ગુજરાતી બહેનોના સંસ્મરણો 17-1-19

01:41










 ગુજરાતી ભાષામાં સ્ત્રી મેગેઝિન શરૂ થયાને સો વરસ થયા પણ સ્ત્રીઓએ પોતાની આત્મકથા લખવામાં મોળું મન રાખ્યું.





ગયા અઠવાડિયે વિદેશી નારીઓએ લખેલી આત્મકથાની વાત કરી. વાંચીને મારી જેમ કેટલાકને વિચાર આવ્યો હશે કે ગુજરાતી સ્ત્રીઓએ આત્મકથા લખી છે ખરી? ગુજરાતી સ્ત્રીઓની આત્મકથા શોધવી એટલે ગુજરાતી સાહિત્યમાં લોઢાના ચણા ચાવવા જેવું કામ. ગુજરાતી સ્ત્રીઓ માટેના મેગેઝિનોની શરૂઆતતો સો વરસ પહેલાં થઈ હતી અને તેમાં અનેક સ્ત્રીઓ લેખ પણ લખતી હતી. સૌ પ્રથમ ગુજરાતી બહેનો શારદા અને વિદ્યાગૌરી મહેતાએ સ્નાતકની ડિગ્રી મેળવી હતી આજથી સો વરસ પહેલાં. ગુજરાતી સ્ત્રીઓ લખતાં વાંચતા મોટેભાગે લગ્ન પછી શીખતી હતી કારણ કે તે સમયે લગ્ન ખૂબ નાની વયે થઈ જતા હતા. વિદ્યાગૌરી નીલકંઠે પણ લગ્ન અને બાળકો થયા બાદ સ્નાતકની પરીક્ષા આપી હતી. ટૂંકમાં ઉચ્ચ વર્ગની સ્ત્રીઓમાં ગાંધીજીની વિચારધારાનો વાયરો ફૂંકાયા બાદ તો સુધારો  આવ્યો હતો પણ મહેતા બહેનો તેમાં અપવાદ હતી તેમણે પહેલાં ડિગ્રી મેળવી હતી. 
ગુજરાતી નારીઆત્મકથાની શોધ આદરી તો માંડ ચારપાંચ પુસ્તકો હાથ લાગ્યા છે. તેમાંથી દરેકને આત્મકથા કહી શકાય નહીં. આત્મકથામાં વ્યક્તિના વિકાસની રૂપરેખા હોય તેવું વિદ્વાનો અને સંશોધકો માને છે. આત્મકથા કોને કહેવાય અને કોને નહીં તેના પર અનેક શોધ નિબંધો લખાયા છે. અહીં તેના વિશે વિગત આપવાનું ટાળું છું. સીધે સીધી કેટલીક આત્મકથાત્મક કહી શકાય એવી કૃતિઓની વાત કરીશું. ગુજરાતીમાં ભાષાંતર થયેલી કૃતિઓની પણ નહીં પણ ગુજરાતીમાં લખાયેલી કેટલીક કૃતિઓની વાત કરીશ. ગુજરાતી સ્ત્રીઓએ કવિતા, નવલકથા અને નવલિકાઓ વગેરે અનેક સાહિત્યના પ્રકારોમાં લખાણ લખ્યું છે પણ આત્મકથા લખવાનું ટાળ્યું છે તે જોઈ શકાય છે. તેમાં પણ કનુબહેન દવેએ આજથી સો વરસ પહેલાં કોઈપણ ડિગ્રી મેળવ્યા સિવાય જે જાત મહેનતથી  શિક્ષણ મેળવ્યું છે તે વાંચીને નવાઈ લાગે. તેમના વિચારો તે સમયે પણ આધુનિક અને બંડખોર કહી શકાય તેવા હતા. તેમના વિશે થોડું વિગતે લખ્યા વિના રહી શકાય નહીં. 
