થોડા થાવ વરણાગી

22:36



ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો જે મોટાભાગના ગુજરાતી પુરુષ ચૂકી જાય છે

ગયા વખતે વાળ પરનો લેખ વાંચીને એક મૈત્રીણીનો ફોન આવ્યો, ફોન ઉપાડતાંવેંત કહે અલી તું વાળ પર લખે છે તો ક્યાકેક પુરુષોની કેટલીક બાબતો વિશે લખવાની હિંમત કર. કેટલીક એટલે ? મને પણ તમારી જેમ સવાલ થયો. છેલ્લાં પાંચ વરસથી ચાલતી આ કોલમમાં પુરુષોના વિશ્ર્વના લગભગ દરેક પાસા વિશે લખ્યું છે. તેમાં પણ પુરુષોને જ્યારે પણ કહું કે હું પુરુષોના સંદર્ભે લેખ લખું છું તો સામેથી પ્રતિભાવ વિચિત્ર હોય. લાંબા અચ્છા જેવા પ્રતિભાવ સાથે મોટા ભાગે મૌન હોય સાથે આશ્ર્ચર્યના ભાવ હોય, પરંતુ સવાલ કે રસ ઓછો જ હોય. કોઈક પુરુષો કહેશે આવી બન્યું પુરુષોને ધોઈ જ નાખો નહીં તો વળી કોઈ કહે પુરુષો વિશે કેટલું લખી શકાય? પુરુષોમાં કંઈ જ ઈન્ટરેસ્ટિંગ ન હોય વગેરે વગેરે. સ્ત્રીઓની પૂર્તિમાં આવતા લેખોમાં સુંદર કેવી રીતે લાગવુંથી લઈને અંગત સ્વચ્છતા વિશેના લેખ પણ હોઈ શકે. પુરુષો માટે ગુજરાતી અખબાર કે મેગેઝિનમાં અભ્યાસ તેમ જ નોકરી કે વ્યવસાયમાં સફળ કેવી રીતે થવું ઉપરાંત નોકરીના ઈન્ટરવ્યુમાં કેવા કપડાં પહેરી જવા બસ એટલું જ હોય. પુરુષો માટે પણ સ્માર્ટ દેખાવું એટલે ગોરા હોવું કે પછી લેટેસ્ટ ગેઝેટ, લક્ઝુરિયસ ગાડી હોય તો ત્યાં વાત પૂરી થઈ જાય. એટલે પેલી મારી બહેનપણીએ જે વાત કરી તેની સાથે મારા વિચારો અને સંશોધન ગતિમાન થયાં. 

બન્યું હતું એવું કે બહેનપણીને હાલમાં જ એક બહુ સેવાભાવી ડૉકટરને બીજી વાર મળવાનું બન્યું હતું, કહે કે દૂર ઊભા વાત કરીએ તો પણ તેમના મોઢામાંથી ખૂબ વાસ આવતી હતી. વરસેક પહેલાં પણ મળી હતી ત્યારે પણ વાસ આવતી હતી. તે સમયે લાગ્યું કે શક્ય છે ક્યારેક વ્યક્તિ માંદી હોય કે પેટ સાફ ન હોય કે કોઈપણ કારણસર વાસ આવતી હોય પણ ફરી આટલા સમય બાદ મળ્યા ત્યારે પણ એટલી વાસ આવતી હતી કે વાત કરવી મુશ્કેલ લાગે. એની વાત સાંભળી મને પણ સાથે કામ કરતા એક ભાઈ યાદ આવ્યા. તેમના મોંમાંથી પણ હંમેશ વાસ આવતી. યાદ કરતા આવા અનેક પુરુષોને મળવાનું બન્યું હતું તે યાદ આવ્યું. તો ક્યારેક પરસેવાની વાસ પણ આવતી હોય. પુરુષોએ અંગત હાઈજીન એટલે સ્વચ્છતા માટે થોડા સજાગ બનવું પડે. યુવાન હો ત્યારે તો ધ્યાન રાખે જ પણ પૌઢ પુરુષોએ શીખવાની જરૂર હોય છે. યા તો પછી બોલતાં હોય તો થૂંક ઊડે. એવા પણ પુરુષો જોયા છે બેઠા હોય ત્યાં જ થૂંકે. યોગ્ય રીતે બ્રશ અને ફલોસ કરવાની આદત કેળવવાની જરૂર હોય છે. 

