મિસેન્ડ્રીનો ભોગ બને છે પુરુષ

05:35





મિસોજની શબ્દ વિશે અવારનવાર વાત થાય છે. તેમાં પણ છેલ્લા કેટલાક વખતથી સ્ત્રીઓ માટે ખાસ પ્રકારની ધારણાઓ બાંધી દેવામાં આવી છે. પણ મિસેન્ડ્રી શબ્દ વિશે ઓછું જાણીએ છીએ. બન્ને શબ્દો અંગ્રેજી છે. એવું કહી શકાય કે મિસેન્ડ્રી મિસોજનીનો વિરોધી છે. સ્ત્રી-પુરુષની જેમ ધારણાઓ પણ વિરોધી હોઈ શકે છે. મી ટૂની ચળવળે મિસોજની અને મિસેન્ડ્રી એટલે કે સ્ત્રી દ્વેષ અને પુરુષ દ્વેષ બન્નેને એક સરખા લેવલે લાવીને મૂકી દીધા છે. જો કે પુરુષો માટે એમ પણ કહી શકાય કે અક્કરમીનું પડિયું કાણું. જાણે અજાણે ફિલ્મોમાં અને નાટકોમાં પુરુષોને વિલન ચીતરવામાં આવે છે. સ્ત્રી વિલન પણ હોય છે, પરંતુ જો કોઈ રિસર્ચ કરે તો જણાશે કે પુરુષ વિલન વધુ ખરાબ અને ક્રૂર હોય છે. એવી કેટલીય ફિલ્મો હશે કે જેમાં સ્ત્રી વિલન ન હોય તે શક્ય છે પણ પુરુષ વિલન વિના કોઈ વાર્તા પૂરી થઈ શકે નહીં. મને એક જાણીતા સ્ક્રીન રાઈટરે કહ્યું હતું કે નેગેટિવ પાત્ર વિના લોકોને કોઈ વાર્તામાં રસ પડી શકે જ નહીં.

પુરુષપ્રધાન માનસિકતા સમાજની હોવા છતાં પુરુષો પણ તેનો ભોગ બને છે તેની નોંધ હજી પણ ઓછી લેવાય છે. પુરુષો સત્તા પર હોવા છતાં પુરુષોની પ્રત્યે ધિક્કાર-દ્વેષ પુરુષો પણ રાખતા હોય છે. પુરુષ રડે તો તેના આંસુ મગરના હોય તેવું પુરુષોને કહેતા સાંભળ્યા છે. દરેક પુરુષ રેપિસ્ટ નથી કે ખૂની નથી કે ન તો ખરાબ છે. તે છતાં આજે પુરુષોએ કેટલાંક વાક્યો સાંભળવા પડે છે જેમાં પુરુષો માટે દ્વેષ જોવા મળે જ છે. જેમ કે તમે બીજા પુરુષો જેવા નથી લાગતા. સૂક્ષ્મ હિંસા વિશે આપણા ધર્મોમાં કહેવાયું છે પણ તેને આપણે નજરઅંદાજ કરીને સારા હોવાની એક વ્યાખ્યા બાંધી દઈએ છીએ જેમ કે કોઈનું અપમાન ન કરવું કે કોઈને મારવું નહીં, ક્રોધ ન કરવો વગેરે વગેરે, પરંતુ એ બધું છતાં સૂક્ષ્મ હિંસા દ્વારા સામી વ્યક્તિને આપણે રહેંશી નાખી શકીએ. તેનો છેદ ઉડાડી દઈ શકીએ. આ બાબતનું આધુનિક વિજ્ઞાને પણ સમર્થન કર્યું છે. ૧૯૭૦માં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને સાઈકાસ્ટ્રીટ ચેસ્ટર એમ પીઅરસે સંશોધન કરી નોંધ્યું છે કે મોટાભાગના લોકો ઓફેન્સિવ થયા વિના એટલે કે સીધી રીતે હિંસક બન્યા સિવાય બીજાને મારી શકે છે. વળી તે પણ નક્કી જ હોય તેમના મનમાં કે સામી વ્યક્તિને હર્ટ એટલે કે મારવી જ છે.

સ્ત્રીઓ વિશે સહજતાથી બોલાતું હોય છે કે લેડી ડ્રાઈવર છે ને એટલે આપણે સંભાળવાનું જ સ્ત્રીઓને અમુક બાબતે ગતાગમ ન જ પડે. સ્ત્રીને સમજવાનો પ્રયત્ન નહીં કરવાનો તેમને બસ પ્રેમ (અહીં શારીરિક સમજવું) કરવાનો. સ્ત્રીઓએ રસોડામાં કે ઘરમાં જ રહેવું જોઈએ, બહાર નીકળે તો તકલીફ થવાની જ. નાના કપડાં પહેરે તો છેડતી ન થાય તો શું થાય વગેરે વગેરે દ્વારા સ્ત્રીને સતત ઉતારી પાડવાનો પ્રયત્ન થતો હોય છે. તે માટે આજે મિસોજની શબ્દ ખૂબ વપરાય છે. એ જ રીતે પુરુષોને પણ સતત ઉતારી પડાતા હોય છે. તેમનું અપમાન થતું જ હોય છે અને તે માટે મિસેન્ડ્રી શબ્દ છે જેના વિશે હજી લોકો વાત કરતા નથી તેનું કારણ છે કે પુરુષની લાગણીઓ વિશે વાત કરવાનું ટાળવામાં આવે છે. પુરુષો પ્રત્યે સંવેદનશીલ થવાનું પુરુષો પણ ટાળતા હોય છે તે ડૉ. ચેસ્ટર પીઅરસે પણ નોંધ્યું છે. પુરુષોને ઉતારી પાડતા કેટલાંક વાક્યો જોઈએ જે સામાન્યપણે વપરાતા હોય છે. મિસેન્ડ્રી કઈ રીતે હોઈ શકે તે જોઈએ

આખરે તો તમે પુરુષ જ છો.