ગુજરાતી સ્ત્રીઓએ આત્મકથાત્મક સાહિત્ય લખ્યું છે પણ તેને વિદ્વાનોની દૃષ્ટિએ આત્મકથા નામ આપી શકાય. બધું શોધતાં અખબારના વાચકોને રસ પડે તેવા ત્રણેક પુસ્તકો હાથ લાગ્યા છે. મ્હારી જીવનસ્મૃતિ તથા નોંધપોથી સૌ. કનુબહેન દવે લિખિત. સૌ એટલે સૌભાગ્યવતી એવું પુસ્તકના કવર પર છપાયેલું છે. પુસ્તક ૧૯૩૮ની સાલમાં કનુબહેનના પુત્રી પુષ્પલતા પંડ્યા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમાં ભદ્રંભદ્રના લેખક રમણભાઈ નીલકંઠનું આમુખ છે. કનુબહેનનો જન્મ ૧૮૯૨ની સાલમાં થયો. ચાર વરસના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું તો દસ વરસના થયા ત્યારે પિતાનું અવસાન થયું. તેમણે ફક્ત ચાર ચોપડી સુધી અભ્યાસ કર્યો હતો. નવાઈની વાત હતી કે તેમણે ડાયરી લખવાનું નિયમિત રાખ્યું હતું. જો કે તે એમના લગ્ન બાદ . અગિયાર વરસની ઉંમરે તો તેમણે સાસરે જઈને સંસારનો ભાર ઉપાડી લીધો હતો. તેમના પતિ મંજુલાલ દવેના અંગ્રેજીના છઠ્ઠા ધોરણના અભ્યાસકાળ દરમિયાનથી સાહિત્યનો રસ કેળવાયો અને પતિપત્ની બન્ને સાથે પુસ્તકો વાંચતા. શરૂઆતમાં તેમના પતિ પુસ્તકો વાંચી સંભળાવતા ત્યારબાદ આપમેળે કનુબહેન વાંચતા લખતાં શીખ્યા. અંગ્રેજી સાહિત્ય પણ તેમને વાંચવામાં રસ પડતો. કનુબહેને ઘરકામ કરવા ઉપરાંત  સાહિત્યમાં રસ એટલો કેળવ્યો કે તેમણે લખવાનું શરૂ કર્યું. કાવ્યો, વાર્તાઓ અને નિબંધો તે સમયના સામયિકોમાં છપાતા હતા. ૧૯૧૫ની સાલમાં સુરતમાં મળેલી સાહિત્ય પરિષદ સમક્ષ અકાળે કરમાયલી કળીઓ નામે નિબંધ વાંચેલો અને તેમાં અકાળે અવસાન પામેલી ગુજરાતી સ્ત્રી લેખકોનો નિર્દેશ કરેલો. ૧૯૨૦ની સાલમાં અમદાવાદમાં મળેલી સાહિત્ય પરિષદમાં ગુજરાતનો કવિ પયંગબર નિબંધ વાંચેલો તેમાં ન્હાનાલાન અને દલપરામની કવિતામાં રહેલા સંદેશા વિશે વિવેચન કરેલું. છંદોબદ્ધ કાવ્યો ઉપરાંત તેમણે રવીન્દ્રનાથ ટાગોરની શૈલીના કાવ્યો રચ્યાં છે એવું રમણલાલ નીલકંઠે નોંધ્યું છે. તેમણે ટાગોરની ગીતાંજલિનું હિન્દી પરથી કરેલું ભાષાંતર તે સમયે ખૂબ વખાણાયેલું. 