આ બાબત એવી છે કે ઘર હોય કે બહાર પુરુષોએ થોડા સજાગ રહેવાની જરૂર હોય છે. પરસેવાની વાસ ડિઓડરન્ટ છાંટીને દૂર ન થાય. ખાનપાનમાં ધ્યાન રાખવું જરૂરી બને છે. કાચા કાંદા, લસણ ભારોભાર ખાધા હોય તો ઉનાળામાં પરસેવામાંથી વાસ આવે જ. માંસાહાર કરનારી વ્યક્તિનો પરસેવો પણ ગંધાઈ શકે છે. કારણ તેમાં મસાલા પણ સ્ટ્રોન્ગ હોય છે. ઉનાળામાં અથવા જેને બહાર વધુ ફરવું પડતું હોય તેવી વ્યક્તિએ સ્ટ્રોન્ગ વાસ ધરાવતી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. પરસેવો વધુ થતો હોય તો સુતરાઉ વસ્ત્રો જ પહેરવાં જોઈએ. શર્ટની અંદર ગંજી પહેરવું જોઈએ જેથી પરસેવો શોષાઈ જાય અને શર્ટ કોરું રહી શકે. પાઉડર તેમજ યુડી કોલોનનો ઉપયોગ કરી શકાય. સાથે ખૂબ સ્ટ્રોન્ગ ન હોય તેમ જ તમારા વ્યક્તિત્વ સાથે મેચ થાય એવું પરફ્યુમ વાપરવું જોઈએ. પરફ્યુમ કે ડીઓની સુગંધ દરેકની ત્વચા સાથે જુદો માહોલ રચતી હોય છે. જો કે શરીરની ગંધ જ નર અને માદાને નજીક લાવતી હોય છે તે સાયન્ટિફિકલી પુરવાર થયું છે. તે ગંધ આર્ટિફિશિયલ સુગંધ સાથે કે વગર દુર્ગંધ ન બંને તેટલી સ્વચ્છતા રાખવાની કાળજી સ્ત્રી અને પુરુષ બન્ને માટે જરૂરી છે. ઉંમર સાથે વાળના બદલાતા રંગનો સ્વીકાર કરવો જ પડે છે પણ તમને કાળો રંગ પસંદ હોય અને વાળને કલર કરવો પસંદ હોય તો તેને નિયમિત ટચઅપ કરવા જોઈએ નહીંતર તેનો કાબરચીતરો દેખાવ ખરાબ લાગે છે. હોલીવૂડનો હીરો જ્યોર્જ ક્લૂની અને અમિતાભ બચ્ચન સફેદ વાળ સાથે પણ આકર્ષક દેખાય છે.

ગુજરાતી પુરુષ ગરીબ હોય કે સુખી ઘરનો હોય કેટલીક બાબતો પ્રત્યે તે બેદરકાર હોય છે. પિસ્તાળીસ વરસ પછી મોટા ભાગના પુરુષો અદોદળા થઈ ગયા હોય છે. એથી કોઈ જ કપડાં તેમને શોભતા નથી. ઢીલું પેન્ટ અને ઢીલું શર્ટ કે ટીશર્ટ પહેરીને અદોદળાપણું ઢાંકવાનો પ્રયત્ન કરશે. યોગ્ય ફિટિંગ વિનાના કપડાં શાહરુખ ખાન કે અક્ષય કુમારને પણ હેન્ડસમ કે સ્માર્ટ નહીં દેખાડી શકે. બીજું કે મોટા ભાગના પ્રૌઢ પુરુષો ચાલવાની કે વેઈટ લિફ્ટિંગ જેવી સામાન્ય કસરત પણ નહીં કરે. એને કારણે તેમની ચામડી નિસ્તેજ તેમજ ઢીલી થઈ ગયેલી જણાશે. જે પુરુષ કસરત કરતો હશે તેનો માનસિક અને શારીરિક તરવરાટ જણાઈ આવશે. સમયનો અભાવ એ બહાના 

હોય છે. 