પુરુષોને કેટલીક વાતો ન જ સમજાય

અથવા પુરુષો સમજી જ ન શકે

પુરુષોને ઘરકામ કરતાં આવડે જ નહીં એટલે તેમને કહેવાય જ નહીં.

પુરુષોને ના શબ્દ સમજાતો જ નથી. (સેક્સ અંગે)

દરેક પુરુષ રેપિસ્ટ હોઈ શકે છે

પુરુષોને પોર્નનું ઓબસેશન હોય છે

તમને સ્પોર્ટસમાં રસ નથી? કમાલ કહેવાય

તેઓ કળાકાર જીવ છે (આ બોલાય ત્યારે વક્રતા હોઈ શકે)

પુરુષની જેમ વર્ત કે પછી દેશી ભાષામાં શું કહેવાય તમને ખ્યાલ જ છે.

તું ગે તો નથીને? પુરુષમાં છો કે નહીં.

પુરુષોની નજર ખરાબ જ હોય.

પુરુષો વુમનાઈઝર હોય, છોકરી જોઈ નથી કે લપસ્યા નથી વગેરે વગેરે

પિતૃસત્તાક માનસિકતા સ્ત્રીઓને પીડે છે એટલી જ પુરુષોને પણ પીડતી હોય છે. તેના વિશે પુરુષો સભાન હોતા નથી. પુુરુષો જ બીજા પુુરુષોને સૌથી વધુ ઉતારી પાડતા હોય છે. સફળતાની વ્યાખ્યા અને પૌરુષીય હોવું તેની માન્યતાઓ પિતૃસત્તાક સમાજે ઘડી છે. એમાંથી આજે સ્ત્રીઓ સમજદારીથી બહાર નીકળી શકે છે પણ પુરુષના ડીએનએમાં કેટલીક માન્યતાઓ સજ્જડતાથી બેસી ગઈ હોવાથી તેઓ એનો ભોગ બને છે પણ તેની જાણ એમને હોતી નથી. પુરુષની પાસે કેટલી સંપત્તિ છે તેના પરથી તેની સફળતા અને પૌરુષીયપણું મપાતું હોય છે. છોકરીને ઓછા માર્ક્સ આવશે કે તે નહીં ભણે કે કારર્કિદી નહીં ઘડે તો ચાલશે પણ પુરુષે સારી છોકરી એટલે કે તેને ગમતી છોકરી મેળવવા માટે ચોક્કસ ધારાધોરણોમાં પાસ થવું પડે છે. જેમ કે છોકરી ગોરી, દેખાવડી, સંસ્કારી વગેરે શરતો લગ્નની જાહેરાતમાં જોવા મળે છે તે જ રીતે છોકરો કેટલું કમાય છે અને ક્યાં રહે છે એટલું જ નહીં ઘરમાં કેટલા બેડરૂમ છે, કેટલા નોકરો છે, કઈ ગાડી વાપરે છે તે બધું પણ લગ્ન માટે જરૂરી હોય છે. સાદાઈથી રહેવા માગતા કે સારા સ્વભાવના ગરીબ છોકરાને છોકરી મળવી મુશ્કેલ છે. હમણાં જ મને એક મિત્રએ કહ્યું કે દિવ્યાશા તારા દીકરાના લગ્ન કરવાના હોય તો ગાડી, ઘર પહેલાં જોવામાં આવે છે નહીં તો સારી છોકરીઓ નહીં મળે. પુુરુષોને માટે આ બધો ભાર પણ વેંઢારવાનો હોય છે. કોઈપણ પિતા પોતાની દીકરીને સંસ્કારી ગરીબ છોકરા સાથે નહીં પરણાવે. પોતાનું ઘર હોય, ગાડી હોય અને કેટલું કમાય છે તે જોઈને જ દીકરીનું માગું નાખશે. આ બાબતે પણ પુરુષો જ પુરુષજાતિને અન્યાય કરતા હોય છે. પુરુષોમાં સફળતાના આ માપદંડનો એટલો બોજો હોય છે કે તેને કારણે મોટાભાગના પુરુષો ડિપ્રેશનમાં રહેતા હોય છે. ડિપ્રેશન બાબતે પણ પુુરુષોનો સ્વીકાર થઈ શકતો નથી.

પુરુષ હોવા માત્રથી ચોક્કસ રીતે જ વર્તવું અને સમાજના ધારાધોરણ પ્રમાણે પુરુષ બનવાનો ક્રોસ દરેક પુરુષો ઉપાડીને ચાલતા હોય છે તેની તેમને પોતાને જ ખબર નથી હોતી. જો ક્યાંક કશેક થોડોક પણ ફેરફાર થાય તો તરત જ બીજા પુરુષો તે બિચારા પુરુષને પાણીથી પાતળો કરી મૂકશે. એમાં પણ જો એ પુરુષ સજાતીય સંબંધમાં હોય કે તેની રહેણીકરણી કે પસંદ જુદી હોય તો તેની એટલી ક્રૂર મજાક કરવામાં આવે બીજા પુરુષો દ્વારા કે તે સતત ભયભીત અને ડિપ્રેશનમાં રહે એવું પણ બને. મી ટૂની ચળવળ બાદ દરેક પુરુષને લાગે છે કે પુરુષો તરફ અન્યાય થઈ રહ્યો છે ત્યારે આખીય વ્યવસ્થાને બારીકપણે જોઈને બદલવાની જરૂર છે. સામાજિક માળખું અને માનસિકતાનો ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે.

You Might Also Like

0 comments