ડિજિટલ દુનિયા અને સ્ત્રી

20:10




આજે સ્ત્રીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે પણ તેમને હંમેશ ડર લાગતો હોય છે કે તેઓ સલામત છે ખરી ! 

ટૅકનોલૉજી અને સ્ત્રી જાણે એકબીજા માટે નથી એવી માન્યતાઓ સ્ત્રી અને પુરુષના મનમાં ઘર કરી ગઈ છે. તે છતાં આજુબાજુ જોશો તો જે સ્ત્રીઓ સ્વનિર્ભર હોય છે તેમણે ટૅકનોલૉજી અપનાવતા વાર નથી લગાડી. જેમની માનસિકતા બીજા પર નિર્ભર હોય જેમ કે તેમના વતી બીજું કોઈ કામ કરી આપે કે બીજા કોઈ પાસે કામ કરાવવાની તેમની પાસે આવડત હોય તો પણ તેઓ ટૅકનોલૉજીનો ઉપયોગ કરવાનું ટાળશે. એ માટે પછી અનેક બહાના હોઈ શકે કે એ બધું મને સમજાય નહીં. ટૅકનોલૉજીનો ઉપયોગ હવે આ ઉંમરે કરવાની મને જરૂર નથી લાગતી. પતિ અને બાળકો છે જ તેઓ મારા માટે ઉપયોગ કરી જ લે છે. અથવા મને જરૂર નથી લાગતી એવી બધી માથાકૂટમાં પડવાની વગેરે વગેરે વળી મોટાભાગની સ્ત્રીઓને હવે પોતાની પ્રાયવસી જોખમાય તેનો પણ ડર લાગે છે. 

સ્ત્રીઓ ભલે બોલતી બહુ હોય કે મિત્રતામાં શેઅર ઘણું કરતી હોય, પોતાનું હૈયુ આસાનીથી હળવું સખી સમક્ષ કરી શકતી હોય તે છતાં તેની પાસે અંગત મહત્ત્વકાંક્ષા, સપનાં, ઈચ્છાઓ હોય છે જે તે ક્યારેય કોઈ સાથે શેઅર કરી શકતી નથી. તેનું કારણ છે કે એના પરથી તેને મૂલવવામાં આવશે તેવો ડર હોય છે. બીજું કે જે આટલા ડરમાં જીવતી હોય ત્યારે તે સલામત વાતાવરણમાં જ જીવવાનું પસંદ કરશે. નવું સાહસ કરવાનો પરિશ્રમ લેવા મોટાભાગની સ્ત્રીઓ તૈયાર નથી હોતી. તેનું કારણ એ પણ ખરું કે પુુરુષો પણ ડરતા હોય છે સ્ત્રીને સ્વતંત્રતા આપતા. અનેક દલીલો સાથે તેઓ પુરવાર કરી શકે છે કે સ્ત્રીને જ સ્વતંત્રતા નુકસાન કરે છે. તે છતાં સ્ત્રીઓ આજે કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરતી થઈ છે. તેમાં પણ સ્ત્રીઓને જો સમજવું હોય કોમ્પ્યુટર કે મોબાઈલ વિશે તો તે પુરુષને જ પૂછશે, સ્ત્રીને નહીં. નિધિ અરોરા તેના પતિ સાથે સ્ત્રી વ્યવસાયિકોના સશક્તિકરણનો વ્યવસાય કરે છે. તેનું કહેવું છે કે તેમની ઑફિસમાં પણ સ્ત્રીઓ લેપટોપની સમસ્યા હોય તો મારા પતિ પાસે જશે મને નહીં કહે. સ્ત્રીઓ પણ એવી માન્યતાઓ ધરાવે છે કે પુરુષોને જ ડિજિટલ જ્ઞાન હોઈ શકે સ્ત્રીઓને નહીં. ઘરમાં પણ વારંવાર એવું એટલે જ કહેવાય છે કે તને નહીં સમજાય. ખેર, હવે ધીમે ધીમે જમાનો બદલાઈ રહ્યો છે કારણ કે જાહેરાતમાં પણ સ્ત્રીને વધુ સારી રીતે મોબાઈલ એપ્પનો ઉપયોગ કરતી દર્શાવે છે તેના સાથી પુરુષ કરતાં. 