કનુબહેનની જીવન સ્મૃિત અને નોંધપોથીનું સહિયારું પુસ્તક છે. તેમાં પચાસ પાનાંમાં મ્હારી જીવનસ્મૃતિ છે જે ૧૯૨૧ની સાલમાં લખાયેલું છે. ત્યારબાદ મ્હારી નોંધપોથી અથવા સંવેદન સંહિતા નામે તેમની ડાયરીના પાનાંઓ પ્રસિદ્ધ થયા છે. લખાણો વાંચતા ખ્યાલ આવે છે કે કનુબહેન પોતાના સમય કરતાં ઘણાં આગળ હતાં. ઘરકામ કરવું, બાળકોને ઉછેરવા, પતિ પ્રત્યેની પૂજનીય આરાધના છતાં દરેક બાબતે તેમનો આગવો અવાજ સ્પષ્ટ તરી આવે છે. સ્ત્રીઓ વિશેના તેમના વિચારો જુઓ - “સ્ત્રીઓની સર્વ સામાન્ય બુદ્ધિ એટલી તો તીવ્ર ને સતેજ હોય છે કે ભલભલા ગુંચવણના વિષયો તે ધીમેશથી ને ખામોશથકી મઝેથી ઉકેલી શકે છે. જીવનનો તેમનો મોટો ભાગ મિથ્યા વિવાદો અને ખોટી દલીલોમાં પસાર થાય છે, તેને સ્થાને ધારાશાસ્ત્રનો (વકિલાતનો) અભ્યાસ કરવા પાછળ તે વ્યતિત થતો હોય તો કેટલું સારું? સંસારનું  તે દ્વારા કેટલું કલ્યાણ થઈ શકે. પોતાના પતિઓને, પિતાઓને, ભાઈઓને, બ્હેનોને. કટકેટલા કજીઆમાંથી, કેટકેટલા વૃથા દ્રવ્યવ્યયમાંથી અને કેટકેટલા સમય અને મનશક્તિના વિનાશમાંથી બચાવી રહે. મને તો ઘણી વખત લાગતું કે જીવનની કડવાશને કટુતાને સ્ત્રીઓ જો મન પર લેતો એક ક્ષણાં નષ્ટ કરી શકે છે- તેમના ધીરજ ને શાંતિભર્યા પ્રયોગ થકી તેમની પ્રેમલ અને પ્રોત્સાહક દલીલ થકી. “
કનુબહેન દવે પોતાની દીકરીઓને પણ સાહિત્ય વંચાવતા હતા અને ટાગોરના ગીતો ગવડાવતા હતા. અંગ્રેજી કવિ શેલી, યિટ્સના નાટકોને પણ માણી શકતા હતા તો ઉપનિષદ, ગીતા અને  બાઈબલનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો  તેમની નોંધપોથી વાંચતા જણાઈ આવે છે. કનુબહેન દવેની આત્મકથાત્મક લખાણો વાંચતા કનુબહેન દવેનો અને તે સમયના રાજકીય વાતાવરણનો પણ ખ્યાલ આવે છે. ગાંધીજીની ચળવળમાં તેઓ જોડાયા હતા પણ વખત આવ્યે તેમની નોંધપોથીમાં તેમની ટિકા પણ કરતાં અચકાયા નથી. એવું કહી શકાય કે ગુજરાતી સ્ત્રી દ્વારા લખાયેલ સૌ પ્રથમ આત્મકથાત્મક પુસ્તક હશે. જો કે ૧૮૯૯ની સાલમાં ધરમપુર રાજાના પુત્રી અને ગોંડલના રાજાને પરણેલાં નંદકુંવરબાએ પોતાના પ્રવાસને આલેખતું પૃથ્વી પરિક્રમા નામે પુસ્તક લખ્યું હતું તે પ્રવાસકથામાં આવે. તેને આત્મકથામાં ગણી શકાય.  

 આત્મકથા લખવા માટે તમારે પહેલાં હુંને સ્થાપિત કરવો પડે. જ્યારે પિતૃસત્તાક સમાજમાં જીવતી સ્ત્રીઓને સૌ પ્રથમ અહંકાર રહિત એટલે કે સ્વને ભૂંસી નાખતા શીખવું પડે. સ્ત્રીને પોતાનો અવાજ કે ગમો અણગમો હોય નહીં તેવી સલાહ તે સમજણી થાય ત્યારથી માતા દ્વારા આપવામાં આવે છે. ઓછું બોલવું, ગળી ખાવું, જતું કરવું તે સ્ત્રીનો સ્વભાવ હોય તે સમજને મગજમાં કોતરી દેવામાં આવે છે. સારી પત્ની બનવું તે એકમાત્ર ધ્યેય હોવો જોઈએ સ્ત્રી માટે. ભારતીય નારીની આત્મકથા પુસ્તક અંગ્રેજી અને નારીવાદના સ્કોલર રંજના હરીશે મૂળ અંગ્રેજીમાં લખ્યું છે પણ તેનું ગુજરાતી ભાષાંતર થયું છે તેની પ્રસ્તાવનામાં રંજના હરીશ લખે છે કે, “ ભારતીય નારીની આત્મકથામાંથી પસાર થવાનો અનુભવ જેટલો જ્ઞાનવર્ધક હતો. તેટલો પીડાદાયક પણ. પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓની ક્ષા બધી આત્મકથાઓમાં સતત સંભળાતો એક સ્વર હતો. સતત સંભળાતા સ્વાર સાથે મારો આક્રેશ હાથમાંહાથ નાખીને ચાલતો હતો…. બધી સ્ત્રીઓ મારા અસ્તિત્વનું એક્સટેન્શન માત્ર હતી. મારા વ્યક્તિગત અનુભવે મને ખાતરી કરાવી કે સ્ત્રીનો સ્વ ક્યારેય ટાપુ જોવો એકલો હોઈ શકે નહીં, સ્ત્રીને ટાપુ બનવું ક્યાં પોષાય? તેનું લેખન તો ઊગે છે તેના સામૂહિક સ્વમાંથી આત્મકથાનું આત્મ સત્ત્વ સ્ત્રીના સંદર્ભે ભિન્ન હોય છે. સ્ત્રી જ્યારે લખે છે ત્યારે એક સમગ્ર જાતિના એક પ્રતિનિધિ તરીકે લખે છે. તે પોતાની જાતને સ્ત્રી પરંપરાના એક્સટેન્શન તરીકે જુએ છે.”
