વિના પુુરુષની સતામણીનો વિરોધ કરવાનો. એમ કરતાં તે પાછી વળે તો પુરુષોને કોઈ હરીફાઈ નહીં. આમ પણ સ્ત્રીઓનું સ્થાન ઘરમાં અને તેમાંય રસોડામાં જ હોય તેવું મોટાભાગના લોકો માને જ છે.

સબરીમાલા હોય કે શનિ મંદિર હોય કે પછી હાજીઅલી હોય શા માટે આપણે ત્યાં જવું જોઈએ. આપણે એટલી તૈયારી કરીએ કે પાર્લામેન્ટમાં પચાસ ટકા સ્ત્રીઓ હોય. દરેક ઊંચા પદે સ્ત્રીઓ સરખી સંખ્યામાં હોય. સમાનતાનો અધિકાર મેળવવા માટે હજી વધુ મહેનત કરવી પડશે. એકાદ બે મંદિરમાં પ્રવેશ મેળવવામાત્રથી સ્ત્રીઓને સમાન અધિકાર મળી જશે એવું તો નથી જ બનવાનું. લડવામાં શક્તિ વેડફવા કરતાં નક્કર કામ કરવાની જરૂર છે જે આ પહેલાં ય અનેક સ્ત્રીઓએ કર્યા છે અને હજી પણ કેટલીય સ્ત્રીઓ કરી રહી છે. સ્ત્રીઓ જેટલી સક્ષમ બનશે એટલા જ વિઘ્નો પણ તેની સામે આવી શકે છે. શારદા મહેતા અને વિદ્યાગૌરી નીલકંઠ એમ બે બહેનોએ સૌપ્રથમ વાર ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. તે સમયે કૉલેજમાં જવું અને ફક્ત પુરુષોની વચ્ચે બેસવું કોઈપણ સ્ત્રી માટે સહેલું નહોતું પણ તેમણે હાર માન્યા વિના પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું અને પછી સામાજિક કામો પણ કર્યાં. આજની નારી હોય કે તે સમયની એટલે કે ઈતિહાસની નારી હોય દરેકની સામે પડકારો આવ્યા છે અને તેને પાર કરવા અનેક સંઘર્ષો પણ કર્યા છે.

સ્ત્રી તરીકે જન્મ્યા બાદ સતત સંઘર્ષ અને પડકારોનો સામનો કરવો જ પડશે. પિતૃસત્તાક સમાજમાં સમાધાન કર્યા બાદ પણ સંઘર્ષો તો રહે જ છે. સ્ત્રીએ પોતાની વિચારધારા મુક્તિની રાખવી પડશે નહીં કે પિતૃસત્તાક માનસિકતાને આપણે જ વહન કરીએ. પુરુષો તો એ જ ઈચ્છે છે પણ જો અડગ વિશ્ર્વાસ અને સચ્ચાઈપૂર્વક સમાન અધિકારની વાત કરીશું તો સમજદાર પુરુષો પણ છે જે તમને નીચે પડવા નહીં દે. આપણી માનસિકતા બદલાશે તો સમાજની માનસિકતા બદલાશે. પોતાને પવિત્રઅપવિત્રતાની ખોટી માન્યતાઓમાં અટવાવા ન દો. માસિક એ શરીરની પ્રક્રિયા છે જે મળમૂત્રની જેમ સહજતાથી પોતાનું કામ કરે છે. હા જો શારીરિક પ્રક્રિયા સહજ ન હોય તો ડૉકટરની સલાહ લેવી પડે. બાકી સ્વચ્છતા રાખવી અને આરામ સિવાય કશી જ ચિંતા કરવાની કે વાદવિવાદમાં પડવાની જરૂર નથી.

સમાજ સ્ત્રીને જીવન પોતાની રીતે જીવવા દે તે અતિ મહત્ત્વનું છે નહીં કે મંદિરમાં જવાનું કે ન જવાનું. ધર્મના નામે આમ પણ અનેક બંધનો સ્ત્રીઓ પર બેસાડ્યાં છે. જો સ્ત્રી પોતે જ મુક્ત હોય તો તે જે પુરુષને જન્મ આપે છે તેની વિચારધારા પણ મુક્ત જ હોવાની. ભવિષ્યને બદલવા માટે આજને બદલવાની જરૂર છે. લડવાનું, સંહાર કરવાનું કામ સ્ત્રીઓનું નથી. તે પોતાની શક્તિથી નવસર્જન કરવા સમર્થ છે.

You Might Also Like

0 comments