રહી વાત ગુપ્તતાની જે વિશે દુનિયાભરમાં લોકો ચિંતિત છે. સ્ત્રીઓ પણ ચિંતિત હોય તેમાં નવાઈ નથી. તે માટે કેટલીક માહિતી મેળવી લેવી જોઈએ. તમે કોઈ જાણકારને પૂછી શકો છો અથવા ઓનલાઈન પણ તમને યોગ્ય માહિતી મળી રહેશે. આજે મોટાભાગે સ્ત્રીઓ વોટ્સએપ્પ અને ફેસબુક વાપરતી હોય છે. તેમાં જે તમને ન જોઈતી હોય તેવી વ્યક્તિઓને બ્લોક કરી શકાતી હોય છે અથવા અનફ્રેન્ડ પણ કરી શકાતી હોય છે. બીજું કે તેમાં મેસેન્જર બોક્સમાં તમે એન્ક્રિપ્ટેડ પ્રાયવસી ઓન કરી શકો છો. દરેક ચેટ બોક્સમાં એન્ક્રિપ્ટ કરવાનું ઓપ્શન હોય છે. એટલે શું તે સવાલ પણ કેટલાકને થાય. તો ધારો કે તમે કોઈને પત્ર લખ્યો હોય અને તે એ પત્ર કે મેસેજ બીજા સુધી પહોંચે તે પહેલાં એ ખુલ્લો હોય તો વચ્ચે બીજું કોઈ વાંચી શકે. જો તે પત્ર સીલ હોય તો ન વાંચી શકે. ડિજિટલ મીડિયામાં તે માટે હવે ગોપનીયતા જાળવવા માટે ખાસ સુરક્ષા આપવામાં આવી છે. જેથી તેને કોઈ વચ્ચે (માર્કેટિંગવાળા, હેકર) ઉપયોગ ન કરી શકે. તમારા મોબાઈલ અને કોમ્પ્યુટરને પણ લોક રાખો. કોઈપણ પાસવર્ડ સહેલો કે સરળ ન રાખવો. તમે યાદ રાખી શકો તેવો રાખવો પણ તમારી જન્મતારીખ કે સાલ એવું ન જ રાખવું કે તમારું નામ ન રાખવું. જેની કોઈ કલ્પના જ ન કરી શકે તેવો પાસવર્ડ પણ સહેલાઈથી રાખી શકો છો. ઉદાહરણ તરીકે તમને ભાવતું શાક કે ફિલ્મ કે હીરો કે બીજી કોઈપણ બાબત. પાસવર્ડને બીજા કોઈ સાથે શેઅર ન કરવો. ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની વ્યક્તિ સાથે શેઅર કરવો પણ બહારની કોઈપણ વ્યક્તિ સાથે નહીં જ નહીં તે વાત ગાંઠે બાંધી લો. 