પહેલાં પુરુષોના કામ શારીરિક હતા જેમ કે ખેતી કરવી, શિકાર કરવો, લાકડા કાપી લાવવા વગેરે વળી ઘરથી ખેતર દૂર હોય તેથી ચાલીને જવાનું હોય. દસેક કિલોમીટર તો તે સહજતાથી ચાલી નાખતા. હવે દિવસમાં એકાદ કિલોમીટર પણ માંડ ચાલતા હશે. મોટી ક્લબમાં મેમ્બર હોય પણ રમતગમત કે સ્વિમિંગ પણ નહીં કરે. ગાર્ડનમાં પણ સિનિયર સિટિઝન ગપ્પા મારતા બેસી રહેશે. એંશી વરસે ગુલઝાર આજે પણ લોન ટેનિસ કે બેડમિન્ટન રમે છે. છોંતેર વરસની ઉંમરે અમિતાભ બચ્ચન વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી જિમમાં જાય છે. સાદી ચાલવાની કસરત માટે વધુ સમય કે પૈસાની જરૂર નથી હોતી. કસરત વ્યક્તિને સ્ફૂર્તિલો રાખે છે. શારીરિક કામ કરતા પુરુષોને તેની જરૂર હોતી નથી. 

બીજું કેટલીક બાબતો જેમ કે હાથપગને સ્વચ્છ રાખવા. ઉંમર થતા ત્વચા નિસ્તેજ અને રૂક્ષ થતી હોય છે. હવે કેટલાક પુરુષો પેડિક્યોર, મેનિક્યોર કરાવે છે પણ આ વાંચનાર ભાગ્યે જ કોઈ પુરુષ પેડિક્યોર કે મેનિક્યોર કરાવતો હશે. તેને માટે સલૂનમાં જવાની જરૂર નથી હોતી. બસ ઘરમાં નિયમિત શરીરની તેલ માલિશ થઈ શકે કે પછી મોઈશ્ર્ચરાઈઝર વાપરવાની જરૂર હોય છે. ગાંધીજી પણ તેલ મસાજ કરાવતા હતા. વર્ધામાં બાપુજીની ઝૂંપડીમાં માલીશનું ટેબલ જોઈ શકાય છે. તેલ માલિશથી શરીર સ્વચ્છ અને સ્વસ્થ રહે છે આયુર્વેદ અને કુદરતી ઉપચારમાં માલિશના ગુણો વર્ણવવામાં આવ્યા છે. ઉપરાંત નાક અને કાનમાંથી બહાર આવતા વાળને સમયાંતરે કાપવા જરૂરી હોય છે. માથામાં ખોડો ન થાય, મૂછ કે દાઢી રાખી હોય તો તેને ટ્રીમ કરી સ્વચ્છ રાખવાની જરૂર હોય છે. કેટલાક પુરુષો માથામાં તેલ નાખતા હોય છે. માથામાં તેલ નાખવાની આદત સારી છે પણ તેને રોજ જ શેમ્પૂ કે સાબુથી ધોવા પડે નહીં તો ધૂળ અને પરસેવો ચોંટીને વાસ આવી શકે. 

હવે ગરમીના દિવસો શરૂ થશે ત્યારે પરસેવો વળવો સ્વાભાવિક છે, પરસેવો ખરાબ નથી તે સ્વસ્થ સ્વાસ્થ્યની નિશાની છે. પુરુષાર્થ કરે તેને પરસેવો થાય જ તેમ જ પરસેવો થાય એટલો પુરુષાર્થ કરવો જરૂરી છે. ફક્ત યોગ્ય આહાર, પોશાક અને સ્વચ્છતા રાખે તો પરસેવો ગંધાતો નથી. 

જન્મથી મળેલો દેખાવ બદલવાની જરૂર હોતી નથી પણ તેની કાળજી કરનાર પુરુષને વખાણ સાંભળવા જરૂર મળશે નહીં તો લોકો તેને દૂર રાખશે. પોતાની કાળજી કરનારા પુરુષ સહજતાથી બીજાની કાળજી પણ કરી શકે છે સિવાય કે તે સ્વાર્થી સ્વભાવનો હોય. આક્રમકતા પણ પૌરુષેય નથી. સાહસિક-વીર અને આક્રમક એ બે શબ્દોનો ફરક સ્માર્ટ પુરુષ જાણતો હોય છે.


You Might Also Like

0 comments