રંજના હરીશની વાત સાથે સહમત થવું પડે છે. રંજના હરીશ લિખિત ભારતીય નારીની આત્મકથા શોધ નિબંધમાં ત્રેવીસ આત્મકથા વિશે ખૂબ વિગતે માહિતી મળે છે પણ તેમાં એકપણ ગુજરાતી સ્ત્રીની આત્મકથા નથી. શોધનિબંધ અંગ્રેજીમાં ૧૯૯૩માં પ્રગટ થયો હતો અને તેનો  ગુજરાતી આવૃત્તિ ૨૦૦૪ની સાલમાં પ્રસિદ્ધ થઈ હતી. આત્મકથાના માળખામાં બેસે એવી એકપણ ગુજરાતી સ્ત્રીની આત્મકથા તેમને મળી નથી. મૃણાલિની સારાભાઈ અને હિમાંશી શેલતની આત્મકથાત્મક પુસ્તક ત્યારબાદ એટલે કે છેક ૨૦૧૬માં પ્રગટ થયા હતા. તેમાં પણ મૃણાલિની સારાભાઈની આત્મકથા પ્રથમ અંગ્રેજીમાં  વોઈસ ઓફ હાર્ટ લખાઈ હતી ત્યારબાદ તેનો ગુજરાતીમાં અનુવાદ થયો હતો.  રંજના હરીશે ત્યારબાદ ભારતીય ભાષામાં લખાયેલી આત્મકથા વિશે પણ શોધનિબંધ પ્રગટ કર્યો હતો પણ તેમાં એકપણ ગુજરાતી સ્ત્રીની આત્મકથા નથી. તેનું કારણ જણાવતાં રંજનાબહેન કહે છે કે ગુજરાતીમાં સંસ્મરણો લખાયા છે પણ આત્મકથા એકમાત્ર લેખિકા હિમાંશી શેલતે લખી છે. 
કનુબહેન દવે બાદ ૧૯૩૮ની સાલમાં શારદા મહેતાની જીવન સંભારણા પ્રગટ થઈ હતી. તો ૧૯૬૪ની સાલમાં ગંગાબહેન પટેલની સ્મૃતિ સાગરને તીરે અને પછી છેક ૨૦૧૬માં હિમાંશી શેલતની મુક્તિ વૃત્તાંત પ્રગટ થઈ. મૂળ સોતાં ઉખડેલાના લેખિકા કમળાબહેન પટેલે ભારત પાકિસ્તાનના ભાગલાં દરમિયાનના તેમનાં અનુભવો વિશે લખ્યું છે. ગુજરાતી સાહિત્યમાં અનેક લેખિકાઓએ નોંધનીય કામ કર્યું હોવા છતાં આત્મકથા લખવાનું તેમણે ટાળ્યું છે. પોતાના વિશે એકાદ બે લેખોમાં તેમણે લખ્યું જરૂર છે અને તેનું સંપાદન પણ થયું છે પણ વિગતે લખવાનું તેમણે ટાળ્યું છે તેમાં પિતૃસત્તાક સમાજના અભિગમો ઉપરાંત કેટલાક અંગત કારણો પણ હશે એવું માનીને ચાલીએ. મુક્તિ વૃત્તાંત વિશે તો પહેલાં લખ્યું છે જ્યારે બાકીના પુસ્તકો વિશે ફરી કોઈવાર વિગતે લખીશ. 






























You Might Also Like

0 comments