પાસવર્ડ કે પીન નંબર યાદ ન રહેતા હોય તો તેને કાગળમાં કે ડાયરીમાં ન લખો. ડાયરીમાં પણ લખો તો એને તાળાચાવીમાં રાખો. ચોખ્ખું ન લખો કે આ બૅન્ક ખાતાનો પાસવર્ડ છે અને આ રોકાણખાતાનો પાસર્વડ છે અને ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ છે કે પછી તમારા ઈમેઈલનો પાસવર્ડ. કશું જ ખાનગી રાખવાની જરૂર ન હોય તે છતાં તે તમારી પોતાની અંગત બાબત છે. બીજું કે ફેક ઓળખ ધરાવતી હોય તેવી વ્યક્તિની સાથે મિત્રતા ન જ બાંધવી. તમારી દરેક બાબત ફેસબુક કે વોટ્સએપ્પ ગ્રુપમાં ન જણાવો. ફોટાઓ પાડવાનું સ્ત્રીઓને ગમતું હોય છે. વધુ ફોટાઓ સોશિયલ મીડિયામાં મૂકવાની લાલચ ટાળવી. ફોટાના વખાણથી લલચાઈને વધુ ફોટા ન મૂકવા. પ્રશંસા દરેક વ્યક્તિને ગમે છે પણ પ્રશંસા મેળવવા માટે ફોટાઓ મૂકવાનું ટાળવું જોઈએ. મૂકવા જ હોય તે તેના પર સિક્યુરિટી લોક લગાવી શકો છો. ઘર, બાળકો, વેકેશન વગેરે અનેક બાબતો સોશિયલ મીડિયા પર આજે ફોટા સહિત લોકો વિગતે મૂકતા હોય છે. હકીકતમાં એ સલામત નથી, એનો ઉપયોગ અનેક રીતે થઈ શકતો હોય છે. આપણી ખુશી અને દુ:ખ બીજા સાથે વહેંચવું ગમે પણ અંગત રીતે કોઈ પોતાની વ્યક્તિઓ સાથે શેઅર કરવું યોગ્ય છે પણ સોશિયલ મીડિયામાં મૂકવું ટાળવું જોઈએ. 

વાયરસ અને કુકીઝથી સાવધાન રહેવાનું શીખવામાં કોઈ નાનપ ન અનુભવવી જોઈએ. દરરોજ બદલાતા નિયમો અને નવી ટૅકનોલૉજી વિશે પણ અભ્યાસ કરવો જ જોઈએ. નવા મિત્રો પણ બાંધવા જોઈએ પણ થોડી સાવધાની રાખવાથી અનેક તકલીફોમાંથી બચી જવાય છે. સંવેદનશીલ હોવું જરૂરી છે પણ લાગણીમાં તણાઈને કોઈપણ બાબત ન કરવી જોઈએ તે પછી જીવનમાં હોય કે સોશિયલ મીડિયા પર. તે છતાં ડરીને જીવવાની જરૂર નથી. ઓનલાઈન ખરીદી કરો તો પણ સલામત અને જાણીતી સાઈટ પરથી કરવી જોઈએ, નહીં તો તેમાં પણ છેતરાઈ જવાનો ભય હોય છે. સસ્તી વસ્તુઓ ઘણીવાર વધુ મોંઘી પડતી હોય છે. ટૅકનોલૉજીમાં કે સાયબર સલામતી માટે દરેક ભાષામાં માહિતી ઓનલાઈન હવે મળી શકે છે. ફોન અને કોમ્પ્યુટર તમારી અંગત બાબતોને સ્ટોર કરે છે એટલે તેને કોઈના ય હાથમાં આપવી નહીં. પબ્લિક વાયફાઈ સિસ્ટમ શક્ય હોય તો ન જ વાપરવી જોઈએ. ઈન્ટરનેટ વાપરવું જ હોય તો અંગત મોબાઈલ ડેટા રાખો કે પછી ઘરનું કે ઑફિસનું વાઈફાઈ વાપરો તો ચાલે. 

ટૂંકમાં ટૅકનોલૉજી સાથે દોસ્તી કરતાં ડરો નહીં ફક્ત થોડું સજાગ રહેવું અને નવું શીખવા માટે તત્પર રહેવું. કારણ કે નવું શીખનારા જ યુવાન અને સ્વસ્થ રહી શકે છે. દુનિયાની સાથે કદમ મિલાવીને ચાલવું જરૂરી છે. સ્ત્રી હોવાને કારણે જ માત્ર કહી દેવું કે મને ન સમજાય કે સમજવાનો પ્રયત્ન ન કરવો તે યોગ્ય નથી. માનસિકતા બદલવાની જરૂર છે. ટૅકનોલૉજી સિવાય હવે ચાલવાનું નથી તો તેમાં પણ સ્વનિર્ભર થવું જરૂરી છે. તે માટે કોઈ ઉંમરનો કે અભ્યાસનો બાધ ન હોઈ શકે.

You Might Also Like

0 comments